આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.
કામેન્ગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા લગામ ગામના પાંત્રીસ વર્ષિય વિચરકી ભ્રમણશીલ પશુપાલક પેમ્પા ત્સુરિંગ કહે છે, "ઝોમો હવે અમારી વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે."
ઝોમો? એ શું છે? અને અહીં ૯૦૦૦ ફુટ ઉપર અરુણાચલ પ્રદેશના પર્વતો પર એમને શું લોકપ્રિય બનાવે છે?
ઝોમો, યાક અને એક પહાડી જાતના ઢોર, કોટના સંકર હોય છે. ઝો કહેવાતું, નર સંકર, વાંઝિયું હોય છે, એટલે પશુપાલકો માદા સંકર ઝોમોને પસંદ કરે છે. આ જાતિ નવી ના હોવા છતાં, અલ્પ-ભ્રમણશીલ પશુપાલક બ્રોક્પા સમૂહ, પૂર્વ હિમાલયાનાં બદલાતા વાતાવરણને અનુકૂળ થવા માટે, આજના સમયમાં તેમના પશુઓના ધણમાં વધારે ઝોમો પશુઓને ઉમેરે છે.
પેમ્પા, જેમના ૪૫ પશુઓના ધણમાં યાક અને ઝોમો બન્ને સામેલ છે, કહે છે કે "આ યાક-ઢોર સંકર ગરમીને વધારે જીરવી શકે છે, અને નીચાણના વિસ્તારો અને વધતા તાપમાન સાથે વધારે સારી રીતે અનુકૂળ થઈ શકે છે."
ઊંચાઈ વાળી આ ગોચર જમીનમાં ગરમી અથવા 'ઉષ્ણતા' બન્ને અતિ વાસ્તવિક અને સાપેક્ષિક હોય છે. અહીં, વર્ષ દરમ્યાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ વાળા દિવસો નથી હોતા. પણ યાક, જે ૩૫ ડિગ્રીથી ઓછા તાપમાનને સરળતાથી જીરવી શકે છે, તેને ૧૨ અથવા ૧૩ ડિગ્રી ઉપર થતું તાપમાન આકરું પડે છે. ખરેખર, જ્યારે પણ આ પરિવર્તન આવે છે ત્યારે સમસ્ત જીવસૃષ્ટિને ભારે પડે છે – જેવી રીતે તેઓ આ પર્વતો પર છેલ્લા થોડા વર્ષોથી કરી રહ્યા છે.
મુખ્ય મોનપા જાતિ (૨૦૧૧ના અરુણાચલ પ્રદેશના સેનસસ પ્રમાણે આશરે ૬૦,૦૦૦) હેઠળ આવતા બ્રોક્પા ભ્રમણશીલ પશુપાલકો, સદીઓથી યાકને ઉછેરીને પર્વતીય ચારણ મેદાનોમાં તેની માવજત કરે છે. કઠોર શિયાળાઓ દરમિયાન, તેઓ નીચાણના વિસ્તારોમાં વસવાટ કરે છે, અને ઉનાળામાં ૯,૦૦૦થી ૧૫,૦૦૦ ફુટ સુધી ચડીને ઊંચાઈ વાળા વિસ્તારોમાં પાછા ફરે છે.
પણ લદાખના ચાંગથંગ પ્રદેશના ચાંગપાની જેમ બ્રોક્પાને પણ અતિશય અનિયમિત વાતાવરણથી ભારે ફટકો પડ્યો છે. સદીઓથી તેમની આજીવિકા, અને તેમનો સમાજ, યાક, ઢોર, ઘેટાં અને બકરાના ઉછેર અને પશુપાલન પર આધારિત રહ્યાં છે. આમાંથી તેઓ આર્થિક, સામાજિક, અને આધ્યાત્મિક સ્તરે, યાક પર સૌથી વધારે નિર્ભર છે. તે સંબંધ હવે ગંભીરતાથી નબળું થઈ ચૂક્યું છે.
ચંદર (ચંદેર નામે પણ ઓળખાય) ગામની પશુપાલક લેકી સુઝૂકે મને કહ્યું કે, "ગરમીના કારણે યાક ફેબ્રુઆરી અંતથી જ થાક અનુભવવા લાગે છે." મેમાં પશ્ચિમ કામેન્ગના દિરંગ ઘટકની મુલાકાત દરમિયાન મેં તેના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. આશરે ૪૦ વર્ષની લેકી ઉમેરે છે કે, " છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળો લંબાતો જાય છે અને તાપમાનમાં વધારો થયો છે. યાક નબળા પડી ગયા છે."

