“આ નરક છે
આ ઘુમરાતું વમળ છે
આ બિહામણી યાતના છે
આ નર્તકીના પાયલ પહેરવાની પીડા છે… ”
નામદેવ ધસલની કવિતા ‘કામઠીપુરા’ માંથી
હંમેશ ધમધમતો રસ્તો ઘણા વર્ષોમાં પહેલી વખત શાંત થઈ ગયો હતો. પરંતુ ત્યાં રહેતી મહિલાઓ માટે વધારે સમય કામથી દૂર રહેવું શક્ય નહોતું . ભાડા ચડી ગયા હતા, તેમના બાળકો લોકડાઉન દરમિયાન હોસ્ટેલમાંથી પાછા ફર્યા હતા અને ખર્ચા વધી ગયા હતા.
લગભગ ચાર મહિના પછી જુલાઈના મધ્યમાં 21 વર્ષની સોનીએ ફરી એકવાર મધ્ય મુંબઈના કામઠીપુરા વિસ્તારમાં દરરોજ સાંજે ફાલ્કલેન્ડ રોડની ફુટપાથો પર ઊભા રહેવાનું શરૂ કર્યું છે. તે જ્યારે નજીકની નાની હોટલોમાં અથવા કોઈ મિત્રના રૂમમાં ઘરાકોને મળવા જાય ત્યારે પાંચ વર્ષની દીકરી એષાને ઘરની માલિકણને સોંપીને જાય છે. હવે એષાને કારણે તે ઘરાકોને પોતાના રૂમમાં લાવી શકતી નથી. (આ અહેવાલના બધા નામો બદલેલા છે.)
4 થી ઓગસ્ટે રાત્રે 11 વાગ્યાની આસપાસ જ્યારે સોનીએ કામમાંથી વિરામ લીધો અને તેના રૂમમાં પાછી આવી, ત્યારે તેણે એષાને રડતી જોઈ. સોની કહે છે, “હું તેને કોઈ તકલીફ તો નથી ને એ જોવા માટે આવું ત્યાં સુધીમાં તો તે ઊંઘી ગઈ હોય. પરંતુ [તે રાત્રે] તેના શરીર તરફ ઈશારો કરી તે કહેતી રહી કે તેને દુખે છે. મને બધું સમજતા થોડી વાર લાગી …”
તે દિવસે સાંજે સોની કામ પર હતી ત્યારે એષા પર બળાત્કાર ગુજારાયો. થોડા દરવાજા દૂર રહેતી દેહ વ્યાપારનો વ્યવસાય કરનાર બીજી એક મહિલા નાસ્તો આપવાને બહાને નાનકડી છોકરીને તેના રૂમમાં લઈ ગઈ. તેનો જોડીદાર ત્યાં રાહ જ જોતો હતો. સોની કહે છે, "તે નશામાં હતો અને જતા પહેલા તેણે મારી દીકરીને કોઈને કંઈ પણ ન કહેવાની તાકીદ કરી હતી." તે (સોની) ખૂબ દુ:ખી હતી, તેણે ઘરવાળી [મકાનમાલિકણ], જેને એષા તેની નાની જેવી માને છે તેને કહ્યું, "હું એટલી મૂરખ કે મેં એવું માન્યું કે અમારા જેવા લોકોને પણ કોઈક એવું હોય કે જેના પર વિશ્વાસ કરી શકાય. જો બીકના માર્યા મારી દીકરીએ મને આ વિશે ક્યારેય કંઈ કહ્યું જ ન હોત તો શું થાત? એષા તેમને ઓળખતી હતી અને તેને તેમના પર વિશ્વાસ છે, તેથી જ તે તેમના રૂમમાં ગઈ, નહિ તો તો આ વિસ્તારમાં મારી ગેરહાજરીમાં કોઈની ય સાથે બોલવાનું નહિ એ વાત તે બરાબર જાણે છે. ”
સોની કહે છે કે આ ઘટના પછી આ વિસ્તારમાં અગાઉ દેહ વ્યાપારનો વ્યવસાય કરતી ડોલી, જેને સોનીના બાળકને લલચાવીને લઈ જવાની યોજનાની જાણ હતી તેણે મામલો થાળે પાડવા સોનીને સમજાવવાનો પ્રયાસ કર્યો. સોની ઉમેરે છે, “અહીં છોકરીઓનું શું થાય છે એ બધાને ખબર છે. પરંતુ દરેક જણ એ તરફ આંખ આડા કાન કરે છે, અને ઘણા અમારું મોં બંધ કરાવવા પણ આવે છે. પરંતુ હું ચૂપ નહિ રહી શકું.”
એ જ દિવસે, 4 થી ઓગસ્ટે સોનીએ નજીકના નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બીજે દિવસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પીઓસીએસઓ), ૨૦૧૨ હેઠળ એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ) નોંધવામાં આવી. એ કાયદાની જરૂરિયાત મુજબ પોલીસે રાજ્યની બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો. પછીથી રાજ્યની બાળ કલ્યાણ સમિતિએ કાનૂની સહાયતા અને સલાહકાર તથા સલામત વાતાવરણમાં પુનર્વસન જેવી સહાયતા પૂરી પાડવાની હોય છે. એષાને સરકાર સંચાલિત જે.જે.હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી. 18 મી ઓગસ્ટે તેને મધ્ય મુંબઈની રાજ્ય સહાયિત બાળ-સંભાળ સંસ્થામાં ખસેડવામાં આવી.
******
જો કે આવી ઘટનાઓ સાવ સામાન્ય છે. કોલકાતામાં રેડ-લાઇટ વિસ્તારોમાં 2010 માં કરવામાં આવેલા અધ્યયન માં જણાવાયું હતું કે જે 101 પરિવારોની વિચારો જાણવા મુલાકાત લેવાઈ તેમાંના 69 ટકા લોકોનું માનવું હતું કે આ વિસ્તારનું વાતાવરણ તેમના બાળકો, મુખ્યત્વે છોકરીઓના હિત માટે અનુકૂળ નથી."... અધ્યયનમાં નોંધવામાં આવ્યું છે કે "માતાઓ સાથેની ચર્ચામાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ ઘરાક તેમની દીકરીને અડકે, તેની છેડતી કરે કે મૌખિક રીતે સતામણી કરે ત્યારે તેઓ લાચારી અનુભવે છે.” અને જે બાળકોના ઈન્ટરવ્યુ લેવાયા તે તમામ બાળકોએ કહ્યું કે તેઓએ તેમના મિત્રો, ભાઈ-બહેનો અને પાડોશના અન્ય બાળકોનું જાતીય શોષણ થયાના કિસ્સાઓ સાંભળ્યા છે.
કામઠીપુરામાં અમારી વાતચીતમાં જોડાયેલ દેહ વ્યાપારનો વ્યવસાય કરનાર કહે છે, “તેણે અમારી દીકરીઓમાંથી કોઈની સાથે આવું કર્યું કે તેવું કર્યું અથવા તેની નજીક જવાનો પ્રયત્ન કર્યો અથવા તેને અશ્લીલ ફિલ્મ જોવાની ફરજ પાડી એમ સાંભળવું અમારે માટે નવું નથી. અહીં માત્ર દીકરીઓને જ નહિ નાના છોકરાઓને પણ સહન કરવાનું આવે છે, પરંતુ કોઈ મોં ખોલશે નહીં.”
2018 ના બીજા એક અધ્યયન અનુસાર "ચોક્કસ વસ્તીઓમાં સીએસએ [ચાઈલ્ડ સેક્સયુઅલ એબ્યુઝ] ના જોખમો વધી રહ્યા છે જેમાં દેહ વ્યાપારનો વ્યવસાય કરનારના બાળકો, માનસિક વિકલાંગ યુવતીઓ અને મજૂર વર્ગના શાળામાં ન જતા કિશોર-કિશોરીઓનો સમાવેશ થાય છે."
યુનિસેફના જૂન 2020 ના બાળકો સામેની હિંસાને સમાપ્ત કરવાની વ્યૂહરચના એ શીર્ષક હેઠળના અહેવાલ માં જણાવાયું છે કે લોકડાઉનને કારણે તેમને માટેનું જોખમ વધ્યું છે. વિવિધ પ્રકારના ત્રાસનો ભોગ બનતા બાળકો દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત ઈમર્જન્સી સર્વિસ, ચાઈલ્ડલાઈનને કરાયેલા કોલ્સની સંખ્યામાં એપ્રિલમાં લોકડાઉનના બે અઠવાડિયા દરમિયાન 50 ટકાનો વધારો થયો છે. અહેવાલમાં અલગથી નોંધવામાં આવ્યું છે કે, “બાળકોના જાતીય શોષણના 94 .6 ટકા કિસ્સાઓમાં ગુનેગારો એક યા બીજી રીતે બાળપીડિતો માટે જાણીતા હતા; 53.7 ટકા કિસ્સાઓમાં તેઓ નજીકના કુટુંબના સભ્યો અથવા સંબંધીઓ/ મિત્રો હતા. "
કામઠીપુરામાં કેટલાક એનજીઓ દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓના બાળકો માટે તેમની માતા કામ કરતી હોય ત્યારે રાતના કે દિવસના સમયે આશ્રયસ્થાનો ચલાવે છે. લોકડાઉન દરમિયાન જયારે શહેરના અન્ય રહેણાંક છાત્રાલયો બંધ થઈ ગયા અને બાળકોને ઘેર મોકલી દીધા ત્યારે આ એનજીઓએ બાળકો સંપૂર્ણ સમય આશ્રયસ્થાનમાં રોકાઈ શકે તે માટેની તૈયારી બતાવી હતી. એષા એક આશ્રયસ્થાનમાં હતી જે આશ્રયસ્થાને તેને ત્યાં રાખવાનું ચાલુ રાખેલું, પરંતુ સોની કામ કરતી ન હોવાથી તે જૂનની શરૂઆતમાં જ તેની દીકરીને તેના રૂમમાં લઈ આવી. જ્યારે સોની જુલાઈમાં ફરીથી કામ શરૂ કરવા માગતી હતી, ત્યારે તેણે એષાને ફરીથી કેન્દ્રમાં મૂકવાનો પ્રયાસ કર્યો. તે કહે છે, "કોરોનાના ડરને કારણે તેઓએ તેને અંદર આવવા દીધી નહીં."
લોકડાઉનના શરૂઆતના તબક્કા દરમિયાન, સ્થાનિક એનજીઓ તરફથી રેશનની થોડી મદદ મળી હતી, પરંતુ રસોઈ માટે હજી કેરોસીનની પણ જરૂર હતી. અને સોનીએ ફરીથી કામ શરુ કરવાનું નક્કી કર્યું ત્યાં સુધીમાં તો તેનું 7000 રુપિયાનું માસિક ભાડું પણ છેલ્લા બે મહિનાથી ચડેલું હતું. (જાતીય શોષણની ઘટના બાદ સોની 10 મી ઓગસ્ટે નજીકની બીજી ગલી અને રૂમમાં રહેવા જતી રહી. નવી ઘરવાળીનું રોજનું ભાડું 250 રુપિયા છે, પરંતુ તે હમણાં જ ભાડું ચૂકવાય એવો આગ્રહ રાખતી નથી.)
સોનીને માથે ઘરવાળીઓ અને આ વિસ્તારના અન્ય લોકોનું મળીને કેટલાક વર્ષો દરમિયાન લગભગ 50000 રુપિયાનું દેવું ચડેલું છે. તેણે થોડું થોડું કરીને આ દેવું ચુકવવાનું શરૂ કર્યું હતું. તેમાંના કેટલાક પૈસા તેના પિતાના તબીબી ખર્ચ માટેના હતા. તેઓ એક રિક્ષાચાલક હતા. શ્વાસની તકલીફને લીધે તેમણે ફળો વેચવાનું શરૂ કર્યું અને ફેબ્રુઆરી 2020 માં તેઓ મૃત્યુ પામ્યા. તે પૂછે છે, "હું કામ કરવાનું શરૂ ન કરું તો દેવું કોણ ભરે?" સોની પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં તેના ગામમાં તેની માતા, જે ગૃહિણી છે અને ત્રણ બહેનો (જેમાંની બે ભણે છે અને એક પરિણીત છે) ને પૈસા મોકલે છે. પરંતુ લોકડાઉન થયું ત્યારથી તે પણ બંધ થઈ ગયું હતું.
******
કામઠીપુરામાં દેહ વ્યાપારનો વ્યવસાય કરતી અન્ય મહિલાઓ પણ આવી જ લડાઈ લડી રહી છે. સોનીની જ ગલીમાં રહેતી 28-29 વર્ષની પ્રિયા આશા રાખે છે કે તેમના બાળકો જલ્દીથી છાત્રાલયમાં પાછા જઈ શકશે. 4 થા ધોરણમાં ભણતી તેની નવ વર્ષની દીકરી રિદ્ધિ નજીકમાં આવેલી મદનપુરા સ્થિત રહેણાક શાળામાંથી લોકડાઉન શરૂ થયું ત્યારે પાછી આવી હતી.
પ્રિયા તેની દીકરીને સખ્તાઈથી કહે છે, “રૂમમાંથી બિલકુલ બહાર ન નીકળીશ, જે કરવું હોય તે આ રૂમમાં કર.” રિદ્ધિની હિલચાલ પરના પ્રતિબંધોની યાદી કોવિડના ડરને કારણે નથી. પ્રિયા કહે છે, "અમે એવી જગ્યાએ રહીએ છીએ કે જો આ પુરૂષો અમારી દીકરીઓને ભરખી જાય ને તો પણ કોઈ પૂછવા ય નહિ આવે." પ્રિયા તેના નિયમિત ગ્રાહકોએ ઉધાર આપેલા થોડાઘણા પૈસાથી નિભાવી રહી છે.
પરિવાર માટે લોકડાઉન જેટલું ત્રાસદાયક હતું તેટલી જ ત્રાસદાયક તેની પશ્ચાદ અસરો છે. એક દાયકાથી વધારે સમયથી કામઠીપુરામાં રહેતી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની પ્રિયા કહે છે “મારી હાલત ખરાબ છે, હું ભાડું ચૂકવી શકતી નથી અને મારે કામ શરૂ કરવાની જરૂર હતી. હું કામ કરતી વખતે રિદ્ધિને સાથે રાખી શકતી નથી. બીજું કંઈ નહિ તો છાત્રાલયમાં તે સલામત તો રહેશે."
પ્રિયાનો 15 વર્ષનો દીકરો વિક્રમ પણ તેની સાથે છે. લોકડાઉન પહેલાં તે ભાયખલ્લાની મ્યુનિસિપલ શાળામાં 8 મા ધોરણમાં ભણતો હતો. જ્યારે તેની માતા ઘરાકોને મળતી ત્યારે તે બાજુના ઓરડામાં સૂઈ જતો, આમતેમ રઝળતો ફરતો અથવા કોઈ એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા સ્થાનિક સંભાળ કેન્દ્રમાં સમય વિતાવતો.
અહીંની મહિલાઓ જાણે છે કે તેમના દીકરાઓ પણ જાતીય શોષણનો ભોગ બની શકે છે, અથવા સરળતાથી નશીલી દવાઓ અને અન્ય દુષણોનો શિકાર બની શકે છે, અને તેમાંથી કેટલીક મહિલાઓ છોકરાની પણ છાત્રાલયોમાં નોંધણી કરાવે છે. પ્રિયાએ બે વર્ષ પહેલાં વિક્રમને છાત્રાલયમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગીને પાછો આવી ગયો હતો. આ વર્ષે એપ્રિલમાં તેણે કુટુંબને ટેકો કરવા વચ્ચે વચ્ચે - માસ્ક અને ચા વેચવાનું, ઘરવાળીઓના ઘરની સફાઈ કરવાનું - જે કંઈ મળે તે કામ કરવાનું શરૂ કર્યું. (જુઓ, Such a long journey, over and over again )
4x6 ના ત્રણ લંબચોરસ ખોખાઓમાં વહેંચવામાં આવેલા 10x10 ફૂટના રૂમના સંદર્ભમાં પ્રિયા કહે છે, 'દુરી દુરી બનાકે રખને કા [સામાજિક અંતર રાખો] કહેતા પહેલા એ લોકો એ આવીને અમારા રૂમ જોવા જોઈએ.' દરેક એકમમાં એક ખાટલો હોય છે જેનાથી આખી જગ્યા ભરાઈ જાય છે અને બે છાજલીઓ હોય છે. એક રૂમમાં પ્રિયા રહે છે, બીજા રૂમનો ઉપયોગ બીજુ કુટુંબ કરે છે, અને (જ્યારે બીજુ કોઈ કુટુંબ ઉપયોગમાં ન લેતું હોય ત્યારે) વચ્ચેના રૂમનો ઉપયોગ તેઓ કામ માટે કરે છે, અથવા તેઓ તેમના પોતાના એકમોમાં ઘરાકોને મળે છે. રસોડા અને બાથરૂમ બંને માટે ખૂણાની સહિયારી જગ્યા છે. અહીંના ઘણા આવાસો અને કામના એકમો એકસરખા છે - કેટલાક તો વધારે નાના પણ છે.
તાજેતરની લોનમાંથી કાઢી લીધેલા નાના હિસ્સા સિવાય પ્રિયા આ નાનકડી જગ્યા માટે મહિને 6000 રુપિયાનું ભાડું છેલ્લા છ મહિનાથી ચૂકવી શકી નથી. તે કહે છે, “દર મહિને મારે કોઈક ને કોઈક કારણસર 500 તો ક્યારેક 1000 રુપિયા લેવા પડતા. તેથી વિક્રમની કમાણી મદદરૂપ થઈ. ક્યારેક ઘાસલેટ [કેરોસીન] ખરીદવા અમે [એનજીઓ અને અન્ય લોકો પાસેથી મળેલું] થોડુંઘણું રેશન [સ્થાનિક દુકાનોમાં] વેચીએ છીએ."
2018 માં પ્રિયાએ 40000 રુપિયાની લોન લીધી હતી - તે હવે વધીને વ્યાજ સાથે 62000 રુપિયા થઈ છે. અને તે હજી સુધી ફક્ત 6000 રુપિયા જ ચૂકવી શકી છે. પ્રિયા જેવા ઘણા લોકો મોટેભાગે આ વિસ્તારના ખાનગી શાહુકારો પર આધાર રાખે છે.
પ્રિયા વધારે કામ કરી શકતી નથી, તેને પેટમાં દુ:ખદાયક ચેપ છે. તે કહે છે, 'મેં એટલા બધા ગર્ભપાત કરાવ્યા છે જેને પરિણામે હું આ ભોગવી રહી છું. હું હોસ્પિટલમાં ગઈ પણ તેઓ કોરોનામાં વ્યસ્ત છે અને ઓપરેશન [હિસ્ટરેકટમી] માટે 20000 રુપિયા માગે છે જે હું ચૂકવી શકું તેમ નથી. " લોકડાઉનને કારણે તેની નાની બચત પણ વપરાઈ ગઈ છે. ઓગસ્ટમાં તેને આ વિસ્તારમાં દિવસના 50 રુપિયાના પગારે ઘરનોકર તરીકેની નોકરી મળી હતી પરંતુ એક મહિનામાં તો એ નોકરી છૂટી ગઈ.
હવે પ્રિયાએ હોસ્ટેલ ફરી ખુલે તેની પર થોડીઘણી આશા બાંધી છે. તે કહે છે, "રિદ્ધિનું નસીબ તેની જિંદગી રોળી નાખે તેની રાહ જોતી હું બેસી ન રહી શકું."
આ વિસ્તારમાં કામ કરતા એક એનજીઓ પ્રેરણા દ્વારા કરવામાં આવેલ ' ઝડપી આકારણી અધ્યયન ' દ્વારા જાણવા મળ્યું હતું કે લોકડાઉન દરમિયાન પ્રિયાની અને સોનીની દીકરી તેમની માતા પાસે પાછા ફર્યા હતા તે જ રીતે દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓના 74 બાળકો (30 પરિવારોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો), માંથી 57 બાળકો લોકડાઉન દરમિયાન તેમના પરિવારોની સાથે રહી રહ્યા છે. અને ભાડાના રૂમમાં રહેતા 18 માંથી 14 પરિવારો આ સમયગાળા દરમિયાન ભાડું ચૂકવી શક્યા નથી , જ્યારે 11 પરિવારોએ મહામારી દરમિયાન વધુ રકમ ઉધાર લીધી છે.
ચારુની ત્રણ વર્ષની દીકરી શીલા પણ બીમાર થતાં મે મહિનામાં તેને એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા કામઠીપુરા આશ્રયસ્થાનમાંથી ઘેર પાછી લાવવામાં આવી હતી. 31 વર્ષની ચારુ કહે છે, “તેને થોડી એલર્જી છે અને તેને ફોલ્લીઓ થાય છે. મારે માથું મૂંડાવવું પડ્યું.” ચારુને બીજા ચાર બાળકો છે; એક દીકરી દત્તક લેવામાં આવી છે અને તે બદલાપુરમાં છે અને ત્રણ દીકરાઓ બિહારના કટિહાર જિલ્લાના ગામમાં સગાંવહાલાં પાસે છે અને એ બધા દાડિયા મજૂરો છે. ચારુ તેમના માટે દર મહિને 3000 થી 5000 રુપિયા મોકલતી હતી પરંતુ લોકડાઉનને કારણે તેણે વધુ લોન લેવી પડી છે. તે કહે છે, "હવે હું વધારે લોન નહીં લઈ શકું, હું શી રીતે પાછી ચૂકવીશ મને ખબર નથી."
ચારુએ ઓગસ્ટ મહિનાથી ફરી કામ માટે જવાનું શરૂ કર્યું છે. કામ માટે જાય ત્યારે તેણે પણ શીલાને ઘરવાળીને ત્યાં મૂકીને જવું પડે છે. તે પૂછે છે, 'મારે છૂટકો છે?'
જો કે હાલમાં આ મહિલાઓને તેમના કામથી ઝાઝી આવક થતી નથી. સોની કહે છે, "એક અઠવાડિયામાં મને માંડ એક કે બે ઘરાકો મળે છે." અમુક સમયે ચાર કે પાંચ ઘરાકો હોય છે, પરંતુ તેવું તો ભાગ્યે જ બને છે. અગાઉ અહીંની મહિલાઓ દિવસના 400 થી 1000 રુપિયા કમાઈ શકતી અને તેમની રજાઓ માત્ર જ્યારે તેઓ માસિકમાં હોય, ખરેખર બીમાર હોય, અથવા જ્યારે તેમના બાળકો ઘરે પાછા આવ્યા હોય ત્યારે જ રહેતી. સોની કહે છે, "હવે દિવસના 200-500 (રુપિયા) મળી રહે એ ય બહુ મોટી વાત હોય એવું લાગે છે."
*****
મજલિસ લીગલ સેન્ટરના વકીલ અને મુંબઈમાં જાતીય હિંસાથી બચી ગયેલા લોકોને સામાજિક-કાનૂની સહાય પૂરી પાડતા સેન્ટરના રાહત પ્રોજેક્ટના પ્રોગ્રામ મેનેજર જેસિન્તા સલદાના કહે છે, "અમે સાવ છેવાડાના એવા કુટુંબોને ધ્યાનમાં લઈ રહયા છીએ , જેઓ જો આગળ આવીને તેમના પ્રશ્નો ઊઠાવે, તો પણ તે ધ્યાનમાં લેવામાં નહીં આવે." તેઓ અને તેમની ટીમ હવે એષાના કેસને સંભાળી રહ્યા છે. “સોની પોતાનો પ્રશ્ન જાહેરમાં ઊઠાવવા જેટલી હિંમતવાન હતી. બીજા કોઈ હશે કે જેઓ બોલતા નથી. આખરે પાપી પેટનો સવાલ મુખ્ય છે. અનેકવિધ પરિબળો આ મોટા મુદ્દાઓને નિયંત્રિત કરે છે. "
તેમણે ઉમેર્યું છે કે, દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓના અધિકારોનો મુદ્દો - એનજીઓ, વકીલો, સલાહકારો અને અન્ય લોકોના - મોટા જૂથે સાથે મળીને ઊઠાવવો જોઈએ. સલદાન્હા કહે છે કે, "'તેમની સાથે કરવામાં આવેલાં દુષ્કર્મો તેમને એટલો આઘાત પહોંચાડે છે કે તેમને ખબર જ નથી પડતી કે શું સાચું છે. જો દેહ વ્યાપારનો વ્યયસાય કરતી મહિલાઓ કે તેમના બાળકોને કંઈ પણ થાય તો આ ક્ષેત્રોમાં સામાન્ય દ્રષ્ટિ એવી છે કે એમાં એવું મોટું શું થઈ ગયું? જો બાળકોના હકનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેઓ માતાને દોષ દે છે."
દરમિયાન પોક્સો (પીઓસીએસઓ) હેઠળ દાખલ એષાના કેસમાં, 5 મી જુલાઇથી દુષ્કર્મીને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે સહ-આરોપીઓ (ગુનામાં તેનો સાથ આપનાર, ઘરવાળી અને અગાઉ દેહ વ્યાપારનો વ્યવસાય કરનાર) સામે આરોપનામું દાખલ કરવાનું બાકી છે, અને તેઓને અટકાયતમાં લેવાના બાકી છે. પોકસો કાયદા હેઠળ મુખ્ય આરોપીને 'ઓછામાં ઓછા દસ વર્ષથી માંડીને આજીવન કારાવાસની સુધીની સજા' ફરમાવી શકાય છે અને કાયદા હેઠળ મૃત્યુ દંડની પણ જોગવાઈ છે, તદુપરાંત દંડની પણ જોગવાઈ છે જે 'ન્યાયી અને વાજબી હશે અને જાતીય હુમલાનો ભોગ બનનારને તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા તે ચૂકવવામાંઆવશે'. આ કાયદાની જોગવાઈ હેઠળ રાજ્યે પણ બાળક અને તેના પરિવારને 3 લાખ રુપિયા આપવાના રહેશે.
નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લુરુના સેન્ટર ફોર ચાઈલ્ડ એન્ડ લો ના ફેબ્રુઆરી 2018 ના અહેવાલ માં જણાવાયું છે કે બાળ પીડિતોના પરિવારો (જેમણે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવ્યા છે) કહે છે કે તેમનો પ્રાથમિક પડકાર “કાયદાકીય પ્રણાલી સહિતની હાલની કાર્યપ્રણાલી પર ઓછો વિશ્વાસ” છે. અહેવાલ કહે છે કે છે કે આ કાર્યપ્રણાલીને કારણે જાતીય હુમલાનો ભોગ બનેલા બાળકને ફરીથી "વિલંબ, મુદતો અને કોર્ટના ધક્કા" નો શિકાર બનવું પડે છે.
સલદાન્હા સંમત થાય છે. “[બાળકનું] નિવેદન ચાર વખત રેકોર્ડ કરવામાં આવે છે, પહેલા પોલીસ સ્ટેશનમાં, પછી તબીબી તપાસ દરમિયાન અને બે વાર કોર્ટમાં [મેજિસ્ટ્રેટને અને ન્યાયાધીશ સમક્ષ]. એષાના કેસમાં બન્યું તેમ ક્યારેક એવું પણ થાય છે કે બાળકને એટલો બધો માનસિક આઘાત લાગેલો હોય છે કે તે બધા આરોપીઓનું નામ આપી શકતું નથી. એષાએ હજી તાજેતરમાં જ ઘરવાળીની [જે ગુનાને અટકાવવામાં કે ગુનાની જાણ કરવામાં નિષ્ફળ રહી] સંડોવણી વિશે ખુલીને વાત કરી"
ઉપરાંત તે વધુમાં જણાવે છે કે કાયદાકીય પ્રણાલીમાં કેસ દાખલ કરવાથી લઈને અંતિમ ચૂકાદા સુધી આગળ વધવામાં કેસો ખૂબ લાંબો સમય લે છે. કાયદા અને ન્યાય મંત્રાલયના આંકડાઓ મુજબ જૂન 2019 ના અંત સુધી પોકસો અધિનિયમ હેઠળ કુલ 160,989 કેસ બાકી હતા, જેમાં સૌથી વધુ કેસો ઉત્તરપ્રદેશમાં બાકી હતા અને 19968 બાકી કેસો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે હતું.
સલદાન્હા કહે છે, "(કેસોનો) ભરાવો ખૂબ જ વધારે છે અને રોજેરોજ ઘણા બધા કેસો વધતા જ રહે છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે પ્રક્રિયા ઝડપી બને અને વધુ ન્યાયાધીશોની જરૂરિયાત છે અથવા કામનો સમય વધારવો જોઈએ" તેઓ જાણવા માગે છે કે છેલ્લા છ મહિનાના કેસો ઉપરાંત 2020 માર્ચ પહેલાના જે કેસોની સુનાવણી લોકડાઉનને કારણે અટકી હતી તે બધા કેસોને અદાલતો કેવી રીતે પહોંચી વળશે.
*******
સોની માંડ 16 વર્ષની હતી જ્યારે તેની મિત્રએ કલકત્તામાં તેનો વેપાર કર્યો હતો. તેના લગ્ન થયા ત્યારે તે 13 વર્ષની હતી. “મારે કાયમ મારા પતિ [જેણે વચ્ચે-વચ્ચે કપડાની ફેક્ટરીમાં સહાયક તરીકે કામ કર્યું હતું તેની] સાથે ઝઘડા થતા હતા અને હું મારા પિયર જતી રહેતી. આવા જ એક સમયે હું સ્ટેશન પર બેઠી હતી જ્યારે મારી મિત્રએ કહ્યું કે તે મને સલામત સ્થળે લઈ જશે. " મેડમ સાથે સોદો કર્યા પછી મિત્રએ સોનીને શહેરના રેડલાઈટ વિસ્તારમાં છોડી દીધી. માંડ એક વર્ષની તેની દીકરી એષા તેની સાથે હતી.
આખરે સોની ચાર વર્ષ પહેલાં મુંબઈના કામઠીપુરા પહોંચી. તે કહે છે, “મને ઘેર જવાનું મન થાય છે. પણ હું તો ક્યાંયની નથી રહી - નહીં અહીંની કે નહીં ત્યાંની. અહીં [કામઠીપુરામાં] મેં લોન લીધી છે જે મારે પાછી ચૂકવવાની છે, અને મારા વતનના લોકો મારા કામનો પ્રકાર જાણે છે, તેથી જ મારે ગામ છોડવું પડ્યું."
એષાને બાળ-સંભાળ સંસ્થામાં મોકલવામાં આવી છે ત્યારથી તે (કોવિડ સંબંધિત પ્રતિબંધોને કારણે) એષાને મળી શકી નથી અને તેની સાથે વિડિઓ કોલ્સ પર વાત કરે છે. તે કહે છે, “મારી સાથે જે કંઈ બની ગયું તેને કારણે હું તો પહેલેથી સહન કરું જ છું. હું તો પહેલેથી જ બરબાદ થઈ ગયેલી મહિલા છું, પરંતુ તેઓએ મારી દીકરીનું જીવન બગાડવું ન જોઈએ. હું નથી ઈચ્છતી કે તે મારા જેવી જિંદગી ગુજારે, મારે જે સહન કરવું પડ્યું તે તેને સહન કરવા વારો આવે. હું લડી રહી છું કારણ કે જે રીતે મને કોઈએ મદદ નહોતી કરી તે રીતે ભવિષ્યમાં તેને એવું ન લાગવું જોઈએ કે તેને કોઈએ મદદ ન કરી. "
દુષ્કર્મ કરનારની ધરપકડ થયા પછી તેની જોડીદાર (જેણે બાળકનું જાતીય શોષણ કરવામાં મદદ કરી હોવાનું કહેવાય છે) સોનીને સતત હેરાન કરતી હતી. “તે મારા રૂમમાં આવીને ઝગડા કરવા માંડે છે અને તેના આદમીને જેલમાં મોકલવા બદલ મને ગાળો ભાંડે છે. તેઓ કહે છે કે હું તેની સામે બદલો લઈ રહી છું, કેટલાક કહે છે કે હું દારૂ પીઉં છું અને બેદરકાર મા છું. પરંતુ સદભાગ્યે, તેઓ મને મા તો કહે છે. "
કવર ફોટો: ચારુ અને તેની દીકરી શીલા (ફોટો: આકાંક્ષા)
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક