ગોંડિયાની મહિલા મજૂરો વિષે આ લેખ સૌપ્રથમ ૨૭ જાન્યુઆરી , ૨૦૦૭ના રોજ ધ હિંદુમાં પ્રકાશિત થયો હતો, પરંતુ ત્યારથી અત્યાર સુધી સ્થિતિમાં કંઈ વધારે સુધારો આવ્યો નથી. ૧ મે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના પર્વ પર, એ મહિલાઓના સન્માનમાં આ લેખ અમે પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ.
રેવંતાબાઈ કાંબલે એ પોતાના ૬ વર્ષના દીકરા સાથે ઘણા સમયથી વાત નથી કરી. જો કે, તે તિરોરામાં એક જ ઘરમાં રહે છે. બુરીબાઈ નાગપુરે માટે પણ આવું જ છે, જો કે એમનો મોટો દીકરો જાગતો હોય તો તે તેને મળી શકે છે. બંને મહિલાઓ મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લાની એ સેંકડો મહિલાઓમાંથી છે, જે દરરોજ ફક્ત ચાર કલાક જ ઘરમાં વિતાવે છે અને રોજના ફક્ત ૩૦ રૂપિયા કમાવવા માટે દર અઠવાડિયે ૧,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરે છે.
સવારે ૬ વાગ્યાનો સમય છે, જ્યારે અમે આ મહિલાઓ સાથે એમના ઘેરથી રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. તેમાંથી મોટાભાગની મહિલાઓ બે કલાક પહેલાં જ ઉંઘીને ઉઠી ગઈ છે. “મે ખાવાનું બનાવવા, કપડા ધોવા, કચરો કાઢવા અને સફાઈ કરવાના કામ કરી દીધા છે,” બુરીબાઈ ખુશીથી કહે છે. “તેથી હવે અમે વાત કરી શકીએ છીએ.” અમે જ્યારે ત્યાં પહોંચ્યા, તો એમના ઘરનું કોઈ સભ્ય જાગતું નહોતું. “બિચારા, થાકેલા છે,” તે કહે છે. શું બુરીબાઈ પણ થાક્યા નથી? “થાકી છું, પણ શું કરીએ? અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.”
સ્ટેશન પર ઘણી મહિલાઓ છે, જેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તે એક રીતે અસામાન્ય પણ છે: તે ગામમાંથી શહેરમાં સ્થળાંતર કરનાર નથી. તે શહેરી વિસ્તારના સ્વતંત્ર મજૂર છે, જેઓ ગામમાં કામ શોધે છે. આ ખોજ એમને તિરોરા જેવા મુફસિલ શહેરમાંથી, જે તાલુકાનું મુખ્ય મથક છે, ખેતમજૂર તરીકે ગામડા તરફ લઇ જાય છે. આ દરમિયાન તેઓ રોજ પોતાના ઘેર થી ૨૦ કલાક દૂર રહે છે. અઠવાડિયામાં એકે રજા નથી હોતી અને ન તો તિરોરામાં કામ મળી રહે છે. “બીડી ઉદ્યોગ જતા રહ્યા પછી”, એમને કામ મળવું અશક્ય થઈ પડ્યું છે,” ગોંડિયામાં કિસાન સભાના જિલ્લા સચિવ, મહેન્દ્ર વાલડે કહે છે.
ઘણી મહિલાઓ રેલ્વે સ્ટેશન થી પાંચ કિલોમીટર કે તેથી વધારે દૂર રહે છે. “આ કારણે અમારે સવારે ૪ વાગે ઉઠવું પડે છે,” બુરીબાઈ કહે છે, જેમની ઉંમર લગભગ ૪૦ વર્ષ છે. “અમે અમારું બધું કામ પૂરું કરીને સવારે ૭ વાગે સ્ટેશન પહોંચી જઈએ છીએ.” ત્યારે ટ્રેન આવી જાય છે અને અમે ટ્રેનમાં ચડી જઈએ છીએ, જે ગ્રામીણ નાગપુરના સલવા સુધી જશે. આ ૭૬ કિલોમીટર લાંબી મુસાફરી પૂરી થતા બે કલાક થશે. પ્લેટફોર્મ પર અને ટ્રેનમાં થાકેલી, ભૂખી, અને અડધી ઊંઘમાં ઘણી મહિલાઓ છે. મોટાભાગની મહિલાઓ ભીડભાડ વાળી ટ્રેનમાં તળિયા પર, ડબ્બાની દીવાલ પર ટેકો લઈને બેસી જાય છે, અને પોતાનું સ્ટેશન આવે એ પહેલાં ઊંઘવાનો થોડો પ્રયાસ કરે છે. નાગપુર જિલ્લાના મૌડા તાલુકામાં સલવા, ફક્ત ૧૦૫ ઘર અને ૫૦૦થી પણ ઓછી વસ્તી ધરાવતું ગામ છે.
“અમે રાત્રે ૧૧ વાગે ઘેર પહોંચશું,” ૨૦ વર્ષીય રેવંતાબાઈ કહે છે, “અમે અડધી રાત્રે ઊંઘીએ છીએ અને બીજા દિવસે સવારે ૪ વાગે ફરીથી શરૂઆત કરીએ છીએ. મેં મારા ૬ વર્ષના દીકરાને ઘણાં સમયથી જાગતો નથી જોયો.” પછી તે હસીને કહે છે, “શક્ય છે કે કેટલાક બાળકો પોતાની મા ને જોઈને પણ ન ઓળખી શકે.” એમના બાળકોએ ક્યાં તો શાળાએ જવાનું છોડી દીધું છે કેમ કે એનો ખર્ચ વધુ છે, અથવા તો એમનું કામ ત્યાં ખરાબ છે. બુરીબાઈ કહે છે, “એમનું ધ્યાન રાખવાવાળું કે એમની મદદ કરવા વાળું ઘેર કોઈ નથી હોતું.” અને કેટલાક યુવાનો એમને જે કામ મળે એ કરવા લાગે છે.
તિરોરા સ્થિત એક શિક્ષક, લતા પાપંકર કહે છે, “સ્વાભાવિક રીતે, શાળામાં એમનું પ્રદર્શન ખરાબ હોય છે. કોણ એમને દોષી ઠેરવી શકે?” મહારાષ્ટ્ર સરકાર કરી શકે છે. આ બાળકોના ખરાબ પ્રદર્શન માટે શાળાને જવાબદાર ઠેરવવામાં આવે છે, અને તેથી તે કદાચ ફંડ પણ ગુમાવી દે. અને એમની મદદ કરી રહેલા શિક્ષકોને ખરાબ પરિણામ માટે દંડ પણ કરવામાં આવી શકે છે. આવો અભિગમ બાળકોની શાળાએ જવાની સંભાવના ને નહીવત કરી દેશે.
ટ્રેનના હાલતા તળિયા પર બેસેલી ૫૦ વર્ષીય શકુંતલાબાઈ અગાશે કહે છે કે તે ૧૫ વર્ષથી આવું કરી રહી છે. રજા ફક્ત તહેવાર કે ચોમાસા દરમિયાન મળે છે. “અમુક કામ એવા છે, જે માટે અમને ૫૦ રૂપિયા પણ આપવામાં આવે છે. પરંતુ મોટેભાગે અમને ૨૫-૫૦ રૂપિયા જ મળે છે.” મહિલાઓનું કહેવું છે કે એમના શહેરમાં નોકરી જ નથી.
ત્યાંના પૈસા શહેરમાં ચાલ્યા ગયા છે. ત્યાંના ઉદ્યોગ બંધ થઈ ગયા છે. મુફસિલ શહેરોનું પતન થઈ રહ્યું છે. અહીંયાની લગભગ બધી મહિલાઓને ભૂતકાળમાં બીડી ઉદ્યોગ માં કામ મળી જતું હતું. “એ જતા જ અમે હાંસિયામાં ધકેલાઇ ગયા છીએ,” બુરીબાઈ કહે છે. “બીડી એક સ્વતંત્ર ઉદ્યોગ છે, અને જેમાં હંમેશા સસ્તી મજૂરીની આવશ્યકતા રહે છે,” મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝના કે. નાગરાજ કહે છે, જે આ ક્ષેત્રમાં કામ કરી ચૂક્યા છે. “આ ખૂબ જ તેજીથી પોતાની જગ્યા બદલે છે. આવા પરિવર્તનોના માનવીય પરિણામ વિનાશકારી છે. પાછળના ૧૫ વર્ષોમાં આમાં વધારો જોવા મળ્યો છે.” બીડીનું ઘણું કામ “ગોંડિયા થી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ જવા લાગ્યું છે,” કિસાન સભાના પ્રદીપ પાપંકર કહે છે.
“દેખીતું છે, કે અમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ નથી ખરીદતા,” મહિલાઓ કહે છે. “બંને તરફની ટીકીટની કિંમત ૩૦ રૂપિયા થશે, જે અમે કમાઈએ છીએ તેના કરતાં પણ વધારે થાય. અમારી રીત ખૂબ જ સરળ છે: પકડાઈ જઈએ ત્યારે અમે ચેકરને પાંચ રૂપિયા લાંચ આપી દઈએ છીએ.” ટિકિટ થી થતી આવકનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. “તેઓ જાણતા હોવા છતાં કે અમને આ પોસાય એમ નથી તો પણ અમારી પાસેથી વસુલ કરે છે.”
“ક્યારેક-ક્યારેક મારો મોટો દીકરો મને એની સાયકલ પર સ્ટેશન સુધી મૂકી જાય છે,” બુરીબાઈ કહે છે. “પછી ત્યાં રોકાઈને કામ શોધે છે, પૈસા ભલે ગમે તેટલા મળે. મારી દીકરી ઘેર જમવાનું બનાવે છે. અને મારો બીજો દીકરો એના ભાઈ માટે ખાવાનું લઇ જાય છે.” ટૂંકમાં, વાલડે કહે છે, “ત્રણ લોકો એક માણસના વેતન માટે કામ કરે છે.” પરંતુ એમના પતિ સહીત ઘરના પાંચેય લોકો ભેગા મળીને ૧૦૦ રૂપિયાથી પણ ઓછું કમાય છે. કોઈ કોઈ દિવસે, એમાંથી કોઈ બે જ લોકો કંઈ કમાયા હોય એવું પણ બને છે. અને એમની પાસે બીપીએલ રાશન કાર્ડ પણ નથી.
રસ્તામાં સ્ટેશન પર મજૂર કોન્ટ્રાક્ટર હોય છે જે મજૂરો ને સસ્તી મજૂરી પર લઇ જવા માટે વાટ જોઈ રહ્યા હોય છે.
સવારે ૯ વાગ્યા આસપાસ સલવા પહોંચ્યા પછી, અમે એક કિલોમીટર દૂર આવેલ ગામ તરફ ચાલી પડ્યા અને પછી જમીન માલિક પ્રભાકર વણજારેના ઘેર થોડીવાર રોકાઇને અમે ત્યાંથી વધુ ત્રણ કિલોમીટર દૂર ખેતરમાં રવાના થઇ ગયા. બુરીબાઈ છેલ્લું અંતર પોતાના માથે પાણીનું એક મોટું વાસણ મૂકીને કાપે છે, તેમ છતાં અમને બધાને પાછળ છોડી દે છે.
જેમના ખેતરમાં આ મહિલાઓ મામુલી કિંમત માટે મજૂરી કરે છે તેઓ પણ મુસીબતમાં છે. કૃષિ સંકટથી વણજારે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. એમની પાસે ત્રણ એકર જમીન છે, અને એમણે ૧૦ એકર જમીન ભાડે લીધી છે. “કિંમત ખૂબ વધારે છે, અમે ભાગ્યે જ કંઈ કમાઈ શકીએ છીએ,” તે ફરિયાદ કરે છે. અને ગામમાં રહેતા મજૂરો નિરાશ થઈને બીજે ક્યાંક જતા રહ્યા છે. એટલા માટે આ મહિલાઓ અહીં આવી રહી છે.
આ પૂર્વ વિદર્ભ છે, તકલીફવાળા કપાસ વિસ્તારથી દૂર. વણજારે ડાંગર, મરચા અને અન્ય પાક ઉગાવે છે. અત્યારે, તેમને નિંદામણ માટે આ મહિલાઓની જરૂર છે. તે લગભગ ૫:૩૦ વાગ્યા સુધી કામ કરે છે અને એક કલાક પછી સ્ટેશન પરત ફરે છે.
“પરંતુ ટ્રેન રાત્રે ૮ વાગે આવે છે,” બુરીબાઈ કહે છે. “આ કારણે અમે લગભગ ૧૦ વાગે તિરોરા પહોંચશું.” આ મહિલાઓ જ્યારે ઘેર આવે છે ત્યારે, અને સવારે જ્યારે તેઓ ઘેર થી નીકળે છે ત્યારે પણ, એમના પરિવારના લોકો ઊંઘતા હોય છે. “આવામાં પારિવારિક જીવન કઈ રીતે શક્ય છે?” રેવંતાબાઈ પૂછે છે.
ઘેર પહોંચે ત્યાં સુધી, તેઓ ૧૭૦ કિલોમીટર મુસાફરી કરી ચૂક્યા હશે. અને દૈનિક ફક્ત ૩૦ રૂપિયા કમાવવા માટે તેઓ અઠવાડિયાના દરેક દિવસે આવું કરશે. “અમે રાત્રે ૧૧ વાગે ઘેર પહોંચશું,” બુરીબાઈ કહે છે, “ખાવા અને ઊંઘવા માટે.” ચાર કલાક પછી, એમણે ઉઠીને ફરીથી આ બધું કરવું પડશે.
અનુવાદક: ફૈઝ મોહંમદ