આપણે સત્યપ્રિયાની વાર્તા શરૂ કરીએ તે પહેલા મારે મારા પેરિઅમ્મા વિશે વાત કરવી છે .હું 12 વર્ષનો હતો અને 6 ઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી હું મારા પેરિઅપ્પા અને પેરિઅમ્મા [પિતાના ભાઈ અને તેમના પત્નીના] ઘેર રહેતો હતો. હું હંમેશા તેમને અમ્મા અને અપ્પા [માતા અને પિતા] તરીકે સંબોધતો હતો. તેઓ મારી ખૂબ કાળજી લેતા હતા અને મારો પરિવાર ઘણીવાર રજાઓમાં તેમને ઘેર જતો હતો.
મારા પેરિઅમ્મા [કાકી] એ મારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેઓ ઉદારતાથી અમારી જરૂરિયાતોનું ધ્યાન રાખતા, દિવસભર અમને હંમેશા સમયસર ખવડાવતા. મેં શાળામાં અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું ત્યારે મારા કાકી મને બધું શીખવતા હતા. તેઓ રસોડામાં કામ કરતા હોય ત્યારે હું મને કંઈ ન સમજાતું હોય તો એ લઈને તેમની પાસે જતો હતો. મને ઘણા શબ્દોના સ્પેલિંગ કેવી રીતે કરવા તે આવડતું નહોતું પરંતુ તેઓ મને ધીમે ધીમે શીખવતા હતા. ત્યારથી તેઓ મને ગમતા હતા.
સ્તનના કેન્સરને કારણે તેમનું અવસાન થયું ત્યારે એવું કહી શકાય કે તેઓ તેમને માટેનું જીવન જીવ્યા વિના જ મૃત્યુ પામ્યા હતા. ધારું તો હું તેમને વિશે ઘણું બધું કહી શકું, પરંતુ હમણાં પૂરતું હું અહીં જ અટકીશ.
*****
મારા કાકીના ગુજરી ગયા પછી મેં સત્યપ્રિયાને પૂછ્યું કે શું તે મારા કાકીના ફોટોગ્રાફ પરથી તેમનું ચિત્ર દોરી શકે? મને કલાકારોની ઈર્ષ્યા આવતી નથી, પણ મને સત્યાના કામની ઈર્ષ્યા થઈ. માત્ર સત્યા જ કોઈ ચિત્ર પર આટલી ઝીણવટપૂર્વક અને ધીરજથી કામ કરી શકે છે. તેમની શૈલી હાઈપરરીઅલિઝમ છે અને તેમના ચિત્રો ઉચ્ચ રેઝોલ્યુશન પોટ્રેટ જેવા લાગે છે.
સત્યા સાથે મારો પરિચય ઇન્સ્ટાગ્રામ દ્વારા થયો હતો. જ્યારે મેં તેમને દોરવા માટે ફોટો મોકલ્યો, ત્યારે છબી પિક્સેલેટ થઈ ગઈ (સૂક્ષ્મ પિક્સેલમાં વહેંચાઈ ગઈ). અમને ખબર નહોતી કે તેનો ઉપયોગ ડ્રોઇંગ માટે થઈ શકશે કે કેમ. મને લાગતું હતું કે એ અશક્ય હતું.
થોડા સમય પછી મેં મદુરાઈમાં સફાઈ કામદારોના બાળકો માટે ફોટોગ્રાફી કાર્યશાળાનું આયોજન કર્યું હતું. એ મારી પહેલી વર્કશોપ હતી અને ત્યાં હું સત્યાને પહેલીવાર રૂબરૂ મળ્યો હતો. તેઓ મારા કાકીનું તેમણે દોરેલું ચિત્ર લઈને આવ્યા હતા. એ એક ઉત્તમ પ્રયાસ હતો અને એ ચિત્ર તરત જ મને સ્પર્શી ગયું.
મારી પહેલી જ કાર્યશાળામાં મારા વ્હાલા કાકીનું ચિત્ર મેળવીને મને ખૂબ આનંદ થયો હતો. ત્યારે જ મેં સત્યપ્રિયાના કામ વિશે લખવાનું નક્કી કર્યું હતું. મેં જે જોયું તેનાથી હું આકર્ષિત થઈ ગયો હતો અને મેં તેમને ઈન્સ્ટાગ્રામ પર તેમને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું - ભોંયતળિયે, દિવાલો પર, દરેકેદરેક જગ્યાએ - તેમના કામથી ભરેલા તેમને ઘેર પહોંચ્યો ત્યારે આ આકર્ષણ વધી ગયું.
સત્યપ્રિયા તેમની વાર્તા કહેવાનું શરૂ કરે ત્યારે તમે લગભગ તેમના ચિત્રોને બોલતા સાંભળી શકો.
“હું સત્યપ્રિયા છું. હું મદુરાઈની છું અને 27 વર્ષની છું. મારી શૈલી હાઈપરરીઅલિઝમ છે. મને ખરેખર કેવી રીતે દોરવું તે આવડતું નથી. કોલેજમાં હતી ત્યારે હું પ્રેમમાં નિષ્ફળતા [રોમેન્ટિક બ્રેક-અપ] ના અનુભવમાંથી પસાર થઈ હતી. બ્રેક-અપના દુઃખમાંથી બહાર નીકળી જીવનમાં આગળ વધવા મેં ચિત્રકામ શરૂ કર્યું; મારા પહેલા પ્રેમને કારણે મને જે ડિપ્રેશન આવ્યું હતું તેને દૂર કરવા માટે મેં કલાનો ઉપયોગ કર્યો. કલા એ મારે માટે સિગારેટ કે આલ્કોહોલ પીવા જેવું હતું – મારા ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનો એક માર્ગ.
કલાએ મને રાહત આપી. મેં મારા પરિવારને કહ્યું કે હવેથી હું માત્ર ચિત્રો જ દોરવાની છું. મને ખબર નથી કે આવું કહેવાની હિંમત મારામાં ક્યાંથી આવી. શરૂઆતમાં હું આઈએએસ અથવા આઈપીએસ [સિવિલ સર્વિસિસ - મુલ્કી સેવા] અધિકારી બનવા માગતી હતી અને તેથી મેં યુપીએસસી [યુનિયન પબ્લિક સર્વિસ કમિશન -કેન્દ્રીય જાહેર સેવા આયોગ] ની પરીક્ષાઓ આપી હતી. પરંતુ મેં ફરી ક્યારેય તેની પાછળ મંડી ન રહી.
નાનપણથી જ મને મારા દેખાવને કારણે ભેદભાવનો અનુભવ થયો હતો. શાળા, કોલેજ અને એનસીસી (નેશનલ કેડેટ કોર્પ્સ) શિબિરમાં બીજા લોકો મને ઉતારી પાડતા, મારી સાથે ભેદભાવભર્યું વર્તન કરતા. મારી શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો મને નિશાન બનાવતા અને હંમેશા મને ઠપકો આપતા.
જ્યારે હું 12 મા ધોરણમાં હતી ત્યારે શાળાની ગટર બ્લોક થઈ ગઈ હતી કારણ કે છોકરીઓએ તેમના વપરાયેલા સેનિટરી નેપકિન્સનો યોગ્ય રીતે નિકાલ કર્યો નહોતો. અમારા આચાર્ય ફક્ત ધોરણ 5, 6 અને 7 ના તમામ વિદ્યાર્થીઓને અથવા તમામ નવી-નવી માસિક સ્રાવમાં થતી છોકરીઓને બોલાવી શક્યા હોત અને તેઓને નેપકિન્સનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરવો તે જણાવી શક્યા હોત.
તેને બદલે મને એકલીને અલગ પાડવામાં આવી હતી. સવારની પ્રાર્થના પછી જ્યારે 12 મા ધોરણના વિદ્યાર્થીઓ યોગ કરવા માટે પાછળ રહ્યા હતા ત્યારે તેમણે (આચાર્યે) કહ્યું, 'માત્ર આના જેવી છોકરીઓ [મારા જેવી છોકરીઓ] આવું [ગટર ભરાઈ જાય એવું] કામ કરે છે. હું મૂંઝવણમાં હતી. ભરાઈ ગયેલી ગટર સાથે મારે શું સંબંધ હતો?
શાળામાં મને ઘણી વખત આ રીતે નિશાન બનાવવામાં આવતી હતી. જ્યારે 9 મા ધોરણના બાળકો પ્રેમ સંબંધોમાં પડ્યા હતા ત્યારે એને પણ મારી ભૂલ તરીકે જોવામાં આવ્યું હતું. તેઓ મારા માતા-પિતાને ફોન કરતા હતા અને તેમને કહેતા હતા કે આ સંબંધોમાં એ બાળકોને મદદ કરનાર હું જ હતી અને હું જ તેમને નજીક લાવી હતી. તેઓ મારા માતા-પિતાને મારા વતી 'અયોગ્ય શબ્દો' વાપરવા બદલ અથવા 'અયોગ્ય વર્તન' કરવા બદલ માફી માંગતો પત્ર લખવાનું કહેતા હતા. તેઓ મને ભગવદ્ ગીતા લાવીને તેના પર હું ખોટું નથી બોલતી એવા શપથ લેવાનું કહેતા હતા.
શાળામાં એક દિવસ એવો પસાર થયો નથી કે હું રડતી રડતી ઘેર પાછી ન આવી હોઉં. ઘેર મને કહેવામાં આવ્યું હતું કે 'મને ખાતરી છે તેં જ કંઈક કહ્યું હશે' અથવા 'તારો જ વાંક હશે'. મેં ઘેર કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું.
મારામાં એક અસલામતીની ભાવના આવી ગઈ હતી.
કોલેજમાં મારી ઠેકડી ઉડાવવામાં આવતી હતી અને મને મારા દાંત માટે ચીડવવામાં આવતી હતી. તમે વિચાર કરો તો ફિલ્મોમાં પણ લોકો એ જ વસ્તુઓની મજાક ઉડાવે છે. શા માટે? હું પણ બીજા બધાના જેવી જ છું, એક માણસ. લોકો ઠેકડી ઉડાવવાને સામાન્ય માને છે કારણ કે બધા તેમ કરે છે. લોકોના ચીડવવાથી એ વ્યક્તિ પર શી અસર થાય છે, તેમની લાગણીઓને ઠેસ પહોંચે છે અથવા તેનાથી તેઓ કેટલી અસલામતી અનુભવે છે તેના પર તેઓ ધ્યાન આપતા નથી.
હજી આજે પણ એવી ક્ષણો આવી જાય છે જ્યારે મારા જીવનનની આવી ઘટનાઓ મને અસર કરી જાય છે. આજે પણ જ્યારે કોઈ મારો ફોટો લે છે ત્યારે હું અસલામતી અનુભવું છું. આજે 25-26 વર્ષથી હું આ લાગણી અનુભવું છું. વ્યક્તિના શરીરની મજાક ઉડાવવી એ સામાન્ય બની ગયું છે.
*****
હું મારું પોતાનું ચિત્ર કેમ નથી દોરતી? જો હું મારું પોતાનું ચિત્ર નહીં દોરું તો બીજું કોણ દોરશે?
મારા જેવો ચહેરો દોરવો એટલે શું એ હું વિચારતી હતી.
મેં સુંદર ચહેરાઓ સાથે આ કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પછીથી મને સમજાયું હતું કે આપણે માત્ર લોકોની સુંદરતાને આધારે જ નહીં, પણ તેમની જાતિ, ધર્મ, પ્રતિભા, વ્યવસાય, લિંગ અને લૈંગિકતાને આધારે તેમના વિષે અભિપ્રાય બાંધતા હોઈએ છીએ. તેથી હું બિનપરંપરાગત સુંદરતા પર આધારિત ચિત્રો દોરું છું. આપણે પરલૈંગિક મહિલાઓના ચિત્રો જોઈએ, તો કલામાં, ફક્ત જેઓ મહિલા જેવા દેખાતા હોય તેમને જ ચિત્રિત કરવામાં આવે છે. એ સિવાયની પરલૈંગિક મહિલાઓના ચિત્રો કોણ દોરશે? દરેક વસ્તુ માટે એક નિશ્ચિત ધોરણ હોય છે અને મને એ ધોરણોમાં રસ નથી. હું મારી કલામાં લોકોને શા માટે સામેલ કરું છું તેના પર હું વિચાર કરું છું; હું ઈચ્છું છું કે મારી કલામાં (સામેલ કરાયેલા) લોકો ખુશ રહે.
વિકલાંગતા ધરાવતા લોકોના ચિત્રો કોઈ દોરતું નથી. દિવ્યાંગોએ ઘણું કામ કર્યું છે પરંતુ તેમના ઉપર ખાસ કોઈ ચિત્રો દોરાયા નથી. સફાઈ કામદારોના મોત પર કોઈ કામ કરતું નથી.
શું આવું એટલા માટે હશે કે કલા એ સૌંદર્ય શાસ્ત્ર છે અને દરેક તેને સૌંદર્યના પરિપ્રેક્ષ્યમાં જુએ છે? હું મારી કલાને સામાન્ય લોકોના જીવનના અરીસા તરીકે અને તેમના જીવનની વાસ્તવિકતાઓને બહાર લાવવાના એક માધ્યમ તરીકે જોઉં છું. હાઈપરરીઅલિઝમ આ માટેની એક મહત્વપૂર્ણ શૈલી છે. ઘણા લોકો મને કહે છે કે 'ઓહ પણ તમે ફક્ત ફોટોગ્રાફ પરથી ફોટોગ્રાફ જેવા જ દોરો છો'. હા, હું માત્ર ફોટોગ્રાફ પરથી ફોટોગ્રાફ જેવા જ ચિત્રો દોરું છું. હાઈપરરીઅલિઝમ એ શૈલી ફોટોગ્રાફી પરથી જ આવી હતી. કેમેરાની શોધ થયા પછી, ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા પછી એ શૈલી ઉદ્ભવે છે.
મારે બીજા લોકોને કહેવું છે કે 'આ લોકો તરફ જુઓ, તેમને જાણો'.
સામાન્ય રીતે આપણે વિકલાંગતાને કેવી રીતે રજૂ કરીએ છીએ? આપણે તેમને (બીજા કરતાં) 'જુદી વ્યક્તિ' કહીને ઉતારી પાડીએ છીએ.કોઈ વ્યક્તિને એ (બીજા કરતાં) 'જુદી' છે એ રીતે શા માટે જોવી? તેઓ આપણા જેવા જ સામાન્ય લોકો છે. ઉદાહરણ તરીકે, જો આપણે કંઈક કરી શકીએ છીએ, અને બીજી વ્યક્તિ તે કરી શકતી નથી, તો આપણે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે જેથી તે વ્યક્તિ પણ એ કરી શકે. આપણે સમાવેશક વ્યવસ્થા ઊભી કર્યા વિના તેમને ફક્ત એક 'વિશેષ જરૂરિયાતો' વાળી વ્યક્તિ તરીકેના ચોકઠામાં બેસાડી દઈએ એ કેટલે અંશે વ્યાજબી છે.
તેમની પણ જરૂરિયાતો અને ઈચ્છાઓ હોય છે. આપણે સક્ષમ શરીરવાળા લોકો એકાદ મિનિટ માટે જ બહાર ન નીકળી શકીએ તો પણ આપણે હતાશ થઈ જઈએ છીએ. વિશેષ જરૂરિયાતવાળી વ્યક્તિ પણ એવું કેમ ન અનુભવી શકે? શું એ વ્યક્તિને મનોરંજનની જરૂર નથી? શું એ વ્યક્તિ શિક્ષણની, શારીરિક સંબંધોની પ્રેમની ઝંખના રાખી ન શકે? આપણે તેમની નોંધ લેતા નથી; આપણે તેમને જાણવાનો પ્રયત્ન કરતા નથી. કોઈપણ કલાકૃતિ વિકલાંગતા ધરાવતા લોકોને રજૂ કરતી નથી. મુખ્યપ્રવાહના કોઈપણ પ્રસાર માધ્યમો તેમને દર્શાવતા નથી. આપણે સમાજને કેવી રીતે યાદ અપાવી શકીએ કે તેઓ પણ અસ્તિત્વ ધરાવે છે અને તેમની પણ જરૂરિયાતો હોય છે?
હવે તમે [પલની કુમાર] છ વર્ષથી વધુ સમયથી સફાઈ કામદારો સાથે કામ કરી રહ્યા છો. શા માટે? કારણ કે જ્યારે આપણે કોઈ એક વિષય સાથે ફરી ફરીને જોડાઈએ ત્યારે જ લોકોને તેના વિશે જાણ થાય છે. આપણે દરેક વસ્તુ - ડાઘ, લોક કલા, વિકલાંગતા ધરાવતા લોકો - ના અસ્તિત્વનું દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે. આપણું દરેક કામ સમાજને મદદરૂપ થવું જોઈએ. હું કલાને સપોર્ટ સિસ્ટમ તરીકે જોઉં છું. કલા એ લોકો સાથે શું બને છે તેની વાત કરવાનું એક માધ્યમ છે. શા માટે વિકલાંગતા ધરાવતા બાળકની ચિત્ર ન દોરવું જોઈએ? શા માટે એ બાળકને હસતું ન બતાવવું? શું એ જરૂરી છે કે આવું બાળક હંમેશા ઉદાસ અને દુઃખી જ દેખાય?
અનીતા અમ્માને દર્શાવતા મારા કામની વાત કરું તો, અમે એ કામ કરતા હતા, ત્યારે તેઓ એ પ્રોજેક્ટ ચાલુ રાખી શક્યા નહોતા કારણ કે તેમાં નહોતી કોઈ નાણાકીય મદદ કે નહોતો કોઈ ભાવનાત્મક ટેકો. તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અહીં આપણે આ વિષય અંગે જાગૃતિ લાવવાની જરૂર છે તો જ આપણે ભંડોળ એકઠું કરી શકીશું. આપણે આવું કરીશું ત્યારે આપણે એ લોકોને થોડીઘણી નાણાકીય મદદ કરી શકીશું. ભાવનાત્મક ટેકો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. હું મારી કલાનો ઉપયોગ તેમને માટે કરવા માગું છું.
હું બ્લેક એન્ડ વ્હાઇટ માધ્યમ પસંદ કરું છું કારણ કે એ માધ્યમ મને મારી મરજી મુજબ લોકોને રજૂ કરવા દે છે, અને તે એ ચિત્ર જોનારને ફક્ત એ જ વસ્તુ જોવા દે છે (જે મારે બતાવવી છે). તેમાં એ ચિત્ર જોનારનું ધ્યાન મૂળ વિષયવસ્તુથી દૂર - બીજે દોરે એવું કશું હોતું નથી. આ માધ્યમ દ્વારા આપણે એ [વિષયવસ્તુ અને વ્યક્તિઓ] ને અને તેમના ભાવવિશ્વને તેના ખરા રૂપમાં રજૂ કરી શકીએ છીએ.
મારી મનપસંદ કલાકૃતિ છે અનિતા અમ્માનું ચિત્ર. અનિતા અમ્માના પોટ્રેટ પર મેં મન દઈને કામ કર્યું; અને તેમના પ્રત્યે મને ઊંડી લાગણી છે. જ્યારે મેં એ પોટ્રેટ પર કામ કર્યું ત્યારે મારા સ્તન દુખતા હતા. તેની મારા પર ઊંડી અસર થઈ હતી.
હજી આજે પણ સેપ્ટિક-ટેન્ક મૃત્યુ હજી થાય છે, જીવન અને પરિવારોને સતત અસર કરતા રહે છે. આ અંગે કોઈ જાગૃતિ નથી. ચોક્કસ જાતિના લોકોને તેમની ઇચ્છા વિરુદ્ધ આ કામ કરવાની [હાથેથી મેલું ઉપાડવાની] ફરજ પાડવામાં આવે છે. તેઓ આ કામ કરે છે અને તેમનું સ્વાભિમાન ગુમાવે છે. તેમ છતાં સમાજ તેમને હલકાં ગણે છે. સરકાર તેમના માટે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરતી નથી. તેમના જીવનની કોઈ કિંમત નથી.
"એક સમકાલીન કલાકાર તરીકે મારી કલા મારી આસપાસના સમાજ અને તેમાં રહેલી સમસ્યાઓને પ્રતિબિંબિત કરે છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક