“જો અમને અગાઉથી જ હિમવર્ષાની જાણ કરવામાં આવી હોત, તો અમે પાકની લણણી વહેલી કરી લીધી હોત,” મુશ્તાક અહમદ કહે છે.
અહમદ દક્ષિણ કાશ્મીરના પમ્પોર વિસ્તારના નામ્બલ બાલ ગામમાં રહે છે. અહીં, દર વર્ષે મે મહિનાની મધ્યમાં, તે અને અન્ય ખેડૂતો કેસરનું (Crocus Sativus) વાવેતર કરે છે. મધ્ય-ઓક્ટોમ્બરથી મધ્ય-નવેમ્બર દરમિયાન, તેઓ તેના ફૂલો ચૂંટે છે. તે ફૂલનો કિરમજી રંગનો ભાગ (ફૂલનો ડીંટા તરફનો ભાગ) સૌથી વધારે લોકપ્રિય અને મોંઘા ભાવનું કેસર બને છે.
કાશ્મીર એ ભારતનું એક માત્ર એવું રાજ્ય (હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ) છે, જ્યાં કેસરની ખેતી થાય છે. તેમાંથી કેટલુંક સ્થાનિક કહાવા ચામાં ઉકાળીને પીવાય છે, જયારે મોટા ભાગનું કેસર દેશના બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે, તેનો ઉપયોગ મખ્યત્વે વિવિધ વાનગીઓ બનાવવામાં, આયુર્વેદિક દવાઓમાં અને મંદિરોમાં ધાર્મિક વિધિઓમાં થાય છે.
પરંતુ આ વર્ષે, કાશ્મીરમાં લગભગ એક મહિનો વહેલી એટલે કે ૭ નવેમ્બરે પ્રથમ હિમવર્ષા થઈ. તેના કારણે છોડ પર માઠી અસર થઈ. પરિણામે, પમ્પોર વિસ્તારના મૈજ ગામના વસીમ ખાંડે તેમની ૬૦ કનાલ જમીનમાંથી પ્રતિ કનાલ (એક એકમ દીઠ) માત્ર ૩૦-૪૦ ગ્રામ કેસર જ મેળવી શક્યા. તેમની અપેક્ષા પ્રતિ કનાલ 200-300 ગ્રામની હતી અને કનાલ દીઠ (8 કનાલ = 1 એકર) અંદાજિત રૂ. ૨૦૦૦૦ નફાની જગ્યાએ, તે હાલ રૂ. ૩ લાખથી પણ વધારે રુપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે.
“અમને આ સીઝનમાં મોટી આશા હતી, પરંતુ કસમયની હિમવર્ષાને લીધે પાકને નુકસાન પહોંચ્યું,” જમ્મુ કાશ્મીર કેસર ઉત્પાદક સંગઠનના પ્રમુખ અબ્દુલ મજીદ વાની કહે છે. આ સંસ્થામાં લગભગ ૨૦૦૦ જેટલા સભ્યો છે. વાનીના અંદાજ પ્રમાણે, આ વર્ષે કાશ્મીરના કેસરના ખેડૂતોને અંદાજે કુલ ૨૦ કરોડ રૂપિયા જેટલું નુકસાન થશે. કાશ્મીરનો કેસરનો વેપાર ૨૦૦ કરોડનો છે, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, કાશ્મીર વિભાગના પ્રમુખ, ઝૈનુલ આબિદીને તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.
કાશ્મીરના વિભાગીય કમિશનર દ્વારા તૈયાર કરાયેલા એક દસ્તાવેજ પ્રમાણે જમ્મુ કાશ્મીરના એ ૨૨૬ ગામોમાં અહમદ અને ખાંડેના ગામોનો સમાવેશ થાય છે જ્યાં ૩૨૦૦૦ જેટલા પરિવારો કેસરની ખેતી કરે છે. તેમાંથી ઘણાં ગામો પુલવામા જિલ્લાના પમ્પોર વિસ્તારનાં છે. આ બધા ગામો મળીને, દર વર્ષે લગભગ ૧૭ ટન કેસરનું ઉત્પાદન કરે છે, એવું કૃષિ નિયામક સૈયદ અલ્તાફ ઐજાઝ અન્દ્રાબી કહે છે.












