શાહબાઈ ઘરાત એક વર્ષ કરતાંય વધુ સમયથી કોરોનાવાયરસનો પીછો કરી રહ્યાં હતાં, અને અંતે એક દિવસ તેઓ આ વાયરસનો શિકાર થઈ જ ગયાં. માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા અથવા આશા એવાં શાહબાઈ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલા તેમના ગામ સુલતાનપુરમાં ઘરે ઘરે જઈને કોવિડ-19નો ડેટા એકત્ર કરી રહ્યાં હતાં. પરંતુ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં, તેમનો સૌથી મોટો ડર સાચો સાબિત થયો, જ્યારે તેમણે કોરોના વાયરસનું પરિક્ષણ કરાવ્યું તો તેઓ તેનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું.
38 વર્ષીય શાહબાઈ મહામારી દરમિયાન તેમની નોકરીના જોખમોથી વાકેફ તો હતાં, પરંતુ તેમણે આ ચેપ લાગવાનાં પરિણામો વિશે વિચાર્યું નહોતું. તેમનું સંક્રમણનું પરિક્ષણ પોઝિટિવ આવ્યા પછી તરત જ તેમનાં 65 વર્ષીય માતાને પણ આ ચેપ લાગ્યો હતો. પછી તેમના ચાર ભત્રીજાઓને તે લાગી ગયો. આ બીમારીને કારણે આખો પરિવાર પરેશાન થઈ ગયો હતો.
શાહબાઈને સાજાં થવામાં થોડાં અઠવાડિયાં લાગ્યાં હતાં. શાહબાઈ કહે છે, “મારા ભત્રીજાઓ પણ સાજા થઈ ગયા હતા, પરંતુ મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.” તેઓ ઉમેરે છે કે તેમને એક અઠવાડિયા માટે ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. “મારી માતાની સારવારમાં અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. મેં તેની ચૂકવણી કરવા માટે મારી અઢી એકર ખેતીની જમીન અને કેટલાંક ઘરેણાં વેચી દીધાં હતાં.”
આશા તરીકે તેમનું કાર્ય ક્યારેય સરળ નહોતું, પરંતુ મહામારીએ તેને વધુ ખરાબ બનાવી દીધું હતું. શાહબાઈ કહે છે, “મારે ધમકીઓ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો છે. લોકો શરૂઆતમાં તેમના લક્ષણો છુપાવતા હતા. હું મારું કામ કરતી હતી, તેના લીધે મારે ગામમાં ઘણી નકારાત્મક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે.”
મહારાષ્ટ્રમાં 70,000થી વધુ માન્યતા પ્રાપ્ત આશા કાર્યકર્તાઓ છે. માર્ચ 2020માં કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછી તેઓ આ વાયરસ સામે સંરક્ષણની પ્રથમ હરોળ છે. ઘરની મુલાકાતો કરવા ઉપરાંત, તેઓ ગામડાઓમાં રસી લેવા માટે ખચકાતા લોકોને પણ સમજાવે છે.
સત્તાવાર રીતે સ્વયંસેવકો તરીકે વર્ણવવામાં આવતાં, આશા એ સામુદાયિક આરોગ્ય કાર્યકરો છે જે દેશભરના ગામડાઓમાં સરકારી આરોગ્ય યોજનાઓનો અમલ કરવામાં મદદ કરે છે. તેમના મુખ્ય કાર્યોમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને મદદ કરવી, બાળકોની હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે પ્રોત્સાહન આપવું, બાળકોનું રસીકરણ સુનિશ્ચિત કરવું, પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપવું, પ્રાથમિક સારવાર પૂરી પાડવી અને રેકોર્ડની જાળવણી કરવાનો સમાવેશ થાય છે.
આ બધાં કામ બદલ તેમને સરકાર દ્વારા માસિક 3,300 રૂપિયા માનદ્ વેતન પેટે મળે છે, અને સાથે સાથે કેન્દ્ર અને રાજ્યની વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ અમુક પ્રોત્સાહન મળે છે — શાહબાઈને એક મહિનામાં પ્રોત્સાહન પેટે 300-350 રૂપિયા મળે છે. પરંતુ સખત મહેનત કરવા પછી અને ઘણા કલાકો સુધી સેવા આપવા છતાં, આશા કાર્યકર્તાઓને મહામારી દરમિયાન બહુ ઓછો ટેકો મળ્યો છે. શાહબાઈ કહે છે, “કટોકટીમાં અમારી મદદ કરવાની તો વાત જ છોડી દો, અમને સમયસર પગાર [માનદ્ વેતન] પણ નથી મળતો. છેલ્લી વખત અમને એપ્રિલમાં ચૂકવણી કરવામાં આવી હતી.”
રક્ષણના નામે તેમને કંઈ આપવામાં આવતું હોય તો તે છે ફક્ત એક માસ્ક, અને તે પણ પૂરતી માત્રામાં નહીં. શાહબાઈ કહે છે કે, માર્ચ 2020થી તેમને માત્ર 22 ડિસ્પોઝેબલ માસ્ક અને પાંચ N95 માસ્ક મળ્યા છે. “આમાં રહેલા જોખમને ધ્યાનમાં લેતા, શું તમને લાગે છે કે અમારી નોકરીમાં મળતું વળતર વાજબી છે?”
આ એક એવો સળગતો પ્રશ્ન છે, જે લગભગ દરેક આશા કાર્યકર્તા પૂછે જ છે.
ઘણા મહિનાઓ સુધી શોભા ગણગે પોતાના પરિવારને કોવિડ-19થી બચાવવા માટે બાથરૂમને બદલે પોતાના ઘરના શૌચાલયમાં નહાતાં હતાં. સુલતાનપુરથી બે કિલોમીટર દૂર બીડના ચૌસાલા ગામમાં 33 વર્ષીય આશા કાર્યકર શોભા કહે છે, “મારી દીકરી આઠ વર્ષની છે. મહિનાઓ સુધી, જ્યારે તે રડતી હતી ત્યારે હું તેને ગળે પણ નહોતી લગાવી શકતી. તે મારી બાજુમાં સૂવા માંગતી હતી પણ હું તેને સૂવાડી શકતી ન હતી.”
જૂનના મધ્યમાં મહારાષ્ટ્રમાં આશા કાર્યકર્તા સંઘોએ અનિશ્ચિતકાલીન હડતાળ પાડી હતી, જે એક અઠવાડિયા સુધી ચાલી હતી. રાજ્ય સરકારે તેમની માંગ સ્વીકારી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમના માનદ્ વેતનમાં દર મહિને 1,500 રૂપિયાનો વધારો કરવામાં આવશે, જેમાંથી 1,000 રૂપિયા તેમના પગારનો ભાગ હશે અને બાકીના 500 રૂપિયા કોવિડ ભથ્થા તરીકે આપવામાં આવશે
શોભા માને છે કે તેમણે આપેલા બલિદાનની અવગણના કરવામાં આવી છે. “મુખ્યમંત્રી અમારી પ્રશંસા કરે છે પણ અમને કોઈ વાસ્તવિક ટેકો આપતા નથી.” જુલાઈની શરૂઆતમાં, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આશા કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી અને તેમને “યોદ્ધાઓ અને નાયકો” કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે ત્યારે કોવિડની ત્રીજી લહેર આવશે ત્યારે તેઓ તેનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરંતુ શોભા આશા રાખે છે કે સરકાર માત્ર શબ્દો ઉચ્ચારવા કરતાં કંઈ કરીને પણ દેખાડે. “તેમની પ્રશંસાથી અમારું ઘર નહીં ચાલે.”
શાહબાઈ અને શોભા માટે, નાણાકીય સ્થિરતા એ નોકરી લેવા પાછળનું પ્રેરક બળ રહ્યું છે − પરંતુ તેમનાં કારણો જુદાં જુદાં છે.
“અમારા છૂટાછેડા ૧૩ વર્ષ પહેલાં થયા હતા,” એવું કહેતાં શાહબાઈ આજકાલ એકલાં જીવે છે અને તેમનાં માતા, બે ભાઈઓ અને તેમના પરિવારો સાથે રહે છે. મરાઠા સમુદાયથી સંબંધ ધરાવતાં શાહબાઈ કહે છે, “ગામમાં છૂટાછેડા પછી લોકોની સ્વીકૃતિ મળવી સરળ નથી. લોકો તમારી વાતો કરે છે, અને મને લાગે છે કે મેં મારા પરિવારને ઘણી તકલીફ પહોંચાડી છે.” શાહબાઈ પોતાના આત્મસન્માનને જાળવી રાખવા માટે આર્થિક સ્વતંત્રતા મેળવવા માગે છે.
હવે તેઓ પરિવારના બાકીના સભ્યોને કોવિડનો ચેપ લાગ્યો તે માટે પોતાને દોષી ઠેરવે છે. શાહબાઈ કહે છે, “હું મારી જાતને માફ કરી શકતી નથી. હું બધું ઠીક કરવા માંગુ છું, પણ મને ખબર નથી કે તે કેવી રીતે થશે. હું નથી ઇચ્છતી કે તેઓ મને દોષ આપે.” તે જ સમયે, ગામમાં તેમના કામને કારણે તેમને ખરાબ બાબતોનો સામનો કરવો પડે છે; ખાસ કરીને પુરુષો તરફથી. તેઓ કહે છે, “જ્યારે હું કોઈની સાથે વાત કરું છું, ત્યારે તેઓ તેને કંઈક અલગ જ અર્થમાં લે છે. લોકો સાથે વાત કરવી એ મારા કામનો ભાગ છે. હું શું કરું?”
શોભા કહે છે કે આ કામ કરતી વખતે પુરુષો દ્વારા કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીઓની તેમના પર કોઈ અસર કરતી નથી. “હું જાણું છું કે તેમને તેમનું સ્થાન કઈ રીતે બતાવવું.” શોભાની સમસ્યાઓ અલગ છે, અને તેમની આવક તેમના પરિવારની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરી દે છે. દલિત સમુદાયનાં શોભા કહે છે, “અમારી પાસે ખેતર નથી. મારા પતિ ખેત મજૂર છે અને દરરોજ 300 રૂપિયા કમાય છે. તેમને અઠવાડિયામાં 3 થી 4 દિવસ કામ મળતું હતું, પરંતુ કોવિડ પછી કામમાં મોટો ઘટાડો થયો છે.”
કોવિડ-19 ફાટી નીકળવાના એક મહિના પછી, શોભાનો પરિવાર તે અનાજ અને કઠોળને ઘરે લાવ્યો હતો જે સડી જવાના આરે હતા. તેઓ સમજાવતાં કહે છે, “આ અનાજ અને કઠોળ શાળાના બાળકો માટે [મધ્યાહન ભોજન માટે] હતા, પરંતુ શાળા બંધ હોવાથી, લાંબા સમયને કારણે તમામ અનાજ અને કઠોળ બગડી ગયા હતા.” તેમણે વધુમાં કહ્યું કે બધું અનાજ અને કઠોળ બગડી ન જાય તે માટે ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ તેને જરૂરિયાતમંદોમાં વહેંચી દીધું હતું. “અમે તેને અમારા માટે રાંધ્યું હતું, અને મારી દીકરીએ પણ તે ખાધું હતું.”
તેમ છતાં શાહબાઈ અને શોભા બંને જાણે છે કે આશાને — ટૂંકાક્ષર શબ્દનો અર્થ કેટલીક ભાષાઓમાં ‘આશા’ થાય છે — આર્થિક શક્તિ પ્રાપ્ત કરવાની કોઈ આશા નથી.
લાંબા સમયથી આશા કાર્યકર્તાઓ વધું સારું મહેનતાણું અને કાયમી કર્મચારી દરજ્જાની માંગ કરી રહી છે.
જૂનના મધ્યમાં મહારાષ્ટ્રમાં આશા કાર્યકર્તા સંઘોએ અનિશ્ચિતકાલીન હડતાળ પાડી હતી, જે એક અઠવાડિયા સુધી ચાલી હતી. રાજ્ય સરકારે તેમની માંગ સ્વીકારી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે 1 જુલાઈથી તેમના માનદ્ વેતનમાં દર મહિને 1,500 રૂપિયાનો વધારો કરવામાં આવશે, જેમાંથી 1,000 રૂપિયા તેમના પગારનો ભાગ હશે અને બાકીના 500 રૂપિયા કોવિડ ભથ્થા તરીકે આપવામાં આવશે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ જાહેરાત કરી હતી કે દરેક આશા કાર્યકર્તાને તેમના અહેવાલો ઓનલાઇન ફાઇલ કરવામાં મદદ કરવા માટે સ્માર્ટફોન આપવામાં આવશે.
પરંતુ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (અથવા સી.આઈ.ટી.યુ.) નાં રાજ્ય સચિવ શુભા શમીમ કહે છે કે આ આશ્વાસનોનો હજુ અમલ થવાનો બાકી છે. તેઓ ઉમેરે છે કે, “આશા કાર્યકર્તાઓને ઇચ્છિત લાભો ક્યારે મળશે તે અંગે બહુ ઓછી સ્પષ્ટતા છે.” રાજ્યમાં માનદ્ વેતનની ચુકવણી મે મહિનાથી બાકી છે, અને શમીમ કહે છે કે, ગયા વર્ષે જે કોવિડ ભથ્થાનું વચન આપવામાં આવ્યું હતું તે પણ હજુ સુધી પૂરું થયું નથી.
જ્યારે આશા કાર્યકરો રાજ્યમાં હડતાળ પર હતાં, ત્યારે લગભગ 250 કરારબદ્ધ આરોગ્ય કર્મચારીઓએ બીડમાં રોજગારને નિયમિત કરવા અને વધુ સારા પગારની માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
મુખ્યત્વે નર્સિંગ સ્ટાફ અને વોર્ડ સહાયકો તરીકે નિયુક્ત કરાયેલા કરારબદ્ધ કામદારોની ભરતી મહામારી દરમિયાન સરકારી સુવિધાઓમાં દર્દીઓના ભારણને સંભાળવા માટે કામચલાઉ ધોરણે કરવામાં આવી હતી. તેમાંના ઘણા તેમના કરાર સમાપ્ત થયા પછી અથવા જ્યારે દર્દીઓનું પ્રમાણ ઘટ્યું ત્યારે રાતોરાત બેરોજગાર થઈ ગયા હતા. 29 વર્ષીય પ્રશાંત સાદરે કહે છે, “આ નીતિ ‘વાપરો અને ફેંકી દો’ થી જરાય જુદી નથી. તેમણે બીડ શહેરથી 30 કિમી દૂર વડવાની તાલુકામાં સ્થાપિત એક કોવિડ કેર સેન્ટરમાં વોર્ડ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. “મને આ વર્ષે મે મહિનામાં નોકરી પર રાખવામાં આવ્યો હતો અને મને બે મહિના પછી જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું.”
પ્રશાંતનાં માતા-પિતા ખેત મજૂરો તરીકે કામ કરે છે, અને આજીવિકા રળવા માટે સંઘર્ષ કરે છે. જ્યારે પ્રશાંતને નોકરી મળી ત્યારે તેમને દૈનિક 400 રૂપિયા મળતા હતા, અને પ્રશાંતને આશા બંધાઈ હતી કે તેઓ તેમના માતાપિતાનું જીવન થોડું આરામદાયક બનાવશે. તેઓ કહે છે, “મેં મારો જીવ જોખમમાં મૂક્યો હતો અને જ્યારે હોસ્પિટલ [દર્દીઓથી] ઊભરાઈ રહી હતી ત્યારે મને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે બધું જ મેં કર્યું હતું. કોવિડ વોર્ડની ધૂળ સાફ કરવાથી માંડીને કોવિડ પોઝિટિવ દર્દીઓને ખવડાવવા સુધી, મેં બધું જ કર્યું છે. અમે અનુભવેલા માનસિક તણાવનું શું? શું કોઈ એના વિશે વિચારે પણ છે?” તેઓ હવે એક ખાનગી શાળામાં પાર્ટ-ટાઇમ શિક્ષક તરીકે કામ કરે છે, અને દર મહિને 5,000 રૂપિયા કમાય છે.
વડવાનીમાં તે જ કોવિડ સેન્ટરમાં વોર્ડ આસિસ્ટન્ટ 24 વર્ષીય લહુ ખડગેએ એક જાહેરાત જોયા પછી નોકરી માટે અરજી કરી હતી. પસંદગી માટે ઉમેદવારોએ ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જરૂરી હતું. જ્યારે લહુની પસંદગી કરવામાં આવી હતી ત્યારે તેમણે સ્થાનિક બેંકમાં પિગ્મી એજન્ટ તરીકેની તેમની નોકરી છોડી દીધી હતી. ખડગે, કે જેમની નોકરી હજુય હથાવત છે, તેઓ કહે છે, “અમને ત્રણ મહિનાનો કરાર મળે છે, જે સમાપ્ત થાય ત્યારે એક દિવસના અંતરાલ પછી તેનું નવીકરણ કરવામાં આવે છે. આપણા શ્રમ કાયદામાં છે કે જો કોઈ વ્યક્તિ સતત એક વર્ષ માટે નોકરી કરે છે, તો તેને કાયમી બનાવવી પડશે. આ જ કારણ છે કે એક દિવસનું અંતર આપ્યા પછી દર થોડા મહિનામાં આ કરારોનું નવીકરણ કરવામાં આવે છે.”
બીડમાં વિરોધ કરી રહેલા કરારબદ્ધ આરોગ્ય કર્મચારીઓએ આ અસંવેદનશીલ ભરતી નીતિ પર પ્રકાશ પાડ્યો હતો અને નોકરીઓને કાયમી કરવાની માંગ કરી હતી. તેઓ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, સંરક્ષક મંત્રી ધનંજય મુંઢે અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા − જેઓ 18 જૂને કોવિડ-19 સમીક્ષા બેઠક માટે તે જિલ્લાની મુલાકાત લઈ રહ્યા હતા.
તે દિવસે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર 29 વર્ષીય અંકિતા પાટિલ કહે છે, “પરંતુ તેઓએ અમારી અવગણના કરી. અમે તેમનો પાંચ મિનિટનો સમય ઇચ્છતા હતા. અમે અમારી માંગણીઓ એક કાગળ પર લખી હતી અને જ્યારે અમને કલેક્ટર ઓફિસમાં તે માંગણીઓ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એક કર્મચારી તે કાગળ છીનવીને ફરાર થઈ ગયો.” એક મંત્રીએ તેમને જવા માટે કહ્યું, અને અન્ય લોકોએ “અમારી તરફ જોયું પણ નહીં.”
અભદ્ર વ્યવહારથી ગુસ્સે થયેલા કેટલાક પ્રદર્શનકારીઓએ મંત્રીઓના વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. અંકિતા પૂછે છે, “શું આરોગ્ય કર્મચારીઓ સાથે આ રીતે વર્તવું જોઈએ? અમે અમારા જીવનના કેટલાય મહિનાઓ એક પણ દિવસ વિરામ લીધા વિના કોવિડ દર્દીઓને સમર્પિત કરી દીધા, અમારો અને અમારા પરિવારોનો જીવ જોખમમાં મૂક્યો, અને તેમની પાસે અમારી સાથે વાત કરવા માટે પાંચ મિનિટ પણ નથી? અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે આદરપૂર્વક વ્યવહાર કરવામાં આવે.”
અંકિતા વડવાનીમાં કોવિડ સેન્ટરમાં નર્સ તરીકે કામ કરી રહ્યાં છે અને દર મહિને 20,000 રૂપિયા કમાઈ રહ્યાં છે. તેઓ કહે છે, “મારી નોકરી હજુય યથાવત છે, પણ [શક્ય છે કે] હું આવતી કાલે બેરોજગાર હોઉં. પહેલેથી જ ઘણો માનસિક થાક અને ભાવનાત્મક તણાવ છે. અમને નોકરીમાં સ્થિરતાની જરૂર છે. કોવિડની બીજી લહેર ઓછી થયા પછી અમે અમારા મિત્રોને બરતરફ થતા જોયા છે. તેનાથી અમારા પર પણ અસર થાય છે.”
વ્યંગાત્મક રીતે, કરાર પર રહેલા આરોગ્ય કર્મચારીઓને આ કામ ત્યારે જ ફરી મળી શકશે જ્યારે કોવિડની ત્રીજી લહેર આવશે. જો કે, કોઈ એવું ઈચ્છતું નથી.
આ વાર્તા પુલિત્ઝર સેન્ટર દ્વારા આ પત્રકારને સ્વતંત્ર ધોરણે મળેલા અનુદાનની શ્રેણી દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ