“એ બેટી તની એક ખોદા ચિન્હા લે લે.
મરતો જીતો મે સાથ હોએલા…
જૈસન આએલ હૈ તૈસન અકેલે ન જા…

[ઓ દીકરી, એક છૂદણું લઈ લે...
જીવતા કે મરતા રહેશે સાથે
તું એકલી છો આવી, એકલી નહીં રહે...]"

રાજપતિ દેવી ઉપરનું ગીત ગાતા ગાતા માંડર બ્લોકના ગામડાઓમાં ઘેર-ઘેર ફરે છે. તેમના ખભે પ્લાસ્ટિકનો એક કોથળો લટકાવેલો છે અને તેઓ થોડા વાસણો અને સોયનો એક ડબ્બો તેમની સાથે લઈને ફરે છે. રાજપતિ એક ગોદના (ટેટૂ) કલાકાર છે, અને તેઓ ફી લઈને શાહી વડે ફૂલો, ચંદ્ર, વીંછી અને ટપકાંના ટેટૂ કરી આપે છે. 45 વર્ષના રાજપતિ હજી પણ ગામડે ગામડે જઈને આ પ્રાચીન કળાને જીવંત રાખતા છેલ્લા કેટલાક મહિલા કલાકારોમાં સામેલ છે.

પાંચમી પેઢીના ટેટૂ કલાકાર રાજપતિ કહે છે, “માઈ સંગે જાત રહી તા દેખત રહી ઉહાન ગોદત રહન, તા હમહુ દેખા-દેખી સિખત રહી. કરતે કરતે હમહુ સીખ ગઈલી, [હું મારી માતા સાથે જતી અને તેને ગોદના બનાવતા જોતી. એમ કરતા કરતા જોઈ-જોઈને હું પણ શીખી ગઈ]."

ગોદના એ (ઝારખંડ રાજ્યમાં બીજા પછાત વર્ગો (અધર બેકવર્ડ ક્લાસીસ) તરીકે સૂચિબદ્ધ) મલાર સમુદાયમાં પેઢીઓથી ચાલી આવતી સદીઓ જૂની લોક કલા છે, રાજપતિ મલાર સમુદાયમાંથી આવે છે. શરીરના વિવિધ ભાગો પર શાહી વડે ડિઝાઈન બનાવવામાં આવે છે, વિવિધ પ્રદેશો અને સમુદાયોમાં અલગ-અલગ ચિહ્નો અને અર્થો હોય છે. પુરૂષો કરતાં વધુ મહિલાઓ ગોદના કરાવવાનું પસંદ કરે છે.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: પતિ શિવનાથ મલાર, દીકરા સોનુ અને પૌત્ર અતુલ સાથે પોતાના ઘર આગળ બેઠેલા રાજપતિ. જમણે: રાજપતિ પોતાના હાથ પરના બે ટેટૂ બતાવે છે - પોથી (ઉપર) અને ડંકા ફૂલ (નીચે)

બપોરના ત્રણ વાગ્યા છે અને રાજપતિ ઝારખંડના રાંચી જિલ્લાના ગામડાઓમાં થઈને ચાલતા ચાલતા છ કલાકથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યા છે, તેઓ માંડરની સીમમાં આવેલ મલાર સમુદાયની એક નાની વસાહત, ખડગે બસ્તીમાં તેમના બે ઓરડાવાળા કાચા મકાનમાં પાછા ફરે છે. કેટલાક દિવસોએ તેઓ 30 કિલોમીટર જેટલું અંતર કાપે છે, તેઓ બંને પોતે ઘેર બનાવેલા વાસણો વેચે છે અને લોકોને ગોદના કરાવવાનો આગ્રહ કરે છે.

આ વાસણો તેમના પતિ, 50 વર્ષના શિવનાથ, ડોકરા નામની પરંપરાગત ધાતુકામની તકનિકનો ઉપયોગ કરીને બનાવે છે. મુખ્યત્વે ઘરના પુરૂષો - તેમના દીકરા અને પતિ - એલ્યુમિનિયમ અને પિત્તળની વસ્તુઓ બનાવે છે, જો કે ઘરની દરેકેદરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે તેમાં મદદ કરે છે. મહિલાઓ, રાજપતિ, તેમની દીકરી અને દીકરાઓની પત્નીઓ બીજા કામો કરવાની સાથે સાથે બીબા બનાવે છે અને તેને તડકામાં સૂકવે છે. તેઓ - કેરોસીનના દીવા, પૂજામાં વપરાતા વાસણો, ઢોરની ઘંટડી અને માપવાના પાત્રો વિગેરે જેવી - રોજિંદી જરૂરરિયાતની વસ્તુઓ બનાવે છે.

નાગપુરી ભાષામાં જેને પઈલા કહે છે તે હાથમાં પકડીને રાજપતિ કહે છે, "આ નાનું 150 રુપિયામાં વેચાય છે." તેઓ ઉમેરે છે, "એ ચોખા માપવા માટે છે; તમે એમાં ચોખા ભરો તો એનું વજન બરાબર પા કિલો થશે." તેઓ કહે છે કે આ પ્રદેશમાં પઈલાને શુભ/શુકનિયાળ માનવામાં આવે છે, એ ઘરમાં ખોરાકની અછતને અટકાવતું હોવાનું મનાય છે.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: શિવનાથ ડોકરા નામની પરંપરાગત મેટલ-વર્કિંગ ટેકનિકનો ઉપયોગ કરીને વાસણો બનાવે છે. જમણે: તેમના ઘરની બહાર એક વર્કશોપ જ્યાં તેઓ વાસણો બનાવે છે

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: રાજપતિ જ્યારે રાંચી જિલ્લાના માંડર બ્લોકમાં એક ગામથી બીજે ગામ મુસાફરી કરે છે ત્યારે તેઓ વાસણો વેચે છે. જમણે: ચોખા માપવા માટે વપરાતું પઈલા બતાવતા છિપડોહર ગામના રહેવાસી ગોહમનિ દેવી

*****

અમને એક નાનો પીળો ડબ્બો બતાવતા આ ટેટૂ કલાકાર કહે છે, "આમાં સોયો છે અને આમાં જર્જરી કાજર [કાજળ] છે."

પ્લાસ્ટિકની થેલીમાંથી કાગળની એક શીટ બહાર ખેંચીને રાજપતિ તેઓ જે ડિઝાઈન બનાવે છે તે બતાવે છે.

પોતાના હાથ પર બનાવેલી એક કૂંડામાં ખીલેલા ફૂલ જેવી દેખાતી ડિઝાઈન બતાવતા રાજપતિ કહે છે, “ઈસકો પોથી કહેતે હૈ, ઔર ઈસકો ડંકા ફૂલ [આને પોથી કહેવાય છે, અને આને ડંકા ફૂલ કહેવાય છે]” અર્ધચંદ્રાકાર આકારની ડિઝાઈન બતાવતા રાજપતિ ઉમેરે છે, “ઈસકો હસુલી કહેતે હૈ, યે ગલે મેં બનતા હૈ [આને હસુલી કહે છે, તે ડોકની આસપાસ બનાવવામાં આવે છે]."

રાજપતિ સામાન્ય રીતે શરીરના પાંચ ભાગો - હાથ, પગ, પગની ઘૂંટી, ડોક અને કપાળ પર ટેટૂ કરી આપે છે. અને દરેક માટે એક ખાસ ડિઝાઈન હોય છે. હાથ પર સામાન્ય રીતે ફૂલો, પક્ષીઓ અને માછલીઓ હોય છે, જ્યારે ડોક પર વાંકી રેખાઓ અને ટપકાંઓ સાથેની ગોળાકાર રચના હોય છે. કપાળ પરનું ટેટૂ દરેક આદિજાતિનું પોતાનું અનોખું હોય છે.

રાજપતિ સમજાવે છે, “વિવિધ આદિવાસી જૂથોમાં અલગ અલગ ટેટૂ પરંપરાઓ હોય છે. ઉરાંઓ સમુદાય મહાદેવ જટ્ટ [સ્થાનિક ફૂલ] અને બીજાં ફૂલોના; ખડિયા સમુદાય ત્રણ સીધી રેખાઓના અને મુંડા સમુદાય ટપકાંના ગોદના બનાવડાવે છે." અને ઉમેરે છે કે ભૂતકાળમાં લોકોના કપાળ પરના ટેટૂ દ્વારા તેમને ઓળખવાનું સામાન્ય હતું.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: રાજપતિ સામાન્ય રીતે શરીરના પાંચ ભાગો - હાથ, પગ, પગની ઘૂંટી, ડોક અને કપાળ પર ટેટૂ કરી આપે છે. દરેક ભાગ માટે એક ખાસ ડિઝાઈન હોય છે. કપાળ પરનું ટેટૂ દરેક આદિજાતિનું પોતાનું અનોખું હોય છે. જમણે: મોહરી દેવી સાથે રાજપતિ દેવી, મોહરી દેવી પણ એક ગોદના કલાકાર છે

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: સુનિતા દેવી ની હથેળીની પાછલી બાજુ પર સ્થાનિક રીતે મહાદેવ જટ્ટ તરીકે ઓળખાતા ફૂલનું ટેટૂ છે. જમણે: તેમના પગ પર સુપલી (અનાજમાંથી કુશકી કાઢવા માટેના વાંસના સૂપડા) ના ટેટૂ છે, જે તેમના દલિત સમુદાયમાં શુદ્ધતાનું પ્રતીક છે, અને એ તેમને ઉચ્ચ જાતિના જમીનદારોના ખેતરોમાં કામ કરવાની મંજૂરી આપે છે

સુનિતા દેવીના પગ પર સુપલી (અનાજમાંથી કુશકી કાઢવા માટેના વાંસના સૂપડા) નું ટેટૂ છે. પલામુ જિલ્લાના ચેચેરિયા ગામના રહેવાસી 49 વર્ષના સુનિતા દેવી કહે છે કે તેમનું ટેટૂ શુદ્ધતાનું પ્રતીક છે. દલિત સમુદાયના આ ગણોતિયા કહે છે, “પહેલાના સમયમાં અમારી પાસે આ ટેટૂ ન હોય તો અમે ખેતરોમાં કામ કરી શકતા નહોતા. અમને અશુદ્ધ ગણવામાં આવતા હતા, પરંતુ ટેટૂ કરાવ્યા પછી અમે શુદ્ધ થઈ ગયા."

પં. રવિશંકર શુક્લ યુનિવર્સિટી, રાયપુરના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના (ડિપાર્મેન્ટ ઓફ એન્શિયન્ટ ઈન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર એન્ડ આર્કિયોલોજી) સંશોધન વિદ્વાન (રિસર્ચ સ્કોલર) અંસુ તિર્કી સમજાવે છે, "ગોદના કલાની ઉત્પત્તિ નીઓલિથિક સમયગાળાના ગુફા ચિત્રોમાં જોઈ શકાય છે. આ કલા ગુફાઓમાંથી ઘરોમાં અને શરીરો પર સ્થાનાંતરિત થઈ હતી."

ગોહમનિ દેવી જેવા ઘણા માને છે કે ગોદનામાં ઉપચારાત્મક શક્તિ પણ છે. 65 વર્ષના ગોહમનિ ઝારખંડના લાતેહાર જિલ્લાના છિપડોહર ગામના રહેવાસી છે. તેઓ પાંચ દાયકાથી વધુ સમયથી ગોદના કલા સાથે સંકળાયેલા છે અને તેઓ તેમના જહર ગોદના (ઝેરી ટેટૂ) માટે જાણીતા છે, જે બિમારીઓના ઈલાજ કરતા હોવાનું કહેવાય છે.

પોતાની માતાએ કરેલા ટેટૂ દ્વારા રૂઝાયેલા પોતાના ગોઇટર તરફ ઇશારો કરતા તેઓ ગર્વપૂર્વક કહે છે, "મેં ગોદના દ્વારા હજારો લોકોના ગોઇટરનો ઇલાજ કર્યો છે."  છત્તીસગઢ, બિહાર અને બંગાળ જેવા બીજા રાજ્યોમાંથી લોકો તેમની પાસે ઈલાજ કરાવવા આવે છે.

ગોઇટર ઉપરાંત ગોહમનિએ ગોદના દ્વારા ઘૂંટણના દુખાવા, માઇગ્રેન અને બીજા ફરી ફરી થતા દુખાવાની સારવાર કરી હતી. જો કે તેમને ડર છે કે આ કળા ટૂંક સમયમાં અદૃશ્ય થઈ જશે. ગોહમનિ કહે છે, “હવે ખાસ કોઈ ટેટૂ કરાવતું નથી; અમે ગામડાઓમાં જઈએ છીએ ત્યાં કોઈ કમાણી નથી [...] અમારા પછી હવે કોઈ આ કરશે નહીં."

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: ગોહમનિ દેવી પોતાના ઘરની બહાર ગોદના માટે વપરાતી સોયો અને શાહીના ડબ્બા સાથે. જમણે: ગોહમનિ પોતાના કાંડા પર ટીપા ખોદા (ઉપર) અને પોથીનું ટેટૂ બતાવે છે

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: બિહારી મલાર ગોહમનિના દીકરા છે અને પેટનો દુખાવો મટાડવા માટે તેમણે પોતાની માતા પાસે જહર ગોદના કરાવ્યા હતા. જમણે: પોતાના પગ પરના જહર ગોદના બતાવતા ગોહમનિના પતિ. આ પ્રદેશના ઘણા લોકો ટેટૂમાં ઉપચારાત્મક શક્તિ હોવાનું માને છે

*****

ટેટૂ બનાવવા માટે ગોદના કલાકારને લલકોરી કે દૂધ (સ્તનપાન કરાવતી માતાનું દૂધ), કાજર (કાજળ), હળદર અને સરસવના તેલની જરૂર પડે છે. પિત્તળની સોયની મદદથી ગોદના બનાવવામાં આવે છે, તેને પિતરમુહી સુઇ કહેવાય છે, તેની ટોચ પિત્તળની હોય છે, તેને કાટ લાગતો નથી અને તે ચેપનું જોખમ ઘટાડે છે. રાજપતિ કહે છે, “અમે અમારું પોતાનું કાજળ બનાવતા હતા, પરંતુ હવે અમે એ ખરીદીએ છીએ."

ટેટૂની ડિઝાઈનના આધારે તેને બનાવવામાં સાવ ઓછી - બેથી માંડીને અગિયાર જેટલી વધારે સોયની જરૂર પડી શકે છે. સૌથી પહેલા ગોદના કલાકાર દૂધ અને કાજળમાં થોડું સરસવનું તેલ ઉમેરીને તેની પેસ્ટ બનાવે છે. પછી પેન અથવા પેન્સિલ વડે ડિઝાઈનની રૂપરેખા બનાવવામાં આવે છે. ડિઝાઈનને આધારે સોય પસંદ કરવામાં આવે છે - બારીક પેટર્ન માટે બે કે ત્રણ સોય અને જાડી કિનાર માટે પાંચ કે સાત સોય. રાજપતિ ચીડવતા હોય એ રીતે કહે છે, “અમારા ગોદનામાં બહુ પીડા થતી નથી."

રાજપતિ કહે છે કે ટેટૂના કદના આધારે એ બનાવવામાં "નાના માટે થોડી મિનિટો લાગે છે તો મોટા માટે કલાકો પણ લાગી શકે છે." ટેટૂ બનાવ્યા પછી પહેલા તેને ગાયના છાણથી અને પછી હળદરથી ધોવામાં આવે છે. ગાયનું છાણ અનિષ્ટને દૂર રાખતું હોવાનું મનાય છે અને પછી ચેપ ન લાગે એ માટે હળદર અને સરસવનું તેલ લગાવવામાં આવે છે.

રાજપતિ કહે છે, "પહેલાના વખતમાં ગોદના કરાવતી વખતે મહિલાઓ ગાતી હતી પરંતુ હવે કોઈ ગાતું નથી." તેઓ ગોદના માટે છત્તીસગઢ અને ઓડિશા પણ ગયા છે.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: ટેટૂ બનાવવા માટે ગોદના કલાકારને લલકોરી કે દૂધ (સ્તનપાન કરાવતી માતાનું દૂધ), કાજર (કાજળ), હળદર અને સરસવના તેલની જરૂર પડે છે. પિતરમુહી સુઇ નામની પિત્તળની સોયનો ઉપયોગ કરીને ટેટૂ બનાવવામાં આવે છે, તેને કાટ લાગતો નથી અને તે ચેપનું જોખમ ઘટાડતી હોવાનું મનાય છે. જમણે: ગોદના માટે વપરાતી મુખ્ય શાહી, જર્જરી કાજળનો ડબ્બો

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: ચિંતા દેવીના હાથ પર ટીપા ખોદાનું ટેટૂ છે, જે ત્રણ ઘટકોનું બનેલું છે: બિંદુ, સીધી રેખા અને વાંકી રેખા. જમણે: પોતાના હાથ પરનું ટેટૂ બતાવતા ચિંતા દેવીના મિત્ર ચંડી દેવી, આ ટેટૂ એક પરિણીત મહિલાનું નિશાન છે

રાજપતિ પોતાના કાંડા પરના ગોદના તરફ ઈશારો કરીને કહે છે, "આ ત્રણ ટપકાંવાળું ટેટૂ બનાવડાવવાના 150 રુપિયા થાય અને આ ફૂલની પેટર્નના 500." તેઓ કહે છે, "ક્યારેક અમને પૈસા મળે છે, તો ક્યારેક લોકો બદલામાં ચોખા, તેલ અને શાકભાજી અથવા સાડી આપે છે."

આધુનિક ટેટૂ મશીનોએ પરંપરાગત ગોદના કલાકારોની કમાણીને ખાસ્સી અસર પહોંચાડી છે. રાજપતિ કહે છે, “હવે બહુ ઓછા લોકો ગોદના કરાવે છે." અને તેઓ ઉમેરે છે, “છોકરીઓ હવે મશીનથી બનાવેલા ટેટૂને પસંદ કરે છે. તેઓ તેમના ફોન પર ડિઝાઈનો બતાવે છે અને એ કરી આપવાનું કહે છે."

રાજપતિ ઉમેરે છે કે લોકો હવે પહેલાની જેમ તેમના આખા શરીર પર ગોદના કરાવતા નથી, "હવે તેઓ એક નાનકડું ફૂલ અથવા વીંછી કરાવે છે."

આ કળામાંથી થતી કમાણી પરિવારના ગુજરાન માટે પૂરતી નથી અને તેઓ મોટાભાગે વાસણોના વેચાણ પર આધાર રાખે છે. આ આવકનો એક મોટો હિસ્સો તેઓ રાંચીના વાર્ષિક મેળામાં જે કંઈ વેચી શકે તેમાંથી આવે છે. રાજપતિ કહે છે, “અમે મેળામાં લગભગ 40-50 હજાર [રુપિયા] કમાઈએ છીએ ત્યારે સારી કમાણી થઈ જેવું લાગે છે. નહીંતર તો દિવસના માત્ર 100-200 રુપિયા જ મળે છે."

તેઓ આગળ કહે છે, "ટેટૂ શુકનિયાળ છે. તે એકમાત્ર વસ્તુ છે જે મૃત્યુ પછી શરીરની સાથે રહે છે. બાકીનું બધું પાછળ રહી જાય છે.”

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) તરફથી પ્રાપ્ત થયેલ ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ashwini Kumar Shukla

அஷ்வினி குமார் ஷுக்லா ஜார்க்கண்டை சேர்ந்த ஒரு சுயாதீன பத்திரிகையாளரும் புது தில்லியில் இருக்கும் வெகுஜன தொடர்புக்கான இந்திய கல்வி நிறுவனத்தின் பட்டதாரியும் (2018-2019) ஆவார். பாரி- MMF மானியப் பணியாளராக 2023ம் ஆண்டில் இருந்தவர்.

Other stories by Ashwini Kumar Shukla
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik