પણીમારાંના સ્વતંત્રતા સેનાનીઓને બીજા મોરચા પર પણ યુદ્ધ લડવા પડ્યા. એમાંથી થોડા તો એમના પોતાના ઘરોમાં હતા.
અસ્પૃશ્યતા વિરુદ્ધ ગાંધીજીની હાકલથી પ્રેરિત થઈ તેમણે તેનો અમલ કર્યો
ચમારુ કહે છે, "એક દિવસ અમે ૪૦૦ દલિત લોકોને લઈને આ ગામમાં જગન્નાથ મંદિરમાં ગયા." બ્રાહ્મણોને આ ન ગમ્યું. પણ તેમાંથી થોડા લોકોએ અમારું સમર્થન કર્યું. કદાચ તેઓ એમ કરવા મજબૂર હતા . એ સમયે માહોલ જ એવો હતો. ગૌન્ટિયા (ગામના વડા) મંદિરના સંચાલક ટ્રસ્ટી હતા. તેઓ રોષે ભરાયા અને તેમણે વિરોધમાં ગામ છોડી દીધું. તેમ છતાં તેમનો દીકરો અમારી સાથે જોડાયો, તેમણે અમારું સમર્થન કર્યું અને પોતાના પિતાના પગલાની ટીકા કરી.
“બ્રિટિશ સામાન સામેનું અભિયાન ગંભીર હતું. અમે ફક્ત ખાદી પહેરતા. અમે એને જાતે વળતા. વિચારધારા આ વ્યવહારમાં મહત્વપૂર્ણ હતી. અને વાસ્તવમાં અમે બહુ ગરીબ હતા, એટલે અમારા માટે આ કરવું સારું પણ હતું.”
બધા જ સ્વતંત્રતા સેનાની આ પ્રથાને પછીથી દાયકાઓ સુધી વળગી રહ્યા. જ્યાં સુધી તેમની આંગળીઓ ચમારુ કહે છે, "ગયા વર્ષે હું ૯૦ વર્ષનો થયો ત્યારે મેં વિચાર્યું કે બસ હવે ઘણું થયું. હવે મારાથી આ નહિ થઈ શકે."
આ બધું શરુ થયું 1930 માં સંબલપુરમાં આયોજિત કોંગ્રેસ પ્રેરિત "તાલીમ" શિબિરથી. "આ તાલીમને 'સેવા' કહેવામાં આવતી હતી પરંતુ ત્યાં અમને જેલ-જીવન વિશે શીખવવામાં આવતું. ત્યાં (જેલમાં) શૌચાલયની સફાઈ વિશે, હલકી ગુણવત્તાના ખોરાક વિશે. આ તાલીમ હકીકતમાં શેને માટે હતી એ અમે બધા જાણતા હતા. ગામમાંથી અમે નવ લોકો આ શિબિરમાં ગયા હતા.”
"જ્યારે અમે નીકળ્યા ત્યારે આખું ગામ માળાઓ, સિંદૂર અને ફળ લઈને અમને વિદાય આપવા આવ્યું હતું. તે સમયે લોકોમાં આવો જુસ્સો અને રોમાંચ અને ઉત્તેજના હતા."
આ બધા પાછળ મહાત્માનો જાદુ પણ હતો. "લોકોને સત્યાગ્રહની હાકલ કરતા તેમણે લખેલા પત્રએ અમને ઉત્સાહિત કર્યા. અહીં અમને અભણ, ગરીબ લોકોને તેઓ કહેતા હતા કે અમે પણ હિંમતપૂર્વક સત્તાનો વિરોધ કરી અમારી દુનિયા બદલી શકીએ છીએ. પણ અમને અહિંસાના શપથ લેવડાવવામાં આવ્યા હતા, એ અમારી આચારસંહિતા હતી." પણીમારાંના મોટા ભાગના સ્વતંત્રતા સેનાનીઓએ આ આચારસંહિતા આજીવન પાળી.
તે સમયે તેમણે ગાંધીજીને જોયા પણ ન હતા. પણ એ સમયના બીજા લાખો લોકોની જેમ ગાંધીજીની હાકલનો તેમની પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. "અમે મનમોહન ચૌધરી અને દયાનંદ સતપથી જેવા કોંગ્રેસી નેતાઓથી પ્રેરિત થયા હતા." પણીમારાંના સૈનિકો ઓગસ્ટ 1942 ની પણ પહેલા તેમની પહેલી જેલયાત્રા કરી ચૂક્યા હતા. "અમે પ્રતિજ્ઞા લીધી હતી. યુદ્ધ (બીજા વિશ્વયુદ્ધ) માં કોઈ પણ પ્રકારની મદદ, આર્થિક મદદ કે સીધી સંડોવણી, એ વિશ્વાસઘાત હશે. એક પાપ હશે. તમામ અહિંસક માધ્યમોથી યુદ્ધનો વિરોધ કરવાનો હતો. ગામમાં બધાએ આ વાતને ટેકો આપ્યો.
"અમે ૬ અઠવાડિયા કટકની જેલમાં રહ્યા. ત્યારે અંગ્રેજો લોકોને લાંબા સમય માટે જેલમાં પૂરી નહોતા રાખતા. આનું સૌથી મોટું કારણ એ હતું કે હજારો લોકો પહેલેથી જ એમની જેલોમાં હતા. ઘણા બધા લોકો જેલમાં જવા માટે તૈયાર હતા."
અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશને કારણે પહેલી જ વાર આંતરિક દબાણો/સમસ્યાઓ/વિરોધો ઊભા થયા. પણ તેના પર કાબુ મેળવી લેવાયો. "અમે આજે પણ અમારી મોટાભાગની ધાર્મિક વિધિઓ માટે બ્રાહ્મણોને નથી બોલાવતા.” દયાનિધિ કહે છે. 'મંદિર પ્રવેશ' ઘટનાથી તેમાંના કેટલાક નારાજ હતા. જો કે ભારત છોડો આંદોલનને પગલે મોટા ભાગના લોકોને અમારી સાથે જોડાવાની ફરજ પડી.
જાતિએ બીજા કેટલાક દબાણો પણ ઊભા કર્યા. મદન ભોઈ કહે છે, "અમે જ્યારે પણ જેલમાંથી બહાર આવતા ત્યારે દરેક વખતે નજીકના ગામોના સંબંધીઓ અમારું 'શુદ્ધિકરણ' કરવાનો આગ્રહ રાખતા. કારણ અમે જેલમાં અસ્પૃશ્યો સાથે રહ્યા હતા." (આજે પણ ગ્રામીણ ઓરિસ્સામાં જેલ ભોગવનાર ઉચ્ચ જાતિના વ્યક્તિનું 'શુદ્ધિકરણ' કરવામાં આવે છે - પી. સાંઈનાથ)
ભોઈ કહે છે, "એક વખત હું જેલમાંથી પાછો ફર્યો ત્યારે મારા નાનીના (મૃત્યુ પછીના) અગિયારમા દિવસની વિધિ ચાલતી હતી. હું જેલમાં હતો ત્યારે તેમનું મૃત્યુ થયું હતું. મારા મામાએ મને પૂછ્યું 'મદન, તારું શુદ્ધિકરણ થયું છે?' મેં કહ્યું "ના, અમે સત્યાગ્રહીઓ તો અમારા કામથી બીજાઓનું શુદ્ધિકરણ કરીએ છીએ. એ પછી મને બાકીના પરિવારથી જુદો બેસાડ્યો. મને અલગ રાખ્યો અને હું એકલો જમ્યો."
"હું જેલમાં ગયો તે પહેલા મારા લગ્ન નક્કી થયા હતા. જ્યારે હું પાછો ફર્યો ત્યારે તેમણે સંબંધ તોડી નાખ્યો હતો. છોકરીના પિતાને જેલ ગયેલો જમાઈ નહોતો જોઈતો. જો કે છેવટે જ્યાં કોંગ્રેસનો બહુ પ્રભાવ હતો તે સરંડપલ્લી ગામમાંથી મને પત્ની મળી."
* * *
ચમારુ, જીતેન્દ્ર અને પૂર્ણચંદ્રને ઓગસ્ટ 1942માં જેલવાસ પછી શુદ્ધિકરણની કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.
જીતેન્દ્ર કહે છે, "એ લોકોએ અમને ફોજદારી જેલમાં મોકલ્યા હતા. અમે આ તકનો પૂરો ફાયદો લીધો. તે સમયે અંગ્રેજો જર્મની વિરુદ્ધ યુદ્ધ લડતા હતા અને એ યુદ્ધમાં મરવા માટે સૈનિકોને ભરતી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલે તેમણે ગુનેગારો તરીકે લાંબા જેલવાસની સજા ભોગવતા લોકોને વચનો આપવાનું શરૂ કર્યું. જે માણસ યુદ્ધમાં જોડાય તેને 100 રુપિયા મળશે. તેના પરિવારને 500 રુપિયા મળશે. અને યુદ્ધ પૂરું થશે તે પછી તેમને (જેલમાંથી) મુક્તિ."
"અમે જેલના કેદીઓ માટે અભિયાન ચલાવ્યું/ને સમજાવવાનું શરુ કર્યું. 500 રુપિયા ખાતર આ લોકો માટે અને તેમના યુદ્ધો માટે મરવાનો કોઈ અર્થ છે ખરો? અમે તેમને કહ્યું કે તમે લોકો નક્કી સૌથી પહેલા મરશો. તમે એમના માટે મહત્ત્વના નથી. તમારે બલિના બકરા શા માટે બનવું જોઈએ?
"થોડા સમય પછી તેઓ અમારી વાત સાંભળવા લાગ્યા. તેઓ અમને ગાંધી કે માત્ર કોંગ્રેસ કહીને બોલાવતા. તેમાંના ઘણા તે યોજનામાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા. એમણે બળવો પોકાર્યો અને જવાની ના પાડી. વોર્ડન બહુ દુઃખી થયા. એમણે પૂછ્યું, 'તમે એમને કેમ રોક્યા? અત્યાર સુધી તો તેઓ જવા માટે તૈયાર હતા.' અમે તેમને કહ્યું કે સ્થિતિનો વિચાર કર્યા પછી અમને આનંદ થયો કે અમને ગુનેગારોની વચ્ચે રાખ્યા. અમે તેમને સમજાવી શક્યા કે ખરેખર શું ચાલી રહ્યું છે."
"બીજે જ દિવસે અમારી બદલી રાજનૈતિક કેદીઓ માટેની જેલમાં કરવામાં આવી. અમારી સજા પણ બદલીને ૬ મહિનાની સાદી કેદ કરવામાં આવી.”
* * *
બ્રિટિશ રાજ દ્વારા એવો તો કયો અન્યાય થયો હતો કે જેને કારણે આ લોકો આટલા શક્તિશાળી સામ્રાજ્ય સામે બાથ ભીડવા તૈયાર થઈ ગયા?
ચામરુ મજાક ઉડવતા કહે છે, "અન્યાય છોડો, બ્રિટીશ રાજમાં ન્યાય ક્યાં હતો તે મને પૂછો." તેમને આ પ્રશ્ન પૂછવો ખોટો હતો. "એમના શાસનમાં બધે જ અન્યાય જ અન્યાય હતો."
“આપણે અંગ્રેજોના ગુલામ હતા. તેમણે આપણી અર્થવ્યવસ્થા બરબાદ કરી દીધી હતી. આપણા લોકોને કોઈ હક ન હતા. કૃષિક્ષેત્ર બરબાદ થઈ ગયું હતું. લોકો ભયંકર ગરીબીમાં ફસાઈ ગયા હતા. આ ગામમાં ૪૦૦ જેટલા પરિવાર છે, અને જુલાઈ અને સપ્ટેમ્બર ૧૯૪૨ની વચ્ચે આ ગામના 400 પરિવારોમાંથી માત્ર પાંચ-સાત પરિવારો પાસે જ પૂરતું ખાવાનું હતું. બાકીના બધા ભૂખમરા અને અપમાનની સામે લડી રહ્યા હતા.
"હાલના શાસકો પણ બેશરમ છે. તેઓ પણ ગરીબોને લૂંટે છે. માફ કરશો, હું કોઈની સરખામણી બ્રિટિશ રાજ સાથે કરી રહ્યો નથી, પરંતુ આજે આપણા શાસકો પણ એવા જ છે.
* * *
પણીમારાંના સ્વતંત્રતા સૈનિકો આજે પણ રોજ સવારે જગન્નાથ મંદિર જાય છે, જ્યાં તેઓ આજે પણ નિસ્સાન (એક પ્રકારનો ઢોલ) વગાડે છે, તેઓ ૧૯૪૨થી આ પ્રમાણે કરતા આવ્યા છે. તેઓ કહે છે કે વહેલી સવારે તેનો અવાજ આસપાસ થોડા કિલોમીટર સુધી સાંભળી શકાય છે.
પણ દર શુક્રવારે સ્વતંત્રતા સૈનિકો સાંજના ૫.૧૭ એ ભેગા થવાનો પ્રયત્ન કરે છે. કારણ કે "મહાત્મા ગાંધીની હત્યા શુક્રવારે થઇ હતી." સાંજના ૫.૧૭ વાગ્યે. આ ગામે આ પરંપરા છેલ્લા ૫૪ વર્ષોથી જાળવી રાખી છે.
આજે શુક્રવાર છે અને અમે તેમની સાથે મંદિર જઈએ છીએ. ૭ જીવિત સ્વતંત્રતા સેનાનીઓમાંથી ૪ અહીં હાજર છે. ચમારુ, દયાનિધિ, મદન અને જીતેન્દ્ર. બીજા ૩, ચૈતન્ય, ચંદ્રશેખર સાહુ અને ચંદ્રશેખર પરિદા અત્યારે ગામમાં નથી.
મંદિરનું આંગણું લોકોથી ખચાખચ ભરેલું છે, તેઓ ગાંધીજીનું પ્રિય ભજન ગાય છે. ચમારુ કહે છે, " ૧૯૪૮માં મહાત્માની હત્યાની ખબર મળી ત્યારે આ ગામમાં ઘણા લોકોએ માથું મુંડાવ્યું હતું. એમને પોતાના પિતા ગુમાવ્યા હોય એવી લાગણી અનુભવી હતી. અને આજ સુધી ઘણા બધા શુક્રવારે ઉપવાસ કરે છે."
કદાચ થોડા બાળકો અહીં માત્ર જિજ્ઞાસાથી આવ્યા છે. પણ આ એવું ગામ છે જેને પોતાના ઇતિહાસની સમજ છે. પોતાના શૌર્યની સમજ છે. આ ગામને માને છે કે સ્વતંત્રતાની જ્યોત જલતી રાખવી એ તેમની ફરજ છે.
પણીમારાં નાના ખેડૂતોનું ગામ છે. દયાનિધિ કહે છે, "ગામમાં લગભગ ૧૦૦ કુલતા (ખેડૂત જાતિના) પરિવારો છે. લગભગ ૮૦ ઓરિયા (જેઓ પણ ખેડૂતો) છે. ૫૦ જેટલા સૌરા આદિવાસી પરિવારો છે, ૧૦ સોની જાતિના પરિવારો છે. થોડા ગૌડ (યાદવ) પરિવારો છે."
આજે પણ ગામના મુખ્ય વ્યવસાય આ જ છે. મોટા ભાગના સ્વતંત્રતા સેનાની ખેડૂત જાતિના હતા. "એ સાચી વાત છે કે અમારે ત્યાં આંતરજ્ઞાતિય લગ્નો નથી થયા. પણ સ્વતંત્રતા સંગ્રામના સમયથી જુદા જુદા જૂથો વચ્ચેના સંબંધ હંમેશા સારા રહ્યા છે. મંદિર આજ સુધી બધાને માટે ખુલ્લું છે. બધાના અધિકારોનું સન્માન કરાય છે."
થોડા એવા છે જેમને લાગે છે કે તેમના કેટલાક અધિકારોને સ્વીકારવામાં આવ્યા નથી. દિબિત્ય ભોઈ તેમાંના એક છે. તેઓ કહે છે, "હું બહુ નાનો હતો અને અંગ્રેજોએ મને બહુ ખરાબ રીતે માર્યો હતો." ભોઈ ત્યારે ૧૩ વર્ષના હતા. પરંતુ તેઓને જેલ ન થઇ એટલે તેમનું નામ સ્વતંત્રતા સૈનિકોની સત્તાવાર યાદીમાં નથી. એવા બીજા પણ છે જેમને અંગ્રેજોએ ખૂબ ખરાબ રીતે માર્યા હતા પણ સત્તાવાર યાદીમાં તેમને અવગણવામાં આવ્યા હતા કેમકે તેઓ જેલમાં ગયા નહોતા.
આ વાતો સ્વતંત્રતા સૈનિકોની યાદમાં બનાવેલ સ્મારક સ્તંભ પર કોતરાયેલા નામોને કંઈક જુદો જ રંગ આપે છે. તેના પર ફક્ત એ જ લોકોના નામ છે જે ૧૯૪૨માં જેલ ગયા હતા. અલબત્ત, તેમના નામ સામે કોઈને કંઈ વાંધો છે જ નહીં. અફસોસની વાત એ છે કે એ સન્માનને લાયક બીજા અનેક પણ હતા પણ જે રીતે સ્વતંત્રતા સૈનિકોની 'સત્તાવાર' નોંધણી કરવામાં આવી તેમાં તેમનો સમાવેશ કરવામાં ન આવ્યો.
૬૦ વર્ષ પછી ઓગસ્ટ 2002 માં પણીમારાંના સ્વતંત્રતા સૈનિક ફરી સંઘર્ષના માર્ગે છે.
આ વખતે આ 7 માંના સૌથી ગરીબ મદન ભોઈ - તેમની પાસે માંડ અર્ધો એકર જેટલી જમીન છે - અને તેમના મિત્રો સોહેલા ટેલિફોન ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. તેઓ કહે છે, "જરા વિચાર તો કરો, આટલા બધા દાયકાઓ પછી પણ અમારા ગામમાં એક ટેલિફોન નથી."
એટલે એ માંગણી પર "અમે ધરણા પર બેઠા છીએ." તેઓ હસીને કહે છે, "એસડીઓ [સબ ડિવિઝનલ ઑફિસર - ઉપ વિભાગીય અધિકારી] એ કહ્યું કે એમણે કદી અમારા ગામનું નામ પણ નથી સાંભળ્યું. જો તમે બારગઢમાં રહેતા હો તો તો આ ઘોર અજ્ઞાન છે. અને મજાની વાત એ છે કે આ વખતે પોલીસે દરમિયાનગીરી કરી."
આ લોકોને જીવતા જાગતા ઇતિહાસ તરીકે ઓળખતી પોલીસને પણ એસડીઓના અજ્ઞાન પર નવાઈ લાગી. અને તેમને આ 80 વર્ષના વૃદ્ધોની ચિંતા પણ હતી. "ધરણાના થોડા કલાકો પછી પોલીસ, ડૉક્ટર, આરોગ્ય કર્મચારીઓ અને બીજા લોકોએ દરમિયાનગીરી કરી. પછી ટેલિફોનવાળા લોકોએ ૧૫ મી સપ્ટેમ્બર સુધીમાં અમારે માટે એક ફોનની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું. જોઈએ શું થાય છે."
પણીમારાંના સ્વતંત્રતા સૈનિક ફરી એક વાર બીજાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પોતાના માટે નહિ. આ આજીવન સંઘર્ષથી એમને વ્યક્તિગત લાભ શો થયો ?
“આઝાદી” ચમારુ કહે છે.
તમારા અને મારા માટે.
આ લેખ (બીજો ભાગ) પહેલવહેલા ધ હિંદુના સન્ડે રીવ્યુ માં ઓક્ટોબર 27, 2002 માં પ્રકાશિત થયો. પહેલો ભાગ ઓક્ટોબર 20, 2002 માં પ્રકાશિત થયો હતો.
ફોટો: પી. સાંઈનાથ
આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:
જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું
ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ છે
શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત
સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ
કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે
અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે