શૈલા નૃત્ય એ છત્તીસગઢના સરગુજા અને જશપુર જિલ્લાનું લોકપ્રિય લોકનૃત્ય છે. રાજવાડે, યાદવ, નાયક, મણિકપુરી સમુદાયોના સભ્યો આ નૃત્ય કરે છે. સરગુજા જિલ્લાના લાહપાત્રા ગામના કૃષ્ણ કુમાર રાજવાડે કહે છે, “અમે શેટ તહેવારના પહેલા દિવસથી નૃત્ય કરીએ છીએ, જેને બાકીના છત્તીસગઢ અને ઓડિશામાં છેરછેરા તરીકે પણ ઓળખવામાં આવે છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં, 15 શૈલા નૃત્યના નર્તકોનું એક જૂથ હસ્તકલાના રાજ્ય પ્રાયોજિત ઉત્સવમાં પ્રદર્શન કરવા માટે અહીં આવેલું છે. કૃષ્ણ કુમાર તેમાંના એક છે.
આ નૃત્ય તેજસ્વી રંગીન કપડાં, સુશોભિત પાઘડી પહેરેલા અને હાથમાં લાકડીઓ પકડેલા કલાકારોની હાજરીથી રંગીનમય હોય છે. આ નૃત્યમાં વપરાતા સંગીતના વાદ્યોમાં વાંસળી, મંદાર, મહુરી અને ઝાલનો સમાવેશ થાય છે.
આ નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે અને થોડા લોકો તેમના પહેરવેશમાં મોરના પીંછા ઉમેરે છે, જે એવી છાપ આપે છે કે જાણે મોર પોતે આ નૃત્ય જૂથનો ભાગ છે.
છત્તીસગઢમાં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે. અહીંના મોટાભાગના લોકો ખેતી કરે છે અને આ પ્રદેશના નૃત્ય અને સંગીતમાં આ બાબત પ્રતિબિંબિત પણ થાય છે. લણણી થયા પછી, લોકો ગામમાં નૃત્યનો આનંદ માણે છે, અને ગામના એક ખૂણેથી બીજા ખૂણે જાય છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ