૨૦૨૦માં કોરોના ને લીધે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગામડેથી સમાચાર આવ્યા કે મારા દાદા પડી ગયા છે અને એમનો પગ તૂટી ગયો છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર ડોક્ટર હાજર નહોતા, આજુબાજુમાં જેટલા પણ ખાનગી ક્લિનિક હતા એ બધા કોરોનાને લીધે બંધ હતા. દાદાના તૂટેલા પગ પર ઘરવાળાઓ એ ગમેતેમ કરીને પ્લાસ્ટર લગાવી દીધું હતું અને ઘેર જ તેમની દેખભાળ કરવાનું શરુ કર્યું. પણ ક્યારેક તાવ, તો ક્યારેક પગમાં થતી અસહ્ય પીડાથી તેઓ ચીસ પાડી ઉઠતા હતા. તેમનું શરીર કમજોર થઇ ગયું હતું અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમનું અવસાન થઇ ગયું.
આ બનાવ બન્યો ત્યારે હું મુંબઈમાં હતો. અચાનક બધું બંધ થઇ જવાથી લોકોના જીવનમાં જાણે કે તોફાન આવી ગયું હતું. એક બાજુ મહામારીનો ભય ફેલાયેલો હતો, તો બીજી બાજુ પોલીસ રસ્તાઓ પર ડંડા વરસાવી રહી હતી. કામકાજ બંધ હતું અને પ્રવાસી મજૂરો પોતાના ગામે પાછા ફરી રહ્યા હતા. હું મુંબઈમાં જ રોકાયો હતો કારણ કે હું શાકભાજી વેચતો હતો અને આ ધંધો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં હતી. પણ, ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં આવેલા મારા ગામડેથી જ્યારે મારા દાદાના અવસાનના સમાચાર આવ્યા ત્યારે મને ઘેર જવાની તરત જ ઈચ્છા થઇ ગઈ. મારા દાદા પ્રત્યે મને ખૂબ જ લાગણી હતી. તદુપરાંત, આ પ્રસંગે મમ્મી સિવાય ગામમાં કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજર નહોતું.
આ એ જ સમય હતો, જ્યારે ખૂબ દુઃખ પહોંચે એવા સમાચાર બહાર આવી રહ્યા હતા. કેટલાક મજૂરો પગપાળા પોતાના ઘેર પાછા જઈ રહ્યા હતા, અને રાત્રે થાકીને ટ્રેનના પાટા પર સૂઈ રહ્યા હતા , ત્યારે એક ટ્રેન આવી અને તેમની ઉપરથી પસાર થઇ ગઈ. કોઈ મા એવી પણ હતી જે ખોરાક-પાણી વગર ખોળામાં બાળકને લઈને જઈ રહી હતી. મેં દાદાના અવસાન પછી સામાન પેક કર્યો અને ટ્રેનનો સમય જાણવા માટે મુંબઈમાં અંધેરી (વેસ્ટ) પાસેના પોલીસ સ્ટેશનમાં ગયો. પણ ત્યાં જઈને ખબર પડી કે અલાહાબાદ જવા માટે અત્યારે એકપણ ટ્રેન નથી. આવામાં વારાણસીથી ટ્રેનમાંથી બે લાશો મળવાના સમાચાર બહાર આવ્યા. એક ટ્રેન ઉત્તર પ્રદેશ જવાની હતી, પણ તે ભૂલથી ઓડીશા જતી રહી. અને મારે તો ગામડે જવા માટે અલાહાબાદ (પ્રયાગરાજ) થી પણ ૭૦ કિલોમીટર આગળ જવાનું હતું, આથી મારું મનોબળ વધારે તૂટી ગયું. જો કોઈ ટેક્સી બુક કરીને જવા ઈચ્છે, તો જઈ શકતો હતો પણ આ માટે તેમણે ૪૦,૦૦૦-૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડે એમ હતા. પણ મારા માટે એ શક્ય નહોતું, એટલે મેં ગામડે જવાનો વિચાર માંડી વાળ્યો. આ સિવાય, બીજો કોઈ વિકલ્પ નહોતો.
અંતિમ સંસ્કાર માટે દાદાને અલાહાબાદના ઝૂંસી કસબામાં લઇ જવામાં આવ્યા હતા. મમ્મી કહેતી હતી કે ગાડીઓને રોકવામાં આવતી હતી. પોલીસ જાતજાતની પૂછપરછ કરતી હતી. કેટલીક જગ્યાએ તો સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા પર પણ પાબંદી હતી. ડરના આ માહોલમાં જેમ તેમ કરીને દાદાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આમ તો મારો જન્મ મુંબઈમાં જ થયો હતો. પણ મારું બાળપણ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં જ વીત્યું અને મેં અભ્યાસ પણ ત્યાંથી જ કર્યો હતો. પપ્પા ૧૯૭૫ની આસપાસ ૧૫ વર્ષની વયે જૌનપુરથી મુંબઈ આવ્યા હતા. જોકે, એમનું મુંબઈમાં આવવું એટલું સરળ નહોતું. જ્યારે તેમનો જન્મ થયો, ત્યારે મારા દાદી અવસાન પામ્યા હતા. દાદા બીજાઓના ખેતરમાં મજૂરી કરીને, માટીના વાસણો બનાવીને, અને છત માટેના નળિયા બનાવીને રોજગાર કમાતા હતા. બીજાઓના ખેતરમાં હળ ચલાવીને અને પાવડાથી મહેનત કરીને એટલી આવક નહોતી થતી કે જેનાથી બધાનું પેટ ભરી શકે. પહેરવાના કપડાના નામે પુરુષો પાસે ધોતી જેવા નાના કપડા હતા જેને ભગઈ કહે છે અને જેનાથી ફક્ત ગુપ્તાંગો જ ઢંકાય છે. ખાવા માટે ઘઉં કે ચોખા જેવી કોઈ વસ્તુ નહોતી. આજુબાજુના ખેતરોમાં ઉગતી બાજરી, મકાઈ, બટાકા, મહુઓ વગેરે ભોજનનો મુખ્ય સ્ત્રોત હતા.
*****
કદાચ એ કહેવાની જરૂર નથી કે દાદા કોના ત્યાં મજૂરી કરતા હતા, કોના હિસ્સામાં જમીન હતી અને કોણ મજૂર હતું.
દાદાને ઘણીવાર મહેનત કર્યા પછી પણ મજૂરીનું વળતર નહોતું મળતું. દાદા જ્યારે મજૂરીનું વળતર માંગતા ત્યારે તેમને કહેવામાં આવતું કે તમારા પૂર્વજોનું ઘણું બધું દેવું બાકી છે, જેને તમારે ચૂકવવાનું છે. તમારા દાદાના આટલા બાકી છે ને તમારા પર દાદાના આટલા. કદાચ એ કહેવાની જરૂર નથી કે દાદા કોના ત્યાં મજૂરી કરતા હતા, કોના હિસ્સામાં જમીન હતી અને કોણ મજૂર હતું. પપ્પા મોટા થયા એટલે તેઓ દાદા જેમના ત્યાં મજૂરી કરતા હતા ત્યાં જ રહેવા લાગ્યા. દાદી હતા નહીં અને દાદા પણ સંઘર્ષ કરી રહ્યા હતા એટલે પપ્પા અને કાકાનું ધ્યાન રાખનારું કોઈ નહોતું. પપ્પા આખો દિવસ તેમના ઘેર જ રહેતાં હતા અને ઘરથી લઈને ખેતરના જે કંઈ પણ કામ તેમને કહેવામાં આવે તે તેઓ કરતા હતા. જ્યારે કંઈ કામ ન હોય, તો એમની ગાયો-ભેંશોને ચરાવવા નીકળી પડતા. આના બદલે તેમને ખાવા માટે કંઈ મળી જતું હતું. આ જ એમની મજૂરી હતી. પપ્પા કહેતા હતા કે કામ છોડીને બીજે જવાનો વિકલ્પ જ નહોતો.
૧૯૭૦માં ગામના એક પાડોશી મુંબઈ આવી ગયા હતા અને એમણે કેળા વેચવાનું કામ શરૂ કર્યું હતું. કેટલાક વર્ષો પછી મોટા પપ્પા પણ એમના સહારે મુંબઈ આવી ગયા અને એમના સહયોગી બનીને કેળાનો વેપાર કરવા લાગ્યા. થોડાક સમય પછી એમણે પોતાનો ધંધો શરૂ કરી દીધો. ત્યાર પછી મોટા પપ્પા ઘેર આવ્યા, ત્યારે ઘરમાં પહેલી વખત પૈસા આવ્યા હોવાથી ઘરમાં રોનક હતી. પછી જ્યારે તેઓ મુંબઈ ગયા, તો પપ્પાને પણ તેમની સાથે લઇ ગયા. પપ્પા આખો દિવસ જેમના ઘેર કામ કરતા હતા તેમને આ વાતની ખબર પડી એટલે તેઓ આવીને અમારા પાડોશી સાથે લડી પડ્યા. તેમનું કહેવું હતું કે તેઓ એમના આદમીને ભડકાવીને તેને બગાડી રહ્યા છે. વાત ઘણી આગળ વધી ગઈ, અને મારઝૂડ પણ થઇ ગઈ. બંને પરિવારવાળાઓને ઘણી ધમકીઓ મળી, પણ બધાએ હિંમત બતાવીને મુંબઈનો રસ્તો પકડ્યો. આ ગુલામીની સાંકળો તોડવાની દિશામાં ભરેલું પહેલું પગલું હતું. માનવામાં નથી આવતું કે આ બધું એક આઝાદ દેશમાં ફક્ત ૪૦-૪૫ વર્ષો પહેલા થતું હતું.
મુંબઈમાં મોટા પપ્પા સાથે થોડોક સમય કામ કર્યા પછી, પપ્પાએ ફળોની પોતાની દુકાન શરૂ કરી. પરિસ્થિતિમાં સુધાર આવ્યો એટલે ગામમાં એમના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી થોડોક સમય ગામમાં જ રહ્યા પછી, મમ્મી પપ્પા સાથે મુંબઈ આવ-જા કરવા લાગી. હવે વર્ષમાં અમુક મહિનાઓ સુધી તેઓ પપ્પા સાથે મુંબઈ રહેતાં હતા અને બાકીનો સમય ગામમાં વિતાવતા હતા. આ રીતે, ૧૯૯૦માં મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી કપૂર હોસ્પિટલમાં મારો જન્મ થયો.
મમ્મીના પિયરમાં આર્થિક પરિસ્થિતિ સારી હતી. નાના પાસે થોડી ઘણી ખેતીલાયક જમીન હતી. બંને મામા એ પણ સારો અભ્યાસ કર્યો હતો. આજથી લગભગ ૪૦ વર્ષ પહેલા તેમના માટે ૧૨માં ધોરણ સુધી પહોંચવું પણ એક મોટી વાત હતી. આ સિવાય તેમની રાજકીય પસંદગી, સમજ, અને સમાજ માટેનો દૃષ્ટિકોણ આધુનિક હતો. પણ આ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોની હાલત ગમે તેટલી સુધરી જાય, પણ સ્ત્રીઓનો સંઘર્ષ ચાલુ જ રહે છે. મારી મમ્મી, માસી, અને મામીનું જીવન ખેતરમાં જ પસાર થઇ રહ્યું હતું.
મારી મમ્મીની પહેલું લગ્ન, તેમના જેવી આર્થિક પરિસ્થિતિ વાળા એક પરિવારમાં કરી દેવામાં આવી હતી. પણ થોડા સમય પછી મમ્મી રિસાઈને પિયરમાં આવી ગઈ હતી. મને કારણ તો ચોક્કસ ખબર નથી, પણ મેં સાંભળ્યું છે એ મુજબ કદાચ મમ્મીની ચામડીની બિમારીના કારણે એ થયું હતું. મેં ક્યારેય ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો. કેટલાક વર્ષો સુધી, મમ્મી નાના અને મામા સાથે રહી. ત્યાર પછી, તેમના બીજીવાર લગ્ન કરવામાં આવ્યા. એમના બીજા લગ્ન મારા પપ્પા સાથે હતા. વાત સ્પષ્ટ હતી, પપ્પાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, આથી કોઈ સારી આર્થિક પરિસ્થિતિ વાળા ઘેરથી સગપણ આવે તો તેને ઠુકરાવવા માટે એકે વાજબી કારણ નહોતું.
હું જન્મ્યો ત્યાં સુધી પપ્પાની દુકાન સારી ચાલતી હતી. પણ પછી એવી મુશ્કેલીઓ આવી કે પપ્પાએ તેમની દુકાન છોડવી પડી અને ભાડાની દુકાન પર કામ ચાલુ કરવું પડ્યું. અને, અમારા પાંચ ભાઈ બહેનોનો જન્મ થયો પછી તો મમ્મીનું મુંબઈ આવવાનું લગભગ બંધ જ થઇ ગયું હતું. મમ્મી, ગામમાં દાદાએ ભાગ ઉપર લીધેલી જમીન પર કામ કરવા લાગી અને બાકીના સમયમાં માટીના વાસણો માટે જરૂરી માટી તૈયાર કરવામાં મદદ કરવા લાગી. પણ, આર્થિક કારણોના લીધે અંદરોઅંદર એટલા બધા ઝઘડા થવા લાગ્યા કે મમ્મી અમ પાંચે ભાઈબહેનોને લઈને કુટુંબથી અલગ થઇ ગઈ. અમે અલગ થયા ત્યારે, અમારી પાસે એક કાચું ઘર, કેટલાક વાસણો, અને થોડા અનાજ સિવાય કંઈ નહોતું. જો કે, મારા મામાઓએ અમને આર્થિક રીતે થોડીક મદદ કરી હતી અને શરૂઆતમાં રેશનનો બંદોબસ્ત કરી આપ્યો હતો. પછી મમ્મીએ ગામના ઉચ્ચ જાતિના લોકોની જમીન ભાગ ઉપર લઈને તેના પર ખેતી કરવાનું શરૂ કર્યું. મમ્મીની મહેનતના કારણે જ એક-બે વર્ષોની અંદર ઘરમાં પૂરતું અનાજ મળતું થઇ ગયું. મમ્મી બીજાઓના ઘેર પણ કામ કરતી હતી. એની તનતોડ મહેનતના ફળસ્વરૂપે જ અમે ખાવાપીવામાં અને કપડાની વાતમાં સધ્ધર થવા લાગ્યા.
પપ્પા એના પછી જ્યારે ગામડે પાછા આવ્યા, ત્યારે મમ્મીએ મને એમની સાથે મુંબઈ મોકલી દીધો. એ લગભગ ૧૯૯૮-૯૯ની વાત છે, ત્યારે હું કદાચ ૮-૯ વર્ષનો હતો. મને મુંબઈ મોકલવા પાછળ એક જ કારણ હતું: કે મારી રખડપટ્ટી ઓછી થશે અને પપ્પાને થોડીક મદદ પણ થઇ જશે. એ દરમિયાન, પપ્પાએ ઘણીવાર દુકાન બદલવી પડી. અમુક જગ્યાએ વેપાર નહોતો થતો, તો અમુક જગ્યાએ બીએમસી (બૃહદમુંબઈ મહાનગરપાલિકા) ની વારંવાર કાર્યવાહી થતી હતી. એમનું કામ કોઈ એક જગ્યાએ સ્થાયી નહોતું. કેટલાક લોકોએ અનુરોધ કર્યો એટલે પપ્પાએ મને બીએમસીની એક શાળામાં ભણવા મૂકી દીધો. મારી ઉંમર જોતા મને સીધો ત્રીજા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાળામાં કેટલાક નવા બાળકો સાથે મારી મુલાકાત થઇ અને મને ફરીથી શાળા તરફ આકર્ષણ પેદા થઇ ગયું.
*****
પરિસ્થિતિ એવી નહોતી કે ભણવા માટે ત્રણ-ચાર વર્ષ સમય મળી જાય , એટલે મેં ભણવાનું સપનું માંડી વાળ્યું.
પપ્પા સવારે મંડીમાં જતા રહેતા હતા. હું દૂધ અને બિસ્કિટ ખાઈને થોડાક પૈસા લઈને શાળાએ જતો હતો. ૧૦ એક વાગ્યા જેવી રીસેસ પડે એટલે હું શાળાની કેન્ટીનમાં સમોસા કે વડા જે મળે એ ખાઈ લેતો હતો. ૧૨ વાગે હું શાળાએથી ઘેર આવીને પપ્પાએ શીખવાડ્યું હતું એ રીતે કેરોસીનથી ચાલતા સ્ટવ પર ખાવાનું બનાવતો હતો. તેઓ મોટે ભાગે દાળ-ભાત બનાવવાનું શીખવાડી દેતા હતા. ૯ વર્ષની ઉંમરે મગજ જેટલું કામ કરે, તે પ્રમાણે હું ખાવાનું બનાવતો હતો. ઘણીવાર ભાતમાં પાણી રહી જતું હતું, તો ઘણી વાર તે કાચા રહેતાં હતા કે નીચેથી દાઝી જતા હતા. ખાવાનું બનાવીને હું ટીફીન પેક કરતો હતો અને બીઈએસટીની (સરકારી) બસમાં બેસીને પાંચ કિલોમીટર દૂર પપ્પાની દુકાન પર જતો હતો. પપ્પા ખાવાનું ખાતી વખતે ઘણી વાર બૂમો પાડતા હતા કે, આ શું બનાવ્યું છે, મેં તને આવું શીખવ્યું હતું? સત્યનાશ કરી દીધો...વગેરે...
બપોરે પપ્પા દુકાનના ભોંયતળિયા પર સૂઈ જતા અને હું દુકાન સંભાળતો હતો. મારું કામ આટલે પૂરું નહોતું થતું. જ્યારે સાંજે તેઓ ઉઠતા ત્યારે હું આજુબાજુની ગલીઓમાં કોથમીર અને લીંબુ વેચવા નીકળી પડતો. મેં કોથમીરના બંડલને હાથના કાંડા પર રાખીને, બંને હાથમાં લીંબુ પકડીને વટેમાર્ગુઓને લીંબુ-કોથમીર વેચવાની કળા શીખી લીધી હતી. લીંબુ-કોથમીર વેચીને હું દરરોજ ૫૦-૮૦ રૂપિયા કમાઈ લેતો હતો. આવું લગભગ અઢી વર્ષ સુધી ચાલ્યું. પછી અચાનક પપ્પા કોઈ કારણથી ગામડે ગયા, તો મારે પણ તેમની સાથે જવું પડ્યું. પાંચમા ધોરણનો મારો અભ્યાસ પાછો છૂટી ગયો.
આ વખતે મમ્મીએ મને ગામમાં જ રોકી લીધો. એમને એવું લાગવા લાગ્યું હતું કે ભણતર જરૂરી છે, એટલે ઘરનું એકાદ બાળક તો ભણવું જોઈએ. અથવા મને ઘેર રાખવાનું કારણ કદાચ મુંબઈમાં મારો સંઘર્ષ હતો. મેં ક્યારેક એ જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો. એમણે મને ક્યાં રહેવું ગમે છે એ પૂછવાનો પ્રયાસ નહોતો કર્યો. એમને મારા માટે જે સારું લાગ્યું એ એમણે કર્યું.
મામાના ઘેર ભણવાનો સારો માહોલ હતો, એટલે મમ્મીએ એમને વાત કરી અને હું લગભગ ૧૧ વર્ષની વયે મામાના ઘેર જતો રહ્યો. ત્યાં ઘરના બધા બાળકો શાળાએ જતા હતા. મને ભણવાનો આવો માહોલ પહેલીવાર મળ્યો હતો. બંને મામાઓ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા હતા, એટલે માહોલ ઘણીવાર રાજનૈતિક પણ રહેતો હતો. ત્યાં મેં જીવનમાં પહેલીવાર દેશની રાજનૈતિક પાર્ટીઓના નામ અને નેતાઓના નામ જાણ્યા. એક બપોરે મેં જોયું કે પાડોશના એક વ્યક્તિ, જેમને અમે મામા કહેતા હતા અને લોકો તેમને કોમરેડ કહેતા હતા, તેઓ ઘણા બધા લાલ ઝંડાઓ લઈને અમારા દરવાજે ઉભા હતા. થોડી પૂછપરછ પછી ખબર પડી કે એ કમ્યુનિસ્ટ પાર્ટી – ખેડૂતો અને મજૂરોનો ઝંડો છે. એ લોકો સરકારી નીતિઓની સામે વિરોધ કરવા માટે જઈ રહ્યા હતા. એ વખતે મને પહેલીવાર જાણવા મળ્યું કે સરકારનો વિરોધ પણ કરી શકાય છે.
૨૦૦૮માં મેં ૧૨મા ધોરણની પરીક્ષા પાસ કરી, એટલે મામાએ મને પોલિટેકનીકમાં ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરવાની સલાહ આપી. જ્યારે મેં મમ્મીને આ વિષે વાત કરી, તો એમણે કહ્યું કે હવે પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. મમ્મીએ ના પાડવા છતાંય મામાએ પોલિટેકનીકમાં ફોર્મ ભરી દીધું. પહેલા પ્રયત્નમાં મારે સારો રેન્ક નહોતો આવ્યો. પછી મેં બીજા વર્ષે ફરીથી પ્રયત્ન કર્યો અને આ વખતે મહેનતનું પરિણામ મળ્યું અને મને સરકારી કોલેજમાં પ્રવેશ મળી ગયો. કાઉન્સેલિંગનો લેટર પણ આવી ગયો અને ત્યાં વાર્ષિક ફી ૬,૦૦૦ રૂપિયા હતી. મેં મમ્મીને એક વાર ફરીથી પૂછ્યું, પણ તેમણે ફરીથી હાથ ઊંચા કરી દીધા. મામાએ કહ્યું કે એ તો આપણે જોઈ લઈશું. પણ મમ્મીએ ફરીથી કહ્યું કે બહેનો મોટી થઇ રહી છે, અને પપ્પા હવે પહેલા જેટલું કમાતા નથી. આગળ કઈ રીતે પ્રબંધ થશે? મમ્મી સાચું કહેતી હતી. પરિસ્થિતિ એવી નહોતી કે ભણવા માટે ત્રણ-ચાર વર્ષ સમય મળી જાય, એટલે મેં ભણવાનું સપનું માંડી વાળ્યું.
ત્યાર પછી, મેં ઘણીવાર સાઇકલ પર સવારી કરીને ગામથી દૂર એવા બજારોમાં નોકરી શોધવાના પ્રયાસ કર્યા, જ્યાં મને કોઈ ઓળખતું નહોતું. ઓળખીતા લોકો પાસેથી કામ માંગવામાં મને શરમ આવતી હતી. કામ શોધતા-શોધતા એક જગ્યાએ મને ટ્યુશન કરાવવાની નોકરી મળી. પણ, બે-ત્રણ મહિના ટ્યુશન કરાવ્યા પછી મેં જોયું કે મને પૂરા પૈસા મળતા નથી, એટલે તેમાંથી મારું મન ઊઠી ગયું. પછી મેં વિચાર્યું કે, મુંબઈ જતો રહું છું, પપ્પા તો ત્યાં છે જ, એટલે કંઈ ના કંઈ કામ તો મળી જ જશે. મમ્મી પણ આ વાતથી સહમત હતી. પછી એક દિવસ અમારા જે પાડોશી સાથે પપ્પા પહેલીવાર મુંબઈ આવ્યા હતા એમની સાથે હું મુંબઈ જવા નીકળી પડ્યો.
*****
કામની શોધખોળ ફરીથી ચાલુ થઇ ગઈ. રહેવાનું કંઈ ઠેકાણું નહોતું. હું આખો દિવસ કામની શોધખોળમાં રહેતો હતો.
મુંબઈના અંધેરી (વેસ્ટ) વિસ્તારમાં, પપ્પા શાકભાજીની દુકાન ચલાવતા હતા, ત્યાં જ ફૂટપાથ પર તેઓ ખાવાનું બનાવતા હતા અને ત્યાં જ સૂઈ જતા હતા. આવામાં એમની સાથે રહેવું કઠીન હતું. મને દુધની એક દુકાન પર કામ મળી ગયું. દુકાનના માલિકે કહ્યું કે બસ દુકાનનું ધ્યાન રાખવાનું છે, અને ક્યારેક આમ-તેમ સામાન આપવા જવાનું થશે, રહેવા-ખાવાનું ત્યાં જ થઇ જશે પણ મહિનાના ત્રીસે ત્રીસ દિવસ કામ કરવું પડશે, એક પણ રજા નહીં મળે અને ૧,૮૦૦ રૂપિયા પગાર મળશે. મેં કામ મેળવવા માટે તેમની શરતો સ્વીકારી લીધી. પણ, એક અઠવાડિયા પછી મારા બંને પગ સુજી ગયા. અસહ્ય દુઃખાવો થતો હતો અને જ્યારે બેસું ત્યારે થોડોક આરામ મળતો હતો. ૨૦-૨૨ દિવસ કામ કર્યા પછી મેં શેઠને કહ્યું, કે આ મહિનો પૂરો થાય પછી હું કામ કરી શકીશ નહીં.
કામની શોધખોળ ફરીથી ચાલુ થઇ ગઈ. રહેવાનું કંઈ ઠેકાણું નહોતું. હું આખો દિવસ કામની શોધખોળમાં ફરતો રહેતો હતો, અને પછી કોઈ બસ સ્ટેન્ડ કે દુકાનની આગળ સૂઈ જતો હતો. છેલ્લે મને એક ઓનલાઈન લોટરીની દુકાનમાં કામ મળી ગયું. જ્યાં લોકો સટ્ટો લગાવવા માટે આવતા હતા. ત્યાં મારું કામ બોર્ડ પર લોટરીના નંબરો લખવાનું હતું, જેના માટે મને દિવસના ૮૦ રૂપિયા મળતા હતા. એક દિવસ મારા શેઠે જાતે સટ્ટો લગાવ્યો, અને ૭-૮ લાખ રૂપિયા ખોઈ દીધા. એ અકસ્માત પછી બે દિવસ સુધી દુકાન બંધ રહી. ત્રીજા દિવસે કોઈએ મને કહ્યું કે શેઠના ઉપરીએ તેમને માર માર્યો છે અને હવે જ્યાં સુધી નવા શેઠ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે. પણ પછી બીજો કોઈ શેઠ આવ્યો જ નહીં. મારે લગભગ ૧,૦૦૦ રૂપિયા લેવાના બાકી હતા, એ પણ ગયા. ફરીથી એકવાર હું કામની શોધમાં નીકળી પડ્યો.
આ દરમિયાન, પપ્પાના પગમાં તકલીફ થવા લાગી. મેં પપ્પાને કહ્યું કે મને કામ કરવા દો અને તમે ગામડે જતા આવો, હું તમારી દુકાન સંભાળીશ. શરૂઆતમાં તો પપ્પા એ કહ્યું કે, તમે આ નહીં સંભાળી શકો, રોડ ઉપર આખી દુનિયાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ, તેઓ પોતે પણ ઘેર જવા માંગતા હતા અને મેં પણ એમને દુકાન મારા હવાલે કરવા માટે તેમને રાજી કરી દીધા હતા.
મેં પોતાની જાતે દુકાન ચલાવીને પહેલા મહિને ૧,૫૦૦ રૂપિયાની બચત કરી હતી. આ મારા માટે ખૂબ મોટી રકમ હતી. આ આવકે મને કામ પ્રત્યે સમર્પિત કરી દીધો અને બીજા મહિને મેં તનતોડ મહેનત કરીને ૫,૦૦૦ રૂપિયા બચત કરી. જ્યારે મેં ટપાલમાં પહેલી વાર પૈસા ઘેર મોકલ્યા, ત્યારે મમ્મી ખૂબ જ ખુશ થઇ હતી. પપ્પા તો ચોંકી ગયા હતા, કે જે દુકાન પર તેઓ માંડ કંઈ કમાણી કરી શકતા હતા, ત્યાં મેં કઈ રીતે આટલા બધા પૈસાની બચત કરી.
જ્યાં મારી લારી હતી, તેની સામે એક શાકભાજીની દુકાન હતી જેને મારી ઉંમરનો એક છોકરો ચલાવતો હતો. ધીરે-ધીરે અમે પાક્કા મિત્રો બની ગયા. તેણે પહેલીવાર ભોજનની થાળી આગળ કરી હતી એ મને યાદ છે. તેનું નામ આમિર હતું. આમિર પાસે રહીને મારી ખાવા-પીવાની ચિંતા પૂરી થઇ ગઈ. હવે આમિર મને પૂછતો હતો કે આજે ખાવાનું શું બનાવીએ? મને ખાવાનું બનાવતા નહોતું આવડતું, એટલે હું જમ્યા પછી બધા વાસણો ધોઈ લેતો હતો. જે ખુલ્લી જગ્યામાં અમે સુતા હતા ત્યાંથી અમારા ખિસ્સામાંથી પૈસા ચોરી થવા લાગ્યા. એકવાર તો કોઈ ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરીને લઇ ગયું. એટલે, થોડા દિવસો પછી મેં અને આમિરે ભાડે એક ઘર લેવાનું નક્કી કર્યું. એક ઓળખીતા વ્યક્તિએ પોળમાં એક ઘર ભાડે અપાવી દીધું. દલાલી પેટે અમારે થોડાક પૈસા ચૂકવવા પડ્યા હતા અને માસિક ભાડું ત્રણ હાજર રૂપિયા હતું જેને હું અને આમિર વહેંચી લેતા હતા.
ગામમાં મારે કાચું ઘર હતું. કેટલાક સમય પહેલા એમાં આગ લાગી હતી, અને સમારકામ કરાવ્યા પછી પણ તે જર્જરિત હાલત માં જ હતું. એટલે અમે કાચું ઘર પાડીને ત્યાં જ એક પાકું ઘર બનાવવાનું નક્કી કર્યું. એ દરમિયાન, ૨૦૧૩માં મે મહિનામાં મારા પગમાં અલગ જ પ્રકારનો દુઃખાવો થવા લાગ્યો. હું ગામના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર ડોકટરોને મળ્યો, એટલે તેમણે કેલ્શિયમની ઉણપ હોવાનું કહ્યું. જ્યારે પરિસ્થિતિમાં સુધારો ન થયો, તો ડોકટરે અલગ-અલગ રિપોર્ટ કરાવવાનું કહ્યું. રિપોર્ટનું પરિણામ આવ્યું ત્યારે ખબર પડી કે મને કમળાની બિમારી છે. ઈલાજ કરાવવા છતાંય મારી હાલત વણસી રહી હતી. હાલતમાં સુધારો થતો ન હોવાથી, મારા ઘરવાળા ભૂવા પાસે જવા લાગ્યા. પૈસા બંને બાજુ ખર્ચ થતા હતા- દવામાં અને દુઆમાં. પણ રાહત ક્યાંયથી ન મળી. મારા બધા પૈસા પૂરા થઇ ગયા હતા. મારી હાલત જોઇને સગાસંબંધીઓ એ મારી મદદ કરી. હું મુંબઈ આવી ગયો.
મારા મગજમાં જાત-જાતના વિચારો આવતા હતા. ક્યારેક લાગતું કે હું ગામમાં છું, તો ક્યારેક લાગતું કે હું મુંબઈ છું. મારા ગ્રાહકમાંથી મારા નજીકના દોસ્ત બનેલા કવિતા મલ્હોત્રાને મારી હાલત વિષે ખબર પડી, તો તેઓ ચિંતિત થઇ ગયા. એક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કવિતા મલ્હોત્રા મને તેમના એક ઓળખીતા ડોક્ટર પાસે લઇ ગયા. બધો ખર્ચ તેઓ જાતે ચૂકવતા હતા. લોકોના કહેવાથી આમિર મને દરગાહ પર પણ લઇ ગયો. લોકો કહે છે કે હું ક્યારેક શરીરના બધા કપડા કાઢીને ફેંકી દેતો હતો, તો કયારેક આમતેમ દોડતો હતો. એક દિવસ પપ્પા મને ટ્રેનમાં બેસાડીને કોઈ ઓળખીતા માણસની મદદથી ગામડે લઇ આવ્યા. ગામમાં ડોકટરો અને ભૂવાઓને બતાવવાનો નિત્યક્રમ ફરીથી શરૂ થઇ ગયો. ઘણી વાર લોકો અલાહાબાદના અમુક સારા ડોકટરોને બતાવવાનું કહેતા, બોલેરો બુક કરવામાં આવતી હતી, જેમાં મમ્મી મને લઈને તપાસ કરાવવા જતી. મમ્મી પાસે પૈસા તો નહોતા, પણ સગાસંબંધીઓ આર્થિક રીતે મદદ કરી દેતા હતા. મારો વજન ઘટીને ૪૦ કિલો થઇ ગયો હતો. હું ખાટલા પર સૂતો તો એવું લાગતું કે ખાલી હાડકા પડ્યા છે. લોકો કહેતા હતા કે હવે બચવાની કોઈ આશા નથી. ફક્ત મારી મમ્મી જ હતી જે હિંમત નહોતી હારી. મમ્મીએ મારા ઈલાજ માટે એક-એક કરીને એના બધા ઘરેણાં વેચી દીધા હતા.
પછી, કોઈકની સલાહથી મારો ઈલાજ અલાહાબાદના માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટર ટંડન પાસે શરૂ થયો. એમણે ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ની અપોઈન્ટમેન્ટ આપી હતી. જે બસથી અમે અલાહાબાદ જવા નીકળ્યા, એ બસ આગળ જઈને બંધ પડી ગઈ. ત્યાંથી બે કિલોમીટર દૂર એક ચોકડી હતી, જ્યાંથી અલાહાબાદ જવા માટે બસો મળતી હતી. મેં હિંમત કરીને પગપાળા ચાલવાનું શરૂ કર્યું, પણ થોડેક દૂર જઈને મારાથી ચાલી શકાયું નહીં, એટલે હું ત્યાં જ રોડની બાજુએ બેસી ગયો. મમ્મીએ કહ્યું કે, “ચાલો, હું તમને ઊંચકી લઉં છું.” એમની વાત સાંભળીને હું રડી પડ્યો. એટલામાં ત્યાંથી એક ટેમ્પો પસાર થયો અને મમ્મીએ હાથ લાંબા કર્યા એટલે તે રોકાઈ ગયો. ટેમ્પો ચાલકે અમને બસમાં પણ બેસાડી દીધા અને ભાડું પણ ન લીધું. મને મારી બિમારી વિષે વધારે કંઈ ખબર નથી, પણ આ ઘટના મને બરોબર યાદ છે. અને કેમ ન હોય, ત્યારથી જ મારી તબિયતમાં સુધારો થવાની શરૂઆત થઇ હતી. ધીમે-ધીમે વજન પણ વધવા લાગ્યો. પણ મને કમજોરી હજુ પણ રહેતી હતી. હું વધારે વજન ઉઠાવી શકતો નહોતો. પણ ફરીથી હું હિંમત કરીને કામ કરવા લાગ્યો અને પાછો મુંબઈ આવી ગયો. વેપાર એકવાર ફરીથી પુરજોશમાં ચાલુ થઇ ગયો હતો, અને પછીના બે વર્ષો સુધી પરિસ્થિતિ સારી રહી. પછી ૨૦૧૬માં નોટબંધી જાહેર કરવામાં આવી, એટલે મારો વેપાર પાછો મંદ પડી ગયો.
*****
ભગતસિંહને વાંચીને મનમાં પ્રશ્ન થયો કે શું અત્યારે ભારતની જેવી હાલત છે તેવું તેમણે સપને સુદ્ધાં પણ વિચાર્યું હશે ?
છેલ્લા કેટલાક સમયથી હું સોશિઅલ મીડિયાનો વધારે ઉપયોગ કરવા લાગ્યો હતો. વ્હોટ્સએપ ફોરવર્ડ વાંચીને મગજ જમણેરી વલણો તરફ પૂરી રીતે ઢળી ગયું હતું. એક-દોઢ વર્ષ સુધી સોશિઅલ મીડિયામાં ગરકાવ રહેવાની મારા પર એવી તો અસર થઇ કે હું મુસલમાન પરિવારો વચ્ચે રહેવા છતાંય તેમનાથી નફરત કરવા લાગ્યો હતો. આમિર મારી વાતોને ગંભીરતાથી નહોતો લેતો. પણ મને દેશના બીજા મુસલમાનોથી તકલીફ થવા લાગી હતી. મને પાકિસ્તાન, કાશ્મીર, અને ઉત્તરપૂર્વના લોકોથી પણ તકલીફ થવા લાગી હતી. હું જે ધર્મમાં પેદા થયો હતો એ ધર્મમાં ન માનનારાઓથી મને તકલીફ થવા લાગી. જો હું કોઈ જીન્સ પહેરેલી સ્ત્રીને જોઉં, તો મને થતું કે આ સ્ત્રી સમાજને ખરાબ કરી રહી છે. પ્રધાનમંત્રીની ટીકા સાંભળીને એવું લાગતું કે કોઈ મારા મસીહાને ગાળો આપી રહ્યું છે.
મને લાગવા માંડ્યું કે મારે મારા વિચારો વ્યક્ત કરવા જોઈએ, અને સોશિયલ મીડિયા પર વાર્તાઓ તરીકે મારા પોતાના અનુભવો વિશે લખવાનું શરૂ કર્યું. વાચકો મારી સાથે જોડાવા લાગ્યા
એક દિવસ આમિરે એક પત્રકારનું નામ લીધું, જેનું નામ મયંક સક્સેના હતું. આમિરે ફેસબુક પર એમની ઘણી પોસ્ટ બતાવી. મને લાગ્યું કે કેટલો ખરાબ માણસ છે – દેશ વિરોધી. પ્રધાનમંત્રીની ટીકા કરનારા માણસની આમિર પ્રશંસા કરી રહ્યો હતો, આ મારાથી સહન ન થયું. પણ હું આમિરને કંઈ કહી શક્યો નહીં. પછી એક દિવસ અચાનક એમને મળવાનું થયું. નાના બાંધા અને મોટા વાળ વાળો આ માણસ મને ખુશ થઈને મળ્યો. પણ એ માણસ વિષે મારા દિલમાં હજુપણ ધ્રુણા હતી.
મયંકના બીજા મિત્રો પણ એના જેવા જ વિચારો ધરાવતા હતા, હું તેમને પણ મળ્યો. હું એમને વાદવિવાદ કરતા જોતો. તેઓ એવા આંકડા, પુસ્તકો, જગ્યાઓ, અને વ્યક્તિઓના નામ લેતા કે જેમના વિષે મેં પહેલા ક્યારેય સાંભળ્યું નહોતું. મયંકે મને એક પુસ્તક ભેટમાં આપ્યું. તે હતું મહાત્મા ગાંધીએ લખેલું ‘સત્યના પ્રયોગો.’ ગાંધી-નેહરુ વિષે મારા દિલમાં હજુ પણ ઝેર ભરેલું હતું. એ પુસ્તક મને કંટાળાજનક લાગ્યું, તેમ છતાં મેં તે વાંચવાનું ચાલુ રાખ્યું. હું પહેલી વાર ગાંધી વિષે આટલું જાણી રહ્યો હતો. તેમ છતાં, હજુ પણ ઘણી વસ્તુઓ જાણવાની બાકી હતી. મગજમાં જે કચરો ભરાયેલો હતો એ ધીમે-ધીમે નીકળવા લાગ્યો.
એકવાર દાદરમાં એક વિરોધ પ્રદર્શન હતું. મયંક ત્યાં જઈ રહ્યા હતા. એમણે મને સાથે આવવાનું કહ્યું એટલે હું પણ તેમની સાથે ત્યાં ગયો. દાદર સ્ટેશનની બહાર ઘણા લોકો ઘેરો ગાલીને વિરોધ કરી રહ્યા હતા, નારા લગાવી રહ્યા હતા, અને સરકારની દમનકારી નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા. ઘણા વર્ષો પછી મને લાલ ઝંડો ફરીથી દેખાયો. મયંક ત્યાં ખંજરી લઈને લોકો સાથે મળીને ક્રાંતિકારી ગીતો ગાવા લાગ્યા. વિરોધ પ્રદર્શનનો આ મારો પહેલો અનુભવ હતો, અને આ બધું જોઇને હું આશ્ચર્યચકિત થઇ ગયો. મયંક થોડા નવરા પડ્યા એટલે મેં તેમને પૂછ્યું કે તેમને અહીં આવવા માટે કોણ પૈસા આપે છે? મયંકે ઉલટો મને પ્રશ્ન પૂછ્યો, “તમને કોઈએ અહીં આવવા માટે પૈસા આપ્યા હતા?” એ પ્રશ્નમાં જ મને મારો જવાબ મળી ગયો.
એ જ વિરોધ પ્રદર્શનમાં મારી મુલાકાત અનવર હુસૈન સાથે થઇ, જેઓ હવે ઘણીવાર મારી દુકાનેથી શાકભાજી લઇ જાય છે. એમને જ્યારે ખબર પડી કે મને પુસ્તકો વાંચવાનો શોખ છે, તો તેઓ મને અમુક પુસ્તકો આપી ગયા. એમાં મંટો, ભગતસિંહ, મુનશી પ્રેમચંદના ઘણા પુસ્તકો હતા. મંટોને વાંચીને હું હચમચી ગયો અને તે પછી દરેક સ્ત્રી પ્રત્યે મારામાં એક અલગ જ દૃષ્ટિકોણ પેદા થયો. ભગતસિંહને વાંચીને મનમાં પ્રશ્ન થતો કે અત્યારે ભારતની જેવી હાલત છે તેવું તેમણે સપને સુદ્ધાં પણ વિચાર્યું હશે? મુનશી પ્રેમચંદને વાંચીને એવું લાગ્યું કે જાણે હું મારું પોતાનું જીવનચરિત્ર, લોકો અને સમાજને જોઈ રહ્યો છું. પછી મેં હરિશંકર પરસાઈને વાંચવાનું શરૂ કર્યું. પરસાઈને વાંચીને સમાજમાં અને પોતાની જાતમાં બદલાવ લાવવાની એવી તો તાલાવેલી પેદા થઇ કે મને લાગવા લાગ્યું કે આ માણસ તો અત્યારના જમાનામાં હોવો જોઈતો હતો. જો તેઓ હોત તો બધાને ઉગાડા પાડી દેત.
કોઈ સમુદાય, જાતિ, વિસ્તાર, નસલ વગેરે વિષે મારામાં જે નફરત હતી એ હવે ઓછી થવા લાગી. સતત વાંચવાનો ફાયદો એ થયો કે મને લખવાની પણ ઈચ્છા થવા લાગી. આમ પણ, સોશિઅલ મીડિયા પર ઘણા મોટા લેખકોને વાંચીને મને લાગવા લાગ્યું હતું કે તેમના લેખ બનાવટી છે અને મારે પોતાની વાત જાતે જ કહેવી જોઈએ. હવે હું સોશિઅલ મીડિયા પર મારા પોતાના અનુભવો વાર્તા સ્વરૂપમાં લખી દેતો હતો, જેને વાંચીને લોકો મારી સાથે જોડાવા લાગ્યા. હું પણ સારું લખવાવાળા લોકોને ફોલો કરવા લાગ્યો. શિખવાની પ્રક્રિયા સતત ચાલુ રહી.
*****
લગ્નમાં ન તો મંગળસૂત્ર હતું, ન કન્યાદાન કે ન દહેજ. મેં ડોલીને સિંદૂર લગાવ્યું, અને ડોલીએ મને.
મારો વેપાર રોડ પર છે, આથી મને પોલીસના શોષણના કેટલાય અનુભવો થયા છે. હફ્તા વસૂલી, ગાળો, પોલીસ સ્ટેશનમાં લઇ જઈને બેસાડી રાખવા, જ્યારે-ત્યારે ૧,૨૫૦ રૂપિયા દંડ વસૂલવો – આ બધું એટલી બધી વાર ઘટ્યું છે કે તેના વિષે લખવા બેસું તો એક દળદાર પુસ્તક બની જાય. કેટલાય પોલીસકર્મીઓએ મારપીટ કરી છે, કે પછી મારપીટની ધમકી આપી છે. હફતો ન આપું તો ઘણીવાર એમની ગાડીમાં બેસાડીને આખા શહેરમાં ફેરવ્યો છે. આ બધું સામાન્ય હતું. આ અનુભવો વિષે સોશિઅલ મીડિયામાં લખતા બીક પણ લાગે છે. પણ હું એ રીતે લખતો હતો કે ન તો કોઈ પોલીસકર્મીનું નામ સામે આવે કે ન તો શહેર કે રાજ્યનું નામ જાહેર થાય. નોટબંધી પછીના સમયમાં એક વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ નિર્માતા રુક્મિણી સેને આની નોંધ લીધી અને મને સબરંગ ઇન્ડિયા માટે લખવાનું કહ્યું, જે આજપર્યંત ચાલુ છે.
૨૦૧૭માં મારી બીજી બહેનના પણ લગ્ન થઇ ગયા હતા. હવે મારા પર લગ્ન કરવા માટે દબાણ હતું. પણ હવે મને એટલી તો ખબર પડી ગઈ હતી કે લગ્ન જેવા મહત્વના ફેસલા સમાજના દબાણમાં ન લેવા જોઈએ. આ સમયગાળા દરમિયાન, મારા જીવનમાં ડોલી આવી. અમે સાથે રહેતાં અને જોડે ફરતા તો લોકોને ખૂબ જ ખટકતું હતું. લોકો જાત-જાતના પ્રશ્નો પૂછતા હતા. કોણ છે, કઈ જાતિની છે? મારી જાતિના લોકોને એ જાણવાની ખૂબ તાલાવેલી હતી કે ડોલીની જાતિ કઈ છે. બીજી જાતિની હોય તો એમનું નાક કપાઈ જતું હતું. પણ હું આ બધાથી પરે હતો.
ડોલીએ તેના ઘેર મારા વિષે જણાવ્યું હતું. થોડા દિવસો પછી હું ડોલીના મા-બાપને મળ્યો. મારા ઘરવાળા ઇચ્છતા હતા કે હું જલદીથી લગ્ન કરી લઉં. હું અને ડોલી પણ લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ પહેલા અમે સેટ તો થઇ જઈએ. બે-અઢી વર્ષ એમ જ પસાર થઇ ગયા અને હવે ડોલી ઉપર એના મા-બાપનું દબાણ વધી ગયું હતું. તેઓ છોકરીના મા-બાપ હતા, તેમના ઉપર સમાજનું અલગ જ દબાણ હોય છે. તેઓ પરંપરાગત રીતે લગ્ન કરાવવા માંગતા હતા. મારા ઘરવાળા પણ આવું જ ઇચ્છતા હતા. પણ હું કોર્ટ મેરેજ કરવા ઈચ્છતો હતો. ડોલી પણ આવું જ ઇચ્છતી હતી. ડોલીના પરિવારને એ ડર હતો કે હું એમની દીકરીને છોડીને જતો ન રહું. મારા મા-બાપનું કહેવું હતું કે લોકોને ખબર તો પડવી જોઈએ ને કે દીકરાના લગ્ન થઇ ગયા છે. દબાણ વચ્ચે કંઇક નિર્ણય લેવો જરૂરી હતો. ડોલીના પરિવારવાળાઓએ એક નાના હોલમાં લગ્નનું આયોજન કર્યું.
છેલ્લે, અમારી જીદ આગળ અમારા પરિવારજનોએ નમતું જોખવું પડ્યું. લગ્નમાં ન તો મંગળસૂત્ર હતું, ન કન્યાદાન કે ન દહેજ. મેં ડોલીને સિંદૂર લગાવ્યું, અને ડોલીએ મને. સાત ફેરા થયા. પંડિતે મંત્રોચ્ચાર કર્યો. અને દરેક ફેરા પછી મયંક અમારા વચનો વાંચતા હતા, જેમાં પતિ-પત્ની વચ્ચે બરાબરીની વાતો હતી. હોલમાં હાજર લોકોને હસવું આવતું હતું, પણ તેઓ સમજી રહ્યા હતા કે કંઈ અલગ થઇ રહ્યું છે અને રિવાજની સાંકળો તૂટી રહી છે. અમુક લોકો નારાજ હતા. પણ એમની નારાજગીથી વધારે અમારા માટે સદીઓથી ચાલી આવતી અસામનતા, બ્રાહ્મણવાદી, અને સ્ત્રી-વિરોધી રિવાજોને તોડવું જરૂરી હતું. લગ્ન પછી હું અને ડોલી એક નવા ઘરમાં રહેવા જતા રહ્યા. માર્ચ ૨૦૧૯માં જ્યારે અમે લગ્ન કર્યા હતા, ત્યારે ઘરમાં કંઈ નહોતું. ધીરે-ધીરે જીવનોપયોગી વસ્તુઓ ઘરમાં આવવા લાગી. સોયથી લઈને કબાટ સુધીની દરેક વસ્તુ અમે મહેનતની કમાણીથી વસાવી હતી.
૨૦૨૦ના માર્ચ મહિનામાં કોરોનાની શરૂઆત થઇ ગઈ હતી, અને પછી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકોમાં સામાન ખરીદવા માટે હોડ લાગી ગઈ. જોતજોતામાં, દુકાનમાં જે શાકભાજી હતી એ બધી ખાલી થઇ ગઈ. કેટલાક લોકોએ લૂંટ મચાવી, તો કેટલાકે પૈસા ચૂકવીને ખરીદી કરી. બધી દુકાનો પર આ જ હાલત હતી. થોડીકવાર પછી પોલીસે બધી દુકાનો બંધ કરાવી દીધી. એ પણ ન કીધું કે દુકાનો પાછી ક્યારે ખૂલશે. લોકો ગામડે પલાયન થવા લાગ્યા. જે ઈમારતમાં અમે રહેતાં હતા એ બે દિવસમાં ખાલી થઇ ગઈ. પલાયન થવામાં કોરોનાની બીક ઓછી, અને વેપાર-ધંધો બંધ રહેશે તો ખાઈશું શું, એની બીકથી વધારે હતી. ડોલી ટ્રેકિંગ ના જેકેટ બનાવનારી દુકાનમાં કામ કરતી હતી, જે ૧૫ માર્ચ, ૨૦૨૦ના રોજ બંધ થઇ ગઈ હતી.
ઘરના સભ્યો કહેતા હતા કે હવે ગામડે આવી જાઓ, પછી બધું સારું થાય એટલે જોયું જશે. પણ એ વખતે પરિસ્થિતિ એવી હતી કે અમારી પાસે કોઈ બચત નહોતી. એટલે અમે રોકાવું વધારે યોગ્ય રહેશે એવું વિચાર્યું. અમારું કામ શાકભાજીથી જોડાયેલું હતું, જે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. પણ શાકભાજી ખરીદવાનું કઠીન થઇ પડ્યું હતું. દાદર ખાતેના મુખ્ય બજારમાં તાળું લાગી ગયું હતું. શાકભાજી ચુના ભઠ્ઠી, સુમૈયા મેદાન જેવી જગ્યાઓએ મળતી હતી. એ જગ્યાઓ પર ખૂબ જ વધારે ભીડભાડ રહેતી હતી. બીક એ લાગતી હતી કે મને ક્યાંક કોરોના ન થઇ જાય, અને મારો ચેપ ઘરમાં ડોલીને ન લાગી જાય. પણ ભીડમાં જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ગમેતેમ કરીને, કામકાજ પુરતો ખર્ચો નીકળી જતો હતો. મે માં બીએમસીએ દુકાનો ખુલ્લી રાખવાનો સમય ફક્ત ૩ કલાક – બપોરે ૧૨ થી ૩, કરી દીધો. આ નિર્ધારિત સમયમાં થોડું પણ આઘુ-પાછું થતું તો પોલીસ ડંડા વરસાવવા લાગતી હતી. શાકભાજી મંગાવવા માટે પણ ઓનલાઈન પ્લેટફોર્મ હતા, જે સવારથી લઈને રાત સુધી ચાલુ રહેતાં હતા. લોકોએ એ સમયે ઓનલાઈન ખરીદી કરવી વધારે હિતાવહ ઘણી. એનાથી ધંધા પર ખૂબ જ માઠી અસર થઇ. એ જ વખતે દાદાજીનો પગ તૂટી ગયો અને કોરોનામાં તેમણે કઈ રીતે દુનિયાથી વિદાય લીધી એ તો મેં તમને આગળ કહ્યું જ છે.
કેટલાક મહિનાઓ પછી, કામકાજ માટેનો સમય વધારીને સાંજના ૭ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો. એકવાર મારો ભાઈ રવિ થેલામાં મુકેલા ફળોના ઢગલામાંથી ખરાબ ફળો અલગ કરી રહ્યો હતો. એટલામાં એક પોલીસકર્મી આવ્યો અને તેનો વિડીઓ ઉતારવા લાગ્યો. ડરના માર્યા રવિએ પોલીસને પૈસા આપવાની વાત કરી, પણ પોલીસે વધારે પૈસા માગ્યા અને પૈસા ન આપવા પર કેસ કરવાની ધમકી આપી. તેઓ રવિને પોલીસ સ્ટેશન લઇ ગયા. રાત્રે એક-દોઢ વાગે પોલીસએ રવિના ખિસ્સામાં પડેલા ૬ હજાર રૂપિયા લઇ લીધા અને એને છોડી દીધો. એની પાસે બચતના નામે આટલા જ પૈસા હતા. જો કે, બે-ત્રણ દિવસો પછી એક ઓળખીતા માણસ દ્વારા મોટા હોદા વાળા પોલીસ ઓફિસર સાથે વાત થઇ ગઈ. બે દિવસ પછી જે પોલીસકર્મીએ રવિ પાસેથી પૈસા લીધા હતા, તે તેને શોધતો-શોધતો ઘેર આવ્યો અને બધા પૈસા પરત કર્યા.
કોરોનાની શરૂઆતના સમયથી હજુ સુધી ધંધાની હાલત સુધરી નથી. દુનિયા સાથે લડતા-લડતા અમે આજે પણ જીવનને પાટા પર લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે, જ્યારે હું આ વાર્તા લખી રહ્યો છું, ત્યારે હું કોરોના સંક્રમિત છું. અને ડોલી પણ કોરોના સંક્રમિત છે. અમે બંનેએ એકબીજાને ઘરમાં બંધ કરી દીધા છે. દુકાનમાં જે શાકભાજી વધી હતી, તે આજુબાજુવાળા દુકાનદારોની મદદથી વેચાઈ ગઈ. જે કંઈ બચત વધી હતી એ થોડાક દિવસોની દવાઓ અને કોરોનાનું પરીક્ષણ કરાવવામાં ખર્ચાઈ ગઈ છે. પણ કંઈ નહીં. પરીક્ષણનો રીપોર્ટ નેગેટીવ આવશે એટલે ફરીથી બહાર જઈશું અને ફરીથી પ્રયાસ કરીશું. જીવનને બંને હાથે સ્વીકારીશું. બીજો વિકલ્પ પણ ક્યાં છે.
ગોપનીયતાના રક્ષણ માટે કેટલાક લોકો અને સ્થળોનું નામ આપવામાં આવ્યું નથી .
આ વાર્તા મૂળ હિન્દીમાં લેખક દ્વારા લખવામાં આવી હતી , અને દેવેશ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી .
સુમેરસિંહ રાઠોડનો કવર ફોટો .
અનુવાદ : ફૈઝ મોહંમદ