"આ લો તમારી ભેટ," કહીને ગુમલા જિલ્લાની સ્થાનિક 'લાભાર્થી સમિતિ'ના સભ્ય બિહારી લાકરાએ  તેત્રા ગ્રામ પંચાયતના સરપંચ ટેરેસા લાકરાના હાથમાં 5,000 રૂપિયા ધમાવ્યા. ટેરેસાને તો જાણ નહોતી કે 'ભેટ' એ રોકડા 5,000 રૂપિયા છે. ના તેને આ પૈસા ખરેખર મળ્યા - કારણ કે, બરાબર એ જ ઘડીએ રાંચીની એક ભ્રષ્ટાચાર વિરોધી કાર્યાલય (એન્ટી કરપ્શન બ્યુરો - એસીબી ) ટીમ સરપંચ પર  તૂટી પડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ "ગેરકાયદેસર  ભેટ" મેળવવા માટે તેમની ધરપકડ કરી.

આ ઘટનાએ ઓરાઓન જનજાતિના આદિવાસી, 48 વર્ષના ટેરેસાને અંદરથી તોડી નાખ્યા. અને ઝારખંડના બસિયા બ્લોક જ્યાં પંચાયત આવેલી છે ત્યાંના 80,000 થી વધુ લોકોને ઓર આઘાતમાં મૂકી દીધા. કોઈને એ વાત જરાય વિચિત્ર ના લાગી કે  5,000 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવા એસીબીની ટીમ રાંચીથી લગભગ 100 કિલોમીટર દૂર આ સ્થળે આવી હતી - જે અંતર કાપવામાં, એક SUVમાં, મને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. જો કે એ ન્યાયાધીશ જેમની સામે તેમને ઘસડી જવામાં આવેલા તેમણે આ બાબત પર ટિપ્પણી જરૂર કરેલી. એસીબી ટીમને  તેમની ગાડીમાં  જવા આવવામાં લગભગ પાંચ કલાક જેટલો સમય લાગ્યો હશે અને બીજા આડાઅવળા ખર્ચાઓની વાત તો જવા દો, લાંચની રકમથી અડધા તો એમણે પોતે  આવવા જવામાં જ ખર્ચ્યા હશે.

કોઈને એ વાતની પણ નવાઈ નહોતી કે જ્યાં લાંચના આરોપ પર ટેરેસાની ધરપકડ કરવામાં આવી એ બસિયા બ્લોક પંચાયતની ઓફિસ સુધી એમને દોરી જનાર એમના સાથી, ગ્રામ પંચાયતના સભ્યો જ હતા. અને એનાથી ય વધુ નવાઈની વાત તો એ હતી કે એમની ધરપકડ કરવા આવેલી ટીમ, એમના પોતાના જ કહેવા મુજબ, "મને બસિયા પોલીસ સ્ટેશન પર ના લઇ ગઈ," જે પંચાયત ઑફિસની બરાબર સામે પડતું હતું. આ નાટકના સ્થળથી માંડ થોડા ડગલાં દૂર. પણ એને બદલે "એ લોકો મને 10-15 કિલોમીટર દૂર ઠેઠ કામદારા બ્લોકના પોલીસ સ્ટેશને લઇ ગયા."

આ જૂન 2017ની વાત છે.

પછીથી વિચાર કરતાં 12મું ધોરણ પાસ ટેરેસા સમજે છે કે એમને બીજા પોલીસ સ્ટેશન લઇ જવાનું કારણ હતું કે, “બસિયા પોલીસ સ્ટેશનમાં તો એકેએક  માણસ મને ઓળખે છે. અને તેઓ બધા જાણે છે કે હું ગુનેગાર નથી.” ત્યારબાદ, તેમનો કેસ રાંચીની વિશેષ અદાલત સમક્ષ આવ્યો.

Teresa Lakra, sarpanch of the Tetra gram panchayat in Gumla district of Jharkhand
PHOTO • P. Sainath

ઝારખંડના ગુમલા જિલ્લામાં તેત્રા ગ્રામ પંચાયતના સરપંચ ટેરેસા લાકરા

ટેરેસા લાકરાએ જામીન પર બહાર આવતા પહેલા બે મહિના અને 12 દિવસ જેલમાં કાઢ્યા. તેમની ધરપકડ થયાના ત્રણ દિવસમાં તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા (જેને ઝારખંડમાં 'મુખિયા' કહેવામાં આવે છે). પંચાયતની સત્તા તે જ સમયે તેમના ડેપ્યુટી, એ જ  ઉપસરપંચ ગોવિંદા બારૈકને સોંપવામાં આવી હતી, જેમણે તેમને ફોન કરીને તાકીદે બસિયા પંચાયત ઓફિસમાં બોલાવ્યા હતા.

અને જ્યારે તેઓ જેલમાં હતા  ત્યારે સંખ્યાબંધ લીઝ અને કરારો પર હસ્તાક્ષર કરીને એમને પાસ કરવામાં આવ્યા હતા. જો કે એ બધા કયા વિષયને લગતા હતા એ વિષે ઝાઝી માહિતી નથી.

*****

આ તમામ નાટક અને ત્યારબાદ ટેરેસાની ધરપકડથી તેમના પતિ અને બે બાળકો, બંને પુત્રીઓને ભારે દુઃખ થયું. "મોટી, સરિતા, 25 વર્ષની છે અને પરણેલી છે," તેમણે અમને કહ્યું. "તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે." નાની, એન્જેલા, 18 વર્ષની છે. તે હાલમાં ધોરણ 12 માં છે અને આગળ ભણવા ઉત્સુક છે. ટેરેસાના પતિ રાજેશ લાકરા પરિવારના એકમાત્ર સભ્ય છે જેમણે કોલેજ સુધીનું શિક્ષણ લીધું છે. અને તેમની બી. કોમ ની ડિગ્રી છતાં  હોવા છતાં તેમણે અને ટેરેસાએ શહેરોમાં સ્થળાંતર ના કરવાનું નક્કી કરી તેત્રા ગામમાં રહી અને ખેતી કરવાનું પસંદ કર્યું છે.

તેમને હોદ્દા પરથી હટાવવાની પેરવીઓના આઘાત તેમજ તેમના કારાવાસ બાદ પણ પદભ્રષ્ટ મુખિયાએ હાર માની નહીં. “હું બરબાદ થઈ ગઈ હતી. ખૂબ જ દુઃખી  પણ હતી," તેઓ કહે છે. પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછી, ટેરેસાએ તેમની સામે કાવતરું ઘડનારાઓનો સામનો કર્યો.

"મેં  મને પદભ્રષ્ટ કરનારો સામે અવાજ ઉઠાવ્યો. એ એક ગેરકાયદેસર કૃત્ય હતું," તેમને  મને ગ્રામ પંચાયતના જ નામના તેત્રા ગામમાં કહ્યું. જ્યારે તેમને પદ પરથી હટાવામાં આવ્યા ત્યારે ચુકાદાની વાત તો બાજુ પર,  કોર્ટની કાર્યવાહી પણ શરૂ થઈ ન હતી. ટેરેસા તેમની લડાઈને રાજ્ય ચૂંટણી પંચ (SEC) પાસે લઈ ગયા અને તેમને ગેરકાયદેસર રીતે પદ પરથી હટાવવા બદલ રાંચીની અમલદારશાહીને લલકારી.

“છેલ્લા કેટલાક મહિનાઓમાં હું રાંચીમાં એસઈસીની અને બીજી ઓફિસોમાં 12-14 ધક્કા ખાઈ આવી છું. અને એ માટે પૈસા પણ ખાસ્સા ખર્ચ્યા છે,” ટેરેસા કહે છે. પણ એમની સાથે થયેલા અન્યાયની આ દુઃખદ ઘટનાના સંદર્ભમાં જેમ હંમેશા ન્યાયની વાતમાં થતું આવ્યું છે તેમ, દેર ભલે થઇ હોય અંધેર નહોતો. તેમને એક વર્ષથી થોડો વધુ સમય લાગ્યો, પરંતુ તેઓ તમને મુખિયાના પદ પર પુનઃસ્થાપિત કરવાના આદેશ સાથે વિજયી થયા. અને ઉપસરપંચ ગોવિંદા બારૈક કે જેમણે ટેરેસાના કારાવાસના સમયમાં સત્તા સંભાળી હતી, તેમને તેમનું સ્થાન બતાવવામાં આવ્યું.

આ લડત માટેના તમામ ખર્ચાઓ પાંચ એકર વરસાદ આધારિત જમીન ધરાવતા એમના પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. તેઓ આ જમીનમાં ડાંગર, રાગી અને અડદ (કાળા ચણા) ઉગાડીને વર્ષમાં લગભગ 2 લાખ રૂપિયા જેટલું જ કમાય છે.  અહીં પોતાના વપરાશ માટે તેઓ મગફળી, મકાઈ, બટાકા અને ડુંગળી પણ વાવે છે.

Lakra has fought the bribery allegations with her own limited resources.
PHOTO • P. Sainath
Lakra has fought the bribery allegations with her own limited resources. With her are other women (right) from Tetra village, gathered at the village middle school building
PHOTO • Purusottam Thakur

લાકરાએ પોતાના મર્યાદિત સંસાધનો સાથે લાંચના આરોપોનો સામનો કર્યો છે. તેમની સાથે તેત્રા ગામની અન્ય મહિલાઓ (જમણે) છે, જે ગામની માધ્યમિક શાળાના મકાનમાં એકઠી થઈ છે

અડચણો છતાં તેમની ગેરકાયદેસર હકાલપટ્ટીના એક વર્ષ કરતાં વધુ સમય પછી એસઈસી પાસેથી તેમણે મેળવેલ એ ઓર્ડર એમનો ખરો વિજય હતો.

"બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) બસિયાએ ઓર્ડર પર ઝડપથી કાર્યવાહી કરી, અને SECના નિર્દેશના એક અઠવાડિયામાં મને મુખિયાના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવી," ટેરેસા થોડું ધીમું હસે છે. આ સપ્ટેમ્બર 2018ની વાત છે.

બળવામાંથી  ઉગરી ગયેલ આ વ્યક્તિ  ખરેખર  બધું મેળવીને સાત વર્ષ સુધી મુખિયા રહ્યા. કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થવાના આરે હતો. રોગચાળા દરમિયાન પંચાયતની ચૂંટણીઓ અટકી જવાની સાથે, તેત્રા ગ્રામ પંચાયતના આશરે 5,000 લોકોના મુખિયા તરીકે તેમને બીજા બે વર્ષ મળ્યા. સત્તાવાર રેકોર્ડમાં હવે તેમનું નામ સાત વર્ષ માટે મુખિયા તરીકે દર્શાવવામાં આવશે અને એમાં એમના રાજકીય વનવાસના સમયની પણ ગણના થશે.

ટેરેસા સમગ્ર પંચાયતમાં એ રીતે પણ જાણીતા છે કે તેમણે એક મોટા કોન્ટ્રાક્ટર પાસેથી 10-લાખ રૂપિયાની લાંચ નકારી કાઢી હતી જે  તેમની પંચાયતમાં સોલંગબીરા ગામમાં નજીકની ટેકરીને ભાંગીને  રોક ચિપ્સ માટે ભાડે લેવા માંગતા હતા. અને છતાંય લાંચ તરીકે 5,000 રૂપિયા સ્વીકારવાના આરોપમાં તેમણે જેલમાં દહાડા કાઢ્યા હતા.

*****

ટેરેસાની ધરપકડની ઘટનામાં ઘણું બધું અજુગતું છે. કોઈ જો લાંચ આપવા આવે તો કેમ જાહેરમાં પૈસા આપે - સિવાય કે તેના મનમાં કોઈ પૂર્વ-નિર્ધારિત વ્યૂહરચના હોય? શા માટે એમના ઉપર  ઉપસરપંચ ગોવિંદા બારૈક  સહિતના અન્ય સાથી પંચાયત સભ્યોના આટલા બધા ફોન આવ્યા હશે?  શા માટે એ લોકો એમને ઝડપથી બ્લોક પંચાયત કચેરીએ આવવા વિનંતી કરે જયારે તેઓ કોઈ અન્ય જગ્યાએ કામમાં વ્યસ્ત હોય?

તો, 'લાંચ' ની પાછળ ખરેખર હતું શું ?

“એક આંગણવાડી (ગ્રામીણ માતા અને બાળસંભાળ કેન્દ્ર) હતી જે ખરાબ હાલતમાં હતી. મેં જોયું કે તેના માટે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. મેં તેનું સમારકામ કરાવ્યું,” ટેરેસા કહે છે. અને જેમ આવા તમામ કામોમાં થાય છે એમ,  આંગણવાડી રિપેર પ્રોજેક્ટની આસપાસ એક 'લાભાર્થી સમિતિ' બનાવામાં આવી. “આ બિહારી લાકરા તે સમિતિના સભ્ય હતા. કામ પૂરું થયા પછી 80,000 રૂપિયા બાકી હતા અને તે અમારે પાછા આપવાના હતા. ગોવિંદ બારૈક  મને બસિયા બ્લોક પંચાયત ઓફિસમાં તાત્કાલિક આવવા માટે સતત ફોન કરતા રહ્યા. અને હું ત્યાં ગઈ.”

અને જો પૈસા પાછા જ આપવાના હોય તો એ માટે તેત્રા ગ્રામ પંચાયતમાં જવાને બદલે બાસિયાની બીપી ઓફિસમાં જવાનું કોઈ કારણ નહોતું. વળી, જ્યારે બિહારી લાકરા તેમની પાસે આવ્યો ત્યારે તમણે હજુ ઓફિસમાં પગ પણ મૂક્યો નહોતો. ત્યારે જ એમના હાથમાં 5,000 રૂપિયા - જેમાં આંગળીઓની છાપ સચવાઈ રહે એવી રૂપિયાની નોટો - ધમાવી દેવાનું નાટક બહાર આવ્યું. અને ત્યારથી ટેરેસાનું ખરાબ સપનું શરૂ થયું.

Teresa is known across the panchayat for having turned down a 10-lakh-rupee bribe from a big contractor seeking to lease and destroy a nearby hillock in Solangbira village in her panchayat for rock chips
PHOTO • Purusottam Thakur

ટેરેસા સમગ્ર પંચાયતમાં એ વાતને લઈને  જાણીતા છે કે તેમણે એક મોટા કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ ઠુકરાવી દીધી હતી જે તેમની પંચાયતના સોલંગબીરા ગામમાં નજીકના ટેકરાને તોડી ને એને લીઝ પર લેવા માગતા હતા

જો કે, તે 'લાંચ' કૌભાંડ આપણને એક બીજા કૌભાંડ તરફ દોરી જાય છે - જેમાં  લાંચ લેવામાં આવી નહોતી.

ટેરેસા મોટા કોન્ટ્રાક્ટર તરફથી લાંચની તે મોટી ઓફરને નકારવા સુધીની વાતને વાગોળે છે. જો કે તે તેમના સાથી પંચાયત સભ્યોની ટીકા વધારે ઉગ્રતાથી કરે છે. કદાચ કોન્ટ્રાક્ટર દેશવ્યાપી પહોંચ ધરાવતા એક ખૂબ જ શક્તિશાળી રાજકારણી સાથે જોડાયેલ હોવાથી તે ઝાઝી વાત કરવામાં ખમચાય છે.

ટેરેસા કહે છે, "એ મોટો પ્રોજેક્ટ હતો, રસ્તો બનાવવાનો અને બીજી ઘણી વસ્તુઓ હતી. તેઓ અમારા વિસ્તારની ટેકરીઓમાંથી રોક ચિપ્સ તોડી રહ્યા હતા, અને મેં તેની સામે લોકોને એકત્ર કર્યા. નહિતર, એ લોકોએ બધી ટેકરીઓ ખતમ કરી નાખી હોત. મેં એવું થતાં રોક્યું.” એક સમયે એ લોકો તેમની પાસે એક દસ્તાવેજ સાથે પણ આવ્યા હતા, જેમાં તેઓએ તેમને ગ્રામસભામાંથી મંજૂરી મળી હોવાનો  દાવો કર્યો હતો.

"એમાં ઘણી સહીઓ હતી, એવા લોકોની પણ જે લખતા વાંચતા જાણતા નથી અને એટલે તેમનું  નામ લખી જાણતા નથી," તે માર્મિક સ્મિત કરે છે. આ આખી બાબત ઉપજાવી કાઢેલી હતી. પરંતુ અમે મૂંઝવણમાં હતા કે તેઓ મુખિયા વિના ગ્રામસભા કેવી રીતે યોજી શકે? શુંતેમણે ટેરેસાને બોલાવવા  ન જોઈએ?

એ સમયે આ વિસ્તારોમાં કાર્યરત સામાજિક કાર્યકર સની મને યાદ કરાવે છે કે અમે PESA પ્રદેશમાં છીએ. એટલે કે, પંચાયત એક્સટેનશન ટુ શિડ્યુલ્ડ એરિયા એક્ટ, 1996 હેઠળ આવતા વિસ્તારો. "અહીં," તે નિર્દેશ કરે છે, "ગ્રામસભા ગામડાના પરંપરાગત વડા દ્વારા બોલાવી શકાય છે." જે પણ હોય, ટેરેસાએ એ દસ્તાવેજને નકલી ગણાવીને નકારી કાઢ્યા.

પછી આવી એક ખરેખરી લાંચની ઓફર - મોટા કોન્ટ્રાક્ટરના ચેલાઓ તરફથી 10 લાખ રૂપિયાની. અને લોકો એવું વિચારી પણ શકે કે એમને ખરીદી શકાય છે એ વાતથી એ નારાજ થઈ ગયેલા ટેરેસાએ એને સ્પષ્ટપણે ઠુકરાવી દીધી.

અને માંડ 3-4 મહિના પછી, 'લાંચ' માં એમને ફસાવવાનું કાવતરું બહાર આવ્યું. આ બધાના અંતે, કોન્ટ્રાક્ટરે બે ટેકરીઓમાંથી એક પર કબજો જમાવી દીધો હતો.

રસની વાત એ છે કે, ટેરેસાએ ક્યારેય એ વાતને નકારી નથી  કે તેમણે ઘણીવાર  સાધારણ અથવા પરંપરાગત પ્રકૃતિની ભેટ સ્વીકારી છે. તેઓ કહે છે, "મેં ક્યારેય પૈસા માંગ્યા નથી.“  પણ અહીંના આવા બધા પ્રોજેક્ટ્સમાં જે ભેટો આપવામાં આવે છે અને લેવામાં આવે છે," તેઓ સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કહે છે, "તે મેં પણ સ્વીકારી હશે."  જો કે, માત્ર ઝારખંડમાં જ એવું નથી કે આવા વ્યવહારો સાથે ભેટો હોય છે. ભેટનો પ્રકાર અલગ અલગ હોઈ શકે છે - પરંતુ પ્રથા દેશના તમામ રાજ્યોમાં અસ્તિત્વમાં છે. અલબત્ત, એવા વ્યક્તિગત મુખિયા અને પંચાયત સભ્યો પણ છે જેઓ કોઈપણ પ્રકારની ભેટ સ્વીકારતા નથી. પરંતુ તે પ્રબળ વલણ નથી.

તેમના જૂથ સામે તેણીની લડાઈ છતાં, ટેરેસા લાકરાની સમસ્યાઓ હજી સમાપ્ત થઈ નથી. તેમને કાવતરામાં ફસાવવાના  છ વર્ષ પછી, કાનૂની કેસ ચાલુ રહે છે, તેમના સંસાધનો અને શક્તિને  ક્ષીણ કરે છે. તેમને મદદની જરૂર તો છે - પરંતુ હવે એમણે છાશને પણ ફૂંકીને પીવાની છે.

એમણે ભેટ લઈને આવતા કોન્ટ્રાક્ટરોથી સંભાળવાનું  છે.


મુખચિત્ર: પુરુષોત્તમ ઠાકુર

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath

பி. சாய்நாத், பாரியின் நிறுவனர் ஆவார். பல்லாண்டுகளாக கிராமப்புற செய்தியாளராக இருக்கும் அவர், ’Everybody Loves a Good Drought' மற்றும் 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' ஆகிய புத்தகங்களை எழுதியிருக்கிறார்.

Other stories by P. Sainath
Photographs : Purusottam Thakur

புருஷோத்தம் தாகூர், 2015ல் பாரியின் நல்கையைப் பெற்றவர். அவர் ஒரு ஊடகவியலாளர் மற்றும் ஆவணப்பட இயக்குநர். தற்போது அஸிஸ் பிரேம்ஜி அமைப்பில் வேலைப் பார்க்கிறார். சமூக மாற்றத்துக்கான கட்டுரைகளை எழுதுகிறார்.

Other stories by Purusottam Thakur
Translator : Pratishtha Pandya

பிரதிஷ்தா பாண்டியா பாரியின் மூத்த ஆசிரியர் ஆவார். இலக்கிய எழுத்துப் பிரிவுக்கு அவர் தலைமை தாங்குகிறார். பாரிபாஷா குழுவில் இருக்கும் அவர், குஜராத்தி மொழிபெயர்ப்பாளராக இருக்கிறார். கவிதை புத்தகம் பிரசுரித்திருக்கும் பிரதிஷ்தா குஜராத்தி மற்றும் ஆங்கில மொழிகளில் பணியாற்றுகிறார்.

Other stories by Pratishtha Pandya