જયપુરની રાજસ્થાન પોલો ક્લબમાં ફેબ્રુઆરી માસમાં સૂર્યના ઉજાસભર્યા દિવસે સાંજના ચારનો સમય છે.
ચાર ચાર ખેલાડીઓની દરેક ટુકડીએ પોતાનું સ્થાન લઈ લીધું છે.
પીડીકેએફની ભારતીય મહિલા ખેલાડીઓ પોલોફેક્ટરી આંતરરાષ્ટ્રીય ટુકડીની સામે જાહેર પ્રદર્શનની સ્પર્ધા માટે તૈયાર છે. આ મહિલાઓની આંતરરાષ્ટ્રીય સ્તરની પોલો સ્પર્ધા પ્રથમ વાર જ ભારતમાં રમાઈ રહી છે.
દરેક ખેલાડીના હાથમાં રમવાની શરૂઆત કરવા લાકડાની મૅલૅટ (લાંબા હાથાની હથોડી જેવી લાકડી) છે. અશોક શર્માની આ મોસમની આ પ્રથમ સ્પર્ધા છે; પરંતુ તેઓ આ રમત માટે જરા પણ અજાણ્યા નથી.
ત્રીજી પેઢીના આ કારીગર અશોકને પોલો મૅલૅટ્સ − પોલોની રમત રમનારા દરેક ખેલાડીના સરસમાનમાં અવશ્ય હોય એવી વાંસની ખાસ પ્રકારની લાકડી − બનાવવામાં 55 વર્ષનો અનુભવ છે. તેઓ પોતાના પરિવારના સો વર્ષના વારસાગત કૌશલ્યની વાત ગૌરવપૂર્ણ રીતે કહે છે, “મૅલૅટ્સ બનાવવાની કારીગરી તો મને ગળથૂથીમાં મળી છે.” ઘોડાની પીઠ પર બેસીને રમાતી પોલો વિશ્વભરમાં જૂનામાં જૂની ઘોડેસવારોની રમત છે.
તેઓ આખા શહેરમાં જાણીતું અને જૂનામાં જૂનું જયપુર પોલો હાઉસ નામનું વર્કશોપ ચલાવે છે. તે જ તેમનું ઘર પણ છે; જ્યાં તેઓ અલગ અલગ પ્રકારની મૅલૅટ્સ પોતાની પત્ની મીના અને તેમના ૩૭ વર્ષના ભત્રીજા જિતેન્દ્ર જાંગીડ − જેમને લાડથી “જિતુ” કહે છે − તેમની સાથે મળીને બનાવે છે. તેઓ રાજસ્થાનમાં અન્ય પછાત વર્ગમાં જેની ગણના થાય છે તેવા જાંગીડ સમુદાયના છે.
સામસામે ઊભેલી બે ટીમની વચમાં ઍમ્પાયર બૉલ ગગડાવે છે; અને સ્પર્ધા શરૂ થતાં જ આ ૭૨ વર્ષના તેઓ યાદોની દુનિયામાં ખોવાઈ જાય છે. “પહેલા હું સાઇકલ પર મેદાન પર આવતો પછી મેં સ્કૂટર ખરીદ્યું.” પણ એ મુલાકાતો ૨૦૧૮માં મગજ પર નાનો બ્રેઈન સ્ટ્રોક આવતાં બંધ થઈ ગઈ હતી.
બે પુરુષ ખેલાડીઓ આવીને કહે છે: “નમસ્તે! પૉલીજી!” નાનીએ પાડેલું તેમનું હુલામણું નામ આખાયે પોલોના રમતવીરોમાં જાણીતું થઈ ગયું છે. તેઓ કહે છે, “હું હજુ પણ વધારે ને વધારે દિવસો અહીં આવવા માગું છું, જેથી વધુ ખેલાડીઓ જાણે કે હું હજી કામ કરું છું, અને પછી મને તેમની પોલોની લાકડીઓ સમારકામ કરવા આપે.”
લગભગ બે દાયકા પહેલાં કોઈ મુલાકાતી અશોકના કારખાનામાં આવે તો દીવાલો પર છતથી ઊંધે માથે એક હરોળમાં લટકાવેલી મૅલૅટ એમનું સ્વાગત કરતી. તેઓ કહે છે કે પાછળની ઝાંખી સફેદ દિવાલ તસુભર પણ દેખાતી નહીં અને “મોટા મોટા ખેલાડીઓ આવતા, પોતાની પસંદગીની લાકડી પસંદ કરતા, મારી પાસે બેસતા, ચા પીતા ને જતા.”
રમત શરૂ થઈ અને અમે રાજસ્થાન પોલો ક્લબના ભૂતપૂર્વ સેક્રેટરી વેદ આહુજાની બાજુમાં બેઠા. આહુજા યાદ તાજી કરીને કહે છે, “દરેક પાસે પૉલીની બનાવેલી જ મોગરી હતી. પૉલી વાંસના મૂળિયાંમાંથી બનાવેલ બૉલ પણ ક્લબને પૂરા પાડે છે.”
અશોક કહે છે કે, પોલોની રમત કાં તો અત્યંત ધનિક કાં તો લશ્કરી સૈન્યના સભ્યોને જ રમવી પોસાય તેમ છે, અને 2023માં તો માત્ર 386 ખેલાડીઓ જ 1892માં સ્થપાયેલી ભારતીય પોલો ઍસોસિએશન (IPA)માં નોંધાયા છે. તેઓ કહે છે, “રમવા ઇચ્છતા ખેલાડી પાસે પોતાની માલિકીના ઓછામાં ઓછા પાંચ કે છ ઘોડાઓ હોવા જરૂરી છે,” કારણ કે આ સ્પર્ધા ચાર કે છ ગાળા (ચક્કર) માં વહેંચવામાં આવે છે, અને દરેક ખેલાડીએ દરેક રાઉન્ડ પછી અલગ અલગ ઘોડા પર સવાર થવાનું હોય છે.
પહેલાં રાજસ્થાનના રજવાડી લોકો ખાસ આ રમતના આશ્રયદાતા હતા. તેઓ કહે છે, “મારા કાકા કેશુરામ 1920માં જોધપુરના રજવાડી લોકો માટે પોલોની લાકડીઓ બનાવતા હતા.”
છેલ્લા ત્રણ દાયકાથી, આર્જેન્ટિનાએ પોલોના વિશ્વ ઉપર રમતમાં, તેના ઉત્પાદનમાં અને તેના નિયમનમાં પોતાની સત્તા જમાવી દીધી છે. અશોક કહે છે, “તેમના પોલો ઘોડાઓ, તેમની પોલો મૅલૅટ્સને અને રેસામાંથી બનેલા કાચના દડાઓની જેમ જ ભારતમાં અતિ ઉત્તમ ગણાય છે. ખેલાડીઓ તાલીમ લેવા આર્જેન્ટિના પણ જાય છે.”
તેઓ કહે છે, “આમ તો મારું કામ આર્જેન્ટિનાની લાકડીઓના લીધે અટકી ગયું હોત, પણ સદ્નસીબે મેં 30−40 વર્ષ પહેલાં જ સાઇકલ પોલો મૅલૅટ્સ બનાવવાનું શરૂ કર્યું હોવાથી મને હજું પણ કામ મળી રહે છે.”
સાઇકલ પોલો કોઈ પણ બનાવટ અને આકારની સાઇકલ પર બેસીને રમાય છે. અશોક કહે છે કે, ઘોડાની પીઠ પર બેસીને રમાતી પોલોની રમતથી વિપરીત “આ રમત આમ જનતા માટે છે.” તેમની આશરે 2.5 લાખની વાર્ષિક કમાણી સાઇકલ પર બેસીને રમાતી પોલોની રમત માટેની લાકડીઓ બનાવવાથી થાય છે.
અશોકને કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં નાગરિકો અને સૈન્યની ટીમો તરફથી વાર્ષિક 100થી વધુ સાઇકલ પોલો મૅલૅટ્સ બનાવવા માટે ઓર્ડર મળે છે. તેમને એક લાકડી દીઠ શા માટે ફક્ત 100 રૂપિયા જ નફો થાય છે તે સમજાવતાં તેઓ કહે છે, “આનો ખેલાડી સામાન્ય રીતે ગરીબ હોય છે, તેથી મારે આટલા નફા પર કામ કરવું પડે છે.” તેમને ઊંટ પર બેસીને રમાતી પોલોની રમત અને હાથી પર બેસીને રમાતી પોલોની રમત માટે પણ ઓર્ડર મળે છે, અને અમુકવાર નાનકડા ભેટ માટેના સેટ બનાવવાના પણ ઓર્ડર મળે છે, પણ આ બધું જવલ્લે જ બને છે.
અમે મેદાનમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે અશોક કહે છે, “આ રમતના હવે ભાગ્યે જ કોઈ દર્શક વધ્યા છે.”
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે તેમને યાદ છે કે તેમાં 40,000થી વધુ લોકોએ હાજરી આપી હતી અને ઘણા લોકો મેચ નિહાળવા માટે ઝાડ પર પણ ચઢી ગયા હતા. આવી સ્મૃતિઓ તેમને સમયને અનુરૂપ ઢળવાની અને તેમના પરિવારની મૅલૅટ્સ બનાવવાની લાંબી પરંપરાને જાળવી રાખવાની પ્રેરણા આપે છે.
*****
“લોકો મને પૂછે છે કે આ કામમાં વળી કારીગરી શેની? આ તો એક લાકડી જ છે.”
તેઓ કહે છે કે મૅલૅટ બનાવવું એ, “જાતજાતના કુદરતી કાચા માલમાંથી રમતની અમૂર્ત અનુભૂતિ સુધી પહોંચવાની કળાનું પરિણામ છે. આવું સંતુલન, કુમાશ, શક્તિ અને ઓછા વજનના સંયોગથી જ થાય છે. તે આંચકાવાળું ન હોવું જોઈએ.”
અમે તેમના ઘરના ત્રીજા માળે આવેલી વર્કશોપમાં જવા માટે આછા અજવાળે સાંકડી સીડીમાં એક−એક પગથિયાં ચડીએ છીએ. તેઓ કહે છે કે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યા પછી, આ કામ તેમના માટે મુશ્કેલ થઈ પડ્યું છે, પરંતુ તેઓ કટિબદ્ધ છે. ઘોડા પર બેસીને રમાતી પોલો માટેની મૅલૅટ્સનું સમારકામ આખા વર્ષ દરમિયાન ચાલતું હોય છે, પરંતુ સાઇકલ પર બેસીને રમાતી પોલોની મૅલૅટ્સ બનાવવાનું કામ સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન તેની મોસમમાં જ ચરમસીમાએ હોય છે.
અશોક કહે છે, “કાચું કામ જીતુ ઉપરના માળે બેસીને કરે છે. હું અને મેડમ બાકીનું કામ નીચે અમારા ઓરડામાં બેસીને કરીએ છીએ.” તેઓ તેમની બાજુએ બેસેલી તેમની પત્ની મીનાને ‘મેડમ’ કહીને સંબોધી રહ્યા છે. સાઠ વર્ષીય મીના આ વાત પર સ્મિત કરે છે, અમારી વાતચીત થોડી ઘણી સાંભળીને કોઈ સંભવિત ગ્રાહકને પોતાના ફોન પરથી નાનકડા મૅલૅટ સેટના નમૂનાની છબીઓ મોકલે છે.
એકવાર તે કામ પતી જાય, પછી તેઓ અમારા ખાવા માટે કચોરી બનાવવા માટે રસોડામાં જાય છે. મીના કહે છે, “પોલોનું કામ હું 15 વર્ષથી કરું છું.”
દીવાલ પરથી એક જૂનો મૅલૅટ લઈને અશોક પોલોની લાકડીના ત્રણ મુખ્ય ઘટકો બતાવે છે: સોટીની ડંડો , લાકડાનું માથું અને રબર અથવા રેક્સિનનું હેન્ડલ જેની સાથે કપાસની ગોફણ હોય છે. દરેક ભાગની બનાવટ તેમના પરિવારના એક અલગ સભ્ય દ્વારા હાથ ધરવામાં આવે છે.
મૅલૅટ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત ત્રીજા માળે કામ કરતા જીતુ સાથે થાય છે. લાકડી કાપવા માટે તેઓ જાતે બનાવેલા યાંત્રિક કટરનો ઉપયોગ કરે છે. આ લાકડીને લવચીક બનાવવા માટે તેઓ રંધો વાપરે છે, જેનાથી રમતી વખતે તેનામાં કુમાશ પેદા થાય છે.
અશોક કહે છે, “અમે મૅલૅટના તળિયે ખીલા નથી લગાવતા, કારણ કે તેનાથી ઘોડાઓને ઈજા થઈ શકે છે. માનો અગર ઘોડા લંગડા હો ગયા તો આપકે લાખો રૂપિયા બેકાર [જો ઘોડો લંગડો થઈ જાય, તો તમારા લાખો રૂપિયા વેડફાઈ જશે.]”
જીતુ કહે છે, “મારું કામ હંમેશાંથી કારીગરીનું રહ્યું છે.” તેઓ પહેલા ફર્નિચર બનાવતા હતા અને હવે તેઓ રાજસ્થાન સરકારની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ‘જયપુર ફૂટ’ વિભાગમાં નોકરી કરે છે, જ્યાં તેમના જેવા કારીગરો દર્દીઓને પોસાય તેવા કૃત્રિમ અંગો બનાવે છે.
જીતુ મૅલૅટના મથાળે લાકડી જઈ શકે તે માટે ડ્રિલિંગ મશીનથી કઈ રીતે છેદ (કાણું) પાડે છે તે બતાવે છે. પછી તેઓ આ ડંડા મીનાને સોંપે છે, જેઓ તેના પર આગળનું કામ કરે છે.
રસોડું અને બે સૂવાના ઓરડા ભોંયતળિયે આવેલા છે. મીના આ વિસ્તારમાં જ કામ કરે છે, અને જરૂરત પ્રમાણે આરામથી હરે ફરે છે. તેઓ બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની વચ્ચે, રસોઈ પૂરી કર્યા પછી અને તે પહેલાં નિર્ધારિત સમયે મૅલૅટ્સ પર કામ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે તાત્કાલિક માલ પહોંચાડવાનો ઓર્ડર હોય, ત્યારે તેમનો દિવસ લંબાઈ જાય છે.
મીના મૅલૅટ્સ બનાવવા માટે સૌથી વધુ સમય લેતા કામને અંજામ આપે છે, જે છે ડંડા ને મજબૂત કરવો અને પકડ બાંધવી. તેમાં ડંડા ના પાતળા છેડા પર ફેવિકોલમાં ડૂબાડેલી કપાસની પટ્ટીઓને બારીકાઈથી વાળવામાં આવે છે. એકવાર આ કામ થઈ જાય પછી, તેમણે ડંડા ને જમીન પર 24 કલાક માટે સૂકવવો પડશે, જેથી તેનો આકાર અકબંધ રહે.
તે પછી તેઓ રબર અથવા રેક્સિનની ગ્રિપને બાંધે છે અને ગુંદર અને ખિલાના ઉપયોગથી કપાસની ગોફણ ચોંટાડે છે. આ પકડ દેખાવમાં સુઘડ હોવી જોઈએ અને ગોફણ મજબૂત હોવી જરૂરી છે, જેથી કરીને લાકડી ખેલાડીના કાંડા પરથી સરકી ન જાય.
આ દંપતીનો 36 વર્ષીય પુત્ર, સત્યમ અગાઉ આ કામમાં મદદરૂપ થતો હતો, પરંતુ રોડ અકસ્માતને કારણે તેના પગ પર ત્રણ સર્જરી કરવામાં આવી તે પછી તે હવે જમીન પર બેસી શકતો નથી. કેટલીક વાર રાતના ભોજનમાં શાકભાજી બનાવવામાં કે ઢાબા જેવી દાળનો વઘાર કરવામાં રસોડામાં મદદ કરે છે.
તેમની પત્ની રાખી ઘરની નજીક ચાલીને જઈ શકાય તેટલા અંતરે આવેલા પીટ્ઝા હટ એકમમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે. તેઓ નવરાશના સમયમાં ઘરે બેસીને સ્ત્રીઓના બ્લાઉઝ, કુર્તા વગેરેનું સિલાઇકામ કરે છે અને દીકરી નીના માટે સમય ફાળવે છે. સાત વર્ષની નીના મોટે ભાગે તેનું હોમવર્ક સત્યમના માર્ગદર્શન હેઠળ કરે છે.
તેની 9 વર્ષની દીકરી નીના ભેટ માટે બનાવેલી ૯ ઇંચની નાની મૅલૅટ સાથે રમે છે, જેને તરત જ તેના હાથમાંથી લઈ લેવામાં આવે છે, કારણ તે તકલાદી હોય છે. ભેટ માટેની જોડીમાં લાકડીના પાયા પર બોલ તરીકે કૃત્રિમ મોતી લગાડેલ હોય છે, અને તેમાં આવી બે લાકડીઓ હોય છે, જેમની કિંમત 600 રૂપિયા થાય છે. મીના કહે છે કે, રમવા માટે વપરાતી મોટી મૅલૅટ્સ કરતાં ભેટ માટેની નાની મૅલૅટ્સ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવવી પડે છે. “આ કામ ખૂબ બારીકાઈવાળું હોય છે.”
મૅલૅટ બનાવવામાં બે અલગ ટુકડાઓને (માથું અને ડંડા ને) છીણીથી સજ્જડ કરીને જોડવાનું કામ બહુ નિર્ણાયક માનવામાં આવે છે. આ પ્રક્રિયા મૅલૅટનું સંતુલન જાળવી રાખે છે. મીના કહે છે, “સંતુલન એ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ બરાબર રીતે નથી આવડતું હોતું.” તે સાધનોની નરી આંખે જોઈ ન શકાય તેવી લાક્ષણિકતા છે. અશોક સહજતાથી તેમનો સૂર પૂરાવતાં કહે છે, “આ કામ હું કરું છું.”
લાદી પર લાલ રંગની ગાદી પર પગ ફેલાવીને બેસેલા અશોક માથા પર પાડેલા કાણાંની ચારે બાજુએ ગુંદર લગાડે છે, આ દરમિયાન તેમણે તેમના પગના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે ડંડા ને પકડી રાખ્યો છે. અશોકને જ્યારે પૂછવામાં આવ્યું કે, છેલ્લા 55 વર્ષોમાં તેમણે કેટલી વાર તેમના અંગૂઠા વડે આ રીતે ડંડો પકડ્યો હશે, તો તેઓ હસતાં હસતાં કહે છે, “તેની કોઈ ગણતરી કરી નથી.”
જીતુ સમજાવે છે, “યે ચૂડી હો જાયેગી, ફિક્સ હો જાયેગી, ફિર યે બહાર નહીં નિકલેગી [તે બંગડી જેવી લાગશે અને ધાર પર એવી રીતે ચોંટી જશે કે પછી તે ઊતરશે નહીં].” વાંસની સોટી અને લાકડાને એટલા ચુસ્ત જોડવામાં આવે છે કે તે બોલના સતત પ્રહાર સામે ટક્કર ઝીલી શકે.
એક મહિનામાં લગભગ 100 મૅલૅટ્સ બને છે. તે પછી 40 વર્ષના અશોકના સહયોગી મોહંમદ શફી દ્વારા તેઓની વાર્નિશ કરવામાં આવે છે. વાર્નિશ તેમને ચમક આપે છે અને ભેજ અને ગંદકીથી રક્ષણ પૂરું પાડે છે. શફી એક બાજુએ રંગકામ કરીને મૅલૅટના મથાળે કૅલિગ્રાફ કરીને મૅલૅટને તૈયાર કે છે. પછી અશોક, મીના, અને જીતુ હેન્ડલની નીચે ‘જયપુર પોલો હાઉસ’ નું લેબલ ચોંટાડી દે છે.
એક મૅલૅટ બનાવવા માટે જરૂરી કાચો માલ 1000 રૂપિયામાં પડે છે, અને અશોક કહે છે કે તેઓ મૅલૅટ વેચીને તેમાંથી અડધી રકમ પણ કમાઈ શકતા નથી. તેઓ એક મૅલૅટને 1600 રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરે છે, પરંતુ દર વખતે તેમાં સફળતા નથી મળતી. તેઓ કહે છે, “ખેલાડીઓ સરખી કિંમત આપતા નથી. તેઓ 1200 રૂપિયા આપવા જ તૈયાર થાય છે.”
મૅલૅટના દરેક ભાગ પર કાળજીપુર્વક ધ્યાન આપવા છતાંય તેમાંથી ઓછું વળતર મળવા પર અફસોસ વ્યક્ત કરતા અશોક કહે છે, “વાંસ આસામ અને રંગૂન થઈને કોલકાતામાં આવે છે.” તેમાં પ્રમાણસરનો ભેજ, કુમાશ, ઘનતા અને જાડાઈ વગેરે હોય તો જ તેની ગુણવત્તા સારી હોય છે.
અશોક કહે છે, “ કલકત્તાથી અમને જે પુરવઠો મળે છે તેમાં જાડા વાંસ હોવાથી તે પોલીસના દંડા અને વયસ્કો માટેની લાકડી બનાવવા માટે જ અનુકૂળ હોય છે. તેવી હજાર લાકડીઓમાંથી ફક્ત 100 જેટલી લાકડીઓ મારી જરૂરિયાતને સંતોષે છે.” તેમને જે લોકો માલ પૂરો પાડે છે, તેમના મોકલેલા મોટાભાગના વાંસ મૅલૅટ બનાવવા માટે ખૂબ જાડા હોય છે. તેથી મહામારી તેઓ દર વર્ષે વાંસની પસંદગી માટે કલકત્તા પ્રવાસે જતા અને અનુકૂળ હોય તેવા વાંસ લઈ આવતા. અશોક કહે છે, “હવે મારા ખિસ્સામાં એક લાખ રૂપિયા હોય તો જ હું કલકત્તા જઈ શકીશ.”
અશોક કહે છે કે વર્ષો સુધી સ્થાનિક લાકડા બજારમાંથી લાકડીઓ લાવ્યા પછી પણ સફળતા ન મળતાં તેઓ મૅલૅટના માથા બનાવવા માટે સ્ટીમ બીચ અને મેપલ વુડની આયાત કરેલી લાકડીઓ પર આધાર રાખવા લાગ્યા છે.
તેઓ કહે છે કે તેઓ તેમના લાકડાના કાચા માલમાંથી શું બનાવે છે તેના વિષે તેમણે લાકડાના વેપારીઓને ક્યારેય જણાવ્યું નથી. “નહિંતર તેઓ ‘તમે બડા કામ [મોટું કામ] કરી રહ્યા છો’ એમ કહીને ભાવ વધારી દેશે!”
તેના બદલે તેઓ તેમને કહે છે કે તેઓ લાકડાથી ટેબલના પાયા બનાવે છે. તેઓ હસીને કહે છે, “જો કોઈ પૂછે કે તમે રોલિંગ પીન બનાવો છો? તો હું તેને પણ હા જ કહું છું.”
તેઓ કહે છે, “જો મારી પાસે 15−20 લાખ રૂપિયા હોય, તો કોઈ મને રોકી શકશે નહીં.” તેમણે શોધ્યું છે કે આર્જેન્ટિનામાં મૅલૅટના માથા બનાવવા માટે વપરાતી આર્જેન્ટિનાના ટિપુઆના ટિપુના ઝાડની ટિપા લાકડી મૅલૅટ બનાવવા માટે સૌથી સારી હોય છે. તેઓ કહે છે,”તે વજનમાં હલકી હોય છે અને જલ્દીથી તૂટતી નથી, ફક્ત તેની છાલ જ નીકળી જાય છે.”
આર્જેન્ટિનાની મૅલૅટની કિંમત ઓછામાં ઓછી 10,000 − 12,000 રૂપિયા હોય છે, અને તેને “ મોટા ખેલાડીઓ આર્જેન્ટિનાથી મંગાવે છે.”
આજકાલ અશોક ઘોડા પર બેસીને રમાતી પોલોની વિશેષ મૅલૅટ્સ ઓર્ડરથી બનાવે છે અને વિદેશી મૅલૅટ્સનું સમારકામ કરે છે. ભારતમાં સૌથી વધુ પોલો ક્લબ જયપુર જિલ્લામાં આવેલી હોવા છતાં, શહેરની રમતગમતના સાધનોની કોઈ છૂટક દુકાન વેચાણ માટે મૅલૅટ્સ રાખતી નથી.
મને અશોકનું બિઝનેસ કાર્ડ આપતા લિબર્ટી સ્પોર્ટ્સ (1957)ના અનિલ છાબરિયા કહે છે, “જો કોઈ પોલો મૅલૅટ્સ અંગે પૂછપરછ કરે છે, તો અમે તેમને દરવખતે પોલો વિક્ટરીની સામે આવેલા જયપુર પોલો હાઉસમાં જ મોકલીએ છીએ.”
પોલો વિક્ટરી સિનેમા (જે હવે હોટેલ છે) ને અશોકના કાકા, કેશુ રામે 1933માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી જયપુર ટીમના ઐતિહાસિક વિજયની યાદમાં બનાવવામાં આવી હતી. કેશુ રામ એકમાત્ર પોલો મૅલૅટ કારીગર હતા જેમણે ટીમ સાથે પ્રવાસ ખેડ્યો હતો.
આજે, ઐતિહાસિક જયપુર ટીમના ત્રણ સભ્યોના નામ પર જયપુર અને દિલ્હી ખાતે વાર્ષિક પોલો ટુર્નામેન્ટ યોજાય છે: માન સિંહ દ્વિતીય, હનુત સિંહ અને પૃથિ સિંહ. જો કે, આ ઉપખંડના પોલો ઇતિહાસમાં અશોક અને તેમના પરિવારના યોગદાનની બહુ ઓછી નોંધ લેવાય છે.
તેઓ કહે છે, “જબ તક કેન કી લાકડીઓ સે ખેલેંગે, તબ તક ખેલાડીઓ કો મેરે પાસ આના હી પડેગા [જ્યાં સુધી તેઓ વાંસની લાકડીઓથી રમતા રહેશે, ત્યાં સુધી ખેલાડીઓને મારા પર આધાર રાખવો જ પડશે].”
આ વાર્તાને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપનું સમર્થન મળેલ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ