સુશીલાનો પાંચ સભ્યોનો પરિવાર તેમના નાના ઘરના વરંડામાં બેઠો છે, અને સુશિલા તેમના ‘પગાર’ સાથે આવે તેની રાહ જુએ છે. તેઓ બે ઘરોમાં ઘરેલુ સહાયક તરીકે કામ કરીને 5,000 રૂપિયા કમાય છે. 45 વર્ષીય સુશીલા જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીના કાશી વિદ્યાપીઠ બ્લોકના અમારા ગામમાં આવેલા પોતાના ઘરે આવે છે ત્યારે બપોરે 2 વાગ્યા છે.
તેમનો 24 વર્ષનો પુત્ર વિનોદ કુમાર ભારતી કહે છે, “મમ્મી બે ઘરોમાં વાસણો સાફ ધોઈને અને લાદીની સાફસફાઈ કરીને 5,000 રૂપિયા કમાય છે. તેમને દર મહિનાની પહેલી તારીખે પગાર મળે છે, જે આજે છે. પપ્પા વાયરિંગ કરે છે, અને જે દિવસે કામ મળે તે દિવસે ઇલેક્ટ્રિશિયનને મદદ કરે છે. નહીંતર અમારા માટે સ્થિર આવકનો કોઈ સ્રોત નથી. હું મજૂર તરીકે કામ કરું છું. અમે સામૂહિક રીતે દર મહિને 10-12 હજાર રૂપિયા કમાઈએ છીએ. તો બજેટમાં 12 લાખ રૂપિયાની કર મુક્તિ મર્યાદા સાથે અમારે શું લેવાદેવા?”
“અમે થોડા વર્ષો પહેલાં સુધી મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005) હેઠળ કામ કરતાં હતાં. પરંતુ હવે તેઓ કહે છે કે કોઈ કામ ઉપલબ્ધ નથી.” સુશીલા અમને તેમનું કાર્ડ બતાવે છે જેમાં 2021 સુધીની એન્ટ્રીઓ છે, તે પછી બધુ ડિજિટલ થઈ ગયું હતું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકસભા મતવિસ્તાર છે.
સુશીલાના 50 વર્ષીય પતિ સત્રુ ઉમેરે છે કે છેલ્લાં બે વર્ષમાં તેમને મનરેગા યોજના હેઠળ ભાગ્યે જ 30 દિવસનું કામ મળ્યું હતું. તેઓ કહે છે, “જ્યારે અમે પ્રધાનને વધુ કામ માટે વિનંતી કરી, તો તેમણે અમને બ્લોક ઓફિસમાં જઈને તે માટે પૂછવાનું કહ્યું.”
અમરાચક ગામમાં આવેલ સુશીલાના ઘરમાં સત્રુના બે ભાઈઓના પરિવારો પણ રહે છે. કુલ મળીને આ છત નીચે 12 લોકોનો સંયુક્ત પરિવાર રહે છે.
તે ભાઈઓમાંથી એકનાં વિધવા 42 વર્ષીય પૂજા કહે છે, “હું હજુ પણ 2023ના મારા 35 દિવસના કામની ચૂકવણીની રાહ જોઈ રહી છું, જ્યારે મેં મનરેગા હેઠળ કામ કર્યું હતું.” તેઓ કહે છે, “મારા પતિનું ગયા મહિને અવસાન થયું છે, અને મારે ત્રણ નાના પુત્રો છે જેમને મારે કોઈ આર્થિક મદદ વિના મોટા કરવાના છે.” તેઓ નિષ્કર્ષ કાઢે છે, “શુકર હૈ આસપાસ કોલોની મેં ઘર કા કામ મિલ જાતા હૈ [સારું છે કે અહીં એક વસાહત છે જ્યાં મને ઘરેલું કામ મળી રહે છે]. વરના સરકાર કે ભરોસે તો હમ દો વક્ત કા ખાના ભી નહીં ખા પાતે [જો અમે સરકાર પર આધાર રાખતાં તો અમને દિવસમાં બે વખત ભોજન પણ મળત નહીં]”