ઘણા વખતથી બી. કિસ્તા ફળોની ખેતી કરીને પોતાનું નસીબ અજમાવવા ઈચ્છતા હતા. તેઓ કહે છે, "ખેતમજૂરીથી થતી કમાણી વડે મારાં દેવાં કોઈ હિસાબે ચૂકતે થઈ શકે તેમ ન હતું." આખરે ગયા વર્ષે, ઘણો વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું - અને ચાર એકર જમીન ભાડે લીધી. બોડિગનિડોદ્ડી ગામમાં રહેતા કિસ્તા કહે છે, "મેં ચાર એકર જમીન માટે [વાર્ષિક] ભાડા પેટે એકર દીઠ 20,000 રુપિયા ચૂકવ્યા. છેલ્લા ત્રણ વર્ષમાં મારી દીકરી અને દીકરાના લગ્ન માટે લીધેલી લોન ચૂકવી શકાશે એ આશાએ મેં ખેતી શરૂ કરી."
પરંતુ માર્ચના અંતમાં લોકડાઉન શરૂ થયાના થોડા અઠવાડિયા પહેલા, અનંતપુર જિલ્લાના બુક્કારયસમુદ્રમ મંડળના તેમના ગામ અને અન્ય ગામોમાં ભારે પવન અને ખરાબ હવામાનને કારણે તેમની જમીનમાંના 50 ટન કેળાના પાકમાંથી લગભગ અડધા (તેમજ તરબૂચના) પાકને નુકસાન પહોંચ્યું. ફળોના વેચાણમાંથી તેમને માંડ 1 લાખ રુપિયા મળ્યા - અને લગભગ 4 લાખ રુપિયાની ખોટ ગઈ . તેમના પાછલા દેવા ચૂકતે કરવાની વાત તો દૂર રહી, તેમણે શાહુકાર પાસેથી વ્યાજે લીધેલી રકમ 3.5 લાખ રુપિયાથી વધીને 7.5 લાખ રુપિયા થઈ ગઈ.
અનંતપુરના ખેડુતોને 2019 માં સારા ચોમાસાથી ફાયદો થયો હતો. કિસ્તાની જેમ તેઓ પણ આ વર્ષે મબલખ રવિ પાક બાદ સારા વળતરની આશામાં હતા. કેળાના ખેડુતો ટન દીઠ 8,000 રુપિયા મળશે એવી આશા રાખતા હતા.
પણ ત્યાં 25 માર્ચે - રવિ મોસમના અંતમાં - લોકડાઉન થયું. બજારમાં અનિશ્ચિતતાને પગલે વેપારીઓ ઉપજ ખરીદતા ખચકાતા હતા. ખેડૂતોને માઠી અસર પહોંચી છે - રવિ મોસમ દરમિયાન એપ્રિલ સુધી લગભગ દર બે અઠવાડિયે કેળાની ખેતી કરવામાં આવે છે, અને દરેક તબક્કે ફટકો પડ્યો હતો.
જી. સુબ્રમણ્યમ, બુક્કારયસમુદ્રમ ગામના નુકસાન વેઠનારા ખેડૂતોમાંના એક છે. તેમણે 3.5 એકર જમીનમાં આશરે 3.5 લાખ રુપિયા ખર્ચીને કેળાની ખેતી કરી હતી. જે 70 ટન કેળાનું ઉત્પાદન થયું તેમાંથી મોટા ભાગના કેળા તેમણે ગામમાં આવતા વેપારીઓને એપ્રિલ મહિનામાં માત્ર 1500 રુપિયે ટનના ભાવે વેચ્યા હતા. તે મહિનામાં 8-9 ટન કેળાના ટ્રકલોડ ફક્ત 5000 રુપિયે વેચાયા - આ ભાવ ખેડુતોએ અંદાજેલા ટન દીઠ ભાવ કરતા ય 3000 રુપિયા ઓછો હતો.
સુબ્રમણ્યમ કહે છે, “આરોગ્યની કટોકટી [કોવિડ -19 લોકડાઉન] દરમિયાન, જો સરકારે કેળા ખરીદ્યા હોત, તો ખેતરોમાં પાક બગડવા માટે છોડી દેવાને બદલે લોકોને પૌષ્ટિક ખોરાક આપી શકાયો હોત .ખેડુતોને પણ થોડા વખતમાં પૈસા ચૂકવી શકાયા હોત.”.
રપ્તદૂ મંડળના ગોંદિરેડ્ડીપલ્લઇ ગામના સી. રામ મોહન રેડ્ડીએ તેમની સાત એકર જમીનમાંથી ત્રણ એકરમાં કેળાનું વાવેતર કર્યું હતું. તેઓ કહે છે કે વેપારીઓ 1500 રુપિયે ટન કેળા ખરીદતા પણ ખચકાતા હતા કારણ કે આ પેદાશ તેઓ વેચી શકશે કે કેમ એની તેમને શંકા હતી. તેઓ કહે છે, સામાન્ય રીતે કેળા ટન દીઠ 11000 થી 12000 રુપિયે વેચાય છે. અહેવાલો અનુસાર, 31મી જાન્યુઆરીએ, કૃષિ મંત્રી કુરસલા કન્નનબાબુએ સ્થાનિક સ્તરે ઉગાડેલા 980 મેટ્રિક ટન કેળા ઈરાન નિકાસ કરવા માટે લઈ જતી 'ફ્રૂટ ટ્રેન' ને તાડપત્રી શહેરથી મુંબઈ રવાના કરી ત્યારે, તો કેળા ટન દીઠ 14000 રુપિયે વેચાયા હતા.
સુકા રાયલાસીમા ક્ષેત્રના અનંતપુર જિલ્લામાં, ખેતીલાયક વિસ્તારના 11. 36 લાખ હેક્ટરમાંથી, આશરે 158000 હેક્ટરમાં ફળનો પાક ઉગાડવામાં આવે છે, અને 34000 હેક્ટર શાકભાજીના વાવેતર હેઠળ છે. જિલ્લાના બાગાયતીના નાયબ નિયામક બી. એસ. સુબ્બારાયુડુએ ફોન પર વાત કરતાં જણાવ્યું કે જિલ્લામાં બાગાયતી પેદાશોનું કુલ વાર્ષિક ઉત્પાદન 58 લાખ મેટ્રિક ટન છે જેની કિંમત 10000 કરોડ રુપિયા છે.
લોકડાઉનને કારણે ભાવમાં ઘટાડો થયો છે એ વાત સાથે સુબ્બારાયુડુ અસંમત છે તેઓ કહે છે કે દર વર્ષે આ સમયે [2020ના લોકડાઉનના મહિનાઓમાં], કેળાના ભાવ લગભગ 8-11 રુપિયે કિલોથી ઘટીને 3 થી 5 રુપિયે કિલો થઈ જાય છે. તેઓ કહે છે, એપ્રિલ 2014માં કેળા 2 રુપિયે કિલોના ભાવે પણ વેચાયા નહોતા. તેઓ ઉમેરે છે, “ઉત્પાદન એકર દીઠ 20 ટનથી વધીને 40-45 ટન થયું છે. ખેડુતોએ સારા ભાવ માટે તેમની પેદાશો તેમના ખેતરમાંથી [વેપારીઓને] નહીં પણ એપીએમસી [એગ્રિકલચર પ્રોડ્યૂસ -કૃષિ પેદાશ - માર્કેટિંગ કમિટી] બજારોમાં વેચવી જોઈએ. આ રીતે, તેમને વધુ સારો ભાવ મળશે."
જોકે, ખેડુતો કહે છે કે સામાન્ય રીતે કેળાના ભાવમાં સુબ્બારાયુડુના દાવા જેટલો ઘટાડો થતો નથી. તેમને આશા હતી કે આ વર્ષે એપ્રિલમાં કેળાનો ભાવ પ્રતિ કિલો 8 થી 11 રુપિયા પર સ્થિર રહેશે .
બુક્કારયસમુદ્રમ મંડળના બોડિગનિડોદ્ડી ગામમાં છ એકર જમીન પર કેળાનું વાવેતર કરનાર ટી. અદિનારાયણ (ઉપરના કવર ફોટોમાં) કહે છે, “લોકડાઉનને કારણે, કેળા માંડ 2 રુપિયે કિલોના ભાવે વેચાયા. હું એક ભાડૂત ખેડૂત હોવાને કારણે મને બેંકો તરફથી કોઈ લોન મળતી નથી અને મેં પાક માટે 4.80 લાખનું રોકાણ કર્યું છે…. "
તે જ મંડળના રેડ્ડીપલ્લઇ ગામના સી.લિંગા રેડ્ડીએ તેમના પાંચ એકરના ખેતરમાં કેળાની ખેતી કરી હતી. તેઓ કહે છે કે તેમના 10 લાખના રોકાણ સામે તેમને માંડ 2.50 લાખની કમાણી થઈ છે. 10 લાખ. તેમણે બેંકમાંથી, ખાતરની દુકાનો અને અન્ય પાસેથી લોન લીધી છે. તેઓ કહે છે, “જો લોકડાઉન ન થયું હોત તો હું 15 લાખ રુપિયા કમાયો હોત. મેં વળતર માટે અરજી કરી છે."
અહીંના કાર્યકરો અને ખેડુતો કહે છે કે તેઓએ અનંતપુરના જુદા જુદા ગામોમાંથી તમામ પાકની લણણીની વિગતો એકત્રિત કરી છે. સ્થાનિક બજાર સમિતિએ વળતરની વ્યવસ્થા કરવા માટે ખેડૂતોની પાસબુકની ફોટોકોપી એકઠી કરી હતી. પરંતુ ખેડૂતો કહે છે કે સરકારે હજી સુધી આ અંગેની વધુ વિગતો માંગી નથી અથવા આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
અખિલ ભારતીય કિસાન સભાની અનંતપુર જિલ્લા શાખાના સચિવ આર. ચંદ્રશેખર રેડ્ડી કહે છે, "અધિકારીઓ પાસે આયોજનનો અભાવ હતો અને જ્યારે આખું ય ગામ મુશ્કેલીમાં હતું ત્યારે તેઓ આગ્રહ રાખતા હતા કે પોતાનો પાક વેચી શક્યા ન હોય તેવા ખેડૂતોના વ્યક્તિગત કિસ્સા અમે તેમના ધ્યાન પર લાવીએ. (આંધ્રપ્રદેશમાં એપ્રિલ 2016માં શરૂ થયેલ eNam (National Agriculture Market) પદ્ધતિ, ખેડૂતો અને વેપારીઓને સૌથી વધુ બોલી લગાવનારને ઓનલાઇન વેચાણ કરવાની મંજૂરી આપે છે. પરંતુ લોકડાઉનને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે વેપારીઓ બોલી લગાવવાનું ટાળી રહ્યા છે.)
કિસ્તા કહે છે કે તેમને કેટલું નુકસાન થયું છે એ અંગે હજી સુધી અધિકારીઓ તરફથી કોઈ તપાસ થઈ નથી. “મારી પાસે ભાડુઆત કાર્ડ નથી અને રાયથુ ભરોસા [આંધ્ર પ્રદેશ સરકારની ખેડુતો માટેની સબસિડી યોજના] ની રકમ જમીન માલિક પાસે ગઈ છે. અલબત્ત જમીન માલિકે મને વચન તો આપ્યું છે છતાં હવે સરકાર દ્વારા જો કંઈ વળતર અપાયું હશે તો એ વળતર તે મારા સુધી પહોંચાડશે કે કેમ એની મને શંકા છે."
કિસ્તાએ હવે તેના બાકીના પાક માટે ખાનગી શાહુકાર પાસેથી વધુ પૈસા - ઓછામાં ઓછા 1 લાખ રુપિયા 24 ટકાના વાર્ષિક વ્યાજ દરે - ઉધાર લેવા પડશે . આગામી પાક તેમને માટે સારું નસીબ લઈને આવશે એ આશાએ તેઓ કહે છે, “કેળાના પાકની ખેતી ત્રણ વર્ષ માટે કરવામાં આવે છે. તેથી હમણાં, હું ખેતી ચાલુ રાખું છું ... .”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક