પોતાની સાત વર્ષની પુત્રી નવ્યાની વાત કરતા શિશુપાલ નિષાદ કહે છે, "તે 'મમ્મીને લઈ આવો' કહેતી કલાકો સુધી રડતી રહે છે." ઉત્તર પ્રદેશના સિંગતાઉલી ગામના 38 વર્ષના શ્રમિક ઉમેરે છે, "પણ હું તેને લાવું ક્યાંથી? મને લાગે છે કે હું પણ ગાંડો થઈ ગયો છું. અમે અઠવાડિયાઓથી ઊંઘ્યાં નથી."
શિશુપાલના પત્ની મંજુ - નવ્યાના માતા - જાલૌન જિલ્લાના કુથોન્દ બ્લોકની સિંગતાઉલી પ્રાથમિક શાળામાં ‘શિક્ષા મિત્ર’ અથવા પેરા-ટીચર હતા. યુપીની પંચાયતની ચૂંટણીઓમાં ફરજિયાત ફરજ બાદ કોવિડ -19 માં મૃત્યુ પામેલા 1621 શાળા શિક્ષકોની યાદી માં તેમનું નામ 1282 મા ક્રમે છે. તેમના મૃત્યુ સુધી એ પાંચ સભ્યોનું કુટુંબ હતું જો કે તે કુટુંબ માટે મંજુ નિશાદ એક આંકડાથી ઘણું ઘણું વધારે હતા
તેઓ ત્રણ બાળકોના માતા હતા અને પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા, જેઓ મહિને 10000 રુપિયા કમાઈને ઘેર લાવતા. કરાર પર કામ કરનારા અને કાર્યકાળની કોઈ સુરક્ષા ન હોય તેવા શિક્ષા મિત્રોને મહિને માત્ર 10000 રુપિયા જેવી મામૂલી રકમ ચૂકવવામાં આવે છે -19 વર્ષ સુધી તે ક્ષમતામાં કામ કરનાર મંજુ જેવી વ્યક્તિને પણ. શિક્ષા મિત્ર ખરેખર શીખવે છે, પરંતુ શિક્ષણ સહાયક (અથવા શિક્ષકના સહાયક) તરીકે વર્ગીકૃત થયેલ છે.
શિશુપાલ પોતે બુંદેલખંડ એક્સપ્રેસ વેના બાંધકામ સ્થળે શ્રમિક તરીકે કામ કરતા અને દિવસના 300 રુપિયા કમાતા. તેઓ કહે છે, “એક્સપ્રેસ વેનો એ તબક્કો જ્યાં હું કામ કરતો હતો તે, બે મહિના પહેલા પૂરો નહોતો થયો ત્યાં સુધી મેં એ કામ કર્યું. નજીકમાં કોઈ બીજું બાંધકામ કાર્ય ચાલતું ન હતું. આ પાછલા મહિનાઓમાં અમે મારી પત્નીની આવક પર નભી રહ્યા હતા."
15, 19, 26 અને 29 મી એપ્રિલના રોજ યોજાનારી યુપીની પ્રચંડ ચાર તબક્કાની પંચાયતની ચૂંટણીઓમાં હજારો શિક્ષકોને ચૂંટણી સંબંધિત ફરજ સોંપવામાં આવી હતી. શિક્ષકો પહેલા એક દિવસની તાલીમ માટે ગયા, પછી બે દિવસની ચૂંટણી સંબંધિત ફરજો માટે - પહેલે દિવસે તૈયારી માટે અને પછી મતદાનના વાસ્તવિક દિવસે. પાછળથી 2 જી મે એ મતગણતરી માટે ફરીથી હજારો (શિક્ષકો) ફરજ પર હાજર થાય એ જરૂરી હતું. આ ફરજો માટે હાજર થવું ફરજિયાત હતું અને મતદાન મુલતવી રાખવા માટેની શિક્ષક સંગઠનોની અરજીઓને અવગણવામાં આવી હતી.
યુ.પી. શિક્ષક મહાસંઘે (ટીચર્સ ફેડરેશને) તૈયાર કરેલી 1621 (મૃતકો) ની યાદીમાં 193 શિક્ષા મિત્રો છે - જેઓ મૃત્યુ પામ્યા હતા. જેમાં મંજુ સહિત 72 મહિલાઓ હતી. જો કે 18 મી મેના રોજ યુપી બેઝિક એજ્યુકેશન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ નોટ માં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા લોકો જ વળતર મેળવવા હકદાર છે. અને શિક્ષકોના કિસ્સામાં તેનો અર્થ એ થશે કે ફક્ત જેઓ તેમના ફરજ સ્થળે અથવા ઘેર જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા તેઓ જ વળતર મેળવવા હકદાર છે . પ્રેસ નોટ કહે છે: "જો વ્યક્તિ આ સમયગાળા દરમિયાન કોઈપણ કારણથી મૃત્યુ પામે તો તેને વળતર ચૂકવવું જરૂરી છે, જે રાજ્ય ચૂંટણી પંચ [સ્ટેટ ઈલેક્શન કમિશન - એસઈસી] દ્વારા મંજૂર કરવામાં આવશે."
આ અર્થઘટનને ધ્યાનમાં રાખીને, પ્રેસ નોટ આગળ કહે છે: "જિલ્લા સંચાલકોએ રાજ્ય ચૂંટણી પંચ [એસઈસી] ને 3 શિક્ષકોનાં મોતની જાણકારી આપી છે." તાલીમ, મતદાન અથવા ગણતરીના સ્થળોએ ચેપ લાગ્યો હતો પરંતુ થોડા દિવસો પછી ઘેર મૃત્યુ પામ્યા હતા તેવા 1618 શિક્ષકો અહીં બાકાત રખાશે. અને કોરોનાવાયરસ સંક્રમણની પ્રકૃતિ, તે કેવી રીતે મારે છે, અને આમ કરવા માટે તે જે સમય લે છે તેની અહીં સંપૂર્ણ અવગણના કરાઈ છે.
મહાસંઘના પ્રમુખ દિનેશ શર્માએ પારીને જણાવ્યું હતું કે, શિક્ષણ મહાસંઘે તિરસ્કારપૂર્વક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સત્તાધિકારીઓએ તેમની સંપૂર્ણ સૂચિ જોવી જોઈએ, "જેથી સરકાર ફક્ત ત્રણ શિક્ષકોના મૃત્યુની પુષ્ટિ કરતી વખતે બાકી રહેલા 1618 જેમને ગણતરીમાં લેવાનું તેઓ ચૂકી ગયા હશે તેમને ગણતરીમાં લઈ શકે.".
26 મી એપ્રિલે વાસ્તવિક મતદાન હતું. મંજુ નિશાદ વાસ્તવિક મતદાન પૂર્વેની તૈયારીના દિવસે, 25 મી એપ્રિલે, જલૌન જિલ્લાના કદૌરા બ્લોકમાં મતદાન કેન્દ્ર પરની ફરજ માટે હાજર થયા હતા. તેના થોડા દિવસો પહેલા તેમણે એક તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. 25 મી એપ્રિલની રાત્રે તેમની તબિયત લથડી હતી.
શિશુપાલ કહે છે, “આ બધું સરકારની બેદરકારીને કારણે જ થયું છે. મારી પત્નીએ કેટલાક ઉચ્ચ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ઘેર જવું જરૂરી લાગતા રજાની વિનંતી કરી હતી. તેઓએ (ઉચ્ચ અધિકારીએ) તેને (મારી પત્નીને) એટલું જ કહ્યું: ‘રજા જોઈતી હોય તો નોકરી છોડી દો’ - તેથી તે ફરજ બજાવતી રહી."
મતદાન સંબંધિત ફરજ પૂરી કરીને તેઓ 26 મી એપ્રિલે મોડી રાત્રે ભાડાના વાહનમાં (ઘેર) પાછા ફર્યા હતા. શિશુપાલ ઉમેરે છે, "તેણે બેચેની અને તાવની ફરિયાદ કરી હતી." બીજે દિવસે જ્યારે તેમનું (મંજુનું) કોવિડ -19 નું પરીક્ષણ પોઝિટિવ આવ્યું ત્યારે શિશુપાલ મંજુને એક ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયા, ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમને (મંજુને) એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે - એક રાતના 10000 રુપિયા થશે. સરળ શબ્દોમાં કહીએ તો: હોસ્પિટલના એક-એક દિવસનો ખર્ચ તેમની આખા મહિનાની કમાણી જેટલો આવત. શિશુપાલ કહે છે, “ત્યારે મેં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી."
તેઓ (શિશુપાલ) કહે છે કે, મંજુને સતત એ જ ચિંતા રહેતી કે બાળકો તેના વિના ઘેર શું કરે છે, તેઓ શું ખાય છે. 2 જી મે એ, હોસ્પિટલમાં દાખલ થયાના પાંચમા દિવસે - અને જે તેને માટે મતગણતરીની ફરજનો દિવસ હોત તે દિવસે - તે મૃત્યુ પામી.
શિશુપાલ કહે છે કે, “ત્રણ દિવસ પછી હૃદય રોગના હુમલાથી મારા માતા મૃત્યુ પામ્યા. તેઓ કહેતા રહ્યા, ‘મારી બહુ (દીકરાની વહુ) જતી રહી તો હું જીવીને શું કરીશ’”
તેમને સમજાતું નથી કે તેઓ તેમના બાળકોનું ભરણપોષણ શી રીતે કરશે. નવ્યાના બે ભાઈ-બહેન છે - તેની બહેન મુસ્કન 13 વર્ષની છે, અને ભાઈ પ્રેમ 9 વર્ષનો. તેઓ જ્યાં રહે છે તે જગ્યાનું માસિક ભાડું 1500 રુપિયા છે. તેમને ખબર નથી કે તેઓ શી રીતે નભાવશે: તેઓ લાચારીથી કહે છે, “અત્યારે મને કંઈ જ સમજાતું નથી. હું તો ગાંડો થઈ ગયો છું - અને થોડા મહિનાઓમાં મારી પોતાની જિંદગી પણ ખલાસ જશે."
*****
માનવ દુર્ઘટના ઉપરાંત આ પરિસ્થિતિ શિક્ષા મિત્ર પ્રણાલીની નબળાઈ તરફ પણ ધ્યાન દોરે છે. દેશના વિવિધ રાજ્યોમાં અસ્તિત્વમાં છે એવી આ યોજના ઉત્તર પ્રદેશમાં 2000-01 માં અમલી બની હતી. આ શિક્ષક સહાયકોને કરાર પર નોકરીએ રાખવા એ સરકારી શાળાઓમાં જતા સર્વ સામાન્ય તકોથી વંચિત બાળકોના શિક્ષણ પરના જરૂરી ખર્ચમાં કાપવા મૂકવાનો એક રસ્તો હતો. તેનું પરિણામ એ આવ્યું કે, નોકરીની અપૂરતી તકોને કારણે, ઉચ્ચ લાયકાત ધરાવતા લોકોને પણ મહિનાના 10000 રુપિયામાં કામ કરવું પડતું - નિયમિત શિક્ષકોને અપાતા પગારનો આ એક અંશમાત્ર હતો.
શિક્ષા મિત્ર એ મધ્યવર્તી અથવા સમકક્ષ સ્તરની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. આ લાયકાત મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવી હોવાના આધારે આ મામૂલી વેતનને ન્યાયી ઠેરવવામાં આવ્યું હતું. પરંતુ મંજુ નિશાદ એમએ ની પદવી ધરાવતા હતા. તેમની જેમ જ હજારો શિક્ષા મિત્રો પણ આ પદ માટે જરૂરી છે તેના કરતા ઘણી વધુ લાયકાત ધરાવે છે પરંતુ તેમની પાસે બીજા ખાસ વિકલ્પો નથી. દિનેશ શર્માએ પૂછ્યું, “તેમનું નિ:શંકપણે શોષણ કરવામાં આવ્યું છે, અને તે પણ ખરાબ રીતે. નહીં તો બી એડ અને એમએની પદવી ધરાવતા લોકો, કેટલાક તો વળી પીએચડીની પદવી ધરાવતા, 10000 રુપૈડી ખાતર શું કરવા કામ કરે?"
38 વર્ષના જ્યોતિ યાદવ - શિક્ષકો અને મૃત્યુ પામેલા અન્ય કર્મચારીઓની સૂચિમાં ક્રમાંક 750 - પ્રયાગરાજ જિલ્લાના સોરાઓં (જે સોરાવ તરીકે પણ ઓળખાય છે) બ્લોકની પ્રાથમિક શાળા થરવાઈમાં શિક્ષા મિત્ર તરીકે કામ કરતા હતા. તેમણે બીએડની પદવી મેળવી હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (સીટીઈટી) પણ ઉત્તીર્ણ કરી હતી. પરંતુ મંજુ નિશાદની જેમ તેઓ પણ મહિને 10000 રુપિયા કમાતા હતા. અને 15 વર્ષથી નોકરી કરતા હતા.
તેમના પતિ 42 વર્ષના સંજીવ કુમાર યાદવ કહે છે, “મારી પત્નીની મતદાન સંબંધિત તાલીમ 12 મી એપ્રિલે મોતીલાલ નહેરુ એન્જિનિયરિંગ કોલેજ, પ્રયાગરાજ શહેરમાં હતી. હું તેને ત્યાં લઈ ગયો અને ત્યાં જોયું તો એક જ હોલમાં ઘણા બધા લોકો એકબીજા સાથે ભટકતા હતા. નહોતું કોઈ સેનિટાઇઝર, ન કોઈ માસ્ક, સલામતીનાં કોઈ જ પગલાં લેવાયા નહોતા.
“પાછા ફરતા તે બીજા જ દિવસે તે બીમાર થઈ ગઈ. તેણે ફરજ પર હાજર થવા માટે 14 મીએ નીકળવાનું હતું. (પ્રયાગરાજમાં 15 મી એપ્રિલે મતદાન થવાનું હતું), તેથી હવે તે ફરજ પર હાજર શી રીતે થઈ શકશે તે પૂછવા મેં તેના આચાર્યને ફોન જોડ્યો. તેમણે કહ્યું ‘કંઈ જ ન થઈ શકે, ફરજ તો બજાવવી જ પડે.’ તેથી હું મારી બાઇક પર તેને ત્યાં લઈ ગયો. હું પણ તેની સાથે 14 મીની રાત્રે ત્યાં રોકાયો અને ત્યારબાદ 15 મીએ તેની ફરજ પૂરી થઈ ત્યારે તેને પાછો લઈ આવ્યો. તેનું કેન્દ્ર અમારા ઘરથી 15 કિલોમીટર દૂર શહેરના પરામાં હતું. "
પછીના થોડા દિવસોમાં તેની પરિસ્થિતિ ઝડપથી કથળી હતી. “મેં તેને જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધાએ તેને દાખલ કરવાની ના પાડી. 2 મેની રાત્રે તેને શ્વાસની ગંભીર તકલીફ ઊભી થઈ. 3 જી મેએ હું તેને ઝડપથી હોસ્પિટલ લઈ જ જતો હતો, પરંતુ તે રસ્તામાં જ મૃત્યુ પામી. ”
કોવિડ -19 ને કારણે તેમના મૃત્યુથી પરિવાર ભાંગી પડ્યો છે. સંજીવ કુમાર કોમર્સમાં સ્નાતક છે અને યોગમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે - અને (છતાં) બેકાર છે . 2017 માં જ્યારે ટેલિકોમ કંપની બંધ થઈ ત્યાં સુધી તેઓ તેમાં કામ કરતા હતા. તે પછી તેઓ કોઈ સ્થિર નોકરી શોધી શક્યા નહીં અને તેથી તેઓ પરિવારની આવકમાં ખાસ ફાળો આપી શક્યા નહિ. તેઓ કહે છે કે જ્યોતિ જ તેમના પરિવારની નાણાંકીય વ્યવસ્થા સંભાળતી હતી.
તેમના નવ વર્ષના દીકરા યથાર્થે હજી હમણાં જ 2 જું ધોરણ પાસ કર્યું છે. સંજીવને ચિંતા છે કે હવે તેઓ પોતાના નવ વર્ષના દીકરા યથાર્થની અને પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ શી રીતે રાખશે. તેઓ ડૂસકાં ભરતાં કહે છે, "મારે સરકારની મદદની જરૂર છે."
દિનેશ શર્મા કહે છે, "રાજ્યમાં 1.5 લાખ શિક્ષા મિત્રો છે જેમણે એક દાયકા કરતા વધુ સમયગાળામાં તેમના પગાર ધોરણમાં ધરખમ ફેરફાર જોયા છે. તેમની મજલ કમનસીબ રહી છે. માયાવતીની સરકારના સમયમાં પહેલા તેમને આશરે 2250 રુપિયાના શરૂઆતી પગારે રાખી તાલીમ આપવામાં આવી. પછી અખિલેશકુમાર યાદવની સરકાર હેઠળ તે બધાને તેમના હોદ્દા પર 35000 રુપિયાના પગારે કાયમી કરવામાં આવ્યા [જે પછીથી આશરે 40000 રૂપિયા સુધી પહોંચ્યા]. પરંતુ તે સમયે લાયકાત અંગેના વિવાદને લઈને બી એડ ડિગ્રીવાળા શિક્ષકોએ આ પગલાનો વિરોધ કર્યો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો."
“ભારત સરકાર નિયમોમાં સુધારો કરી શકી હોત અને દાયકાઓથી કાર્યરત એવા મિત્રો માટે ટીઈટી (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) ઉત્તીર્ણ કરવાનું ફરજિયાત બનાવવાનું ટાળી શકી હોત. પરંતુ તેઓએ તેમ ન કર્યું. તેથી તેમનો પગાર અચાનક પાછો 3500 રુપિયા થઈ ગયો, પરિણામે તેમાંના ઘણાએ નિરાશામાં આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ હાલની સરકાર તેને મહિનાના 10000 રુપિયા સુધી લાવી છે.”
દરમિયાનમાં અત્યાર સુધીમાં ફક્ત ત્રણ શિક્ષકોનાં મોત વળતર માટે પાત્ર થયાં છે એ સંદર્ભની બેઝિક એડયુકેશન ડિપાર્ટમેન્ટની નોંધથી ઊભી થયેલી શરમીંદગીભરી પરિસ્થિતિએ સરકારને જવાબ આપવા મજબૂર કરી છે.
18 મી મેએ પારીએ રજૂ કરેલા અહેવાલ મુજબ, અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે પંચાયતની ચૂંટણીમાં ફરજ બાદ કોવિડ -19 ને કારણે મૃત્યુ પામેલા મતદાન અધિકારીઓ (શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ) ના પરિવારોને રાજ્યએ નૈતિક ફરજની રૂએ વળતર રૂપે ઓછામાં ઓછા 1 કરોડ રુપિયા મંજૂર કરવા જોઈએ.
20 મી મેએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમની સરકારને 'વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા' રાજ્ય ચૂંટણી પંચ સાથે સંકલન કરવા નિર્દેશ આપ્યો હતો . કથિત રૂપે તેમણે કહ્યું હતું કે, "હાલની માર્ગદર્શિકાઓના વ્યાપમાં કોવિડ -19 ને કારણે થતી અસરને આવરી લેવામાં આવી નથી ... સહાનુભૂતિપૂર્ણ અભિગમ રાખીને માર્ગદર્શિકાઓમાં સુધારો કરવો જરૂરી છે." તેમણે જણાવ્યું હતું કે "રાજ્ય સરકાર તેના કર્મચારીઓને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે તૈયાર છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓએ ચૂંટણી સંબંધિત કે અન્ય કોઈ ફરજ બજાવી હોય."
જો કે ટીચર્સ ફેડરેશનના દિનેશ શર્મા કહે છે, “અમે હજી અમારા પત્રોના જવાબમાં સરકાર અથવા એસઈસી તરફથી સીધું કંઈ જ સાંભળ્યું નથી. અમને ખબર નથી કે તેઓ કેટલા શિક્ષકો(ને વળતર મેળવવા પાત્ર ગણવા) અંગે વિચારણા કરી રહ્યા છે અને માર્ગદર્શિકાઓમાં કયા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ”
ન તો શિક્ષકો એપ્રિલમાં પંચાયતની ચૂંટણી યોજવામાં સરકારના નિર્દોષતાના દાવાને સ્વીકારી રહ્યા છે. “હવે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે તેમણે જ્યારે ચૂંટણીઓ યોજી હતી ત્યારે ચૂંટણીઓ યોજીને તેમણે માત્ર હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું હતું. પરંતુ જ્યારે હાઈકોર્ટે રાજ્યને લોકડાઉન જાહેર કરવાનો આદેશ આપ્યો ત્યારે તેમની સરકારે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી. ઉપરાંત, જો એચસીએ કહ્યું કે પ્રક્રિયા એપ્રિલ સુધીમાં પૂરી થવી જોઈએ અને કોવિડ -19 ની બીજી લહેર ઝડપથી ઉભરી રહી હતી તો સરકાર પરિસ્થિતિની ફેર-સમીક્ષા માગી શકતી હતી પણ સરકારે તેમ ન કર્યું.
“હકીકતમાં સર્વોચ્ચ અદાલતે સરકારને પૂછ્યું હતું કે મતગણતરી 2 જી મેએ યોજવાને બદલે 15 દિવસ માટે મુલતવી રાખી શકાય કે કેમ. તેઓ અને રાજ્ય ચૂંટણી પંચ સહમત થયા ન હતા. તેઓ હાઈકોર્ટની વાત કરી રહ્યા છે - પરંતુ ગણતરી મુલતવી રાખવાની સુપ્રીમ કોર્ટની દરખાસ્ત નકારી કાઢી હતી .”
*****
પ્રયાગરાજ (અગાઉના અલાહાબાદ) શહેરથી મોહમ્મદ સુહૈલે ફોન પર પારીને જણાવ્યું હતું, "મેં મતદાન કેન્દ્રમાં ફરજ પરના પ્રિસાઈડિંગ અધિકારીને પૂછ્યું હતું કે હું 14 મી એપ્રિલે રાત્રે મમ્મીને ઘેર લાવી શકું અને 15 મી તારીખે - જે આ જિલ્લામાં મતદાનનો દિવસ હતો ત્યારે - તેને ત્યાં ફરજ પર પાછી મૂકી જાઉં તો ચાલે કે કેમ."
તેની માતા, 44 વર્ષના અલવેદ બાનો પ્રયાગરાજ જિલ્લાના ચાકા બ્લોકની પ્રાથમિક શાળા બોંગીમાં શિક્ષક હતા. તેમનું મતદાન સંબંધિત ફરજનું કેન્દ્ર એ જ બ્લોકમાં હતું. પંચાયતની ચૂંટણીઓમાં ફરજિયાત ફરજ બાદ કોવિડ -19 ને કારણે મૃત્યુ પામેલા શિક્ષકોની યાદીમાં તેમનું નામ 731 ક્રમે છે.
સુલૈહે કહ્યું, “પ્રિસાઈડિંગ અધિકારીએ મારી વિનંતી નામંજૂર કરી અને કહ્યું કે તેમણે (અલવેદ બાનોએ) રાત્રે ત્યાં રોકાવું ફરજિયાત છે. તેથી મારી માતા છેક 15 મી એપ્રિલે રાત્રે જ પાછા ફર્યા, મારા પિતા તેમને કેન્દ્રમાંથી લઈ આવ્યા. પાછા ફર્યાના ત્રણ દિવસ પછી તેમની તબિયત લથડવા માંડી." બીજા ત્રણ દિવસ પછી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
મોહમ્મદ સુહૈલની એક મોટી બહેન છે જેમના લગ્ન થઈ ગયેલા છે અને તેઓ તેમના પતિ સાથે રહે છે, અને તેમનો એક નાનો ભાઈ છે - 13 વર્ષનો મોહમ્મદ તુફૈલ, જે 9 મા ધોરણમાં અભ્યાસ કરે છે, સુહૈલે 12 મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને હવે તે કોલેજમાં પ્રવેશ લેવા માગે છે.
તેમના પિતા, 52 વર્ષના સરફુદ્દીન કહે છે કે તેમણે "ગયા વર્ષે લોકડાઉન પહેલા મેં એક નાનકડો મેડિકલ સ્ટોર ખોલ્યો હતો," જ્યાં હવે ઘણા ઓછા ગ્રાહકો આવે છે. “હું દિવસનો માંડ 100 રુપિયા નફો કરું છું. અમારો બધો આધાર અલવેદના 10000 રુપિયા પર હતો. "
દિનેશ શર્માને પૂછે છે, “જ્યારે શિક્ષા મિત્રોને 35000 રૂપિયાના પગાર સાથે શિક્ષક તરીકે બઢતી આપવામાં આવી ત્યારે તેઓને [ચુકવણીના તે ધોરણ માટે] અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. હવે એ જ શિક્ષા મિત્રો, જેમાંના ઘણા ઉચ્ચ લાયકાત ધરાવે છે, એ જ શાળાઓમાં, મહિને 10000 રૂપિયામાં ભણાવે છે - અને હવે પાત્રતા અંગે કોઈ સવાલ કે કોઈ ચર્ચા નથી?"
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક