કપડાં વણીને રજાઈ બનાવતાં મોર્જિના ખાતુન કહે છે, “ચૂંટણીનો દિવસ આ વિસ્તારમાં તહેવાર જેવો છે. જે લોકો કામ માટે અન્ય રાજ્યોમાં ગયા હોય છે, તેઓ પણ મત આપવા ઘરે પાછા આવે છે.”

તેઓ ધુબરી લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા રૂપાકુસી ગામમાં રહે છે, જ્યાં 7 મે, 2024ના રોજ મતદાન થયું હતું.

પરંતુ 48 વર્ષીય મોર્જિનાએ મત આપ્યો ન હતો. “મેં તે દિવસની અવગણના કરી હતી. લોકોથી બચવા માટે હું ઘરની અંદર છુપાઈ જાઉં છું.”

મોર્જિના મતદાર યાદીમાં શંકાસ્પદ મતદાર (ડી-મતદાર) તરીકે સૂચિબદ્ધ છે — મતદારોની આ શ્રેણીના 99,942 લોકોમાંથી એક કે જેઓ કથિત રીતે તેમની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે વિશ્વસનીય પુરાવા પ્રદાન કરવામાં અસમર્થ રહ્યાં છે. આમાંના મોટાભાગના લોકો બંગાળી-ભાષી હિંદુઓ અને આસામના મુસલમાનો છે.

આસામ, શંકાસ્પદ મતદારો ધરાવતું એકમાત્ર ભારતીય રાજ્ય છે, જ્યાં બાંગ્લાદેશથી થતું કથિત ગેરકાયદેસર સ્થળાંતર એ ચૂંટણીના રાજકારણમાં મુખ્ય મુદ્દો હોય છે. ભારતના ચૂંટણી પંચે 1997માં ડી-મતદાર (શંકાસ્પદ મતદાર) પ્રણાલીની રજૂઆત કરી હતી, તે જ વર્ષે મોર્જિનાએ મતદાર યાદીમાં સામેલ કરવા માટે પ્રથમ વખત તેમનું નામ દાખલ કરવા માટે પ્રક્રિયા કરી હતી. મોર્જિના કહે છે, “તે સમયે, શાળાના શિક્ષકો મતદાર યાદીમાં લોકોના નામનો સમાવેશ કરવા માટે ઘેર ઘેર મુલાકાત લેતા હતા. મેં પણ મારું નામ આપ્યું હતું. પરંતુ જ્યારે હું આગામી ચૂંટણી દરમિયાન મતદાન કરવા ગઈ, ત્યારે મને મતદાન કરવા ન મળ્યું. તેઓએ કહ્યું કે હું શંકાસ્પદ મતદાર છું.”

PHOTO • Mahibul Hoque

મોર્જિના ખાતુન (ડાબે) આસામના રૂપાકુસી ગામમાં એક વણાટ જૂથનો એક ભાગ છે અને સામાન્ય રીતે સ્થાનિક રીતે ખેતા તરીકે ઓળખાતી પરંપરાગત રજાઈઓનું વણાટકામ કરે છે. તેઓ આ પ્રકારના ટાંકાવાળું તેમના દ્વારા ડિઝાઇન કરેલું ઓશીકાનું કવર પકડીને ઊભાં છે

અમે તેમના ઘરે જઈ રહ્યા છીએ ત્યારે મોર્જિના રસ્તામાં કહે છે કે, 2018-19માં, આસામના ઘણા શંકાસ્પદ મતદારોને ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં ગેરકાયદેસર વસાહતી જાહેર કરાયા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આવું ત્યારે થયું જ્યારે મોર્જિનાએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે શા માટે તેઓ શંકાસ્પદ મતદાર તરીકે સૂચિબદ્ધ કરાયાં છે. તેમના કાચા ઘરના આંગણામાં બેસીને દસ્તાવેજો શોધતાં કહે છે, “મેં ત્રણ વકીલોને કોવિડ-19 લોકડાઉન પહેલાં આશરે 10,000 રૂપિયા ચૂકવીને રાખ્યા હતા. તેઓએ મંડિયામાં આવેલી સર્કલ ઑફિસમાં અને બારપેટામાં આવેલી ટ્રિબ્યુનલમાં દસ્તાવેજોની ખરાઈ કરાવી, પરંતુ મારા નામે કંઈ તેમને મળ્યું નહીં.”

મોર્જિના એક ગણોતિયાં (ભાડૂત ખેડૂતો) છે − તેમણે અને તેમના પતિ હાશિમ અલીએ બે વીઘા (0.66 એકર) બિનપિયત જમીન 8,000 રૂપિયામાં ભાડે રાખી છે. તેઓ આમાં પોતાના વપરાશ માટે ડાંગર અને રીંગણ, મરચું, અને કાકડી જેવી શાકભાજી ઉગાડે છે.

તેમનું પૅન કાર્ડ અને આધાર કાર્ડ કાઢીને તેઓ કહે છે, “શું મારાથી કોઈપણ કારણ વગર જ આપખુદ રીતે મારો મતાધિકાર છીનવીને મને પરેશાન કરવામાં નથી આવી રહી?” તેમના જન્મજાત પરિવારના તમામ સભ્યો પાસે માન્ય મતદાર ઓળખપત્ર છે. 1965ની મતદાર યાદીની પ્રમાણિત નકલમાં મોર્જિનાના પિતા નચીમ ઉદ્દીનને બારપેટા જિલ્લાના મરીચા ગામના રહેવાસી તરીકે દર્શાવ્યા છે. મોર્જિના કહે છે, “મારા માતાપિતામાંથી કોઈને બાંગ્લાદેશ સાથે કોઈ સંબંધ નથી.”

પરંતુ મોર્જિનાને મત આપવાના તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવો જ ફક્ત સમસ્યા નથી, તેમને બીજી પણ ચિંતાઓ છે.

મોર્જિના નીચા અવાજે કહે છે, “મને ડર હતો કે તેઓ મને અટકાયત કેન્દ્રમાં મૂકી દેશે. મેં વિચાર્યું કે હું મારા બાળકો વિના કેવી રીતે જીવીશ, જેઓ તે સમયે ખૂબ જ નાના હતા. મને આપઘાત કરવાના વિચારો આવતા હતા.”

PHOTO • Mahibul Hoque
PHOTO • Kazi Sharowar Hussain

ડાબે: મોર્જિના અને તેમના પતિ હાશિમ અલી ગણોતિયાં (ભાડૂત ખેડૂતો) છે. મોર્જિના મતદાર યાદીમાં શંકાસ્પદ મતદાર તરીકે સૂચિબદ્ધ છે , જો કે તેમના જન્મજાત પરિવારના અન્ય સભ્યો પાસે માન્ય મતદાર ઓળખ કાર્ડ છે. પરંતુ તેમના પોતાના માન્ય મતદાર ઓળખપત્ર વિના , મોર્જિનાને તેમના પોતાના ભવિષ્ય અને તેમના બાળકોના ભવિષ્યની ચિંતા થયા કરે છે. જમણે: મોર્જિનાને ચૌલખોવા નદીકાંઠાના ગામમાં આવેલા ઈનુવારા ખાતુનના (જમણેથી પહેલાં) ઘરે ભેગા થતા તેમના વણાટ જૂથ દ્વારા સાંત્વના મળે છે

વણાટ જૂથનો ભાગ હોવાને કારણે અને અન્ય મહિલાઓનો સાથ હોવાથી મોર્જિના સહાય થઈ છે. કોવિડ-19ના લોકડાઉન વખતે તેમણે આ વણાટ જૂથ વિશે સૌપ્રથમવાર સાંભળ્યું હતું. વણાટ જૂથની સ્થાપના બરપેટા સ્થિત સંસ્થા, અમરા પરી દ્વારા કરવામાં આવી હતી, જેઓ ગામમાં રાહતનું વિતરણ કરવા આવ્યાં હતાં. મોર્જિના કહે છે, “બાઇડેઉ [બાઈસાહેબ] એ થોડી સ્ત્રીઓને ખેતા [રજાઈ] વણવાનું શરૂ કરવા કહ્યું હતું.” મહિલાઓએ બહાર નીકળ્યા વિના કમાણી કરવાની શક્યતા જોઈ. તેઓ કહે છે, “હું પહેલેથી જ જાણતી હતી કે રજાઈ કેવી રીતે વણવી, તેથી હું સરળતાથી તેમાં ભળી શકી.”

રજાઈ વણવામાં તેમને લગભગ ત્રણથી પાંચ દિવસ લાગે છે અને પ્રત્યેક રજાઈના વેચાણથી તેમને લગભગ 400-500 રૂપિયા કમાણી થાય છે.

પારીએ રૂપાકુસીમાં ઇનુવારા ખાતુનના ઘરે મોર્જિના અને આશરે 10 મહિલાઓની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેઓ આ પરંપરાગત રજાઈઓ વણવા માટે ભેગાં થાય છે, જેને સ્થાનિક રીતે ખેતા તરીકે ઓળખવામાં આવે છે.

જૂથની અન્ય મહિલાઓ અને તેમની મુલાકાત લેનાર માનવાધિકાર કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને, મોર્જિના પોતાનો થોડો આત્મવિશ્વાસ પાછો મેળવી શક્યાં હતાં. “હું ખેતરોમાં કામ કરું છું અને ખેતા વણું છું અથવા ભરતકામ કરું છું. દિવસ દરમિયાન, હું બધું ભૂલી જાઉં છું. પરંતુ મને હજુ પણ રાત્રે તણાવ રહે છે.”

તેઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને પણ ચિંતિત છે. મોર્જિના અને તેમના પતિ હાશિમ અલીને ચાર બાળકો છે — ત્રણ દીકરીઓ અને એક દીકરો. મોટી બે દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે, પણ નાના ભાઈ-બહેન હજુ શાળામાં ભણે છે. અને તેઓ પહેલેથી જ તેમને નોકરી ન મળવા બાબતે ચિંતિત છે. મોર્જિના કહે છે, “ક્યારેક મારા બાળકો કહે છે કે તેઓ ભણે તો છે, પણ તેઓને મારા નાગરિકતાના દસ્તાવેજો વિના [સરકારી] નોકરી મળી શકશે નહીં.”

મોર્જિના તેના જીવન કાળમાં ઓછામાં ઓછું એક વાર મતદાન કરવા માંગે છે. તેઓ ઉમેરે છે, “આનાથી મારી નાગરિકતા પુરવાર થઈ જશે અને મારાં બાળકો ગમે તેવી નોકરી કરવા સક્ષમ બની શે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Mahibul Hoque

மஹிபுல் ஹோக், அசாமை சேர்ந்த ஒரு பல்லூடக பத்திரிகையாளரும் ஆய்வாளரும் ஆவார். 2023ம் ஆண்டின் PARI-MMF மானியப் பணியாளர்.

Other stories by Mahibul Hoque
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad