મશરૂભાઈ તેમનું અનલોકન નોંધે છે, "અમે રબારીઓ તારાઓને જે નામોથી ઓળખીએ છીએ તે તમે જે નામોથી ઓળખો છો તેના કરતા જુદા છે. તુમ્હારા ધ્રુવ તારા, હમારા પરોડિયા [તમારો ધ્રુવનો તારો એ અમારો પરોડિયા]."

અમે તેમના ડેરામાં, વર્ધા જિલ્લાના દેનોડા ગામમાં એક અસ્થાયી વસાહતમાં, છીએ. તે નાગપુરથી 60 કિમી દૂર છે અને કચ્છ, જેની ધરતીને તેઓ પોતાનું ઘર કહે છે, તેનાથી 1300 કિલોમીટર દૂર છે.

આ રબારીના ડેરા પર સાંજ ઢળી રહી છે. માર્ચની શરૂઆતનો સમય છે, શિયાળાની ઋતુથી ઉનાળાની ઋતુમાં સંક્રમણનો આ સમયગાળો છે, જ્યારે સાંજના આકાશમાં કેસરી રંગો થોડો લાંબો સમય ટકી રહે છે. પલાશ અથવા કેસુડા (બ્યુટીઆ મોનોસ્પર્મા) ના જ્વલંત ફૂલો પૃથ્વીને કેસરી રંગની છાયામાં શણગારી રહે છે. રંગોનો તહેવાર હોળી નજીકમાં જ હોય છે.

મશરૂ મામા, તેમના લોકો તેમને પ્રેમથી આ નામે બોલાવે છે, અને હું આ વિદર્ભ પ્રદેશના સાંજના સ્વચ્છ આકાશ તરફ જોઈ રહ્યા છીએ. અમે કપાસના ખેતરની વચમાં તેમના પલંગ પર બેઠા બેઠા જાતજાતના અને ભાતભાતના વિષયો: તારાઓ, નક્ષત્રો, બદલાતી આબોહવા અને પર્યાવરણશાસ્ત્ર, તેમના લોકો અને પ્રાણીઓના હજારો મૂડ, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા વિચરતી જનજાતિના માણસનું - કઠોર, મુશ્કેલ,  જીવન, તેઓ જે જાણે છે એ દંતકથાઓ અને લોકકથાઓ વિગેરે અનેક વિષયો પર વાતો કરીએ છીએ.

રબારીઓમાં તારાઓ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે રબારીઓ તેમને રસ્તો ચીંધવા માટે તારાઓ પર આધાર રાખે છે, ખાસ કરીને રાત્રે. તેઓ સમજાવે છે, "સાત-તારાનો સમૂહ, સપ્તર્ષિ અમારે માટે હરણ છે." તેઓ દાર્શનિક ઢબે કહે છે, "સાત તારાઓ પરોઢિયે અદૃશ્ય થઈ જાય છે, પરંતુ જ્યારે હજી અંધારું હોય છે, ત્યારે તેઓ એક નવી સવાર, નવા પડકારો અને અનેક શક્યતાઓના આગમનની ઘોષણા કરે છે."

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

મશરૂ રબારી (ડાબે) અને રબારી સમુદાયના બીજા સભ્યો તેમના ડેરામાં, વર્ધા જિલ્લાના દેનોડા ગામમાં એક અસ્થાયી વસાહતમાં. તેમના વાર્ષિક સ્થળાંતર માર્ગ પર તેમના ડેરા નાગપુર, વર્ધા, ચંદ્રપુર અને યવતમાલ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં ફરતા રહે છે

જાડી મૂછો, ધોળા વાળ, મોટી હથેળીઓ અને મોટા હૈયાવાળા 60 ના દાયકામાં પહોંચેલા ઊંચા અને મજબૂત બાંધાના મશરૂ મામા ડેરાના સૌથી વડીલ સભ્ય છે. તેઓ અને જે બીજા પાંચ પરિવારો મળીને ડેરો બને છે, તે થોડા દિવસ પહેલા અહીં આવ્યા હતા. તેઓ મને કહે છે, “આજે અમે અહીં છીએ અને આજથી 15 દિવસ પછી નાગપુર જિલ્લામાં હોઈશું. જ્યારે વરસાદ આવશે ત્યારે તમે અમને યવતમાળના પંઢારકાવાડા નજીક જોશો. અમે આખુંય વરસ પરિચિત સ્થળોની મુસાફરી કરીએ છીએ અને ખેતરોમાં રહીએ છીએ."

આખાય વરસ દરમિયાન તેમનું ઘર છે આકાશ નીચેનું કોઈ એક ખુલ્લું મેદાન.

*****

રબારીઓ એ અર્ધ-પશુપાલક સમુદાય છે જે મૂળે ગુજરાતના કચ્છમાંથી છે. મશરૂ મામા જેવા ઘણા લોકોએ મધ્ય ભારતમાં વિદર્ભને પેઢીઓથી પોતાનું ઘર બનાવી દીધું છે. તેઓ બકરાં, ઘેટાં અને ઊંટનાં મોટાં ટોળાં પાળે છે. મોટાભાગના રબારીઓ જેઓ કચ્છમાં રહે છે તેઓ તેમની જમીન પર ખેતી કરે છે; મશરૂ મામા જેવા બીજા લોકો કાયમ ફરતા રહે છે અને તંબુઓમાં રહે છે.

મશરૂ મામાનો અંદાજ છે કે આખાય વિદર્ભ અને પડોશી છત્તીસગઢમાં મળીને આવા 3000 થી વધુ ડેરા છે. દરેકની એક નિશ્ચિત સ્થળાંતર પદ્ધતિ હશે, પરંતુ તેમના રોકાણનું સ્થાન ક્યારેય નિશ્ચિત હોતું નથી.

તેઓ ઘણા જિલ્લાઓમાં થઈને મુસાફરી કરે છે અને તેમના સ્થળાંતરના માર્ગો પર અલગ-અલગ જગ્યાએ દર થોડાક દિવસે તંબુ તાણે છે. તેઓ સ્થળાંતરના માર્ગ પર કેટલી વાર તંબુ ઊભા કરે છે એ કહેવું મુશ્કેલ, પરંતુ એક મોસમમાં તેઓ લગભગ 50-75 અલગ-અલગ સ્થળો વચ્ચે ફરતા જોવા મળે. એક દિવસ તેઓ વર્ધા જિલ્લાના એક ગામમાં હોય, તો પછીના દિવસે તેઓ યવતમાલ જિલ્લાના વાની પાસે હોય. દરેક જગ્યાએ તેમના રોકાણનો સમયગાળો મોસમ અને સ્થાનિક ખેડૂતો સાથેના તેમના સંબંધના આધારે બે દિવસથી લઈને એક પખવાડિયાની વચ્ચે ગમે તેટલો હોઈ શકે છે.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

મશરૂ મામા બકરાં, ઘેટાં અને ઊંટનું મોટું ટોળું પાળે છે. તેમનો જમણો હાથ ગણાતો રામ (ડાબે), પશુઓની સંભાળ રાખવામાં અને રોકણ માટેના આગલા સ્થળની ભાળ કાઢવામાં તેમની મદદ કરે છે

ખેડૂતો અને રબારીઓનો સંબંધ સહજીવનનો છે. ખેડૂતો પશુઓના ટોળાને મુક્તપણે ચરવા દે છે, આ પશુઓ ખેડૂતો માટે જેની કોઈ કિંમત હોતી નથી તેવા નીંદણ અથવા પાકના પાંદડાઓની ઉજાણી કરે છે, અને બદલામાં, રબારીઓ તેમના ખેતરને આ નાના પ્રાણીઓની લીંડીઓ વડે વધુ ફળદ્રુપ બનાવે છે.

કેટલીકવાર ખેડૂતો રબારીઓને તેમના ઘેટાં અને બકરાંના ટોળાને એપ્રિલથી જુલાઈ સુધી ખેતરમાં રાખવા માટે ઊંચી રકમ પણ ચૂકવે છે. તેઓને ચોક્કસ કેટલી રકમ મળે છે તેનો આધાર પ્રાણીઓની સંખ્યા પર છે, પરંતુ નાગપુર સ્થિત સેન્ટર ફોર પીપલ્સ કલેક્ટિવ દ્વારા પશુઓને દિવસો સુધી ખેતરમાં રાખવા વિષે તૈયાર થઈ રહેલા, હજી પ્રકાશિત કરવાનો બાકી છે તેવા, અભ્યાસલેખમાં જણાવ્યા પ્રમાણે કેટલાક અંદાજો મુજબ તે 2-3 લાખ હોઈ શકે છે. પશુઓને દિવસો સુધી ખેતરમાં રાખ્યા પછી ખેતરની ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થાય છે.

મામા પાસે એક હજારથી વધુ પશુઓ છે - તે તેમનું હુકમનું પાનું છે.

તેમના કચ્છી જાતિના - જે ખારાઈના તરતા ઊંટોથી અલગ છે એવા - ત્રણ ઊંટો નજીકના ઝાડીજંગલોમાંથી હમણાં જ પાછા ફર્યા છે. મામાના એક વિશ્વાસુ મદદનીશ - રામ તેમને ચરવા લઈ ગયા હતા. પશુઓની સંભાળ રાખવા ઉપરાંત રોકાણ માટેના આગલા સ્થળની ભાળ કાઢવામાં પણ રામ મામાને મદદ કરે છે. અમે જ્યાં બેસીને વાતો કરીએ છીએ ત્યાંથી ઊંટ ભાગ્યે જ જોઈ શકાય છે, પરંતુ નજીકના ઝાડમાંથી તેમના ગાંગરવાનો કર્કશ અવાજ અમને સંભળાય છે, ત્યાં ઝાંખા થતા જતા અજવાળામાં તેમના પડછાયાઓ ટૂંકા અને જાડા થતા જાય છે.

તેમના ડેરાની સામે આવેલા કપાસના ખેતરમાં, હાલના ડેરા-તંબુંથી પથરો ફેંકીએ એટલે દૂર તેમના ઘેટાં અને બકરાં તાજાં લીલાં પાંદડાઓની ઉજાણી કરીરહ્યાં છે. તમને ડેરામાં હંમેશ એક કૂતરો જોવા મળશે અને અહીં મામાનો કૂતરો, મોતી, રબારી મહિલાઓએ બનાવેલા હાથેથી સીવેલા નરમ જોહડ (ધાબળા)થી ઢંકાયેલ અમારા ચારપાઈની નજીક ઉત્સાહભેર રમી રહ્યો છે.

PHOTO • Jaideep Hardikar

મશરૂ મામા પાસે એક હજારથી વધુ પશુઓ છે અને તેઓ તેમની સાથે મુસાફરી કરે છે. 'તેઓ ઠંડી અને વરસાદથી નરમ થઈ જાય છે, ઉનાળામાં પુષ્કળ ગરમીથી સખત થઈ જાય છે'

*****

મહારાષ્ટ્રના પૂર્વ ભાગમાં મોટાભાગે નાના ખેડૂતોના વરસાદ આધારિત, એકલ પાકના ઘણા ખેતરો હવે ઉજ્જડ છે. કપાસની સંપૂર્ણ લણણી થઈ ગઈ છે. શિયાળુ પાક - લીલા ચણા, આમતેમ થોડાઘણા ઘઉં અને જુવાર - છેલ્લા તબક્કામાં છે, લગભગ પંદરેક દિવસમાં તેમની લણણી કરવામાં આવશે.  થોડા દિવસોમાં મશરૂ મામાના ઘેટાં અને બકરાં આ ખેતરના છેલ્લા બાકી રહેલા લીલા પાંદડા ચરી જશે એ પછી મામા કોઈ નવા ખેતરમાં જશે.

મશરૂ મામા કહે છે, "અહીં મારું કોઈ સરનામું નથી." વરસાદ પડે છે ત્યારે ડેરાના પુરુષો અને મહિલાઓ, લગભગ 15 થી 20 નજીકના સંબંધીઓ, તાડપત્રીથી ઢાંકેલી ચારપોયની નીચે આશરો લે છે. તેમના ઊંટ, ઘેટાં અને બકરાં વરસાદમાં ધોવાઈને ચોખ્ખા જાય છે. તેઓ કહે છે, “તેઓ ઠંડી અને વરસાદથી નરમ થઈ જાય છે, ઉનાળામાં પુષ્કળ ગરમીથી સખત થઈ જાય છે. રબારીઓ મૂળ હવામાન રક્ષકો છે."

તેઓ હસીને કહે છે, “અમારા જીવનમાં કોઈ એકમાત્ર વસ્તુ નિશ્ચિત હોય તો તે છે અનિશ્ચિતતા. એની નિશ્ચિતતા છે." તેમના ડેરા નાગપુર, વર્ધા, ચંદ્રપુર અને યવતમાલ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં ફરતા રહે છે. “ચોમાસું બદલાઈ રહ્યું છે. જંગલો નાશ પામ્યા છે. એક સમયે ખેતરોમાં ઊભા હતા તે વૃક્ષો નાશ પામ્યા છે.” મશરૂ મામાએ કૃષિ કટોકટી અને ખેડૂતોનું બગડતું જતું ભાવિ નજીકથી જોયું છે. તેઓ કહે છે કે વ્યાપક આર્થિક ફેરફારો થયા છે પણ સાથેસાથે જટિલ પર્યાવરણીય પરિબળો અને આબોહવા સંબંધિત પરિબળોએ પણ ભૂમિકા ભજવી છે.

મશરૂ મામાના મતે બદલાતી આબોહવા એ અપશુકન છે, એને કારણે ખેતરો, પાણી, જંગલો અને પશુઓને નુકસાન પહોંચે છે. તેમની કેટલીક જૂની જગ્યાઓ હવે સંકટમાં છે. તેઓ સમજાવે છે કે આ પ્રદેશમાં 30 વર્ષ પહેલા જેટલા લીલા ઘાસપાન જોવા મળતા હતા તેટલા આજે જોવા મળતા નથી. એની અસર તેમના પશુઓના ટોળાઓ પર પડે છે. વિચરતી જાતિના આ વડીલ કહે છે, “દેખિયે પ્રકૃતિ મેં પ્રોબ્લેમ હુઆ, તો આદમી કો પતા ભી નહીં ચલેગા કી અબ ક્યા કરના હૈ [જો કુદરતમાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેનો ઉકેલ શી રીતે લાવવો એની માણસને સમજણ પણ નહીં પડે કે એ તેને આવડશે પણ નહીં]."

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

જેમ જેમ સાંજ ઢળતી જાય છે તેમ, મશરૂ મામાના ઊંટ નજીકના ઝાડીજંગલમાં ચરીને ડેરામાં પાછા ફરે છે. 'ઊંટ અમારા વહાણ છે, હમારા જહાજ હૈ, અમારા ભગવાન છે'

હૈદરાબાદમાં કેટલાક રબારી પશુપાલકો પર કતલખાનામાં લઈ જવા માટે ઊંટની દાણચોરી કરવાનો ખોટો આરોપ લગાવવામાં આવેલો એ તાજેતરની ઘટના પર દુઃખદ પ્રતિભાવ આપતા તેઓ કહે છે, "જે લોકો અમને ઓળખતા નથી તેઓ અમારા ઊંટો સાથેના અમારા સંબંધને સમજી શકતા નથી." (વાંચો: કચ્છી ઊંટનો કબજો: તરછોડાયેલાં રણનાં વહાણ ).

તેઓ કહે છે, "ઊંટ અમારા વહાણ છે, હમારા જહાજ હૈ, અમારા ભગવાન છે." તેઓ કહે છે, "ડેરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય ત્યારે તેમનો સામાન અને તેમના બાળકોને લઈ જવા માટે દરેક ડેરા પાસે ત્રણ કે ચાર ઊંટ હોય."

મધ્ય ભારતના રબારીઓ વિષે સૌથી ઓછું સંશોધન થયું છે; તેઓ આ પ્રદેશમાં રહે છે એ વાત સરકારી વર્તુળો પણ સ્વીકારતા નથી. મશરૂ મામાનો જન્મ વર્ધા જિલ્લાના એક ખેતરમાં થયો હતો. તેમણે વિદર્ભના આ ખેતરોમાં જ લગ્ન કર્યા છે અને પરિવારનો ઉછેર પણ કર્યો છે. અને છતાં વિદર્ભના એ ખેતરો વચ્ચે તેમની હાજરી વિશે કોઈ જાણતું નથી.

તેઓ જેટલી સરળતાથી ગુજરાતી બોલે છે એટલીજ સરળતાથી વિદર્ભના પશ્ચિમ ભાગોમાં બોલાતી મરાઠી બોલી વર્હાડીમાં વાતચીત કરી શકે છે, છે. મશરૂ મામા કહે છે, “એક રીતે જુઓ તો હું વર્હાડી છું." લોકો તેમને બહારના વ્યક્તિ ધારી શકે છે કારણ કે તેઓ લાક્ષણિક સફેદ રબારી પોશાક પહેરે છે: કેડિયું, ધોતી અને સફેદ પાઘડી. પરંતુ તેઓ સ્થાનિક સંસ્કૃતિ સાથે મજબૂતાઈથી જોડાયેલા છે અને તેઓ આ પ્રદેશના રિવાજો અને પરંપરાઓ જાણે છે. જરૂર પડે સ્થાનિક અપશબ્દો અને ગાળોનો પણ તેઓ છૂટથી ઉપયોગ કરી શકે છે!

રબારીઓ કચ્છમાં તેમના મૂળથી દૂર રહેતા હોવા છતાં આ જનજાતિએ તેમની પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખી છે. તેઓ કચ્‍છમાં વતનમાં રહેતા સગા સંબંધીઓ સાથે ગાઢ સંબંધો પણ જાળવી રાખે છે. મશરૂ મામાની પત્ની હાલમાં કચ્છ જિલ્લાના અંજાર બ્લોકના ભદ્રોઈ ગામ ગયા છે. તેમની બે મોટી દીકરીઓના લગ્ન ત્યાંના આ જ જનજાતિના પુરુષો સાથે થયા છે.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

આખાય વરસ દરમિયાન મશરૂ મામાનું ઘર છે આકાશ નીચેનું કોઈ એક ખુલ્લું મેદાન. જ્યારે મહેમાનો આવે ત્યારે ડેરાની મહિલાઓ ખાસ ભોજન (મિષ્ટાન્ન) રાંધે છે અને પરિવારો સાથે મળીને જમે છે, મિજબાની કરે છે

તેઓ કહે છે, "નયી પીઢી યહાં નહીં રહેના ચાહતી [નવી પેઢીને ખેતરોમાં રહેવું નથી]." ડેરાના બાળકોને બાકીના પરિવાર સાથે રહેવા માટે પાછા મોકલી દેવામાં આવે છે, જેથી તેઓ શાળામાં જઈ શકે, ભણી શકે અને નોકરીઓ શોધી શકે. મશરુ મામા કહે છે, “લોગ મહેનત ભી નહીં કર રહે; દૌડ લગી હૈ [લોકો પહેલા જેટલા મહેનતુ રહ્યા નથી; બસ એક પાગલ દોડ ચાલી રહી છે]." તેમનો પોતાનો દીકરો ભરત છેક મુંબઈ છે, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી સ્થાયી નોકરી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

તેમની સૌથી નાની દીકરી તેમની સાથે છે.  ડેરાની બીજી પાંચ મહિલાઓ સાથે મળીને તેણે રાતનું જમવાનું બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની અસ્પષ્ટ વાતોમાં પશુઓ અને પક્ષીઓના અવાજો ભળી જાય છે. ચૂલો સળગાવવામાં આવે છે અને ચૂલાની આગ આસપાસ બેઠેલી મહિલાઓના ચહેરા પર સોનેરી પ્રકાશ ફેંકે છે. બધી મહિલાઓએ કાળા કપડાં પહેર્યા છે.

સ્ત્રીઓ માટે કાળા અને પુરુષો માટે સફેદ કેમ?

મશરૂ મામા તેમના સમુદાયની કુળદેવી સતી માની દંતકથા, અને એક સુંદર રબારી રાજકુમારી ખાતર તેમની અને એક આક્રમણકારી રાજા વચ્ચે હજારો વર્ષો પહેલા થયેલી લડાઈનું વર્ણન કરીને જવાબ આપે છે. રાજા તેના પર મોહી પડ્યો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ આ જનજાતિએ રાજાનો લગ્ન માટેનો પ્રસ્તાવ નકરી કાઢ્યો અને જેસલમેરમાં યુદ્ધ થયું. યુદ્ધમાં ભારે રક્તપાત થયો, અને કાયમી શાંતિ ખાતર રાજકુમારીએ પોતાની જાતને પૃથ્વી માતાના ખોળામાં સમાવી દીધી. તેઓ કહે છે, "અમે તેનો શોક મનાવી રહ્યા છીએ. અમે હજી આજે પણ તેનો શોક મનાવીએ છીએ."

ઘોર અંધારું છે; રાતનું ભોજન તૈયાર છે. સામાન્ય રીતે ડેરાના પાંચ-છ પરિવારો અલગથી રસોઈ બનાવે છે. પરંતુ જ્યારે મહેમાનો આવે છે - જેમ કે આજે સાંજે અમે આવ્યા છીએ, ત્યારે તેઓ ખાસ ભોજન રાંધે છે અને સાથે જમે છે, મિજબાની કરે છે. આજના ખાસ ભોજનમાં છે, ઘેટાંના દૂધમાં બનેનાવેલી ચોખાની ખીર, ઘેટાંના દૂધના માખણમાંથી બનાવેલ ઘી સાથે ગોળ, ચપાટી, મસાલેદાર દાળ, ચાવલ (રાંધેલા ભાત) અને છાશ.

અમે મોબાઈલ ફોનની ટોર્ચલાઈટમાં રાતનું ભોજન કરવા બેસીએ છીએ.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jaideep Hardikar

ஜெய்தீப் ஹார்டிகர் நாக்பூரிலிருந்து இயங்கும் பத்திரிகையாளரும் எழுத்தாளரும் ஆவார். PARI அமைப்பின் மைய உறுப்பினர்களுள் ஒருவர். அவரைத் தொடர்பு கொள்ள @journohardy.

Other stories by Jaideep Hardikar
Editor : Pratishtha Pandya

பிரதிஷ்தா பாண்டியா பாரியின் மூத்த ஆசிரியர் ஆவார். இலக்கிய எழுத்துப் பிரிவுக்கு அவர் தலைமை தாங்குகிறார். பாரிபாஷா குழுவில் இருக்கும் அவர், குஜராத்தி மொழிபெயர்ப்பாளராக இருக்கிறார். கவிதை புத்தகம் பிரசுரித்திருக்கும் பிரதிஷ்தா குஜராத்தி மற்றும் ஆங்கில மொழிகளில் பணியாற்றுகிறார்.

Other stories by Pratishtha Pandya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik