તે માર્ચની ગરમી ને તડકાવાળી બપોર છે અને ઓરાપાની ગામના વડીલો એક નાના સફેદ ચર્ચની અંદર એકઠા થયા છે. પરંતુ તેમના અહીં આવવાનું કારણ કોઈ નૈતિક દબાણ નથી.
લાદી પર વર્તુળમાં બેઠેલા આ જૂથના બધા લોકોમાં એક બાબત સામાન્ય છે — તેઓ લાંબા સમયથી હાઈ અથવા લો બ્લડ પ્રેશર (બી.પી.) ની સમસ્યાઓથી પીડાય છે. તેથી, તેઓ મહિનામાં એક વાર તેમના બ્લડ પ્રેશરની તપાસ કરવા માટે મળે છે અને દવાઓની રાહ જોતી વખતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં વ્યસ્ત રહે છે.
રૂપી બાઈ તરીકે જાણીતાં રૂપી બઘેલ કહે છે, “મને આ બેઠકોમાં આવવું ગમે છે કારણ કે તે મને મારી ચિંતાઓ અન્યો સાથે શેર કરવાની તક આપે છે.” લગભગ 53 વર્ષનાં રૂપી છેલ્લા પાંચ વર્ષથી અહીં આવે છે. તેઓ એક બૈગા આદિવાસી છે અને રોકડિયા પાકની ખેતી કરે છે અને તેમની આવક વધારવા માટે જંગલમાંથી ઇંધણના લાકડા અને મહુઆ જેવી વન પેદાશો પર આધાર રાખે છે. બૈગા આદિવાસીઓને ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. ઔરાપાની (ઉરપાની પણ લખાય છે) ગામના મોટાભાગના લોકો બૈગા સમુદાયના છે.
બિલાસપુર જિલ્લાના કોટા બ્લોકમાં આવેલું આ ગામ છત્તીસગઢના અચાનકમાર-અમરકંટક બાયોસ્ફિયર રિઝર્વ (એ.એ.બી.આર.) ની નજીક આવેલું છે. હાઇપરટેન્શન તેમના જીવનને કેવી રીતે અસર કરે છે તે સમજાવતાં, ફુલસોરી લાકરા કહે છે, “હું વાંસ લેવા માટે જંગલમાં જતી હતી જેથી હું સાવરણી બનાવી શકું અને તેને વેચી શકું. પણ હવે હું વધારે ચાલી શકતી નથી, તેથી હું ઘરે જ રહું છું.” તેમની ઉંમર સાઠ વર્ષથી વધુ છે અને હવે તેઓ તેમની બકરીઓની સંભાળ રાખવા અને ગાયનું છાણ એકત્ર કરવા માટે ઘરે જ રહે છે. મોટાભાગના બૈગા આદિવાસીઓ તેમની આજીવિકા માટે જંગલો પર નિર્ભર છે.
2019-2021ના રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ-5 (એન.એફ.એચ.એસ.-5) અનુસાર, છત્તીસગઢની 14 ટકા ગ્રામીણ વસ્તી હાઇપરટેન્શનથી પીડાય છે. “જો કોઈ વ્યક્તિનું સિસ્ટોલિક બ્લડ પ્રેશરનું સ્તર 140 mmHg કરતાં વધારે અથવા તેની બરાબર હોય અથવા તેમનું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરનું સ્તર 90 mmHg કરતાં વધારે અથવા તેના જેટલું હોય તો તેને હાઇપરટેન્શન ધરાવતી વ્યક્તિ તરીકે માનવામાં આવે છે.”
રાષ્ટ્રીય આરોગ્ય મિશન અનુસાર, બિન-ચેપી રોગોમાં વધારો અટકાવવા માટે હાઈ બ્લડ પ્રેશર (બી.પી.) ની સમસ્યાનું વહેલું નિદાન કરવું મહત્ત્વપૂર્ણ છે. બી.પી. ઘટાડવા માટે જીવનશૈલીમાં જે ફેરફારો કરવા જરૂરી છે તે વિશે પણ સહાયક જૂથ દ્વારા માહિતી આપવામાં આવે છે. ફુલસોરી કહે છે, “મૈં મીટિંગ મેં આતી હું, તો અલગ ચીઝે સીખને કે લીયે મિલતા હૈ, જૈસે યોગા, જો મેરે શરીર કો મજબૂત રખતા હૈ [હું વિવિધ વસ્તુઓ શીખવા માટે બેઠકોમાં આવું છું. ઉદાહરણ તરીકે, યોગ, જે મારા શરીરને મજબૂત રાખે છે].”
તેઓ જન સ્વાસ્થ્ય સહયોગ (જે.એસ.એસ.) સાથે સંકળાયેલા 31 વર્ષીય વરિષ્ઠ આરોગ્ય કાર્યકર્તા સૂરજ બૈગા દ્વારા આપવામાં આવેલી માહિતીની વાત કરી રહ્યાં છે. જે.એસ.એસ. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્યરત બિન-નફાકારક સંસ્થા છે, જે લગભગ ત્રણ દાયકાથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. સૂરજ જૂથને હાઈ અથવા લો બી.પી.ની અસર સમજાવે છે, અને લોહીના દબાણને મગજની સ્વિચોની સાથે જોડે છેઃ “જો આપણને એવું જોઈતું હોય કે બી.પી. આપણા મગજની સ્વિચોને નબળી ન પાડે, તો આપણે નિયમિત ધોરણે દવાઓ લેવી પડશે, અને કસરત કરવી પડશે.”
મનોહર કાકા તરીકે ઓળખાતા મનોહર ઉરાંવ 87 વર્ષના છે અને 10 વર્ષથી આ સહાય જૂથની બેઠકોમાં આવી રહ્યા છે. તેઓ કહે છે, “મારું બી.પી. હવે કાબુમાં છે, પરંતુ મને ગુસ્સા પર કાબુ કરવામાં ઘણો સમય લાગ્યો. મેં તણાવ ન લેવાનું શીખી લીધું છે!”
જે.એસ.એસ. માત્ર હાઇપરટેન્શન માટે જ નહીં, પરંતુ અન્ય ક્રોનિક રોગો માટે પણ સહાયક જૂથો ચલાવે છે − અને આવા 84 જૂથો 50 ગામોમાં ચલાવવામાં આવે છે, જેમાં એક હજારથી વધુ લોકો સામેલ છે. યુવાન કામદારો પણ અહીં આવે છે, પરંતુ વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ રહે છે.
જે.એસ.એસ. દ્વારા નિયુક્ત પ્રોગ્રામ કોઓર્ડિનેટર મીનલ મદનકર કહે છે, “વૃદ્ધોને ત્યજી દેવામાં આવે છે કારણ કે તેઓ હવે તેમના માટે ઉપયોગી નથી રહ્યા. આ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે, તેમને એકલા પાડી દે છે, અને ઘણા કિસ્સાઓમાં, તેમના જીવનના છેલ્લા દિવસોમાં તેમની ગરિમાને હાની પહોંચે છે.”
મોટે ભાગે આ જ વય જૂથને તબીબી સંભાળ અને સહાયની જરૂર હોય છે. ઉપરાંત, ખાવા અંગેની સલાહ પણ. રૂપા કહે છે, “અમને એવી વસ્તુઓ શીખવા મળે છે જે અમને અમારી પોતાની સંભાળ રાખવામાં મદદ કરે છે, જેમ કે ચોખા ખાવા કરતાં બાજરી ખાવી અમારા માટે કેવી રીતે વધુ સારી છે, અને અલબત્ત, હું મારી દવાઓ પણ અહીંથી જ મેળવું છું.”
આ સત્ર પછી, સહભાગીઓને કોડોની ખીર ખવડાવવામાં આવે છે. જે.એસ.એસ.ના કાર્યકર્તાઓને આશા છે કે બાજરીનો સ્વાદ તેમને આ પરિવર્તન માટે તૈયાર કરશે અને તેમને આવતા મહિને પાછા આવવા માટે પણ પ્રેરિત કરશે. જે.એસ.એસ. બિલાસપુર અને મુંગેલી જિલ્લામાં જે ગામોને આવરી લે છે તેમાંથી મોટાભાગના ગ્રામીણ સમુદાયો સુકી ડાયાબિટીસથી પીડાય છે. આના કારણો પૈકી એક છે ખોરાકની આદતોમાં પરિવર્તન, તેમજ જાહેર વિતરણ પ્રણાલી (પી.ડી.એસ.) દ્વારા પૂરા પાડવામાં આવતા રેશનમાં સફેદ ચોખા જેવા શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સનો સમાવેશ છે.
મીનલ કહે છે, “કૃષિ અને આહારની પરંપરાઓમાં મસમોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે.” અહીંના સમુદાયો બાજરીની વિવિધ જાતો ઉગાડતા અને ખાતા હતા, જે ઘણી વધુ પૌષ્ટિક અને તંદુરસ્ત હોય છે. પરંતુ હવે માત્ર પોલિશ્ડ સફેદ ચોખા જ દરેક જગ્યાએ જોવા મળે છે અને તેનો ઉપયોગ ખોરાકમાં થઈ રહ્યો છે. આ જૂથના ઘણા સહભાગીઓ કહે છે કે તેઓ ચોખા અને ઘઉં વધું ખાય છે ને બાજરીને લગભગ સંપૂર્ણપણે છોડી દીધી છે.
ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. અગાઉ વિવિધ પ્રકારના કઠોળ અને તેલીબિયાંની ખેતી કરવામાં આવતી હતી, જેનાથી ખોરાકમાં જરૂરી માત્રામાં પ્રોટીન અને વિટામિન્સ ઉમેરાતા હતા, પરંતુ હવે એવું નથી રહ્યું. સરસવ, મગફળી, અળસી અને તલ જેવા પોષક તેલ ધરાવતા વિવિધ બીજ પણ તેમના આહારમાંથી લગભગ ગાયબ થઈ ગયા છે.
ઘણી ચર્ચા અને બ્લડ પ્રેશરની તપાસ પછી, અસલ મજા શરૂ થાય છે − ત્યાં લોકો સ્ટ્રેચિંગ સેશન્સ અને યોગના સત્રોમાં કકળાટ અને બડબડાટ જોવા મળે છે પણ તેના પછી મન મૂકીને હસવામાં આવે છે.
સૂરજ કહે છે, “જ્યારે આપણે મશીનને તેલ આપીએ છીએ, ત્યારે તે લાંબા સમય સુધી ચાલે છે. તેવી જ રીતે, આપણા સ્નાયુઓને પણ તેલની જરૂર પડે છે. મોટરસાયકલની જેમ, આપણે પણ આપણા એન્જિનમાં તેલ લગાવવાનું ચાલુ રાખવું જોઈએ.” આ સાંભળીને આખું જૂથ મોટેથી હસી પડે છે ને પછી બધા ઘરે જવા માટે જૂદા પડે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ