અનિલ નારકંડેએ દરેક વખતની જેમ લગ્ન−સ્થળને તૈયાર કરવા માટે સખત મહેનત કરી હતી. પરંતુ તેમણે વાર્તામાં કોઈ વળાંકની અપેક્ષા નહોતી રાખી!
ભંડારાના અલેસુર ગામમાં શણગાર અને સંગીત પ્રદાતા તરીકે પણ કામ કરતા આ 36 વર્ષીય ખેડૂતે પડોશના એક ગામમાં લગ્ન માટે એક મોટું પીળું શમિયાના ઊભું કર્યું હતું અને તે જગ્યાને ઘણાં પ્લાસ્ટિકનાં ફૂલોથી શણગારી હતી. તેમણે મહેમાનો માટે ખુરશીઓ ગોઠવી હતી; કન્યા અને વરરાજા માટે ઘેરા-લાલ રંગનો ખાસ લગ્નનો સોફા અને લગ્નના સ્થળે સંગીત અને રોશની પૂરી પાડવા માટે ડીજેનાં ઉપકરણો અને લાઇટિંગની વ્યવસ્થા કરી હતી.
વરરાજાના માટી અને ઈંટના સાદા ઘરની આ લગ્ન પ્રસંગે કાયાપલટ કરાઈ હતી. કન્યા મધ્ય પ્રદેશના સિવનીથી સતપુડાની ટેકરીઓ પારથી અહીં આવી રહી હતી.
આગામી ઉનાળાની લગ્નની મોસમમાં તેમના વ્યવસાયની ધમધોકાર શરૂઆતની આશા રાખીને બેઠેલા અનિલ કહે છે કે, લગ્નની પૂર્વસંધ્યાએ પરિસ્થિતિ વણસવા લાગી. લગ્નવિધિના એક દિવસ પહેલાં, 27 વર્ષીય વરરાજા, કે જે કામ માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે, ભાગી ગયો.
અનિલ યાદ કરીને કહે છે, “ તેણે તેનાં માતાપિતાને ફોન કરીને કહ્યું કે જો આ લગ્ન રદ કરવામાં નહીં આવે તો તે ઝેર પી લેશે. તેને કોઈ બીજું પાત્ર પસંદ હતું.”
લગ્ન રદ થયાં ત્યાં સુધીમાં દુલ્હન અને તેના સગાસંબંધીઓ લગ્ન માટે આવી ચૂક્યાં હતાં. આ ખુશીનો પ્રસંગ છોકરાના માતા-પિતા અને તેમના ગામ માટે મોટી શરમજનક સ્થિતિમાં ફેરવાઈ ગયો.
વરરાજાના ચિડાયેલા પિતાએ અનિલને કહ્યું કે તેઓ તેમની ફી ચૂકવી શકશે નહીં.
ભંડારાના એક ગામ અલેસુરમાં જ્યાં મોટાભાગના લોકો નાના ખેડૂતો અને ખેત મજૂરો છે. ત્યાં પોતાના ઘેર બેઠેલા અનિલ કહે છે, “મારી પાસે પૈસા માંગવાની હિંમત નહોતી. તેઓ જમીનવિહોણા ધીવર (માછીમારોની જાતિ) છે; વરરાજાના પિતાએ તેના સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લેવા પડે તેમ હતું.” અનિલે તેમને માત્ર પોતાના મજૂરોની ચૂકવણી કરવાનું કહ્યું અને પોતાનું બિલ જતું કરવાનું નક્કી કર્યું.
અનિલ કહે છે કે આ વિચિત્ર ઘટનાથી તેમને 15,000 રૂપિયા નુકસાન થયું હતું. તેઓ અમને શણગારની વસ્તુઓનો તેમનો ગોડાઉન બતાવે છે, જેમાં વાંસ, મંડપનું માળખું, વિશાળ સ્પીકર અને ડીજેનાં ઉપકરણો, પંડાલનું રંગબેરંગી કાપડ, અને નવદંપતી માટે વિશેષ સોફા અને અન્ય વસ્તુઓ, જેના માટે તેમણે સિમેન્ટના તેમના સાદા ઘરની બાજુમાં એક વિશાળ હોલ બનાવ્યો છે.
અલેસુર ગામ સતપુરા પર્વતમાળાની તળેટીમાં, તુમસર તાલુકાના જંગલ પટ્ટામાં આવેલું છે. આ વિસ્તારમાં એક જ પાક લેવામાં આવે છે, અને અહીંના ખેડૂતો તેમની નાની જમીન પર ડાંગર ઉગાડે છે, અને લણણી પછી, મોટાભાગના લોકો કામની શોધમાં સ્થળાંતર કરે છે. કોઈ મોટો ઉદ્યોગ અથવા રોજગાર પૂરું પાડતી અન્ય સેવાઓ ન હોવાથી, આ વિસ્તારમાં આદિવાસી અને પછાત વર્ગની મોટાભાગની વસ્તી તેમની આજીવિકા માટે ઉનાળામાં જંગલ પર નિર્ભર રહે છે. અને જ્યારે મનરેગા કામની વાત આવે છે, ત્યારે તુમસરનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે.
તેથી, સ્થગિત થઈ ગયેલી અથવા ઘટી રહેલી કૃષિની આવકથી પ્રભાવિત થયેલા અન્ય લોકોની જેમ અનિલ પોતાનું ગુજરાન ચલાવવા માટે નાનો વ્યવસાય ચલાવે છે.
અનિલ કહે છે કે ડીજે અને સજાવટ ગ્રામ્ય વિસ્તારોમાં લોકપ્રિય છે, પરંતુ આ કઠીન સમયમાં વ્યવસાયને ટકાવી રાખવો સરળ નથી. “ગામલોકોની આર્થિક સ્થિતિ અનિશ્ચિત છે.”
અનિલ હંમેશથી ભાજપને મત આપી રહ્યા છે — તેમના ગાઓલી સમુદાયની સ્થાનિક ભાજપના નેતાઓ સાથે નિકટતા રહી છે, પરંતુ તેઓ ગામવાસીઓની રાજકીય પસંદગીમાં પરિવર્તન જોઈ રહ્યા છે (ભંડારા−ગોંદિયા લોકસભા મતવિસ્તારએ 19 એપ્રિલના રોજ સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું). તેઓ કહે છે, “લોકન્ના કામ નહીં; ત્રસ્ત આહેત [લોકો પાસે કોઈ કામ નથી; તેઓ ચિંતિત છે].” પારીની અહીંના કેટલાક લોકો સાથે વાત થઈ હતી, જેમનું કહેવું હતું કે, ભાજપના વર્તમાન સાંસદ સુનીલ મેંઢેએ તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં એક વાર પણ લોકોને મળવા માટે આ વિસ્તારની મુલાકાત લીધી ન હતી, તે બાબતે તેમને સત્તા પરથી હટાવવાની લહેરને વેગ આપ્યો છે.
અનિલ કહે છે કે, અહીંની મહિલાઓ દરરોજ મોટા ખેતરોમાં કામ કરવા જાય છે. જો તમે ગામમાં સવારે જાઓ, તો તમે તેમને મોટર સાઇકલો પર કામ પર જતાં જોશો અને મોડી સાંજે પાછાં ફરતા જોશો. તેઓ કહે છે, “યુવાનો ઉદ્યોગો, માર્ગ અથવા નહેર નિર્માણ સ્થળો અને હેવી ડ્યુટીનાં કામ કરવા માટે અન્ય રાજ્યોમાં જાય છે.”
અનિલ કહે છે કે જો તેમની તબિયત સારી હોત તો તેમણે પણ કામ માટે સ્થળાંતર કરી દીધું હોત. અનિલને બે બાળકો છે, જેમાંથી એકને ડાઉન સિન્ડ્રોમ છે. “હું દસમા ધોરણમાં નાપાસ થયા પછી નાગપુર ગયો હતો અને વેઇટર તરીકે કામ કરતો હતો.” પણ પછી, તેઓ ઘેર પાછા ફર્યા, લોન લીધી અને મહિલા મજૂરોને લાવવા−લઈ જવા માટે એક ટેમ્પો ખરીદ્યો. જ્યારે તેમાંથી નફો ન થયો અને તે બોજારૂપ બન્યું, ત્યારે તેમણે પોતાનું વાહન વેચી દીધું અને લગભગ પાંચ વર્ષ પહેલાં તેમને શણગારનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો. તેઓ કહે છે કે આ કાર્યક્રમો માટે પણ તેઓ મોટે ભાગે ઉધારી (ક્રેડિટ) પર કામ કરે છે. અનિલ કહે છે, “લોકો મારી પાસેથી કામ કરાવે છે અને મને પછીથી ચૂકવણી કરવાનું વચન આપે છે.”
તેઓ આગળ કહે છે, “જો મારા ગ્રાહકો મૃત્યુ પછીની વિધિઓ માટે પંડાલ મૂકે તો હું તેમની પાસેથી ફી નથી લેતો. અને હું લગ્ન માટે માત્ર 15−20,000 રૂપિયા લઉં છું કારણ કે લોકો આટલું જ પોસાય તેમ છે.”
અનિલે તેમના આ ધંધામાં લગભગ 12 લાખ રૂપિયા રોક્યા છે. તેમણે તેમની સાત એકર જમીનને ગિરવી મૂકીને બેંકમાંથી લોન લીધી છે, જેના તેઓ હપ્તામાં ચૂકવે છે.
તેઓ કહે છે, “મારા ખેતર અને દૂધના વ્યવસાયથી વધુ સારી આવક થઈ રહી નથી. હું સજાવટના કામમાં મારું નસીબ અજમાવી રહ્યો છું, પરંતુ આ વ્યવસાયમાં વધુ લોકો [સ્પર્ધામાં] આવી રહ્યા છે.”
*****
અહીં એક બીજી કરૂણાંતિકા પણ છે જે અહીંના લોકોના ગુસ્સામાં વધારો કરી રહી છે: ગામડાઓમાંથી દૂરના કાર્યસ્થળો પર કામે જતા યુવાન સ્થળાંતરિત મજૂરોના આકસ્મિક મૃત્યુ. અને મોટાભાગના કિસ્સાઓમાં, તપાસને બંધ કરવામાં આવે છે કે તેમાં કોઈ મદદ કરવામાં નથી આવતી.
દાખલા તરીકે, એપ્રિલની શરૂઆતમાં પારીએ મુલાકાત લીધેલા બે ઘરોમાંથી એકનું ઉદાહરણ લોઃ જમીનવિહોણા ગોવારી (અનુસૂચિત જનજાતિ) સમુદાયના 27 વર્ષીય અપરિણીત વિજેશ કોવાલેનું 30 મે, 2023ના રોજ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના સોનેગૌનિપલ્લે ગામ નજીક એક મોટા બંધની ભૂગર્ભ નહેર બનાવવાના સ્થળ પર કામ કરતી વખતે મૃત્યુ થયું હતું.
તેમના પિતા રમેશ કોવાલે કહે છે, “અમારે તેના મૃતદેહને અમારા ગામમાં પાછા લાવવા અને અહીં અંતિમ સંસ્કાર કરવા માટે દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવો પડ્યો હતો.” પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેમના પુત્રના અકાળ મૃત્યુનું સ્પષ્ટ કારણ હતું: “વીજ કરંટ.”
પ્રથમ તપાસ અહેવાલ (FIR) માં જણાવવામાં આવ્યું છે કે વિજેશે નશામાં ધૂત હાલતમાં આકસ્મિકપણે સ્થળ પર જીવંત તારને સ્પર્શ કર્યો હતો. જે સ્થાનિક હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમનું અવસાન થયું હતું.
કોવાલે કહે છે, “તેમના વચન છતાં તેમની ભરતી કરનારી કંપની દ્વારા અમને કોઈ વળતર આપવામાં આવ્યું ન હતું. મેં ગયા વર્ષે મારા સંબંધીઓ પાસેથી લીધેલી હાથની લોન હજુ ચૂકવવાની બાકી છે.” વિજેશનો મોટો ભાઈ રાજેશ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે અને હવે લગ્ન કરવા જઈ રહ્યો છે, જ્યારે તેનો નાનો ભાઈ સતીશ સ્થાનિક ખેતરોમાં કામ કરે છે.
રમેશ કહે છે, “એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને સડકમાર્ગે લાવવામાં અમને બે દિવસ લાગ્યા હતા.”
અનિલ કહે છે કે, વિતેલા વર્ષમાં વિજેશ જેવા ગામના ચારથી પાંચ યુવાનો તેમના દૂરના કાર્યસ્થળો પર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે. પરંતુ તે એક આખી અલગ વાર્તા છે.
ચિખલી ગામમાં, સુખદેવ ઉઇકેને તેના નાના અને એકમાત્ર પુત્ર અતુલના મૃત્યુનું કારણ મળ્યું નથી.
ગામમાં મજૂર તરીકે કામ કરતો એક નાના ખેડૂત ઉઈકે કહે છે, “તે તેના જ જૂથના સભ્યો દ્વારા હત્યા હતી કે અકસ્માત હતો, અમને ખબર નથી. અમને તેનો મૃતદેહ જોવા મળ્યો ન હતો, કારણ કે આંધ્રપ્રદેશની પોલીસે અમને જાણ કર્યા વિના અથવા સંપર્ક કર્યા વિના તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.”
ડિસેમ્બર 2022માં, અતુલ આ પ્રદેશમાંથી સ્થળાંતર કરનારાઓના એક જૂથ સાથે આંધ્રપ્રદેશના રાજમુંદ્રીમાં ડાંગરના ખેતરોમાં થ્રેશર ચલાવવાનું કામ કરવા માટે રવાના થયા હતા. 22 મે, 2023ના રોજ તેમણે તેમના માતાપિતાને ફોન કરીને કહ્યું કે તેઓ ઘરે પરત ફરી રહ્યા છે.
ઉઈકે યાદ કરીને કહે છે, “તે તેનો છેલ્લો ફોન હતો.” તે પછી અતુલનો ફોન બંધ થઈ ગયો હતો. તેમનાં બહેન, શાલૂ મદાવી કહે છે કે તે ક્યારેય ઘરે પાછો ફર્યો જ નહીં, “અમને લગભગ એક અઠવાડિયા પછી તેના મૃત્યુ વિશે ખબર પડી, જ્યારે અમે પૂછપરછ કરવાનું શરૂ કર્યું અને તે સ્થળે ગયાં.”
આ પરિવારને કેટલીક વીડિયો ક્લિપ્સ બતાવવામાં આવી હતી, જેણે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બનાવી દીધી હતી. ક્લિપ્સમાં અતુલને વાઇન બાર પાસે રસ્તાની બાજુમાં પડેલો બતાવવામાં આવ્યો હતો. તેમના પિતા કહે છે, “લોકોને લાગ્યું કે તે નશામાં હતો. પણ તેને ગોળી વાગી હશે.” પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના માથાના પાછળના ભાગમાં ઊંડો ઘા થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પારીને FIR અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવતા બેચેન ઉઇકે કહે છે, “પોલીસે તેમણે ક્યાં અંતિમ સંસ્કાર કર્યા હતા તે અમને બતાવ્યું હતું. અમારા દીકરા સાથે ખરેખર શું થયું હતું તે એક રહસ્ય જ છે.” જે માણસો તેની સાથે ગયા હતા તેઓ તેના મૃત્યુ વિશે ચૂપ છે. તેઓ પારીને કહે છે કે તેમાંના મોટાભાગના લોકો આ સિઝનમાં કામ માટે ગામ છોડી ગયા છે.
ચિખલીના સરપંચ સુલોચના મેહર, જેમણે ભંડારા પોલીસ સાથે આ કેસને આગળ વધારવાનો વ્યર્થ પ્રયાસ કર્યો તેઓ કહે છે, “સ્થળાંતર કરનારા કામદારોના આવા આકસ્મિક મૃત્યુ ખૂબ જ સામાન્ય થઈ ગયાં છે, પરંતુ અમે તેમાં વધુ કાંઈ કરી શકતા નથી.”
ઉઈકે અને તેમનો પરિવાર ભારતીય સામાન્ય ચૂંટણીમાં મતદાન કરતાં અતુલના મૃત્યુ વિશેનું સત્ય શોધવામાં વધુ રસ ધરાવે છે. સાંસદો અને ધારાસભ્યોએ એકથી વધુ રીતે પાયાના લોકો સાથે સંપર્ક ગુમાવી દીધો છે તે હકીકત પર ભાર મૂકતાં, લોક પ્રતિનિધિઓ વિશે સુખદેવ કહે છે કે, “તેનો કોઈ ફાયદો નથી.”
અલેસુરમાં, અનિલ કહે છે કે તેઓ બંને શોકગ્રસ્ત પરિવારોને જાણે છે − કોવાલે અને ઉઈકે − કારણ કે તેમણે તેમના ઘરોમાં મૃત્યુ પછીની વિધિઓ દરમિયાન પરિવારો માટે વિના મૂલ્યે મંડપ ગોઠવી આપ્યો હતો. તેઓ કહે છે, “આવક વધારે ન હોય તો પણ હું મારા વ્યવસાય અને મારા ખેતરમાં છું એ જ સારું છે. ઓછામાં ઓછું, હું જીવતો તો છું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ