અરૂણકુમાર પાસવાન કહે છે કે, “અહીં ગામની શાળામાં શિક્ષણની ગુણવત્તા સારી નથી. તેથી હું મારી દીકરીઓને વારાણસી લઈ ગયો હતો. શહેરની શાળામાં પ્રવેશ લીધાના ત્રણ મહિનામાં જ મારે તેમને પાછા ગામમાં લઈ જવા પડશે તે કોને ખબર હતી? ” કોવિડ -19 લોકડાઉનને કારણે માર્ચમાં રેસ્ટોરન્ટ બંધ થઇ ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં એક રેસ્ટોરન્ટના રસોડામાં કામ કરતા હતા અને મહિને 15,000 રૂપિયા કમાતા હતા.
મેની શરૂઆતમાં, જ્યારે હવે તેમના પરિવાર માટે ખોરાક ખરીદવાનું શક્ય ન હતું, ત્યારે પાસવાને - વારાણસીથી લગભગ 250 કિલોમીટર દૂર - બિહારના ગયા જિલ્લાના તેમના ગામ માયાપુર પાછા જવાનું નક્કી કર્યું. પાસવાને 8મી મેના રોજ મને ફોન પર કહ્યું, “હું આવતીકાલે સવારે 3 વાગ્યે મારા પરિવાર અને કેટલાક અન્ય લોકો સાથે અહીંથી રવાના થઈશ. અમે [યુપી-બિહાર] સરહદ સુધી ચાલીને ત્યાંથી બસ પકડીશું. કહે છે કે ત્યાંથી બસોની ગોઠવણ કરવામાં આવી છે. જો અમને રસ્તામાં કોઈ ટ્રક મળી જાય, તો અમે તેમને સરહદ સુધી છોડવાનું કહીશું.
પાસવાન અને 27 વર્ષની તેની પત્ની, સબિતા, તેમના ત્રણ નાના બાળકો - બે દીકરીઓ 8 વર્ષની રોલી અને 6 વર્ષની રાની અને 3 વર્ષના દીકરા આયુષ - સાથે બીજે દિવસે સવારે નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા રાજ્યની સરહદ પાર 53 કિલોમીટર દૂર, કરમનાસા ચેક-પોસ્ટ સુધી પહોંચ્યા. ત્યાં, બસમાં ચડતા પહેલા તેમણે બિહારના કૈમૂર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત આરોગ્ય શિબિરમાં થર્મલ સ્કેનિંગ કરાવવું પડ્યું. 11 મી મેના રોજ માયાપુર પહોંચ્યા પછી તેમણે મને કહ્યું, 'સદભાગ્યે, અમને ત્યાંથી રાજ્ય સંચાલિત બસ મળી, જેણે અમને ગયા પહોંચાડ્યા.' ગયા પહોંચ્યા પછી ગામમાં જવા માટે તેમણે બીજી બસની રાહ જોવી પડી. ગામમાં આવ્યા છે ત્યારથી તેઓ બીજા લોકોથી અલગ રહે છે.
પાસવાન કહે છે કે, રાની તેમના જૂના ઘેર પાછી આવીને ખુશ હતી, પણ રોલી ફરિયાદ કરે છે કે તેને તેની ‘શેહરવાળી શાળા’ (શહેરની શાળા) નો ગણવેશ યાદ આવે છે.
ઓગસ્ટ 2019 થી પાસવાન વાસણસીના જે રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યા હતા તે, પહેલા 22 મી માર્ચે જનતા કર્ફ્યુને કારણે બંધ કરવામાં આવ્યું હતું, અને પછી 25 મી માર્ચે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે ફરીથી બંધ કરવામાં આવ્યું. માર્ચના મધ્યમાં તેમને છેલ્લો પગાર મળ્યો હતો, પરંતુ એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં પરિસ્થિતિ કપરી બની ગઈ. વારાણસીમાં જિલ્લા અધિકારીઓ દ્વારા વિતરણ કરવામાં આવતા ફૂડ પેકેટ મેળવવા તેમને દિવસમાં બે વખત લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું.
પરંતુ 8 મી મેના રોજ પાસવાને મને કહ્યું કે, “છેલ્લા ચાર દિવસથી અમને ફૂડ પેકેટ મળ્યા નથી. અમારી પાસે ખાવા માટે કંઈ નથી. અમારે અહીંથી જતા રહેવા સિવાય છૂટકો નથી. ”
અરુણ પાસવાન અને કામેશ્વર યાદવને ઘેર પહોંચવા લગભગ 250 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું , જ્યારે અમૃત માઝી 2,380 કિલોમીટર દૂર તમિલનાડુમાં ફસાયેલા છે.
કામેશ્વર યાદવને પણ ગયાના ગુરારુ બ્લોકના ઘટેરા ગામમાં આવેલા તેમના ઘેર પહોંચતા બે દિવસ થયા હતા. તેઓ વારાણસીથી લગભગ 17 કિલોમીટર દૂર ચાંદૌલી જિલ્લામાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય નગર (ડીડીયુ નગર; જે અગાઉ મુગલસરાય તરીકે ઓળખાતું) માં એક રેસ્ટોરન્ટમાં મુખ્ય રસોઇયા હતા.
લોકડાઉનનો પહેલો તબક્કો લંબાવવામાં આવ્યો ત્યારે 15 એપ્રિલના રોજ યાદવ ડીડીયુ નગરથી ચાલી નીકળ્યો. “રેસ્ટોરન્ટ બંધ થતાં મારી બચત પણ ખલાસ થઈ ગઈ હતી અને અહીં મારા પરિવારનું રેશન ખલાસ થઈ ગયું હતું. મારે વહેલી તકે તેમની પાસે પહોંચવું જરૂરી હતું. ” લગભગ 200 કિલોમીટરની બે દિવસની મુસાફરી પછી યાદવ 17 મી એપ્રિલના રોજ તેમને ગામ પહોંચ્યા. તેમણે મોટાભાગની મુસાફરી પગે ચાલીને અને બાકીની થોડીઘણી મુસાફરી ટ્રક દ્વારા કરી હતી.
જ્યારે યુપીએ 23 મી માર્ચે તેની સરહદો સીલ કરી, ત્યારે યાદવ ત્રણ અન્ય સાથીઓ સાથે રેસ્ટોરન્ટમાં રોકાયા હતા. ત્યાં તેમના માલિકે તેમને ખાવાનું આપ્યું. પરંતુ તેમને ચિંતા હતી તેમના બાળકોની. 10 વર્ષની સંધ્યા, 8 વર્ષની સુગંધા, અને 3 વર્ષનો સાગર - યાદવની પત્ની રેખા દેવી અને તેમના માતાપિતા સાથે ઘટેરામાં હતા. યાદવ કહે છે, “મારા બાળકો ફોન પર રડતા હતા. લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું અને લાંબો વખત રાહ જોવી પડશે એમ લાગતું હતું.”
તે કુટુંબની 3 વીઘાની (1.9 એકર) વાડીમાં ઊગતા લીલા ચણા અને ઘઉં પર આધાર રાખવાની આશામાં હતો. રેખા દેવી અને યાદવના માતાપિતા આ વાડીની દેખરેખ રાખતા હતા. પરંતુ એપ્રિલની શરૂઆતમાં થયેલા વરસાદથી પાક બરબાદ થઇ ગયો હતો. વરસાદને કારણે ઘઉંના પાકને પણ નુકસાન થયું હતું, પરિણામે ઉપજ ધારણા મુજબ 70 કિલોને બદલે ઘટીને માત્ર 40 કિલો જ થઈ હતી - જે તેણે તેના પરિવારના વપરાશ માટે અલગ રાખ્યા છે. યાદવ કહે છે, "હવે મારી બધી આશા જૂનમાં લણવામાં આવતા લીલા ચણાની નવી બેચ પર છે."
પાસવાન અને યાદવે ઘેર પહોંચવા માટે પ્રમાણમાં ટૂંકું 250 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું, ગયાના રહેવાસી અમૃત માંઝી હજી પણ 2,380 કિલોમીટર દૂર તમિલનાડુમાં - તેમના જિલ્લાના 20 અન્ય સ્થળાંતરિતો સાથે ફસાયેલા છે. 28 વર્ષના માંઝીએ, તમિલનાડુના તિરુપુર જિલ્લામાં તાલુકાના મુખ્ય મથક અવિનાશી ખાતે છાપરા માટેના પતરા બનાવતી ફેક્ટરીમાં કામ કરવા માટે, ઓકટોબર 2019 માં, બારાચટ્ટી બ્લોકમાં આવેલું તેમનું ગામ છોડ્યું હતું.
તેઓ ફેક્ટરીમાં 8,000 રુપિયા કમાયા હતા. ત્યાં બિહારના લગભગ 150 જેટલા અન્ય સ્થળાંતરિત કામદારો પણ નોકરી કરતા હતા; તે બધા ફેક્ટરી માલિકો દ્વારા પૂરા પાડવામાં આવેલ રૂમમાં રહેતા હતા.
12 મેના રોજ, માંઝી અને અન્ય નવ કામદારો (ટોચ પરના કવર ફોટોમાં) ઘરના લાંબે રસ્તે પગપાળા નીકળ્યા. પરંતુ તેઓ માંડ 2-3 કિલોમીટર ચાલ્યા હશે કે પોલીસે તેમને અટકાવ્યા. તેમનું કહેવું છે કે તેમને માર મારવામાં આવ્યો હતો અને પછી તેમને પાછા તેમના રૂમમાં મોકલવામાં આવ્યા. માંઝીએ 16મી મેના રોજ મને કહ્યું, “પોલીસે કહ્યું કે અમે લોકડાઉન [નિયમો] નું ઉલ્લંઘન કરી રહ્યા છીએ, અને અમને દંડ ફટકાર્યો. માર મારવાને કારણે અમારા જૂથના એક સભ્યને હાથે ગંભીર ઇજા થઈ હતી અને તેની સારવાર માટે અમારે 2 હજાર રુપિયા ખરચવા પડ્યા.
માંઝી કહે છે, “અમને માર મારવાને બદલે, પોલીસ અમને અમારે વતન કેવી રીતે પહોંચી શકાય તે અંગે માર્ગદર્શન આપી શકત. અમને કોઈ સહાય મળી નથી, ન તો કારખાનાના માલિક તરફથી, કે ન તો સ્થાનિક વહીવટીતંત્ર તરફથી." તે સમયે, તેમને અને અન્ય લોકોને તમિલનાડુ અને બિહાર વચ્ચે પરપ્રાંતિય કામદારો માટે દોડતી ‘શ્રમિક વિશેષ’ ટ્રેનો વિશે માહિતી નહોતી. “કોઈ ને કોઈ રીતે અમારે ઘેર તો પહોંચવું જ પડશે. અમે હવે કોરોનાવાયરસથી કે ગરમીથી ડરતા નથી. કદાચ 14 દિવસ લાગે તો ભલે લાગે, પરંતુ અમે ચાલીશું."
વતનમાં, તુલા ચકમાં, માંઝીએ તેના ત્રણ ભાઈઓ સાથે તેમના પરિવારના ખેતરમાં કામ કર્યું હોત. ત્યાં તેઓ સામાન્ય રીતે ઘઉં અને મકાઈ ઉગાડતા હતા. પરંતુ 2 વીઘા (1.2 એકર) જમીનમાંથી તેમનો હિસ્સો તિરુપુરમાં તેમની કમાણી કરતા ઓછો હોત - અને એટલે જ તેમણે કામ કરવા માટે ઘર છોડ્યું, તેમ તેઓ કહે છે. માંઝીની ગેરહાજરીમાં, તેમની પત્ની, 26 વર્ષના કિરણ દેવી, તેમની જમીનની દેખરેખ રાખે છે.
19 મેથી ફેક્ટરી માલિકોએ તેમને રેશન મોકલવાનું શરૂ કર્યા પછી માંઝી અને તેના સહકાર્યકરોની સ્થિતિમાં સુધારો થયો. તેમની પાસે માત્ર 500 રુપિયા બાકી છે, અને તેઓ ફેક્ટરી ફરીથી શરૂ થશે એવી આશા રાખે છે જેથી તેઓ ફરીથી કમાણી કરી ઘેર પૈસા મોકલી શકે.
તો બીજી તરફ, ખટેરા ગામમાં, યાદવ કેટલાક અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેઓ કહે છે, “હું [ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના સ્થળો] પર નરેગા - NREGA - નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ - કામ શોધીશ, પરંતુ તે કામ હજી અહીં શરૂ થવાનું બાકી છે.”
વારાણસીમાં, ફ્લેવર્સ રેસ્ટોરન્ટના માલિક અને યાદવને નોકરીએ રાખનાર અભિષેક કુમાર કહે છે કે તેમના તમામ 16 કર્મચારીઓ બિહાર અને તમિલનાડુના તેમના વતન પાછા ફર્યા છે. તેઓ કહે છે કે , “મોટાભાગના રસોઇયાઓએ પાછા આવવાની ના પાડી દીધી છે. લોકડાઉન હટાવવામાં આવે તો પણ હું મારો વ્યવસાય ટૂંક સમયમાં ફરીથી શરૂ કરી શકીશ નહીં."
પાસવાન પણ માયપુરમાં મનરેગા સ્થળો પર કામ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે, અને તેઓ સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામની તપાસ કરશે. તેઓ કહે છે કે, માયાપુરમાં તેમના પરિવારના ખેતરમાંથી થતી આવક તેમના સંયુક્ત કુટુંબના 10 સભ્યોમાં વહેંચાયેલી છે અને તેમનો હિસ્સો તેમના કુટુંબને નભાવવા માટે પૂરતો નથી.
તેઓ વારાણસી પાછા ફરવાની તકની આશામાં છે. તેઓ અને સબીતા પોતાનો સામાન ત્યાંના ભાડાના મકાનમાં રાખીને ગયા છે. પાસવાન કહે છે, “મકાનમાલિક ભાડું જતું કરવા તૈયાર નથી. હું પાછો જઈશ ત્યારે મારે તેને હું ત્યાં ન હતો તે સમયગાળાના પણ દર મહિને 2,000 રુપિયા લેખે ભાડું ચૂકવવું પડશે.”
ત્યાં સુધી, તેઓ રસ્તા બનાવવાનું કામ કરશે અથવા ખાડા ખોદશે. તેઓ પૂછે છે, “એ સિવાય મારે છૂટકો છે? મારે મારા બાળકોને ખવડાવવા માટે જે કામ મળે તે કરવું પડશે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક