એક તરફ મુંબઈનો ખૂણેખૂણો મેટ્રો અને એક્સપ્રેસવે દ્વારા એકબીજા સાથે જોડાય છે ત્યારે બીજી તરફ દામુ નગરના રહેવાસીઓને ઘરથી પાંચ મિનિટ દૂર સુધી જવા માટે પચાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમને જવું હોય છે પોતાના ઘરથી પેલા મેદાન સુધી, જ્યાં હજી આજે પણ તેમને ખુલ્લામાં શૌચક્રિયા કર્યા વિના છૂટકો નથી. રહેવાસીઓના જણાવ્યા મુજબ એ મેદાન સુધી પહોંચવા માટે તેઓએ એક ફૂટની દીવાલ ઓળંગ્યા પછી કચરાના ઢગલામાંથી પસાર થવું પડે છે,  જેમાંથી મળની તીવ્ર દુર્ગંધ હવામાં ફેલાતી રહે છે. એ સૂકા ઘાસવાળું એક ખુલ્લું મેદાન છે, અને અહીંના થોડા વૃક્ષો કદાચ થોડી ગોપનીયતા માટે થોડો છાંયો પૂરો પાડતા હશે?

ખરું પૂછો તો ના. લાંબા સમયથી દામુ નગરમાં રહેતા 51 વર્ષના મીરા યેડે કહે છે, "અહીં ગોપનીયતા જેવી કોઈ વસ્તુ જ નથી. જો અમે મહિલાઓ કોઈના પગલાનો અવાજ સાંભળીએ, તો અમારે ઊભા થઈ જવું પડે છે." સમય જતાં ધીમે ધીમે આ મેદાન મહિલાઓ અને પુરુષોને ઉપયોગ કરવા માટે અનુક્રમે ડાબા અને જમણા એમ બે કાલ્પનિક વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પરંતુ મીરા કહે છે, "એ બે વિભાગો વચ્ચે ખૂબ જ ઓછું અંતર છે: માંડ થોડા મીટર દૂર. આમ પણ એને માપ્યું છે કોણે?" બે વિભાગો વચ્ચે કોઈ ભૌતિક અવરોધ કે દીવાલ નથી.

દામુ નગરના રહેવાસીઓ, જેમાંના ઘણા પહેલી કે બીજી પેઢીના ગ્રામીણ સ્થળાંતરિતો છે, તેમને માટે, આ એક એવી સમસ્યા છે જે મુંબઈ ઉત્તર મતવિસ્તારના આ ભાગમાં કંઈ કેટલીય ચૂંટણીઓ આવી ને ગઈ છતાંય હજી હલ થઈ નથી. આ એક એવી સમસ્યા છે જે આજે ભારતમાં તેની 18મી લોકસભા માટે સંસદના 543 સભ્યોને ચૂંટવા તબક્કાવાર મતદાન થઈ રહ્યું છે ત્યારે પણ તેમને પરેશાન કરે છે.  મીરાના દીકરા પ્રકાશ યેડે કહે છે, "અને તેમ છતાં, આજે એવી એક વાર્તા ઉપજાવી કાઢવામાં આવી છે કે દેશમાં બધું જ સરસ છે." પ્રકાશ તેમના ઘરના દરવાજા પર અમારી સાથે વાત કરી રહ્યા છે. તેમના ઘરની છત પતરાની શીટની છે, જે ઘરની અંદરની ગરમીમાં કદાચ થોડીક ડિગ્રીનો વધારો કરે છે.

30 વર્ષના પ્રકાશ કહે છે, "દેશના આ ભાગોની વાસ્તવિક સમસ્યાઓ વિશે કોઈને વાત જ કરવી નથી." તેઓ ધ્યાન દોરે છે કે શૌચાલય, પાણી, વીજળીની પહોંચ ન હોવાને કારણે દામુ નગરના 11000 થી વધુ રહેવાસીઓને કેટકેટલી અગવડ અને કેટકેટલા જોખમોનો સામનો કરવો પડે છે. દામુ નગર, એક ઝૂંપડપટ્ટી, જેને વસ્તીગણતરીમાં ભીમ નગર તરીકે પણ નોંધવામાં અને ઓળખવામાં આવે છે, તેમાં ખખડી ગયેલી દીવાલો અને તાડપત્રી ને પતરાની છતવાળા 2300 થી વધુ ઘરો છે. આ ઘરો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક ટેકરી પર આવેલા છે. આ ઘરો સુધી પહોંચવા તમારે ગટરના વહેતા પાણીમાં પગ ન પડે તેનું ધ્યાન રાખીને સાંકડા, ઊંચાનીચા, ખડકાળ રસ્તાઓ પર ચડીને જવું પડે.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: દામુ નગરમાં તેમના ઘર આગળ પ્રકાશ યેડે. તેઓ અહીં તેમના માતા મીરા અને પિતા જ્ઞાનદેવ સાથે રહે છે. જમણે: દામુ નગર ઝૂંપડપટ્ટી જેને ભીમ નગર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં જવાનો દરવાજો

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: દામુ નગરના રહેવાસીઓ તેમના ઘરોમાં શૌચાલય ન હોવાથી ખુલ્લા મેદાનમાં શૌચ કરે છે. એ ખુલ્લા મેદાનમાં પહોંચવા માટે તેમને એક ફૂટની દીવાલ ઓળંગીને કચરાના ઢગલામાંથી પસાર થવું પડે છે. જમણે: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ (મહાનગરપાલિકાએ) આ વસાહતો 'ગેરકાયદેસર' હોવાનો દાવો આગળ ધરીને ઝૂંપડપટ્ટીમાં પાણી, વીજળી અને શૌચાલય જેવી પાયાની મ્યુનિસિપલ સેવાઓ પૂરી પાડી નથી

તેમ છતાં અગાઉની ચૂંટણીઓની જેમ અહીં જે પાયાની સુવિધાઓનો અભાવ છે એ સુવિધાઓ પૂરી પાડવાના ઠાલા વચનો આપવાથી આ વખતે અહીંના લોકોના મત નહીં મળે.

પ્રકાશ યેડે કહે છે, " મુદ્દો સમાચારોનો છે. સમાચારો આધારભૂત હોવા જોઈએ. અને પ્રસાર માધ્યમો અમારા જેવા લોકો વિશે સાચી વાત કહેતા નથી." તેઓ ખોટી માહિતી, બનાવટી અને પક્ષપાતી સમાચારો બાબતે બળાપો કાઢે છે. તેઓ કહે છે, "લોકો જે સાંભળશે અને જોશે તેના આધારે મત આપશે. અને તેઓ જે સાંભળે છે અને જુએ છે એ તો માત્ર વડાપ્રધાન મોદીના વખાણ, વખાણ ને વખાણ જ છે."

પ્રકાશ પોતે તેમની મોટાભાગની માહિતી જાહેરાત-મુક્ત અને સ્વતંત્ર પત્રકારત્વ પ્લેટફોર્મ પરથી મેળવે છે. તેઓ કહે છે, “અહીં મારી ઉંમરના ઘણા લોકો બેરોજગાર છે. તેઓ હાઉસકીપિંગ અને શારીરિક શ્રમના કામોમાં રોકાયેલા છે. 12 મું પાસ કરેલા, બહુ ઓછા, વ્હાઇટ કોલર જોબમાં છે." તેઓ યુવાનોમાં બેરોજગારીની વાત કરે છે, જે દેશવ્યાપી ચિંતાનો વિષય છે.

પ્રકાશ 12 મું ધોરણ પૂરું કર્યા પછી મલાડમાં એક ખાનગી પેઢીમાં - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજીએ તેમની ભૂમિકા નિરર્થક બનાવી દીધી ત્યાં સુધી - 15000 રુપિયાના માસિક પગારે ફોટો એડિટર તરીકે કામ કરતા હતા. તેઓ કહે છે, "લગભગ 50 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. હું પણ એક મહિનાથી બેરોજગાર છું."

ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 આપણને જણાવે છે કે સમગ્ર દેશમાં કુલ બેરોજગાર લોકોમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યા વધી છે, શિક્ષિત બેરોજગાર યુવાનોની ટકાવારી 2000 માં 54.2 ટકા હતી જે વધીને 2022 માં 65.7 ટકા પર પહોંચી છે. આ અહેવાલ 26 મી માર્ચે દિલ્હીમાં ધ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઈએલઓ) અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ (આઈએચડી) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: પ્રકાશ કહે છે, 'સમાચારો આધારભૂત હોવા જોઈએ. અને પ્રસાર માધ્યમો અમારા જેવા લોકો વિશે સાચી વાત કહેતા નથી.' જમણે:  2015 માં દામુ નગર સિલિન્ડર ફાટવાની શ્રેણીબદ્ધ ઘટનાને કારણે લાગેલી આગમાં લપેટાઈ ગયું હતું ત્યારે ચંદ્રકલા ખારાતના પતિનું અવસાન થયું હતું. હવે તેઓ રસ્તા પરથી અને કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ ભેગી કરે છે અને ભંગારના વેપારીઓને વેચે છે

પ્રકાશની આવક તેમના પરિવારની પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ હતી, તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં જ આ આવક હાંસલ કરી હતી. અને તેમની વાર્તા એ એક દુર્ઘટના પછીની જીતની વાર્તા હતી. 2015 માં દામુ નગર રાંધણ ગેસ સિલિન્ડર ફાટવાની શ્રેણીબદ્ધ ઘટનાને કારણે લાગેલી આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોમાં યેડે પરિવાર પણ સામેલ હતો. મીરા યાદ કરે છે, “અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા હતા. બીજું બધું - દસ્તાવેજો, ઘરેણાં, ફર્નિચર, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો બધું જ - બળીને ખાખ થઈ ગયું હતું.”

ઘાતક આગ પછી તેમને અપાયેલી ખાતરીને યાદ કરતાં પ્રકાશ કહે છે, “[મહારાષ્ટ્રના તત્કાલીન શિક્ષણ પ્રધાન અને બોરીવલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય] વિનોદ તાવડેએ વચન આપ્યું હતું કે એક મહિનામાં અમને પાકું ઘર મળશે.”

આ વચનને આજકાલ કરતા આઠ વર્ષ વીતી ગયા છે. એ પછી તેઓએ 2019 ની લોકસભા સામાન્ય ચૂંટણીમાં અને તે જ વર્ષે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. તેમની જિંદગીમાં કોઈ ફરક પડ્યો નથી. પ્રકાશના દાદા-દાદી જાલના જિલ્લાના ભૂમિહીન ખેતમજૂરો હતા જેઓ 1970ના દાયકામાં મુંબઈ સ્થળાંતરિત થયા હતા.

તેમના પિતા 58 જ્ઞાનદેવ હજી પણ ચિત્રકાર તરીકે કામ કરે છે અને માતા મીરા કરાર પર કામ કરતા સફાઈ કર્મચારી છે. તેઓ લોકોના ઘરમાંથી કચરો ભેગો કરે છે. મીરા કહે છે, “પ્રકાશના પગાર સાથે અમે ત્રણ જણા થઈને મહિને 30000 કમાઈ શકતા હતા. સિલિન્ડરો, તેલ, અનાજ અને ખાદ્યપદાર્થોના ભાવો [અત્યારે જેટલા છે તેટલા ઊંચા નહોતા] ને અમે માંડ પહોંચી વળતા થયા હતા."

જ્યારે પણ તેમનું જીવન નવેસરથી ફરી પાટે ચડાવવાના તેમના પ્રયત્નો કારગત નીવડવા માંડે કે વળી કોઈ નવી આફતો આવીને ઊભી રહે છે. તેઓ કહે છે, “આગ પછી નોટબંધી આવી. પછી કોરોના અને લોકડાઉન. સરકાર તરફથી કોઈ રાહત મળી નથી."

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: યેડે પરિવારે પણ 2015 માં આગમાં તેમનો તમામ સામાન ગુમાવ્યો હતો. બોરીવલી મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ તાવડેએ રહેવાસીઓને પાકાં મકાનો આપવાનું વચન આપ્યું હતું. આજે આઠ વર્ષ પછી પણ આ વચન અધૂરું જ રહ્યું છે. જમણે: પ્રકાશ મલાડમાં એક ખાનગી પેઢીમાં ફોટો એડિટર તરીકે કામ કરતા હતા. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આવતા તેમને નોકરી ગુમાવવા વારો આવ્યો. તેઓ એક મહિનાથી બેરોજગાર છે

PHOTO • Jyoti

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક ટેકરી પર વસેલા દામુ નગરમાં લગભગ 2300 ઘરો છે. સાંકડા, ખડકાળ અને ઊંચાનીચા રસ્તાઓ ખખડી ગયેલા મકાનો તરફ દોરી જાય છે

પ્રધાનમંત્રી આવાસ યોજના - મિશન હેઠળ મોદી સરકારની "સૌ  માટે આવાસ (શહેરી)" યોજનાનું લક્ષ્ય 2022 સુધીમાં તમામ પાત્ર પરિવારોને મકાનો પૂરાં પાડવાનું હતું. પ્રકાશ તેમનો પરિવાર એ માટે 'પાત્ર' છે કે કેમ એ તપાસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેઓ કહે છે, “હું મારા પરિવાર માટે આ યોજનાનો લાભ મેળવવાનો પ્રયાસ કરતો રહું છું. પરંતુ આવકના પુરાવા અને માન્ય દસ્તાવેજો વિના હું કદાચ તેને માટે ક્યારેય લાયક નહીં ઠરું."

મહારાષ્ટ્ર રાજ્ય માટેના શિક્ષણના અધિકાર ( રાઈટ ટુ એજ્યુકેશન - આરટીઈ ) અધિનિયમના નિયમોમાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકારે આ વર્ષે ફેબ્રુઆરી (2024) માં જારી કરેલ અધિસૂચના તેમને વધુ પરેશાન કરનાર લાગે છે. આ અધિસૂચના થી જો બાળકના રહેઠાણના એક કિમીની અંદર સરકારી અથવા સરકાર તરફથી સહાયતા મેળવતી કોઈ શાળા હોય તો બાળકે ત્યાં જ પ્રવેશ લેવો જરૂરી છે. એનો અર્થ એ કે અંગ્રેજી-માધ્યમની શાળાઓ સહિતની ખાનગી શાળાઓ વંચિત સમુદાયોના બાળકોને તેમને માટે એ શાળાઓમાં આરટીઈ હેઠળ નિયત હિસ્સાની 25 ટકા બેઠકો પર પ્રવેશ આપવામાંથી મુક્તિ મળી જાય છે. અનુદાનિત શિક્ષા બચાવો સમિતિ (સેવ ધ એઇડેડ સ્કૂલ એસોસિએશન) ના પ્રા. સુધીર પરાંજપેએ પારીને જણાવ્યું હતું કે, "આ અધિસૂચના વાસ્તવમાં આરટીઈ કાયદાનો અર્થ જ ઊલટાવી દે છે."

તેઓ કહે છે, "આવા નિર્ણયોને કારણે અમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પોસાતું નથી. એકમાત્ર કાયદો, જે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપે છે એ હવે (આ અધિસૂચનાને પરિણામે) અસ્તિત્વમાં જ રહ્યો નહીં." તેઓ દુઃખી થઈ પૂછે છે, "આવું થશે તો પછી અમે આગળ શી રીતે વધીશું?"

દામુ નગરના પ્રકાશ અને બીજા રહેવાસીઓ માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે આગામી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ. અને દામુ નગરના બાળકો હાંસિયાની બહાર ધકેલાઈ ગયેલા છે એ વિષે બેમત નથી. અહીંના મોટાભાગના રહેવાસીઓ, જેમાંથી કેટલાક ચાર દાયકાઓથી આ ઝૂંપડપટ્ટીમાં રહે છે, તેઓ નવ-બૌદ્ધ - એટલે કે દલિત છે. બીજા ઘણા રહેવાસીઓ એવા છે જેમના દાદા-દાદી અને માતા-પિતા રાજ્યમાં તબાહી મચાવનાર 1972 ના ભીષણ દુષ્કાળ દરમિયાન જાલના અને સોલાપુરથી સ્થળાંતર કરીને મુંબઈ આવ્યા હતા.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એક ગેઝેટ નોટિફિકેશન જણાવે છે કે જો એક કિમીની ત્રિજ્યામાં સરકાર સંચાલિત અથવા સરકારી સહાય મેળવતી શાળા હોય તો ખાનગી શાળાઓને શિક્ષણના અધિકાર (રાઈટ ટુ એજ્યુકેશન) ના 25 ટકાના નિયત હિસ્સા (હેઠળ પ્રવેશ આપવા) માંથી મુક્તિ આપવામાં આવે છે. અનુદાનિત શિક્ષા બચાવો સમિતિના પ્રા. સુધીર પરાંજપે કહે છે કે આનાથી દામુ નગરના હાંસિયામાં ધકેલાઈ ગયેલા બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણનો તેમનો અધિકાર ગુમાવી શકે છે. જમણે: દામુ નગરની મહિલાઓ પાસે સુરક્ષિત શૌચાલયની સુવિધા નથી. લતા સોનાવણે (લીલા દુપટ્ટાવાળા) કહે છે, 'તમારી તબિયત ખરાબ હોય કે તમને કોઈ ઈજા થઈ હોય તો પણ પાણીની ડોલ લઈને ચડ્યા વિના તમારો છૂટકો નથી'

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે અને જમણે: લતા પોતાના બાળકો સાથે પોતાના ઘરમાં

માત્ર આરટીઈનો લાભ મેળવવો અને એને ટકાવી રાખવો મુશ્કેલ છે એવું નથી. પ્રકાશના પાડોશી આબાસાહેબ મ્હસ્કેના તેમનું પોતાનું નાનુંસરખું  ‘લાઇટ બોટલ’ સાહસ શરુ કરવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. 43 વર્ષના મ્હસ્કે કહે છે, “આ યોજનાઓ ફક્ત નામ ખાતર જ અસ્તિત્વમાં છે. મેં મુદ્રા યોજનામાંથી લોન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું એ મેળવી ન શક્યો. કારણ કે મને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. બેંકમાંથી મારી અગાઉની 10000 રુપિયાની લોન પર હું એક - માત્ર એક - ઈએમઆઈ ભરવાનું ચૂકી ગયો હતો."

પારી ગ્રામીણ અને શહેરી ગરીબો માટેની વિવિધ આરોગ્ય અને કલ્યાણ યોજનાઓની પહોંચની સ્થિતિ અંગે નિયમિતપણે અહેવાલ રજૂ કરે છે. [ઉદાહરણ તરીકે વાંચો: મફત સારવારની મોંઘી કિંમત અને મારા બાળકો પોતાનું ઘર બનાવશે ].

10x10 ફૂટની એક ઓરડીમાં એ જ મ્હસ્કેની વર્કશોપ છે અને એ જ તેમના પરિવારનું ઘર પણ છે. તમે દાખલ થાઓ કે તરત જ, ડાબી બાજુએ રસોડું અને મોરી [બાથરૂમ] છે. તેની બાજુમાં બાટલીઓને સજાવવા માટે જરૂરી તમામ સામગ્રી કબાટમાં વ્યવસ્થિત રીતે મૂકેલી છે.

તેઓ કહે છે, "હું કાંદિવલી અને મલાડની આસપાસ ફરીને આ લાઇટો વેચું છું." તેઓ દારૂની દુકાનો   અને ભંગારના ડીલરો પાસેથી દારૂની ખાલી બાટલીઓ ભેગી કરે છે. તેઓ ઉમેરે છે, “વિમલ [તેમની પત્ની] બાટલીઓ સાફ કરવામાં, ધોવામાં અને સૂકવવામાં મને મદદ કરે છે. પછી હું દરેક બાટલીને કૃત્રિમ ફૂલો અને દોરાઓથી શણગારું છું. હું વાયરિંગ અને બેટરી જોડું છું." અને 'લાઇટ બોટલ્સ' બનાવવાની પ્રક્રિયા ટૂંકમાં સમજાવતા તેઓ કહે છે, ‘પહેલા હું કોપર વાયર એલઈડી લાઇટ સ્ટ્રીંગ્સ  સાથે જોડાયેલ ચાર એલઆર44 બેટરી ઇન્સ્ટોલ કરું છું. પછી હું કેટલાક કૃત્રિમ ફૂલોની સાથે એ લાઈટને બાટલીની અંદર ઘુસાડું છું. અને બસ લેમ્પ તૈયાર છે. તમે બેટરી ઉપરની ઓન-ઓફ સ્વીચ વડે તેને ઓપરેટ કરી શકો છો." તેઓ આ ડેકોરેટિવ લાઇટ્સમાં એક કલાત્મક સ્પર્શ લાવે છે, કેટલાક લોકોને તેમના ઘર માટે આવી કલાત્મક વસ્તુઓ ગમે છે.

આબાસાહેબ મ્હસ્કે કહે છે, "મને કલાનો ખૂબ શોખ છે, અને હું મારી કુશળતાને વિકસાવવા માંગુ છું, જેથી હું વધુ કમાણી કરી શકું અને મારી ત્રણ દીકરીઓને સારું શિક્ષણ આપી શકું." એક બાટલી બનાવવા પાછળ 30 થી 40 રુપિયા ખર્ચ થાય છે. મ્હસ્કે એક લાઇટ 200 રુપિયામાં વેચે છે. તેમની રોજની કમાણી ઘણીવાર 500 રુપિયાથી પણ ઓછી હોય છે. તેઓ કહે છે, "હું 30-30 દિવસ કામ કર્યા પછી મહિને 10000 થી 12000 રુપિયા કમાઈ શકું છું," એનો અર્થ એ થાય કે તેઓ રોજની સરેરાશ માત્ર બે બોટલ વેચે છે. તેઓ કહે છે, "આટલી કમાણી પર પાંચ જણના પરિવારને પોષવાનું મુશ્કેલ છે." મ્હસ્કે મૂળ જાલના જિલ્લાના જાલના તાલુકાના થેરગાવ ગામના છે.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: આબાસાહેબ મ્હસ્કે 'લાઇટ બોટલ' બનાવીને કાંદિવલી અને મલાડમાં વેચે છે. તેઓ પરિવારની 10x10 ફૂટની ઓરડીમાંથી જ પોતાની વર્કશોપ ચલાવે છે. જમણે: આબાસાહેબે બનાવેલી કૃત્રિમ ફૂલોથી શણગારેલી બાટલી. તેઓ દારૂની દુકાનો અને ભંગારના ડીલરો પાસેથી બાટલીઓ મેળવે છે

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: તેમના પત્ની વિમલ બાટલીઓ સાફ કરવામાં, ધોવામાં અને સૂકવવામાં મદદ કરે છે. જમણે: એક બાટલી બનાવવા પાછળ 30 થી 40 રુપિયાનો ખર્ચ થાય છે. મ્હસ્કે એક લાઇટ 200 રુપિયામાં વેચે છે અને દર મહિને લગભગ 10000-12000 રુપિયા કમાય છે. એનો અર્થ એ થાય કે તેઓ રોજની સરેરાશ માત્ર બે બોટલ વેચી શકે છે

પોતાના દોઢ એકરના ખેતરમાં સોયાબીન અને જવારીની ખેતી કરવા દર વર્ષે જૂનની આસપાસ તેઓ એકલા તેમના ગામ પાછા ફરે છે. તેઓ ફરિયાદ કરે છે, "હું હંમેશા નિષ્ફળ રહું છું. નબળા વરસાદ સાથે ક્યારેય સારી ઉપજ મેળવી શકાતી નથી." છેલ્લા બે વર્ષથી મ્હસ્કેએ ખેતી બંધ કરી દીધી છે.

પ્રકાશ, મીરા, મ્હસ્કે અને દામુ નગર ઝૂંપડપટ્ટીના બીજા રહેવાસીઓ 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા ભારતના 6.5 કરોડથી વધુ લોકોનો એક નાનો, લગભગ નજીવો અંશ માત્ર છે. પરંતુ ઝૂંપડપટ્ટીના બીજા રહેવાસીઓ સાથે મળીને, તેઓ જે આર/એસ મ્યુનિસિપલ વોર્ડનો ભાગ છે તેમાં, મોટી સંખ્યામાં મતદાતાઓ ધરાવે છે.

આબાસાહેબ કહે છે, "ઝૂંપડપટ્ટીઓ એ ગ્રામીણ સ્થળાંતરિતોની એક અલગ જ દુનિયા છે."

20 મી મેના રોજ કાંદિવલીના લોકો કાંદિવલી મુંબઈ ઉત્તર સંસદીય ક્ષેત્રની લોકસભા બેઠક માટે મતદાન કરશે. આ મતવિસ્તારના વર્તમાન સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ગોપાલ શેટ્ટી 2019 માં કોંગ્રેસ પક્ષના ઉર્મિલા માતોંડકર સામે સાડા ચાર લાખ મતોની સરસાઈથી જીત્યા હતા.

આ વખતે ભાજપે ગોપાલ શેટ્ટીને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. તેના બદલે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈથી ચૂંટણી લડી રહ્યા છે. આબાસાહેબ મ્હસ્કે કહે છે, "ભાજપ અહીં બે વાર [2014 અને 2019 માં] જીતી. તે પહેલા કોંગ્રેસ હતી. પરંતુ હું જે જોઉં છું તેના પરથી લાગે છે કે ભાજપના નિર્ણયો ગરીબોની તરફેણમાં નથી.”

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: દામુ નગરની સાંકડી ગલીઓ. આ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ 20 મી મેના રોજ મતદાન કરશે. જમણે: આબાસાહેબ મ્હસ્કે, વિમલ અને તેમની દીકરીઓ પોતાના ઘરમાં. 'મને લાગે છે કે આ ચૂંટણી […] અમારા જેવા વંચિત નાગરિકોના અધિકારો જાળવી રાખવા માટે છે’

મીરા યેડેને ઈવીએમ બાબતે શંકા છે, તેઓ મતપત્રને વધુ વિશ્વસનીય માને છે. મીરા કહે છે, “મને આ વોટિંગ મશીન બોગસ લાગે છે. મતપત્ર વધુ સારા હતા. એમાં મને બરોબર ખાતરી તો મળતી હતી કે મેં કોને મત આપ્યો."

સમાચાર અને ખોટી માહિતી પર બેરોજગાર પ્રકાશના મંતવ્યો; સફાઈ કર્મચારી મીરાનો ઈવીએમમાં વિશ્વાસનો અભાવ; અને સરકારી યોજનાઓની મદદથી પોતાનું નાનું સાહસ સ્થાપવાના મ્હસ્કેના નિષ્ફળ પ્રયાસો. દરેક પાસે કહેવા માટે એક વાર્તા છે.

પ્રકાશ કહે છે, "હું એક એવા સારા ઉમેદવારને મત આપવા માગું છું જે ખરેખર અમારી સમસ્યાઓને સમજી શકે અને એ માટે અવાજ ઉઠાવી શકે."

મીરા જણાવે છે, "અત્યાર સુધી ગમે તે જીત્યું હોય, ક્યારેય અમારો કોઈ વિકાસ થયો નથી. અમે ભલે ગમે તેને મત આપ્યો હોય, અમારો સંઘર્ષ આજેય એવો ને એવો જ છે. અમને કોઈ ટકાવી રાખતું હોય તો એ છે ફક્ત અમારી પોતાની મહેનત, નહીં કે જીતેલા નેતાઓની. અમારા જીવનનું ઘડતર કરવા અમારે જાતે જ પ્રયત્નો કરવા પડશે, વિજેતા નેતાઓ કશું નહીં કરે."

આબાસાહેબ અંતમાં જણાવે છે, “મને લાગે છે કે આ ચૂંટણી માત્ર મૂળભૂત સુવિધાઓ માટે નથી. પરંતુ અમારા જેવા વંચિત નાગરિકોના અધિકારો જાળવી રાખવા માટે છે." બીજા શબ્દોમાં કહીએ તો દામુ નગરના લોકો લોકશાહીની તરફેણમાં મતદાન કરશે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

ஜோதி பீப்பில்ஸ் ஆர்கைவ் ஆஃப் ரூரல் இந்தியாவின் மூத்த செய்தியாளர்; இதற்கு முன் இவர் ‘மி மராத்தி‘,‘மகாராஷ்டிரா1‘ போன்ற செய்தி தொலைக்காட்சிகளில் பணியாற்றினார்.

Other stories by Jyoti

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik