મણિમારને સીધું જ પૂછ્યું, "શું તમે ખરેખર કોઈ કલા-પ્રકાર પર કર્ફ્યુ લાગુ કરી શકો?"  અને થોડી વાર પછી ઉમેર્યું, "આ અઠવાડિયે અમે બાંગ્લાદેશમાં હોત. અમારે જે  12 લોકોએ  જવાનું  હતું  તેમને માટે આ એક મોટી તક હોત. તેને બદલે, માર્ચ અને એપ્રિલમાં યોજાનાર અમારા બધા કાર્યક્રમો રદ થઈ ગયા." પરંતુ 45 વર્ષના પરઈ કલાકાર અને શિક્ષક, તમિલનાડુના શ્રેષ્ઠ કલાકારોમાંના એક, નવરા બેસી શકતા નથી.

તેથી મણિમારન અને તેની પત્ની મગીળીની  લોકડાઉન હેઠળ પણ  દરરોજ ફેસબુક લાઇવ પર અથવા યુટ્યુબ પર રેકોર્ડ કરેલા વિડિઓ  દ્વારા પરઈ વાદનની રજૂઆત ચાલુ રાખે છે.

કોવિડ -19 ને કારણે  બે મહિનાથી તેમની મંડળીના આગામી કાર્યક્રમોની યોજનાઓ  ભલેને પડી ભાંગી પણ મણિમારને તો હંમેશની માફક આ વખતે પણ વાયરસ પર જાગૃતિ ફેલાવવા ગીત તૈયાર કરી દીધું. મણિમારન દ્વારા લખાયેલું તેની પત્ની મગીળીની દ્વારા ગવાયેલું અને  સુબ્રમણ્યમ અને આનંદના સહગાન સાથેનું આ ગીત ખૂબ વખણાયું. તે કહે છે, "આ ગીત દુબઈના એક રેડિયો સ્ટેશનના ધ્યાન પર આવ્યું , અને તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર મૂકી પણ દીધું."

વિડિઓ જુઓ: કોરોના ગીત

તમિલનાડુની સૌથી સફળ લોકકલા મંડળીઓમાંની એક - બુદ્ધાર કલઈ કુળુ  (2007 માં શરૂ થયેલ બુદ્ધાર કલા મંડળી ) - ના સંચાલક મણિમારન દર વર્ષે સેંકડો મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને પરઈ વગાડવાની તાલીમ આપે છે. પરઈ એક પ્રકારનું ઢોલ છે જે એક સમયે માત્ર દલિતો દ્વારા માત્ર અંતિમવિધિમાં વગાડવામાં આવતું. આજે મણિમારન જેવા કલાકારોના પ્રયત્નોને પ્રતાપે આ કલાને ફરી વાર રાજકીય અર્થો મળ્યા  છે, આજે પરઈ  સંગીતનું એક વાદ્ય  જ નહિ  મુક્તિ માટેનું એક કલા-સ્વરૂપ છે.

કલાકાર ફરિયાદ કરે છે, “જો કે, આજે પણ ઘણા લોકો એવા છે જે માત્ર અંતિમ સંસ્કારમાં જ પરઈ વગાડે છે, પરંતુ તેમને કલાકારો ગણવામાં આવતા નથી. લોકકલા માટેના  [રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા] કલઈમામની પુરસ્કારોમાં પણ  પરઈને કલાના રૂપમાં માન્યતા અપાતી નથી." પરંતુ મણિમારન પરઈ વાદનની કલાને, સમાજના અસ્પૃશ્યતા અને ઉદાસીનતાના અંચળામાંથી બહાર કાઢીને સતત આગળ લઈ જવા પ્રયત્ન કરી રહ્યા છે. તે માટે તેઓ સાપ્તાહિક વર્ગો અને વાર્ષિક તાલીમ શિબિરોનું આયોજન કરે છે.  આ વર્ગો અને શિબિરોએ જીવનના દરેક ક્ષેત્રમાંથી વિદ્યાર્થીઓને આકર્ષ્યા  છે,  જેઓ આ જોશ અને ઉત્સાહપૂર્ણ પરઈ વાદન શીખવા આતુર છે. તેમને તેનું રાજકારણ પણ જાણવા મળે  છે. અલબત્ત, આ  શિબિરોને લોકડાઉન દરમ્યાન સ્થગિત કરવામાં આવી છે.

મણિમારન કહે છે કે ખોટી માહિતી ફેલાવનારા કેટલાક ગાના (ચેન્નાઈની એક લોકકલા) સાંભળ્યા પછી તેણે વાયરસ પર આ ગીત લખ્યું. “કેટલાક કલાકારો આવી ખોટી વાતો સાંભળીને ગેરમાર્ગે દોરાય છે. દાખલા તરીકે, એક એવી ગેરસમજ છે કે કોરોના [વાયરસ] માંસાહારી ખોરાક દ્વારા ફેલાય છે. પરંતુ જ્યારે માંસાહાર વિરુદ્ધ પહેલેથી જ એક મજબૂત રાજકીય લોબી હોય ત્યારે, કોરોનાનો ઉપયોગ કરીને આ એજન્ડા આગળ વધારવો યોગ્ય નથી. એટલે અમારે આ ગીત લખવું પડ્યું. ”

તે ઉપરાંત, મણિમારન  હંમેશાં સંકટને પ્રતિસાદ આપવા સહુથી પહેલા આગળ આવતા કલાકારોમાંથી  છે. “હું માનું છું કે કલા રાજનૈતિક  છે. કલાકારો માટે સમાજમાં તેમની આસપાસ બનતી ઘટનાઓને પ્રતિસાદ આપવો જરૂરી  છે. લોકકલાકારો અને ગાના કલાકારોએ આ કર્યું છે, સંકટ સમયે તેમણે  કલાત્મક યોગદાન આપ્યું છે. માત્ર ખોટી માહિતી પર પ્રતિક્રિયા આપવાને બદલે અમારું કોરોના ગીત જાગૃતિ લાવનારું પણ છે. ”

2004 ના વિનાશક સુનામી પછી, અને ત્યારપછી જ્યારે 2018 માં ગાજા ચક્રવાતે તમિલનાડુમાં ઘણા જિલ્લાઓમાં  વિનાશ નોતર્યો હતો, ત્યારે પીડિતોને આશ્વાસન આપવા મણિમારને અનેક ગીતો લખ્યા હતા અને પરઈ વાદનની રજૂઆતો કરી હતી. કોરોના સોંગ નામના તેમના તાજેતરના ગીત વિશે વાત કરતા મગીળીની કહે છે, “લોકકલા એ હકીકતે લોકોની કલાનો એક પ્રકાર છે. સંકટ સમયે લોકોની  પડખે રહેવું એ આપણી ફરજ છે. અમે પૈસા દાન આપી શકીએ તેમ નથી, તેથી અમે અમારી કલાના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવીએ  છીએ.”
PHOTO • M. Palani Kumar

ફાઇલ ફોટા: 2018 માં ચક્રવાત ગાજાથી અસરગ્રસ્ત તમિળનાડુના વિસ્તારોમાં પરઈ વાદનની  રજૂઆત કરી રહેલા બુદ્ધાર કલઈ કુળુ. પરઈ વાદનની રજૂઆત  અને ગીતોથી પીડિતોને આશ્વાસન  મળ્યું હતું

આ તેમણે વિનાશક ગાજા ચક્રવાત પછી કર્યું હતું તેવું જ છે.  મણિમારન અને તેમની મંડળીના કલાકારોએ,   ખાસ કરીને કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ગાજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની એક એક કરીને મુલાકાત લીધી હતી અને લોકોને ભેગા કરવા પરઈ  વાદન કર્યું  હતું. પછી તેઓ પરઈ વગાડવાનું ચાલુ રાખતા અને થોડું આશ્વાસન આપે તેવા ગીતો ગાતા. મણિમારન કહે છે , “હું એ પ્રસંગ ક્યારેય ભૂલી નહીં શકું - એક વ્યક્તિએ અમારી પાસે આવીને કહ્યું: 'અમને બિસ્કિટ અને અન્ય સામગ્રી સહિતની તમામ પ્રકારની રાહત સામગ્રી મળી છે. પરંતુ તમે જે અમને આપ્યું છે તેનાથી અમારા મનમાં ઊંડે ઊંડે રહેલો ભય દૂર થઈ ગયો છે. કોઈ કલાકારને આનાથી વધારે  બીજું શું જોઈએ? ”

આ દંપતી, હાલ પેરમ્બલુર જિલ્લાના આલતુર બ્લોકના તેનુર ગામમાં રહે છે, અને દરરોજ ફેસબુક લાઈવ દ્વારા વચ્ચે વચ્ચે પરઈ વાદનની રજૂઆત અને કોવિડ -19 અને તે સંબંધિત મુદ્દાઓ પર ટૂંકી વાતચીત રજુ કરે છે. “અમે કાર્યક્રમને કોરોના કુંબીડુ [કોરોના નમસ્તે] કહીએ છીએ. અમે આ કાર્યક્રમને લોકડાઉનના બે દિવસ પહેલા જ શરૂ કરી દીધો છે અને લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવા માગીએ છીએ.”

આ કાર્યક્રમની શ્રેણીના પહેલા દિવસે એક નવા ગીત ઉપરાંત, મણિમારને કોરોનાવાયરસના સમયમાં ફુટપાથ પર રહેતા લોકોની દુર્દશા વિશે વાત કરી હતી. બીજા દિવસે, જેમની આ વાયરસથી સંક્રમિત થવાની સૌથી વધુ શક્યતા છે તેવા વૃદ્ધોને કેન્દ્રમાં રાખીને તેમણે વાત કરી.  ત્રીજા દિવસે બાળકોની વાત કરી, ત્યારે મણિમારને  બાળકોને વ્યસ્ત રાખવા પરંપરાગત રમતોને  પુનર્જીવિત કરવાનું સૂચન કર્યું. ચોથા દિવસે, તેમણે લોકડાઉન સમયગાળા દરમિયાન (ટ્રાંસજેન્ડર) કિ ન્નર  સમુદાયને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે તેના તરફ ધ્યાન દોર્યું.

મણિમારન કહે છે, "આપણે તેમના વિશે માત્ર અત્યારે જ નહિ પણ સામાન્ય દિવસોમાં પણ વિચારવાની જરૂર છે. મારા ફેસબુક લાઈવમાં પણ હું આ વાત કહું છું. પણ આપણે અત્યારે જયારે આ વાત કહીએ છીએ, જયારે કોરોનાને કારણે તેમની માનસિક તકલીફો વિશે વાત કરીએ છીએ ત્યારે મને લાગે છે કે આ સંદેશ વધુ અસરકારક રીતે પહોંચી શકશે. "
PHOTO • M. Palani Kumar

ડાબી બાજુ: શ્રેષ્ઠ કવિ તિરુવલ્લુવરની પ્રતિમા પાસે બેઠેલાં મણિમારન અને મગીળીની. તેમની મંડળી પરઈના માધ્યમથી તિરુક્કુરલ કવિતા પર શ્રેણી બનાવી રહી છે. ઉપર જમણે: પરઈ શીખનારાઓ સાથે મણિમારન અને મગીળીની. નીચેની હારમાં: રાત્રે પરઈ  વાદન પ્રસ્તુત કરતા મણિમારન અને તેની મંડળીના સભ્યો. (ફાઈલ ફોટા)

મણિમારનને આશા છે કે પયિર - પેરમ્બલુરના કેટલાક ગામોમાં ગ્રામીણ વિકાસ માટે કામ કરતી એક સંસ્થા - સાથે મળીને  તે બાળકો માટે એવી નવી રમતો બનાવી શકશે  જે સામાજિક અંતર જાળવી રાખીને પણ બાળકોમાં મજબૂત સામાજિક મૂલ્યોનું સિંચન કરશે. પયિરની સલાહકાર પ્રીતિ ઝેવિયર કહે છે , “અમે પહેલેથી જ તેના પર કામ શરૂ તો કરી જ દીધું છે, પરંતુ હમણાં અમે આપણા ગામોમાં કોવિડ -19 વિશે જાગૃતિ લાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કારણ કે તે નવું છે અને આપણા લોકોને તેના વિશે કંઈ જ ખબર નથી. અમે ટૂંક સમયમાં મણિમારન અને મગીળીની સાથે બાળકો માટે આવી રમતો પર કામ કરીશું.”

મણિમારન માને છે કે તેમના જેવા કલાકારો માટે આ કસોટીનો સમય છે. “લોકકલાકારો માટે સંકટનો સામનો કરતા લોકોની સાથે રહેવું એ સાવ સામાન્ય વાત છે. એટલે અત્યારે આ સામાજિક  અંતર જાળવવું, અલગ રહેવું એ વાત  થોડી  પરેશાન કરે છે.”  તેઓ કહે છે કે હાલની પરિસ્થિતિમાં જે લોકકલાકારો રોજીરોટી ગુમાવશે તેમને માટે સરકારે થોડી રાહત આપવી જોઈએ. તે નિષ્ઠાપૂર્વક કહે છે,  “બદલામાં, અમે સોશિયલ મીડિયા પર અમારી કલાની રજૂઆત કરી શકીએ. આર્થિક રીતે, લોકકલાકારોને ખરેખર ખૂબ મોટો ફટકો પડ્યો છે એટલે સરકારે આવું કંઇક વિચારવું  જોઈએ. ”

પણ કોઈ રાહત મળે કે ન મળે, મણિમારન અને મગીળીની  તમારા મનમાંથી કોરોના વાયરસના ભયને ભગાડવા, રોજેરોજ આ જ પ્રમાણે પરઈ  વગાડતા રહેશે અને ગીતો ગાતા રહેશે. “અમે લોકો જાગૃત રહે તેવો આગ્રહ રાખીશું, અને વાયરસનો ફેલાવો રોકવા માટે સતત અમારાથી બનતા બધા પ્રયાસો કરીશું. અને આખરે જ્યારે કોરોનાથી આપણને છુટકારો મળશે, ત્યારે અમે પરઈ વગાડીને ઉજવણી કરીશું.

કોરોના ગીતનો અનુવાદ

તાના તન તાના

કોરોનાનો નગ્ન નાચ ચાલી રહ્યો  છે

એવા ઘણા લોકો છે

જે પાયાવિહોણી અફવાઓ ફેલાવી રહ્યા છે

અફવાઓ પર વિશ્વાસ ન કરો

કોઈનું ઘસાતું ન બોલો!

ઉદાસીનતાથી કોઈ ફાયદો નહીં થાય

ડરવાની જરૂર નથી

ઉપાય શોધો

કોરોનાના સંક્રમણને રોકવા માટે

કોરોનાને તમારી નજીક આવતો અટકાવવા

તમારા નાકને ઢાંકી દો

માત્ર જાગૃતિ

કોરોનાને અટકાવશે

જો આપણે સામાજિક અંતર જાળવીશું

તો કોરોના પણ ભાગી જશે

તાના તન તાના

કોરોનાનો નગ્ન નાચ ચાલી રહ્યો  છે

પાયાવિહોણી અફવાઓ ન ફેલાવો, તેને રોકો!

કોરોના ફેલાયેતો નથી

માંસ-મચ્છી  ખાવાથી

કોરોના છોડતો નથી

શાકાહારીઓને પણ

બધા દેશો

આઘાતમાં  છે

બધા સંશોધન કરી રહ્યા  છે

તેનું મૂળ શોધવા માટે

એવો ખોરાક લો જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે

તમારી જાતને બચાવો

જૂઠ્ઠાણાંને  ફેંકી દો

જેમને ઉધરસ આવે છે તેનાથી અંતર જાળવો

છીંકનારાઓથી દૂર રહો

તાવ ઉતારતો ન હોય તો સાવચેત રહો

શ્વાસની તકલીફથી સાવચેત રહો

જો આ બધું આઠ દિવસ સુધી ચાલે

તો કોરોના હોઈ શકે છે

તરત તબીબી સહાય લો

કોરોનાને ઘટાડો

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Kavitha Muralidharan

கவிதா முரளிதரன் சென்னையில் வாழும் சுதந்திர ஊடகவியலாளர் மற்றும் மொழிபெயர்ப்பாளர். இந்தியா டுடே (தமிழ்) இதழின் ஆசிரியராகவும் அதற்கு முன்பு இந்து தமிழ் நாளிதழின் செய்திபிரிவு தலைவராகவும் இருந்திருக்கிறார். அவர் பாரியின் தன்னார்வலர்.

Other stories by Kavitha Muralidharan
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik