હજી બંધ થવાના સમયને ઘણી વાર છે છતાં પહેલા માળનો ઓરડો બંધ અને શાંત છે. ત્યાં બાજુની પતરા ને લાકડાની ઝૂંપડીમાં કોઈ નથી, ફક્ત ખુરશીઓ ને ટેબલોનો ખડકલો, લોખંડની પાટલી (બેંચ), આયર્ન (લોહતત્ત્વના) સિરપ અને ફોલિક એસિડની ગોળીઓના ખોખા અને કાઢી નાખેલા રેપિંગ્સ છે. એક જૂનું કટાયેલું નામનું પાટિયું પણ ત્યાં પડ્યું છે, જ્યારે બંધ ઓરડાવાળા મકાનના દરવાજે એક નવું પાટિયું છે: ‘નવા પ્રકારનું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ન્યુ ટાઈપ પ્રાઈમરી હેલ્થ સેન્ટર - એનટીપીએચસી) શબરી મોહલ્લા, દાલ એસજીઆર [શ્રીનગર] ’.
અહીંથી 10 મિનિટની બોટ સવારી તમને નઝિર અહમદ ભટના ‘ક્લિનિક’ પર('દવાખાને') લઈ જશે, જે સામાન્ય રીતે ખુલ્લું હોય છે - અને ભરેલું હોય છે. શિયાળાની ઠંડી બપોર પછી તેઓ તેમની લાકડાના થાંભલા પરની લાકડાની નાનકડી દુકાનમાં બપોરના છેલ્લા ગ્રાહક-દર્દીને તપાસે છે (તેઓ બીજા વધારે ગ્રાહક-દર્દીઓને તપાસવા સાંજે ફરી પાછા આવશે), તેમની નાની દુકાનમાં દર્દીઓને ઈંજેક્શનો આપવા માટે મુખ્ય ઓરડાની બાજુમાં એક નાનકડો ઓરડો છે. બહાર બોર્ડ લગાવેલું છે ‘ભટ મેડિકેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ’.
લગભગ 60 વર્ષના હફીઝા દાર અહીં પાટલી પર રાહ જોતા બેઠા છે. તેઓ નઝિર ‘ડોક્ટર’ને લેવા બોટમાં અહીં આવ્યા છે, 10 મિનિટની બોટ રાઇડ લઈને તેમના મોહલ્લે પહોંચી શકાય છે. તેઓ નઝિરને આશીર્વાદ આપતા કહે છે, "મારા સાસુને કોઈક [ડાયાબિટીસના] ઈન્જેક્શનો લેવાં પડે છે અને તેઓ ખૂબ ઘરડા છે એટલે અહીં આવી શકતા નથી એટલે નઝિર સાહેબ (અમારી પર) ઉપકાર કરીને અમારા ઘેર આવીને ઈન્જેકશન આપે છે." દાર ઉમેરે છે, "અમને ત્યાં [એનટીપીએચસી પર] ડોક્ટર મળતા નથી." દાર એક ગૃહિણી અને ખેડૂત છે; તેમના પતિ ખેડૂત છે અને દાલ સરોવરમાં શિકારા પણ ચલાવે છે. "તેઓ [એનટીપીએચસી પર] માત્ર બાળકોને પોલિયોનાં ટીપાં જ આપે છે અને બપોરે 4 વાગ્યા પછી ત્યાં કોઈ હોતું નથી. "
લગભગ બે વર્ષથી - ઓગસ્ટ 2019 થી કાશ્મીરમાં સતત કર્ફ્યુ અને લોકડાઉન શરૂ થયા પછી - સરોવરના ટાપુઓ પર રહેતા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (એનટીપીએચસી) માં ડોક્ટરને જોયાનું યાદ નથી. નજીકમાં રહેતા અને પ્રવાસીઓના ફોટોગ્રાફર તરીકે કામ કરતા 40 વર્ષના મોહમ્મદ રફીક મલ્લા કહે છે, “ત્યાં વર્ષો પહેલા જે ડોક્ટર હતા તેમણે સારું કામ કર્યું હતું, પરંતુ તેમની બદલી થઈ ગઈ. 2019 થી અમે ત્યાં કોઈ ડોક્ટર જોયા નથી. તેઓ [સ્ટાફ] નિયમિત આવતા નથી અને પછી પૂરતા કલાકો સુધી ત્યાં રહેતા નથી."
શ્રીનગરના મુખ્ય તબીબી અધિકારીના યોજના વિભાગના સહાયક નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર બધા 'નવા પ્રકારના પીએચસી' (કાશ્મીરમાં 'અપગ્રેડ કરેલા' પેટા કેન્દ્રો), માં આરોગ્ય સેવાઓના નિયામકશ્રી દ્વારા વ્યવસ્થિત રીતે નિયુક્ત થયેલા તબીબી અધિકારી તરીકે ઓછામાં ઓછા એક એમબીબીએસ ડોક્ટર, એક ફાર્માસિસ્ટ, એક એફએમપીએચડબલ્યુ (ફિમેલ મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર - મહિલા બહુહેતુક આરોગ્ય કાર્યકર) અને એક નર્સિંગ સ્ટાફની હાજરી આવશ્યક છે.
એનટીપીએચસી (જે ખરેખર કૂલી મોહલ્લામાં છે, જો કે તેના પાટિયા પર અડીને આવેલા બીજા વિસ્તારનો ઉલ્લેખ છે) જે મોહલ્લામાં તે છે ત્યાં જ રહેતા અને પ્રવાસીઓની હોડી પર ફોટોગ્રાફર તરીકે કામ કરતા 25 વર્ષના વસિમ રાજા કહે છે , "પરંતુ માત્ર [પોલિયો] રસીકરણ અભિયાન દરમિયાન જ્યારે તેઓ લાઉડ સ્પીકરો પર જાહેરાત કરે છે ત્યારે જ કેન્દ્રમાં કંઈ પ્રવૃત્તિ થતી હોય એમ લાગે છે." તેઓ ઉમેરે છે, "જ્યારે બની શકે ત્યારે ફાર્માસિસ્ટ મારા પિતાને ડ્રિપ આપવા ઘેર આવતા. પરંતુ આજે જ્યારે અમારે આ દવાખાનાની સૌથી વધુ જરૂર છે ત્યારે તે બંધ છે. પરિણામે અમારે નઝિર અથવા બિલાલ [બીજા ફાર્મસિસ્ટ-ક્લિનિશિયન] પાસે જવું પડે છે અથવા હોસ્પિટલમાં જવા માટે રસ્તા સુધી પહોંચવાનો પ્રયાસ કરવો પડે છે. તેમાં સમય લાગી જાય છે અને અચાનક મુશ્કેલી ઊભી થાય ત્યારે તે ખૂબ મુશ્કેલ બની શકે છે."
શ્રીનગરના રૈનાવારી વિસ્તારની જવાહરલાલ નહેરુ મેમોરિયલ હોસ્પિટલ એ સૌથી નજીકની સરકારી જનરલ હોસ્પિટલ છે. કુલી મોહલ્લાથી બુલવર્ડ રોડ સુધી પહોંચવા માટે 15 મિનિટની બોટ રાઇડ લેવી પડે અને ત્યારબાદ બે વાર બસો બદલાવવી પડે. અથવા સરોવરના નિવાસીઓને 40 મિનિટની બોટ રાઇડ લઈ બીજી જગ્યાએ પહોંચવું પડે અને પછી હોસ્પિટલમાં પહોંચવા માટે ત્યાંથી લગભગ 15 મિનિટ ચાલવું પડે. ખાસ કરીને કાશ્મીરના લાંબા હાડ થીજાવી દેતા શિયાળામાં આ મુસાફરીઓ મુશ્કેલ બની શકે.
18-20 ચોરસ કિલોમીટરના દાલ સરોવરના અસંખ્ય ટાપુઓ પર રહેતા 50000-60000 લોકો માટે ભાગ્યે જ કાર્યરત એનટીપીએચસી ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બીજી એક માત્ર આરોગ્ય સુવિધા નંદપોરાનું આઇએસએમ (ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન્સ) દવાખાનું છે. તે આ વિશાળ જળરાશિના બીજે છેડે આવેલું છે, અને ત્યાં પણ આરોગ્યસંભાળ કાર્યકરો હંમેશા હાજર નથી હોતા. અને (જળરાશિના) કાંઠે બુલવર્ડ રોડ પર એક પેટા કેન્દ્ર છે (ટાપુઓ પર રહેતા લોકો માટે કોવિડ -19 રસીકરણ અને પરીક્ષણ કરાવવા માટેનું સૌથી નજીકનું કેન્દ્ર પણ આ જ છે).
તેથી સરોવરના નિવાસીઓ, ખાસ કરીને તેના અંતરિયાળ ટાપુઓ પર રહેતા લોકો માટે નઝિર દ્વારા અને એ જ પ્રકારની ફાર્મસી ચલાવતા ઓછામાં ઓછા બીજા ત્રણ લોકો દ્વારા અપાતી સેવાઓ જ ઘણીવાર એક માત્ર સુલભ સ્વાસ્થ્ય સંભાળ વિકલ્પ હોય છે. ફાર્મસી ચલાવતા આ લોકો વખત આવે સરોવરના નિવાસીઓ માટે ‘ડોકટરો’ અથવા તબીબી સલાહકારો તરીકેની ભૂમિકા પણ નિભાવી લે છે.
નઝિર અહમદ ભટ લગભગ 50 વર્ષના છે અને લગભગ 15-20 વર્ષથી દાલ સરોવરમાં કામ કરે છે, બપોરના વિરામ સાથે તેઓ તેમના દુકાન-ક્લિનિકમાં સવારે 10 થી રાત્રે 10 સુધી બે પાળીમાં હાજર હોય છે. તેઓ કહે છે કે તેઓ રોજ 15-20 દર્દીઓ તપાસે છે. દર્દીઓ મુખ્યત્વે સામાન્ય તાવ અને ઉધરસ, બ્લડ પ્રેશર (લોહીના દબાણ) ની તકલીફો, સતત દુખાવો અને સાફ કરીને પાટો બાંધવાની જરૂર હોય તેવા મામૂલી ઘા જેવી બીમારીઓ સાથે આવે છે (નઝિર મને તેમની તબીબી અથવા ફાર્માસિસ્ટ તરીકેની લાયકાત વિશે કહેતા નથી). નઝિર કન્સલ્ટેશન (સલાહ આપવા માટે) ફી લેતા નથી, પરંતુ દવા માટે છૂટક ભાવે કિંમત લે છે (અને તેમાંથી તેમની આવક મેળવે છે), અને નિયમિત રૂપે જરૂર પડતી હોય તેવા લોકો માટે દવાઓ લાવીને રાખે પણ છે.
પ્રવાસીઓને ચામડાની ચીજો વેચતા 65 વર્ષના મોહમ્મદ સિદિક ચાચુ નજીકના બીજા એક કેમિસ્ટ-ક્લિનિકમાં પોતાનું બ્લડ પ્રેશર તપાસડાવવા જાય છે. તાજેતરમાં જ તેમણે શ્રીનગરની એક ખાનગી હોસ્પિટલમાં પિત્તાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાવી છે. તેઓ કહે છે કે, "દવાખાનું [એનટીપીએચસી] નકામું છે. ત્યાં કોઈ જતું નથી. અમે આ ક્લિનિક્સ પસંદ કરીએ છીએ કારણ કે એ બધા નજીકમાં છે અને તેમની પાસેથી દવાઓ પણ સહેલાઈથી મળી રહે છે."
ચાચુ જે ક્લિનિકમાં જાય છે તે શ્રીનગરની દક્ષિણ સીમા પર નૌગામમાં રહેતા બિલાલ અહમદ ભટ ચલાવે છે. જમ્મુ-કાશ્મીર ફાર્મસી કાઉન્સિલ દ્વારા જારી કરાયેલું તેમનું પ્રમાણપત્ર બહાર કાઢતા તેઓ મને કહે છે કે તેઓ એક અધિકૃત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ છે.
તેમની દુકાનમાં પ્લાયવુડના કબાટોમાં દવાઓ રાખેલી છે અને દર્દીઓને સૂવા માટે એક પલંગ છે. ભટ કહે છે કે તેમની દુકાનમાં સવારે 11 થી સાંજે 7 સુધીમાં તેઓ આશરે 10 થી 25 દર્દીઓ તપાસે છે, જેમાંથી મોટાભાગના સામાન્ય બીમારીની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. તેઓ કન્સલ્ટેશન ફી પણ લેતા નથી, અને માત્ર એમઆરપી પર દવાઓ વેચે છે.
તેઓ ભારપૂર્વક જણાવે છે કે દાલ સરોવર વિસ્તારમાં એક હોસ્પિટલ હોવી જોઈએ. “અહીં ઓછામાં ઓછા એક સ્ત્રીરોગચિકિત્સક અને મહિલાઓને જરૂરી સેવાઓ મળી શકે તેવું એક નાનું પ્રસૂતિ દવાખાનું હોવા જોઈએ. અહીં તબીબી પરીક્ષણો માટે કોઈ સુવિધા નથી. લોકો ઓછામાં ઓછું બ્લડ સુગરની તપાસ કરાવી શકે, સીબીસી પરીક્ષણ કરાવી શકે એટલી સગવડ હોવી જોઈએ. અહીંના મોટાભાગના લોકો શ્રમિકો છે, તેઓ ગરીબ છે. જો આ બધી સુવિધાઓ દવાખાના [એનટીપીએચસી] પર મળતી હોત તો તેઓએ શિયાળાની કડકડતી ઠંડીમાં 5 રુપિયાની ગોળી લેવા માટે મારી પાસે ન આવવું પડત."
તે દિવસે સવારે બિલાલે કુલી મોહલ્લામાં તેમના ઘેર એક કેન્સરના દર્દીને તપાસવા પડ્યા હતા. સરોવરના પૂર્વ કાંઠે નહેરુ પાર્ક ઘાટથી આશરે 10 કિલોમીટર દૂર શ્રીનગર સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, "એસકેઆઇએમએસમાં તેમની સારવાર ચાલી રહી છે અને મારે ડ્રિપ ચડાવવાની હતી. એટલો વખત મારે દુકાન બંધ કરવી પડી. તેઓ ગરીબ માણસ છે, તેઓ શિકારા ચલાવતા હતા, તેમની પાસેથી હું શું પૈસા લઉં? "
એનટીપીએચસી 4 વાગ્યે બંધ થઈ જતા સાંજ પછી સરોવર પરના લોકો કેમિસ્ટ-ક્લિનિશિયનો પર વધુ નિર્ભર હોય છે. બિલાલ કહે છે, “રાત્રે હું મારે ઘેર હોઉં ત્યારે મને ફોન આવે છે," અને તેઓ એક ઘટના યાદ કરે છે જ્યારે એક વૃદ્ધ મહિલાના પરિવારે તેઓ શ્વાસ લઈ શકતા નહોતા એમ કહી ફોન કર્યો હતો. તેમણે શ્રીનગરની એક હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરાવી હતી અને બિલાલ કહે છે કે તેઓ ડાયાબિટીક છે અને તેમને હૃદય સંબંધી સમસ્યાઓ પણ છે. “જ્યારે તેઓએ મને મધરાતે ફોન કર્યો ત્યારે મને વહેમ હતો કે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોઈ શકે અને મેં તેઓને [ફોન પર] સલાહ આપી કે તેમને વહેલી તકે હોસ્પિટલમાં લઈ જાઓ. તેઓ લઈ ગયા અને તેમને સ્ટ્રોકનું નિદાન થયું. સદ્ભાગ્યે, તેઓ બચી ગયા."
અખબારી અહેવાલો અને મનોહર ફોટાઓમાં નજરે ન ચડતા સરોવરના અંતરિયાળ ભાગના ટાપુઓ પર સમસ્યાઓ વધુ વિકટ બની શકે છે. શિયાળાના ઠંડા મહિનાઓ દરમિયાન બોટને થોડા ફીટ આગળ વધારવા માટે બરફનો છ ઇંચ જાડો થર તોડવો પડે. ઉનાળામાં 30 મિનિટમાં આવરી શકાય તેટલું જ અંતર કાપવમાં સરોવર થીજી જાય ત્યારે ત્રણ કલાકથી વધુ સુધી સમય થઈ જાય છે.
આ અંતરિયાળ ભાગોમાં ટીંડ મોહલ્લામાં રહેતા 24 વર્ષના હદિસા ભટ કહે છે, "અમારે એક એવી સુવિધાની જરૂર છે જ્યાં રાત-દિવસ ડોક્ટરો મળી રહે." તેઓ ઉમેરે છે, "અમારે માટે પરીક્ષણની સુવિધા પણ હોવી જ જોઇએ. દિવસ દરમિયાન અથવા મોડી સાંજે પણ અમે નઝિરના ક્લિનિકમાં જઇએ છીએ.પરંતુ જો કોઈ રાત્રે બીમાર પડે તો અમારે હલેસાં ને હોડી લઈને તેમને રૈનાવારી લઈ જવા પડે. પુખ્ત વયના લોકો તો રાત કાઢી શકે પણ બિચારા નાના બાળકોનું શું? " હદિસા ગૃહિણી છે, તેમના ચાર ભાઈઓ ઋતુ અનુસાર ખેડૂત અથવા સરોવરમાં શિકરાવાળાઓ તરીકે કામ કરે છે.
માર્ચ 2021 માં જ્યારે તેમના મા પડી ગયા અને હાડકાની ઇજા થઈ હતી ત્યારે તેમને નહેરુ પાર્કથી આશરે 8 કિલોમીટર દૂર દક્ષિણ શ્રીનગરમાં બારઝુલ્લાની સરકારી બોન એન્ડ જોઈન્ટ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. હદિસાના ભાઈ આબિદ હુસૈન ભટ કહે છે, "જો કે ભગવાનની દયાથી તેમની ઈજા ગંભીર ન હતી, પરંતુ ત્યાં પહોંચવા માટે અમને બે કલાક [અને ઓટોરિક્ષા અને ટેક્સી ભાડા] લાગ્યાં. તેમની સારવાર થઈ શકે તે માટે નજીકમાં બીજી કોઈ સુવિધાઓ ન હોવાથી અમારે પછીથી બીજી બે વાર હોસ્પિટલ જવું પડ્યું હતું."
ઓછામાં ઓછું લોકોને સરોવરથી હોસ્પિટલ લઈ જવાની સમસ્યાને હલ કરવાના આશયથી ડિસેમ્બર 2020 માં હાઉસબોટ-માલિક તારિક અહમદ પટ્લૂએ એક શિકરાને પાણી પર ચાલતી એમ્બ્યુલન્સમાં ફેરવ્યો હતો. આ ફેરફાર કરવાની જરૂર શા માટે પડી એ તે સમયના પ્રસાર માધ્યમોના અહેવાલો પરથી જાણી શકાય છે - આ ફેરફાર માટે જવાબદાર કારણો હતા તેમના કાકીનો જીવલેણ હાર્ટ એટેક અને તેમને પોતાને થયેલું કોવિડ -19 નું સંક્રમણ. તેમને એક ટ્રસ્ટ તરફથી આર્થિક મદદ મળી, અને હવે એમ્બ્યુલન્સ પાસે સ્ટ્રેચર, વ્હીલચેર, ઓક્સિજન સિલિન્ડર, ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) કીટ, માસ્ક, ગ્લુકોમીટર અને બ્લડ પ્રેશર મોનિટર (લોહીનું દબાણ માપવાનું સાધન) છે. 50 વર્ષના પટ્લૂ કહે છે કે તેઓ ટૂંક સમયમાં એમ્બ્યુલન્સમાં પેરામેડિક અને ડોક્ટરની વ્યવસ્થા ઊભી કરવાની આશા રાખે છે. તેમનો અંદાજ છે કે આ એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 દર્દીઓને હોસ્પિટલોમાં પહોંચાડ્યા છે, અને મૃતદેહોને સરોવર પાર લઈ જવામાં પણ મદદ કરી છે.
આરોગ્ય સેવાઓની વાત કરીએ તો શ્રીનગરના આરોગ્ય અધિકારીઓ પણ સંઘર્ષ કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીને દાલ સરોવરમાં નજીવી આરોગ્ય સુવિધાઓ વિશે પૂછવામાં આવતા તેઓ શ્રીનગરના ખાન્યારમાં તેમની હોસ્પિટલમાં સ્ટાફની અછત તરફ ધ્યાન દોરે છે. તેઓ કહે છે કે માર્ચ 2020 માં જિલ્લા હોસ્પિટલ (રૈનાવારીની જવાહરલાલ નહેરુ મેમોરિયલ હોસ્પિટલ) કોવિડ -19 સમર્પિત સુવિધામાં ફેરવાઈ ગઈ ત્યારથી ઘણા બિન-કોવિડ દર્દીઓને તેમની હોસ્પિટલમાં આવવા લાગ્યા છે પરંતુ દર્દીઓની સંખ્યામાં થયેલા આ મોટા વધારાને પહોંચી વળવા માટે તેમની હોસ્પિટલને વધારાના કર્મચારીઓ પૂરા પાડવામાં આવ્યા ન હતા. આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે મને કહ્યું હતું કે, "જો કોઈ સામાન્ય દિવસે અમારે ત્યાં 300 દર્દીઓ આવતા હતા તો હવે અમારે ત્યાં 800-900 ને કોઈક કોઈક દિવસે તો 1500 દર્દીઓ આવે છે."
અધિકારી કહે છે કે સરોવરના નિવાસીઓની પ્રમાણમાં નાની-નાની જરૂરિયાતો કરતાં મોટી બીમારીઓને અગ્રતા આપવા એનટીપીએચસી અને પેટા કેન્દ્રોના કર્મચારીઓને સામાન્ય કરતા વધુ, ક્યારેક તો આરામ લીધા વિના સતત, રાતપાળી કરવા માટે બોલાવાય છે, તેથી જ કુલી મોહલ્લાના એનટીપીએચસીમાં ફાર્માસિસ્ટ ઘણી વાર હાજર હોતા નથી. આરોગ્ય કેન્દ્રોમાં તેમના કામ ઉપરાંત કોવિડ -19 દરમિયાન કોન્ટેક્ટ ટ્રેસિંગમાં પણ એફએમપીએચડબ્લ્યુની ભૂમિકા નિર્ણાયક રહી છે, અને તેમની ઉપર પણ વધુ પડતા કામનો બોજ છે.
10 વર્ષથી વધુ સમયથી કુલી મોહલ્લાના એનટીપીએચસીમાં ફાર્માસિસ્ટ તરીકે કાર્યરત 50 વર્ષના ઇફ્તીખાર અહમદ વફાઇ કહે છે કે તેમને મહિનામાં પાંચ વખત ખાન્યારની હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી માટે બોલાવવામાં આવે છે, અને તેઓ બીજે દિવસે સવારે એનટીપીએચસીમાં ફરજ પર હાજર થઈ શકતા નથી. તેઓ કહે છે, “અમને આ માટે વધારાના પૈસા ચૂકવાતા નથી, તેમ છતાં અમે અમારી ફરજ બજાવીએ છીએ. અમે જાણીએ છીએ કે બધી સુવિધાઓમાં આરોગ્ય કર્મચારીઓની અછત છે અને આ મહામારીએ તો હદ કરી દીધી છે."
તેઓ ઉમેરે છે કે લગભગ છેલ્લા ત્રણ વર્ષોથી એનટીપીએચસીમાં કોઈ ડોક્ટરની નિમણૂંક કરવામાં આવી નથી. તેમણે સ્ટાફની અછતનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને ‘(જે છે તેનાથી) નભાવી લેવાનું’ કહેવામાં આવ્યું. વફાઈ કહે છે કે, “હું કેન્દ્ર પણ જાતે જ સાફ કરું છું. હું ક્યારેક દર્દીઓને ઇન્જેક્શન્સ પણ આપું છું, જો તેઓ આગ્રહ રાખે તો હું તેમનું બ્લડ પ્રેશર પણ માપી આપું છું.” આ તેમની નોકરીનો ભાગ નથી એમ સમજાવતા તેઓ કહે છે, "પરંતુ દર્દી કદાચ તે સમજી ન શકે અને હું મારાથી જે રીતે જેટલી મદદ થઈ શકે તેટલી મદદ કરવા માગું છું."
અને વફાઇ પણ ઘણીવાર હાજર ન હોય ત્યારે દાલ સરોવરના રહેવાસીઓ સામાન્ય રીતે બંધ એનટીપીએચસી વટાવીને ત્યાંથી આગળ કેમિસ્ટ-ક્લિનિક્સમાં જાય છે જ્યાં તેમને સૌથી વધુ જરૂર હોય ત્યારે મદદ મળી રહે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક