મણિરામનું જીવન વત્સલા એ બચાવ્યું હતું.
મણિરામ વાત માંડતાં કહે છે, “અમે પાંડવ ધોધ પર ગયા હતા. અને વત્સલા ચરવા માટે જતી રહી હતી. હું તેને લેવા જઈ રહ્યો હતો ને એવામાં એક વાઘ દેખાયો.”
જ્યારે મણિરામે મદદ માટે બૂમો પાડી ત્યારે, “તે દોડીને આવી અને પોતાનો આગળનો પગ ઊંચો કર્યો જેથી હું તેની પીઠ પર સવાર થઈ શકું. એક વાર હું બેસી ગયો એટલે તેણે તેના પગ નીચા કરી દીધા ને ઝાડ વિખેરી નાંખ્યાં. ટાઈગર ભાગ ગયા [વાઘ ભાગી ગયો],” રાહતનો શ્વાસ લેતાં મહાવત કહે છે.
પન્ના ટાઇગર રિઝર્વની ભવ્ય હાથણ, વત્સલા 100 વર્ષથી વધુ વયની હોવાનું કહેવાય છે − જે તેને વિશ્વની સૌથી મોટી વયની જીવંત હાથી બનાવે છે. 1996થી વત્સલાની સંભાળ રાખતા ગોંડ આદિવાસી મણિરામ કહે છે, “કેટલાક કહે છે કે તે 110 વર્ષની છે, કેટલાક કહે છે કે તે 115 વર્ષની છે. મને લાગે છે કે તે સાચું છે.”
વત્સલા એક એશિયાટિક હાથી (એલિફાસ મેક્સિમસ) છે અને તે કેરળ અને મધ્ય પ્રદેશની રહેવાસી છે. મણિરામ કહે છે કે તે ખૂબ જ સૌમ્ય છે પરંતુ જ્યારે તે યુવાન હતી, ત્યારે તે ઉગ્ર હોઈ શકે છે. આજે પણ, તેની દૃષ્ટિ અને સાંભળવાની ક્ષમતા નબળી પડી ગઈ હોવા છતાં, તે ભયના પ્રથમ સંકેત પર ટોળાને ચેતવી દે છે.
મણિરામ કહે છે કે તેની ગંધને પારખવાની તાકાત હજુ પણ મજબૂત છે અને તે અન્ય પ્રાણીની જોખમી હાજરીને અનુભવી શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તે ટોળાને ચેતવી દે છે અને તેઓ તરત જ ભેગા થઈ જાય છે, અને મદનિયાંઓને ટોળાની વચ્ચે રાખી દે છે. “જો પ્રાણી હુમલો કરવાનો પ્રયાસ કરે, તો તેઓ તેમની સૂંઢ વડે પથ્થરો અને લાકડીઓ અને ડાળીઓ મારીને તેને ભગાડી મૂકે છે,” મણિરામ કહે છે. “પેહલે બોહોત તેઝ થી [તે પહેલાં ખૂબ ચપળ હતી]”
તેમના પાલ્ય વત્સલાની જેમ મણિરામ વાઘ સહિત અન્ય જંગલી પ્રાણીઓથી પણ ડરતા નથી. 2022ના આ અહેવાલ અનુસાર પન્ના ટાઇગર રિઝર્વમાં લગભગ 57 થી 60 વાઘ વસે છે. તેઓ કહે છે, “હાથી કે સાથ રહેતે થે, તો ટાઈગર કા ડર નહીં રહેતા થા [હું હાથીની સાથે રહેતો હતો, તેથી હું વાઘથી ડરતો ન હતો].”
પારી તેમની સાથે પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા ગેટ પર હાથીના ઘેરાની નજીક વાત કરી રહી છે. લગભગ 10 હાથીઓ, જેમાંથી એક નાનો હાથી છે, દિવસના તેના પ્રથમ ભોજનની રાહ જોઈ રહ્યા છે. મણિરામ અમને ત્યાં લઈ જાય છે જ્યાં વત્સલા એક વૃક્ષ નીચે ઊભી છે. આ હાથણના પગ અસ્થાયી રૂપે જમીનમાં ખોદવામાં આવેલા લાકડાના થડ સાથે સાંકળથી બાંધેલા છે. તેની નજીક, કૃષ્ણકલી તેના બે મહિનાના વાછરડા સાથે ઊભી છે.
વત્સલાને પોતાનું કોઈ સંતાન નથી. મણિરામ ઉદાસ સ્મિત સાથે કહે છે, “પરંતુ તેણે હંમેશાં અન્ય હાથીઓના બચ્ચાઓની સંભાળ રાખી છે. દૂસરો કી બચ્ચિયાં બહુત ચાહતી હૈ [તેને હાથીનાં બચ્ચાંને બહુ પ્રેમ કરે છે]. તે બાળકો સાથે રમતી હોય છે.”
*****
વત્સલા અને મણિરામ બંને મધ્ય પ્રદેશના ઉત્તરપૂર્વીય પ્રદેશના પન્ના જિલ્લામાં સ્થળાંતર કરીને આવેલાં છે, જ્યાં 50 ટકાથી વધુ વિસ્તાર જંગલોથી ઢંકાયેલો છે. વત્સલાનો જન્મ કેરળમાં થયો હતો અને 1993માં તેમને મધ્યપ્રદેશના હોશંગાબાદ (નામ બદલીને નર્મદાપુરમ) લાવવામાં આવ્યા હતા. મણિરામનો જન્મ ત્યાં જ થયો હતો અને ત્યાં જ તેઓ પહેલી વાર મળ્યા હતા.
હાલ પચાસેક વર્ષની વયે પહોંચેલા મણિરામ કહે છે, “મને હંમેશાં હાથીઓ સાથે પ્રેમ રહ્યો છે.” તેમના પરિવારમાં કોઈએ ક્યારેય પ્રાણીઓની સંભાળ રાખી ન હતી. તેમના પિતા તેમની પાંચ એકર જમીન પર ખેતી કરતા હતા અને મણિરામનો દીકરો પણ એ જ કામ કરે છે. તેઓ કહે છે, “અમે ગેહું [ઘઉં], ચણા અને તીલી [તલ] વાવીએ છીએ.”
તેના મહાવત અને ગોંડ આદિવાસી મણિરામ કહે છે કે, વત્સલાની ઉંમર 100 વર્ષથી વધુ હોવાનું કહેવાય છે, જે તેને વિશ્વની સૌથી વૃદ્ધ જીવંત હાથણ બનાવે છે
જ્યારે વત્સલા હોશંગાબાદમાં આવી ત્યારે મણિરામ એક મહાવતના ત્યાં કામ કરી રહ્યા હતા. તેઓ યાદ કરીને કહે છે, “તેને ટ્રકમાં લાકડાં ભરવાનું કામ સોંપાયું હતું.” થોડા વર્ષો પછી વત્સલા પન્ના જતી રહી. મણિરામ કહે છે, “પછી, થોડા વર્ષો પછી, પન્ના ખાતેના મહાવતે બદલી કરી અને પોતાનું પદ છોડી દીધું, તેથી તેઓએ મને બોલાવ્યો.” ત્યારથી, તેઓ પન્ના ટાઇગર રિઝર્વ ખાતેના તેમના બે ઓરડાના આવાસમાં રોકાયા છે અને હવે વૃદ્ધ થઈ રહેલ આ હાથણની સંભાળ રાખે છે.
જોકે તેમનાં સાથીથી વિપરીત, મણિરામ વન વિભાગના કાયમી કર્મચારી નથી. તેઓ કહે છે, “જબ શાસન રિટાયર કરા દેંગે, તબ ચલે જાયેંગે [જ્યારે સરકાર મને કાઢી મૂે, ત્યારે હું જતો રહીશ].” તેમને દર મહિને 21,000 રૂપિયા જે પગાર મળે છે તે કરાર દર વર્ષે લંબાવવામાં આવે છે અને તેઓ કેટલા સમય સુધી કામ કરી શકશે તે અંગે તેઓ પોતે પણ અનિશ્ચિત છે.
મણિરામ કહે છે, “મારો દિવસ સવારે 5 વાગ્યે શરૂ થાય છે. હું દાળીયા [કાપેલા ઘઉં] રાંધું છું અને વત્સલાને ખવડાવું છું અને પછી તેને જંગલમાં મોકલી દઉં છું.” જ્યારે તે અન્ય હાથીઓ સાથે ત્યાં ચરે છે જેમની સંખ્યા મણિરામના જણાવ્યા અનુસાર અંદાજે 20ની છે, ત્યારે તેઓ તેનો વાડો સાફ કરે છે અને તેનું રાત્રિભોજન તૈયાર કરે છે − જે છે અન્ય 10 કિલો દાળીયા. પછી તેઓ પોતાનું બપોરનું ભોજન જાતે બનાવે છે − રોટલી અથવા ચાવલ. હાથીઓ સાંજે 4 વાગ્યે પાછા આવે છે અને પછી તેઓ વત્સલાને નવડાવે છે અને તેને રાત્રિભોજન કરાવે છે.
મણિરામ કહે છે, “તેને ભાત ખાવા પસંદ હતા. જ્યારે તે કેરળમાં હતી, ત્યારે તે ભાત જ ખાતી હતી.” પરંતુ તે ત્યારે બદલાઈ ગયું જ્યારે 15 વર્ષ પહેલાં રામ બહાદુર નામના એક નર હાથીએ લગભગ 90 થી 100 વર્ષ જૂની વત્સલા પર હુમલો કર્યો. તેને પીઠ અને પેટમાં ઈજાઓ થઈ હતી. પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. મણિરામ કહે છે, “મેં અને ડૉક્ટર સાહેબે તેની સંભાળ રાખી હતી.” પરંતુ આ હુમલાથી તે ખૂબ જ નબળાઈ અનુભવવા લાગી અને તેણે ગુમાવેલી થોડી શક્તિ પાછી મેળવવામાં મદદ કરવા માટે તેના આહારમાં ફેરફાર કરવો જરૂરી થઈ પડ્યો.
ત્યાર બાદ તેણે કામમાંથી નિવૃત્તિ લીધી − તેણે ટ્રકો પર લાકડા લાદવાને બદલે હવે વાઘને શોધવામાં અને ટ્રેક કરવામાં મદદ કરવા અને જંગલમાં પેટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું.
જ્યારે આ સાથીઓ સાથે નથી હોતા, ત્યારે તેઓ એકબીજાને યાદ કરે છે. મણિરામ કહે છે, “જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે હું તેને યાદ કરું છું. હું તેના વિશે વિચારું છું કે તે શું કરી રહી હશે, શું તેણે યોગ્ય રીતે ખાધું હશે કે નહીં.” આ હાથણ પણ લાગણી દર્શાવે છે − જ્યારે તેનો મહાવત એક અઠવાડિયાથી વધુ સમય માટે રજા પર હોય છે, ત્યારે તે પેટભર ખાતી નથી.
મણિરામ કહે છે, “ઉસકો પતા ચલતી હૈ કી અબ મહાવત સાબ આ ગએ [તે સમજે છે કે મહાવત પાછો આવી ગયો છે].” જો તે લગભગ ચારસોથી પાંચસો મીટર દૂર દ્વાર પર ઊભા હોય, તો પણ તે તેમના આગમનને વધાવવા માટે મોટેથી અવાજ કરે છે.
વર્ષો જતાં, તેમનું બંધન વધુને વધુ મજબૂત બન્યું છે. ખુશખુશાલ થઈને મણિરામ કહે છે, “મેરી દાદી જૈસી લગતી હૈ [તે મારી દાદી જેવી છે].”
આ લેખના લેખક દેવાશ્રી સોમાણીના એમની મદદ બદલ આભારી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ