કેહલ્યા વસાવે મચ્છરદાનીથી સજ્જ ખાટલા પર પોતાની પીઠ પર સુતેલા છે, દુઃખાવા અને બેચેની ના લીધે ઊંઘમાં અવાજ કરી રહ્યાં છે. એમની બેચેની જોતા એમની ૧૮ વર્ષીય દીકરી લીલાએ એમના પગની માલીશ કરવાની શરૂ કરી દીધી જેથી એમને થોડીક રાહત મળે.
કેટલાક મહિનાઓથી, તેઓ એ જ ખાટલા પર એક જ હાલત માં પડ્યા રહે છે – એમના ડાબા ગાલ પર એક ઘા છે અને જમણા નસકોરામાં ખાવાનું ખવડાવવા માટેની ટ્યુબ લગાવેલી છે. “તેઓ વધારે હલનચલન નથી કરતાં અને ન તો વાતચીત કરે છે. એમના ઘા માં દુઃખાવો થાય છે,” એમની પત્ની, ૪૨ વર્ષીય પેસરી જણાવે છે.
ચાલુ વર્ષે ૨૧ જાન્યુઆરીએ, ૪૫ વર્ષીય કેહલ્યાને ઉત્તર-પશ્ચિમી મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના ચિંચપાડા ખ્રિસ્તી હોસ્પીટલમાં ગાલની અંદરના કેન્સર (બુકલ મ્યુકોસા) વિષે ખબર પડી.
તેમની બીમારી – કેન્સર – સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૪૫થી ૫૯ વર્ષના વય વર્ગની રસીકરણ માટે યોગ્યતા ધરાવતી સૂચી પૈકીની ૨૦ બીમારીઓમાંથી એક હતી, જેની શરૂઆત ભારતમાં કોવીડ-૧૯ રસીકરણના બીજા તબક્કામાં, ૧ માર્ચથી કરવામાં આવી હતી. મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, રસીકરણમાં “ઉચિત વય વર્ગની શ્રેણીના નાગરિકો, શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારીથી પીડાતા ૪૫થી ૬૦ વર્ષના લોકો પાત્રતા ધરાવે છે.” (૧ એપ્રિલથી, ૪૫ વર્ષથી વધુ વયના બધાં લોકો માટે રસીકરણ ખુલ્લું કરી દેવામાં આવ્યું હતું, ભલેને એમને કોઈ બીમારી હોય કે ન હોય.)
પરંતુ કહલ્યા અને પેસરી માટે વયની સીમા, ગંભીર બીમારીઓની સૂચી કે પછી વિસ્તૃત પાત્રતા અર્થવિહીન છે. વસાવે પરિવાર – જેઓ ભીલ સમુદાયના છે, અને અનુસુચિત જનજાતિ પણ છે – રસી પ્રાપ્ત કરી શકે તેમ નથી. અક્રાની તાલુકામાં એમના કંપા કુંભારીથી, સૌથી નજીકનું રસીકરણ કેન્દ્ર, ધડગાવ ગ્રામીણ હોસ્પિટલ ૨૦ કિલોમીટર દૂર છે. “અમારે પગપાળા ચાલવું પડે છે. અન્ય કોઈ વિકલ્પ નથી,” પેસરી કહે છે.
આ ઉતાર-ચઢાવ વાળા રસ્તેથી પગપાળા ચાર કલાકની દૂરી પર આવેલ છે. “એમને વાંસ અને બેડશીટની ડોલી [અસ્થાયી સ્ટ્રેચર] માં કેન્દ્ર સુધી લઇ જવા શક્ય નથી,” નંદુરબારના આદિવાસી બહુમતીવાળા જીલ્લાના પહાડી વિસ્તારમાં આવેલ પોતાના માટીના ઘરની સીડીઓ પર બેઠેલ પેસરી કહે છે.
“શું સરકાર અમને અહિં [સ્થાનિક પીએચસી, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં] ઈન્જેકશન નથી આપી શકતી? અમે ત્યાં જઈ શકીએ છીએ,” પેસરી કહે છે. રોશમલ ખ. ગામમાં આવેલ નજીકની પીએચસી એમના ઘરથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે.
રાજ્ય પરિવહનની બસો પહાડી ધડગાવ વિસ્તારમાં નથી જતી, જેમાં અક્રાની તાલુકાના ૧૬૫ ગામો અને કંપાઓ, અને લગભગ ૨૦૦,૦૦૦ની વસ્તી શામેલ છે. ધડગાવ ગ્રામીણ હોસ્પિટલ નજીક આવેલ ડેપોથી, બસો નંદુરબારના અન્ય વિસ્તારોમાં અને તેનાથી પણ આગળ સુધી જાય છે. “અહિં આધારમાળખાનો અભાવ છે,” નંદુરબાર જીલ્લા પરિષદના સભ્ય ગણેશ પરાડ્કે કહે છે.
લોકો મોટેભાગે શેર કરવામાં આવતી જીપો પર નિર્ભર છે, પરંતુ તેમનું આવર્તન ખુબજ ઓછું છે અને આ વિસ્તારના અંદર કોઈ પણ જગ્યાએ બે તરફી મુસાફરી માટે – એક ગામથી બીજા ગામ, બજાર સુધી કે પછી બસ સ્ટેન્ડ સુધી – વ્યક્તિ દીઠ ભાડું ૧૦૦ રૂપિયા છે.
પેસરી અને એમનો પરિવાર એટલું ભાડું આપી શકે એમ નથી. એમણે કેહલ્યાની સારવાર અને પ્રાથમિક ઉપચાર માટે આખા પરિવારના જાનવર – એક બળદ, આઠ બકરી, સાત મુર્ગી – ને નજીકના એક ખેડૂતને વેચી દીધું હતું. એમના માટીના ઘરમાં લાકડીના સ્તંભો વાળી જગ્યા, જ્યાં તેઓ જાનવર બાંધતા હતા, તે અત્યારે નિર્જન છે.
એપ્રિલ ૨૦૨૦ની શરૂઆતમાં કેહલ્યાએ પોતાના ડાબા ગાલ પર એક ગાંઠ જોઈ હતી. પરંતુ, કોવીડના ડરથી પરિવારે તબીબી સહાય લેવાથી ઇનકાર કરી દીધો. “અમે કોરોનાના લીધે હોસ્પિટલ જવાથી ડરતા હતા. અમે આ વર્ષે ખાનગી હોસ્પિટલ [જાન્યુઆરી ૨૦૨૧માં, નવાપુરના ચિંચપાડા ખ્રિસ્તી હોસ્પિટલ] ગયા હતા કેમ કે ગાંઠ મોટી થઇ રહી હતી અને દુઃખાવો પણ વધી રહ્યો હતો.”
“મે બધાં જાનવરો ૬૦,૦૦૦ [રૂપિયા] માં વેચી દીધા. સરકારી હોસ્પિટલ જવાને બદલે, અમે વિચાર્યું કે મોટી [ખાનગી] હોસ્પિટલમાં ઈલાજ સારો કરશે. અમે વિચાર્યું કે અમારે પૈસા તો ખર્ચ કરવા પડશે પણ ઈલાજ સારો થશે. ત્યાંના ડૉકટરે કહ્યું કે સર્જરી કરવી જરૂરી છે, પરંતુ હવે અમારી પાસે પૈસા નથી,” તેઓ આગળ કહે છે.
તેમના આઠ સભ્યોના પરિવારમાં એમની દીકરી લીલા, સૌથી મોટો દીકરો સુબાસ, જે ૨૮ વર્ષનો છે, એમની પત્ની સુની અને બે નાના બાળકો છે, અને પેસરીનો સૌથી નાનો દીકરો, ૧૪ વર્ષીય અનીલ છે. આ પરિવાર ચોમાસા દરમિયાન સીધા ઢાળ વાળી એક એકર જમીન પર પોતાના ઉપયોગ માટે વર્ષમાં બે કે ત્રણ ક્વિન્ટલ જુવાર ઉગાવે છે. તેઓ, પેસરી કહે છે કે, “પૂરતા નથી. અમારે [કામ માટે] બહાર જવું પડે છે.”
માટે દર વર્ષે, તેઓ અને કેહલ્યા ઓક્ટોબરમાં પાકની લણણી પછી મુસાફરી કરતા હતા, અને કપાસના ખેતરોમાં કામ કરવા માટે ગુજરાત જતા હતા. આનાથી એમને દરેકને ૨૦૦-૩૦૦ રૂપિયા મજુરી અને નવેમ્બરથી મે મહિના સુધી ૨૦૦ દિવસોનું કામ મળી જતું હતું. પરંતુ, આ સિઝનમાં, મહામારીના લીધે, આ પરિવાર પોતાના કંપા માંથી બહાર નથી ગયો. “અને હવે તેઓ ખાટલા પર પડેલા છે, અને બહાર વાઇરસ અત્યારે પણ છે,” પેસરી કહે છે.
એમના કંપા કુંભારીની વસ્તી ૬૬૦ (વસ્તીગણતરી ૨૦૧૧ મુજબ) છે. સુનીતા પટલે, ૩૬ વર્ષીય આશા કાર્યકર્તા, કહે છે કે એમના રેકોર્ડ અનુસાર કુંભારી સહીત તેઓ જે અન્ય ૧૦ કંપાઓને આવરી લે છે, એમાં કેન્સરના દર્દી એકમાત્ર કેહલ્યા જ છે. એમનો અંદાજો છે કે આ કંપાઓની કુલ વસ્તી લગભગ ૫,૦૦૦ છે, અને તેઓ આગળ ઉમેરે છે કે, “અમારી પાસે ૪૫ વર્ષથી વધુ વયના લગભગ ૫૦ પુરુષો અને મહિલાઓ છે, જેઓ સિકલ સેલ રોગ [લાલ રક્તકણોની ખામી, જે માર્ગદર્શિકામાં નોંધેલ ૨૦ ગંભીર બીમારીઓમાં શામેલ છે] થી પીડિત હતા અને લગભગ ૨૫૦ લોકો ૬૦ વર્ષથી વધુ વયના છે.
વાહન વ્યવહારની કમી અને રસ્તાઓની ખરાબ કનેક્ટિવિટીનો અર્થ છે કે એમનામાંથી કોઈ પણ રસીકરણ માટે ધડગાવની ગ્રામીણ હોસ્પિટલમાં જવા સક્ષમ નથી. “અમે દરેક ઘરે જઈને જાગરૂકતા ફેલાવી રહ્યા છીએ કે રસીકરણ શરૂ થઇ ગયું છે,” સુનીતા કહે છે, “પરંતુ કેન્દ્ર સુધી પહોંચવું ખુબજ કઠીન છે.”
જીલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તૈયાર કરાયેલ નંદુરબાર રસીકરણ અહેવાલથી જાણવા મળે છે કે ૨૦ માર્ચ સુધી, ૬૦ વર્ષથી વધુ વય વાળા ૯૯ નાગરિકોને ધડગાવ ગ્રામીણ હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો, જ્યારે ૪૫થી ૬૦ વર્ષ વય વર્ગમાં ગંભીર બીમારી વાળા ફક્ત એક જ વ્યક્તિને રસી આપવામાં આવી હતી.
આ જીલ્લામાં માર્ચ ૨૦૨૦ પછી ૨૦,૦૦૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે, પરંતુ અહિં શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થાપિત રસીકરણ કેન્દ્રો ના લીધે સ્થિતિમાં સુધારો આવ્યો છે. ધડગાવ હોસ્પિટલથી લગભગ ૪૫ કિલોમીટર દૂર તલોડાના ઉપ-વિભાગીય હોસ્પિટલમાં ૬૦ વર્ષથી વધુ વયના ૧,૨૭૯ લોકોને પહેલો ડોઝ મળ્યો (૨૦ માર્ચ સુધી), અને ગંભીર બીમારી વાળા ૩૩૨ લોકોને પણ.
“દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં રસીકરણને લઈને લોકોની પ્રતિક્રિયા સારી નથી,” નંદુરબારના જીલ્લા તબીબી અધિકારી, ડૉક્ટર નીતિન બોરકે કહે છે. “ધડગાવમાં રોડ કનેક્ટિવિટી પણ એક મોટો મુદ્દો છે. અહિંના ગામ અને કંપા રસીકરણ કેન્દ્રોથી ઘણાં દૂર છે.”
આ દૂર સુદૂરના કંપાઓમાં એક ચિતખેડી પણ છે, જે પેસરીના ઘરથી લગભગ ૧૦ કિલોમીટર દૂર, નર્મદા નદીના તટ પર જ છે. ચિતખેડીથી ધડગાવ ગ્રામીણ હોસ્પિટલનું રસીકરણ કેન્દ્ર ૨૫ કિલોમીટર થી પણ વધારે દૂર છે.
આ કંપામાં, ૮૫ વર્ષીય સોન્યા પટલે, જેઓ પાર્કિન્સન રોગ (મગજની ખામી જે ધ્રુજારી, કઠોરતા અને ચાલવા-ફરવામાં, સંતુલન રાખવામાં અને સમન્વય રાખવામાં તકલીફ પેદા કરે છે) થી પીડિત છે, ખાટલા પર પડ્યા-પડ્યા પોતાના નસીબને બુરું ભલું કહી રહ્યાં છે. “મે શું પાપ કર્યું હતું કે ઈશ્વરે મને આ બીમારી આપી છે,” તેઓ પોક મૂકીને રડે છે. તેમની પત્ની બુબાલી ગાયના છાણથી લેપ લગાવેલી જમીન પર બેસી છે અને રાખોડી રંગના રૂમાલથી એમના આંસુ લૂછે છે. એમના પતિ ચિતખેડીમાં એક ઊંચા પહાડ પર વાંસથી બનેલી ઝૂંપડીમાં છેલ્લાં ૧૧ વર્ષથી આ બીમારીનો સામનો કરી રહ્યાં છે.
આ પરિવાર આદિવાસીઓના ભીલ સમુદાયનો છે, અને સોન્યા અને બુબાલી એ વય વર્ગમાં છે જેઓ રસીકરણ માટે પાત્ર છે. પરંતુ, ૮૨ વર્ષીય બુબાલી કહે છે, “અમે બંને ઘરડાં છીએ અને તેઓ ખાટલા પર પડેલા છે. અમને રસીની ખુશી કઈ રીતે હોય જ્યારે કે અમે તે લેવા માટે જઈ શકીએ તેમ જ નથી?”
આ બંને પોતાના ૫૦ વર્ષીય દીકરા હાનું અને વહું ગરજીની કમાણી પર નિર્ભર છે – તેઓ પોતાના છ નાના બાળકો સાથે વાંસની નાની ઝુંપડીમાં એમની સાથે જ રહે છે. “હાનુ એમને [એમના પિતાને] નવડાવે છે, એમને શૌચાલય લઇ જાય છે, એમને ઉઠાવે છે, અને એમની દેખભાળ કરે છે,” બુબાલી કહે છે. એમના અન્ય ચાર પરિણીત દીકરાઓ અને ત્રણ દીકરીઓ બીજા કંપામાં રહે છે.
હાનુ અને ગરજી અઠવાડિયામાં ત્રણ દિવસ, સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી નર્મદા નદીમાં માછલી પકડે છે. ગરજી કહે છે કે, “એક વેપારી અઠવાડિયામાં ત્રણ દિવસ અમારા કંપામાં અવે છે. તેઓ એક કિલો [માછલી] માટે ૧૦૦ રૂપિયા ચુકવે છે.” અઠવાડિયામાં ત્રણ દિવસ ૨-૩ કિલો માછલી પકડવાથી, તેઓ લગભગ ૩,૬૦૦ રૂપિયા કમાય છે. અન્ય દિવસોમાં, હાનુ ધડગાવના ભોજનાલયોમાં સાફ-સફાઈનું કામ કરે છે, જ્યાં તેઓ પ્રતિ દિન ૩૦૦ રૂપિયા કમાય છે, અને ગરજી ખેતમજૂર તરીકે ૧૦૦ રૂપિયા કમાય છે. તેઓ કહે છે, “અમને બંનેને મહિનામાં ૧૦-૧૨ દિવસોનું કામ મળી જાય છે, અમુક વાર તો એટલું પણ નથી મળતું.”
આ કારણે સોન્યા અને બુબાલી માટે રસીકરણ કેન્દ્ર સુધી જવા માટે ખાનગી વાહન કરવાના ૨,૦૦૦ રૂપિયાનું ભાડું પણ એક વધારાનો ખર્ચ ગણાશે.
“કદાચ એ ઈન્જેકશન અમારા માટે સારું હશે. પરંતુ હું આટલી ઉંમરે એટલું લાંબુ ચાલી શકતી નથી,” બુબાલી કહે છે. હોસ્પિટલ જવાથી એમને કોવીડ-૧૯ નો પણ ખતરો છે. “જો અમે કોરોનાગ્રસ્ત થઇ ગયા તો? અમે નહીં જઈએ, સરકારને અમારા ઘરે આવવા દો.”
એ જ પહાડી કંપામાં, ૮૯ વર્ષીય ડોલ્યા વસાવે, પોતાના સામેના વાડામાં રહેલા લાકડાના મંચ પર બેસીને પોતાની ચિંતાઓ દોહરાવે છે. “જો હું જઈશ [રસી લેવા માટે], તો ફક્ત ગાડી [ચાર પૈડા વાળા વાહન] માં જ જઈશ, નહીંતર હું નહીં જાઉં,” તેઓ દ્રઢતાથી કહે છે.
તેમની દ્રષ્ટિ કમજોર થઇ રહી છે, અને તેઓ તેમની આસપાસની વસ્તુઓ પણ ઓળખી શકતા નથી. “એક સમય એવો હતો કે હું આ ઊંચાનીચા પર્વતો પર આસાનીથી ચાલી શકતો હતો,” તેઓ યાદ કરે છે. “હવે મારી અંદર એટલી તાકાત નથી અને હું ચોખ્ખું જોઈ પણ શકતો નથી.”
ડોલ્યાની પત્ની રુલાનું મૃત્યુ, પ્રસુતિ દરમિયાન જટિલતાઓને લીધે ઘણાં સમય પહેલાં જ થઇ ગયું હતી, જ્યારે તેઓ ૩૫ વર્ષના હતા. તેમણે એકલા હાથે ત્રણ દીકરાઓનો ઉછેર કર્યો, તે બધાં નજીકના કંપામાં પોતાની ઝૂંપડીઓમાં રહે છે. એમનો ૨૨ વર્ષીય પૌત્ર, કલ્પેશ એમની સાથે રહે છે અને એમની દેખભાળ કરે છે, અને આવક માટે માછલી પકડવા પર નિર્ભર છે.
ચિતખેડીમાં, ડોલ્યા, સોન્યા અને બુબાલી સહીત ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૧૫ લોકો છે, કંપાની ૩૪ વર્ષીય આશા કાર્યકર્તા, બોજી વસાવે કહે છે. મે જ્યારે માર્ચના મધ્યમાં મુલાકાત હતી, ત્યારે એમાંથી કોઈએ પણ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી નહોતી. “ઘરડાં લોકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે આ અંતર પગપાળા કાપવું શક્ય નથી, અને ઘણાં લોકો કોરોનાના લીધે હોસ્પિટલ જતા ડરે છે,” બોજી કહે છે, જેમનું કામ ચિતખેડીના ૯૪ ઘરોમાં ૫૨૭ લોકોની વસ્તીને આવરી લે છે.
આ મુદાઓને હલ કરવા અને આવનારા લોકોની સંખ્યામાં સુધારો લાવવા માટે, મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ પીએચસીમાં રસીકરણને મંજુરી આપવાનું વિચારી રહી છે. આ ફક્ત ઈન્ટરનેટ કવરેજ ધરાવતા વિસ્તારોમાં જ શક્ય થશે, ડૉક્ટર નીતિન બોરકે કહે છે: “રસીકરણ કેન્દ્રોને કોવીન પ્લેટફોર્મ પર ઓન-સાઈટ લાભાર્થીની નોંધણી કરવા અને કયુઆર કોડ આધારિત રસીકરણ પ્રમાણપત્ર બનાવવા માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી, કમ્પ્યુટર, પ્રિન્ટરની આવશ્યકતા રહે છે.”
ધડગાવ જેવા કંપાના અંદરના વિસ્તારોમાં, ચિતખેડી અને કુંભારી જેવી જગ્યાઓએ ભાગ્યેજ મોબાઈલ નેટવર્ક જોવા મળે. એટલે આ વિસ્તારોમાં એક એની આસપાસ પીએચસીમાં પણ કોઈ નેટવર્ક નથી. “એટલે સુધી કે ફોન કરવા માટે પણ મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નથી, અહિં ઈન્ટરનેટ કનેક્ટિવિટી મેળવવી અસંભવ છે,” રોશમલ પીએચસીના ડૉક્ટર શિવાજી પવાર કહે છે.
પેસરીએ આ અવરોધોના કારણે હાર સ્વીકારી લીધી છે. તેઓ કહે છે, “કોઈપણ અહિં આવવા માંગતું નથી. અને આમપણ આ [કોવીડ રસી] એમના [કેહલ્યાના] કેન્સરનો ઈલાજ નથી કરવાની. ડૉક્ટર આ દુર્ગમ પહાડોમાં, અમારી સેવા કરવા અને દવાઓ આપવા માટે શું કરવા આવશે?”
અનુવાદક: ફૈઝ મોહંમદ