સોમવારે સવારે ૧૧ વાગે, ૪૧ વર્ષીય મુનેશ્વર માંઝી તેમના પ્લાસ્ટર વગરના, જર્જરિત મકાનની બહાર ચોકીમાં આરામ કરી રહ્યા છે. ઘરની સામેની ખુલ્લી જગ્યામાં, વાંસના થાંભલાઓના સહારે બાંધેલી વાદળી પોલિથીન શીટ તેમને સૂર્યના તડકાથી તો આશ્રય આપે છે, પરંતુ તે ભેજથી બચાવતી નથી. પટના શહેરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર કાકો ટાઉન પાસેના મુસહરી ટોળામાં રહેતા મુનેશ્વર કહે છે, “છેલ્લા ૧૫ દિવસથી મારી પાસે કોઈ કામ નથી.”
મુસહરી ટોળા - એ વિસ્તાર કે જ્યાં મુસહર સમાજ (દલિત)થી જોડાયેલા લોકો રહે છે - ત્યાં મુસહર લોકોના ૬૦ પરિવાર રહે છે. મુનેશ્વર અને તેમના ટોળાના અન્ય લોકો આવક માટે નજીકના ખેતરોમાં કામ કરીને જે દ્હાડી મેળવે છે તેના પર નિર્ભર છે. પરંતુ, મુનેશ્વર કહે છે કે કામ નિયમિત મળતું નથી. વર્ષમાં ખરીફ અને રવિ પાકની વાવણી અને લણણી દરમિયાન ફક્ત ૩-૪ મહિના માટે જ કામ મળી રહે છે.
છેલ્લી વાર તેમને રાજપૂત સમુદાયના એક જમીનદાર ‘બાબુ સાહેબ’ના ખેતરોમાં કામ મળ્યું હતું. ખેતમજૂરોને જે દ્હાડી મળે છે તે વિષે મુનેશ્વર કહે છે, “દિવસના ૮ કલાક કામ કરીને અમને ૧૫૦ રૂપિયા કે ૫ કિલો ભાત મળે છે. બસ.” પૈસાના બદલે જે ભાત મળે છે એની સાથે બપોરનું ભોજન આપવામાં આવે છે: ૪-૫ રોટી, શાક, કે પછી દાળ-ભાત.
જો કે ૧૯૫૫માં ચાલેલી ભૂદાન ચળવળ દરમિયાન જ્યારે જમીનદારોએ તેમની જમીનનો એક ભાગ ભૂમિહીન ખેડૂતોને પુનઃવિતરણ માટે આપી દીધો હતો, ત્યારે તેમના દાદાને ત્રણ વીઘા (લગભગ બે એકર) ખેતીની જમીન મળી હતી, પણ તે કંઈ વધારે કામની નથી. આ પાછળનું કારણ સમજાવતા મુનેશ્વર કહે છે, “એ જમીન અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર છે. એટલે જ્યારે પણ અમે કંઈ વાવીએ છીએ ત્યારે પ્રાણીઓ તેને ખાઈ જાય છે અને અમારે નુકસાન વેઠવું પડે છે.”
વર્ષના મોટાભાગના દિવસોમાં મુનેશ્વરનો પરિવાર અને ટોળાના અન્ય લોકો મહુઆ દારુ - મહુઆના ઝાડના ફૂલોમાંથી બનાવેલ દારૂ (મધુકા લોંગિફોલિયા વર. લેટીફોલિયા) બનાવીને અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
જો કે આ વ્યવસાય ખતરાથી ખાલી નથી. રાજ્યમાં દારૂ કે અન્ય માદક પદાર્થોના ઉત્પાદન કરવા પર, તેને રાખવા પર, કે તેના વેચાણ અથવા વપરાશ પર કડકપણે પ્રતિબંધ મૂકતો બિહાર દારૂબંધી અને આબકારી અધિનિયમ, ૨૦૧૬ કાયદો અમલમાં છે.
પરંતુ વૈકલ્પિક નોકરીની તકોનો અભાવ મુનેશ્વરને દરોડા, ધરપકડ અને પોલીસ કાર્યવાહીનો ડર હોવા છતાંય દારૂ બનાવવાનું કામ ચાલુ રાખવા માટે મજબૂર કરે છે. તેઓ કહે છે, “ડર કોને નથી લાગતો? અમને ચોક્કસપણે ડર તો લાગે છે. પણ જ્યારે પોલીસ દરોડા પાડે ત્યારે અમે દારૂ છુપાવી દઈએ છીએ અને ભાગી જઈએ છીએ.” ઓક્ટોબર ૨૦૧૬માં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો ત્યારથી પોલીસે આ ટોળાના લોકો પર ૧૦ થી વધુ વખત દરોડા પાડ્યા છે. મુનેશ્વર કહે છે, “મારી ક્યારેય ધરપકડ નથી થઈ. તેઓએ ઘણી વખત મારા વાસણો અને ચૂલા નષ્ટ કરી દીધા છે, પણ અમે અમારું કામ ચાલુ રાખીએ છીએ.”
મુસહર સમુદાયના મોટાભાગના લોકો ભૂમિહીન છે, અને તેઓ દેશના સૌથી વધારે હાંશિયામાં ધકેલાઈ ગયેલા અને કલંકિત લોકોમાંના એક છે. મૂળરૂપે આ સમુદાયના લોકો જંગલમાં રહેનારા આદિજાતિના લોકો છે, અને આ સમુદાયનું નામ બે શબ્દો - મુસા (ઉંદર) અને અહર (ખોરાક) પરથી ઉતરી આવ્યું છે - જેનો અર્થ થાય છે ‘ઉંદર ખાનારા.’ બિહારમાં, મુસહર સમુદાયને અનુસૂચિત જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને દલિતોમાં પણ આર્થિક અને સામાજિક રીતે સૌથી વધારે વંચિત એવા મહાદલિત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે. ફક્ત ૨૯% ના સાક્ષરતા દર અને કૌશલ્યોના અભાવને કારણે, રાજ્યમાં ૨૭ લાખથી વધુની વસ્તી ધરાવતા આ સમુદાયના લોકો ભાગ્યેજ કોઈ કૌશલ્ય આધારિત કામ સાથે જોડાયેલા છે. અને જોકે મહુઆનું દારુ એ સમુદાયનું પરંપરાગત પીણું છે, પણ હવે તેનું ઉત્પાદન આજીવિકા રળવા માટે થાય છે.
મુનેશ્વર ૧૫ વર્ષના હતા ત્યારથી મહુઆનું દારુ બનાવે છે. તેઓ કહે છે, “મારા પિતા ગરીબ હતા. તેઓ થેલા [સામાનની અવરજવર માટે વપરાતી લાકડાની હાથગાડી] ખેંચતા હતા. કમાણી અપૂરતી હતી, એટલે મારે અમૂકવાર શાળાએ ખાલી પેટે જવું પડતું હતું. તેથી મેં થોડા મહિનાઓ પછી [શાળાએ જવાનું] બંધ કરી દીધું. આસપાસના કેટલાક પરિવારો દારૂ બનાવતા હતા, તેથી મેં તે કામ શરૂ કર્યું. હું ૨૫ વર્ષથી આ કામ કરી રહ્યો છું.”
દારૂનું આથવણ એ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. પહેલા, મહુઆના ફૂલોને ગોળ અને પાણી સાથે મિશ્રિત કરવામાં આવે છે, અને આથો લાવવા માટે આઠ દિવસ માટે તેને પલાળી રાખવામાં આવે છે. પછી મિશ્રણને ઉકાળવા માટે ધાતુની હાંડીમાં ભરીને ચૂલા પર મૂકવામાં આવે છે. ત્યારબાદ માટીની એક નાનકડી હાંડી, કે જેનું તળિયું ખુલ્લું હોય છે, તેને ધાતુની હાંડી પર મૂકવામાં આવે છે. માટીની આ હાંડીમાં એક છિદ્ર હોય છે જ્યાં પાઇપ લગાવવામાં આવે છે, અને તેની ઉપર પાણી ભરેલી બીજી ધાતુની હાંડી મૂકવામાં આવે છે. વરાળને રોકી રાખવા માટે ત્રણે હાંડીઓ વચ્ચેની જગ્યામાં માટી અને કપડાં મૂકેલા હોય છે.
મહુઆના મિશ્રણને ઉકાળવાથી ઉત્પન્ન થતી વરાળ હાંડીમાં એકઠી થાય છે. તે પાઇપમાંથી નીચે મૂકેલા ધાતુના વાસણમાં જાય છે, જ્યાં આ જમાવટના ટીપાં એકઠા થાય છે. લગભગ આઠ લિટર દારૂને ગાળવા માટે તેને આગ પર સતત ત્રણથી ચાર કલાક સુધી ઉકાળવું પડે છે. મુનેશ્વર કહે છે, “આગ સતત સળગતી રહે તે માટે અમારે ત્યાં [ચૂલાની પાસે] રહેવું પડે છે.” ત્યાં ખૂબજ ગરમી હોય છે, અમારું શરીર પણ બળે છે. તેમ છતાં, અમારે અમારું જીવન ટકાવી રાખવા માટે આ કામ કરવું જ પડશે.” તેઓ દારૂની આથવણ માટે ‘મહુઆ ચુઆના’ શબ્દ વાપરે છે.
મુનેશ્વર એક મહિનામાં મહુઆમાંથી ૪૦ લિટર દારુ બનાવે છે, જેના માટે તેમને ૭ કિલો ફૂલ, ૩૦ કિલો ગોળ અને ૧૦ લિટર પાણીની જરૂર પડે છે. તેઓ ફૂલ ૭૦૦ રૂપિયામાં ખરીદે છે, અને ગોળ ૧,૨૦૦ રૂપિયામાં. તેઓ ચૂલો સળગાવવા માટે ૧૦ કિલો લાકડા ૮૦ રૂપિયામાં ખરીદે છે. કાચા માલ પાછળ મહીને તેમનો ખર્ચ ૨,૦૦૦ રૂપિયા છે.
મુનેશ્વર કહે છે, “અમે દર મહીને દારૂ વેચીને ૪,૫૦૦ રૂપિયા કમાઈએ છીએ. ખાવાનો ખર્ચ કાઢતા, અમે ભાગ્યે જ ૪૦૦-૫૦૦ રૂપિયા બચાવી શકીએ છીએ. વધેલા આ પૈસા બાળકો પર ખર્ચવામાં આવે છે, જેઓ ઘણીવાર બિસ્કિટ અને ચોકલેટની માંગણી કરે છે.” તેમના અને તેમની ૩૬ વર્ષીય પત્ની ચમેલી દેવીના ચાર સંતાનો છે. જેમાં ૫-૧૬ વર્ષની વચ્ચે ત્રણ દીકરીઓ છે, અને સૌથી નાનો ૪ વર્ષનો દીકરો છે. ચમેલી પણ ખેતમજૂર તરીકે કામ કરે છે અને તેમના પતિ સાથે દારૂ બનાવે છે.
તેમના ગ્રાહકો મુખ્યત્વે નજીકના ગામોના મજૂરો છે. મુનેશ્વર કહે છે, “અમે ૨૫૦ મિલી દારૂ ૩૫ રૂપિયામાં વેચીએ છીએ. બધા જ ગ્રાહકોએ પૈસા રોકડા જ આપવાના હોય છે. જે કોઇપણ ઉધાર માગે તેમને અમે દારૂ આપવાની મનાઈ કરી દઈએ છીએ.”
દારૂની માંગ ઘણી વધારે છે - આઠ લિટર દારૂ ફક્ત ત્રણ દિવસમાં વેચાય જાય છે. પરંતુ વધુ માત્રામાં દારૂ બનાવવો જોખમી છે. મુનેશ્વર ઉમેરે છે, “જ્યારે પોલીસ દરોડા પાડે છે, ત્યારે તેઓ બધું દારૂ નષ્ટ કરી દે છે, અને અમારે નુકસાન વેઠવું પડે છે. આ ‘ગુનો’ કેદની સજાને પાત્ર છે, જે સખત કે પછી આજીવન હોઈ શકે છે, અને તેમાં એક લાખથી દસ લાખ રૂપિયાનો ભારે દંડ પણ થઇ શકે છે.
મુનેશ્વર માટે દારૂ એ જીવન ટકાવી રાખવાનું સાધન છે, નફો કમાવવાનો વ્યવસાય નહીં. તેઓ એક ઓરડા વાળું તેમનું મકાન બતાવતા કહે છે, “મારું ઘર જુઓ, અમારી પાસે તેનું સમારકામ કરાવવા માટે પણ પૈસા નથી.” તેનું સમારકામ કરાવવા માટે તેમને ઓછામાં ઓછા ૪૦,૦૦૦-૫૦,૦૦૦ રૂપિયાની જરૂર છે. તેમના મકાનમાં ભોંયતળિયું માટીનું છે; અંદરની દિવાલો પર માટીનું લીંપણ કરેલું છે, અને હવાની અવરજવર માટે કોઈ બારી નથી. ઓરડાના એક ખૂણામાં ચૂલો છે, જ્યાં ભાત માટે ધાતુનું વાસણ અને ભૂંડના માંસ માટે કડાઈ પણ મૂકેલી છે. મુનેશ્વર કહે છે, “અમે ભૂંડનું માંસ પુષ્કળ પ્રમાણમાં ખાઈએ છીએ, તે સ્વાસ્થ્ય માટે સારું હોય છે.” મુનેશ્વર કહે છે કે, આ ટોળાના લોકો માંસ ખાવા માટે ભૂંડ પાળે છે, અને આ ટોળામાં ૩-૪ દુકાનોમાં ભૂંડનું માંસ વેચાય છે. એક કિલો માંસની કિંમત ૧૫૦-૨૦૦ રૂપિયા હોય છે. શાકમાર્કેટ અહીંથી ૧૦ કિલોમીટર દૂર છે. તેઓ આગળ ઉમેરે છે, “અમે ક્યારેક મહુઆના દારૂનું પણ સેવન કરીએ છીએ.”
૨૦૨૦માં કોવિડ-૧૯ લોકડાઉનની દારૂના વેચાણ પર વધારે અસર નહોતી થઇ, અને મુનેશ્વર તે દરમિયાન એક મહિનામાં ૩,૫૦૦ થી ૪,૦૦૦ રૂપિયા કમાણી કરી શકતા હતા. તેઓ કહે છે, “અમે મહુઆ, ગોળ વગેરેનો બંદોબસ્ત કર્યો અને તેમાંથી દારૂ બનાવવામાં સફળ રહ્યા. દૂરના વિસ્તારોમાં બહુ પ્રતિબંધો હતા નહીં, એટલે અમને આસાની રહી. અમને ગ્રાહકો પણ મળી રહ્યા હતા. દારૂનો વપરાશ એટલો સામાન્ય છે કે લોકો ગમે તે ભોગે દારૂ પીવે જ છે.”
તેમ છતાં, માર્ચ ૨૦૨૧માં તેમના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ દેવામાં ધકેલાઈ ગયા હતા. રિવાજ મુજબ, અંતિમ સંસ્કાર કરવા અને સામુદાયિક ભોજનની વ્યવસ્થા કરવા માટે મુનેશ્વરે રાજપૂત જાતિના એક ખાનગી શાહુકાર પાસેથી માસિક ૫% વ્યાજ લેખે ૨૦,૦૦૦ રૂપિયા લેવા પડ્યા હતા. તેઓ કહે છે, “જો દારૂ પર પ્રતિબંધ ન હોત, તો મેં [વધુ કમાણી કરીને] પૂરતા પૈસા બચાવ્યા હોત અને લોન ચૂકવી દીધી હોત. જો કોઈ બીમાર પડે તો મારે લોન લેવી પડે છે. અમે આવી રીતે ગુજારો કઈ રીતે કરી શકીએ?”
પહેલા, મુનેશ્વર નોકરીની સારી તકો માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરીને ગયા હતા, પણ તેઓ નિરાશ થઈને પાછા ફર્યા હતા. તેઓ સૌપ્રથમ ૨૦૧૬માં મહારાષ્ટ્રમાં બાંધકામ સાઈટ્સ પર કામ કરવા માટે પુણે ખાતે ગયા હતા, પરંતુ ત્રણ મહિનામાં ઘેર પાછા આવી ગયા. તેઓ કહે છે, “જે ઠેકેદાર મને ત્યાં લઈ ગયો હતો તે મને કામ આપતો ન હતો. તેથી હું હતાશ થઈને પાછો આવી ગયો.” ૨૦૧૮માં, તેઓ ઉત્તર પ્રદેશ ગયા હતા, અને ત્યાંથી એક મહિનામાં પાછા ફર્યા હતા. તેઓ કહે છે, “મને મહીને રોડનું ખોદકામ કરીને ફક્ત ૬,૦૦૦ રૂપિયા જ મળતા હતા, તેથી હું ઘેર પાછો આવી ગયો. ત્યાંથી હું ક્યાંય ગયો નથી.”
રાજ્યની કલ્યાણની નીતિઓથી મુસહર ટોળામાં કંઈ ફરક પડ્યો નથી. રોજગારની તકો ઊભી કરવા માટે કોઈ પગલા લેવાયા નથી, પણ ટોળાનું સંચાલન કરનારા ગ્રામ પંચાયતના મુખિયા (સરપંચ) ત્યાંના રહેવાસીઓને દારૂ બનાવવાનું બંધ કરવા વિનંતી કરી રહ્યા છે. મુનેશ્વર કહે છે, “સરકારે અમને એકલા છોડી દીધા છે. અમે લાચાર છીએ. મહેરબાની કરીને સરકાર પાસે જાઓ અને તેમને કહો કે તમે ટોળામાં એક પણ શૌચાલય જોયું નથી. સરકાર અમને મદદ નથી કરતી એટલે અમારે દારૂ બનાવવો પડે છે. જો સરકારે અમને વૈકલ્પિક નોકરીઓ પૂરી પાડે કે પછી નાની દુકાન શરૂ કરવા માટે અથવા માંસ-માછલા વેચવા માટે પૈસા આપે, તો અમે દારૂનો ધંધો બંધ કરી દેતા.”
મુસહરી ટોળાના રહેવાસી, ૨૧ વર્ષીય મોતિલાલ કુમાર માટે, મહુઆમાંથી બનતું દારુ હવે આવકનો મુખ્ય સ્ત્રોત છે. તેમણે ૨૦૧૬માં પ્રતિબંધ લદાયાના ૨-૩ મહિના પહેલા ખેતમજૂરીની અનિયમિત તકો અને ઓછી દ્હાડીના પગલે દારૂ ગાળવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “અમને અમારી દ્હાડી તરીકે ફક્ત પાંચ કિલો ભાત જ આપવામાં આવતા હતા.” તેઓ કહે છે કે, ૨૦૨૦માં તેમને ફક્ત બે જ મહિના ખેતમજૂરીનો મોકો મળ્યો હતો.
મોતિલાલ, તેમની માતા ૫૧ વર્ષીય કોયલી દેવી અને તેમની પત્ની ૨૦ વર્ષીય બુલાકી દેવી, બધા મહુઆનું દારૂ બનાવે છે. તેઓ દર મહિને લગભગ ૨૪ લિટર દારૂનું આથવણ કરે છે. તેઓ કહે છે, “હું દારૂ બનાવીને જે પણ પૈસા કમાઉ છું તે ખોરાક, કપડાં અને દવાઓ પાછળ ખર્ચાઈ જાય છે. અમે બહુ ગરીબ છીએ. દારૂ બનાવ્યા પછી પણ અમે પૈસા બચાવી શકતા નથી. હું જેમતેમ કરીને મારી દીકરી અનુનું ધ્યાન રાખું છું. જો હું વધુ [દારૂ] બનાવું, તો મારી આવક વધશે. પણ તેના માટે મારે પૈસા [મૂડી] જોઈએ છે, જે મારી પાસે નથી.”
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) યોજનાથી અહીંના મુસહરોને કંઈ વધારે મદદ મળી નથી. મુનેશ્વરને સાત વર્ષ પહેલા મનરેગા કાર્ડ મળ્યું હોવા છતાં તેમને હજુ સુધી ક્યારેય કામ મળ્યું નથી. મોતિલાલ પાસે ન તો મનરેગા છે કે ન તો આધાર કાર્ડ. ટોળાના ઘણા રહેવાસીઓને લાગે છે આધાર કાર્ડ એક કંટાળાજનક સરકારી કામ છે. મોતિલાલ કહે છે, “જ્યારે અમે [ત્રણ કિલોમીટર દૂર] બ્લોક ઓફિસે જઈએ છીએ, ત્યારે તેઓ મુખિયા પાસેથી તેમની સહી સાથેનો પત્ર માંગે છે. જ્યારે અમે તેમને મુખિયાનો પત્ર આપીએ છીએ, ત્યારે તેઓ શાળામાંથી પત્ર માંગે છે. જ્યારે હું શાળાનો પત્ર તૈયાર કરું છું, ત્યારે તેઓ પૈસા માંગે છે. મને ખબર છે કે બ્લોક અધિકારીઓ ૨,૦૦૦ થી ૩,૦૦૦ રૂપિયાની લાંચ લઈને આધાર કાર્ડ કાઢી આપે છે. પણ મારી પાસે પૈસા નથી.”
મુસહરી ટોળામાં રહેવાની પરિસ્થિતિ દયનીય છે. ત્યાં કોઈ શૌચાલય નથી, એટલે સુધી કે સામુદાયિક શૌચાલય પણ નથી. કોઈપણ ઘરમાં એલપીજી કનેક્શન નથી - લોકો હજુ પણ રસોઈ અને દારૂ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે છે. અને સૌથી નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણ કિલોમીટર દૂર છે, પણ તે ૧૨ પંચાયતો વચ્ચે એક જ છે. મુખિયા કહે છે, “સારવારની સુવિધાઓ કથળેલી છે, તેથી લોકો ખાનગી દવાખાના પર આધાર રાખે છે.” રહેવાસીઓના કહેવા મુજબ, મહામારી દરમિયાન આ ટોળામાં એક પણ કોવિડ-૧૯ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જાગૃતિ લાવવા માટે કોઈ સરકારી આરોગ્ય અધિકારીએ આ વિસ્તારની મુલાકાત પણ લીધી ન હતી.
મૂળભૂત પ્રાથમિક સુવિધાઓની ગેરહાજરીમાં, ટોળાના પરિવારોનું ગુજરાન દારૂ વેચીને થયું હતું. મોતિલાલ કહે છે, “અમને ક્યાંય નોકરી મળતી નથી, તેથી અમે મજબૂરીમાં દારૂ બનાવીએ છીએ. અમે ફક્ત દારૂ પર જ જીવીએ છીએ. જો અમે તેને બનાવવાનું બંધ કરીશું, તો અમે ભૂખ્યા મરી જઈશું.”
વ્યક્તિઓની ઓળખને ગુપ્ત રાખવા માટે વાર્તામાં લોકોના નામ અને તેમનું સરનામું બદલવામાં આવ્યું છે .
અનુવાદક: ફૈઝ મોહંમદ