સાતજેલિયાની એકમાત્ર પોસ્ટ ઓફિસ તમે કદાચ ચૂકી જશો. માટીની ઝૂંપડીમાં પોસ્ટ ઓફિસ છે તેની એક માત્ર નિશાની છે બહાર લટકતી પતરાની લાલ ટપાલ પેટી.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની 80 વર્ષ જૂની આ સબ-પોસ્ટ ઓફિસ સાત ગ્રામ પંચાયતોને સેવા આપે છે. માટીનું આ માળખું સુંદરવનમાં વિનાશ વેરાનાર આઇલા અને અમ્ફાન જેવા મોટા મોટા ચક્રવાતો સામે પણ ટકી રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ધરાવતા ઘણા રહેવાસીઓ માટે એ એક જીવાદોરી છે; તેમના વિવિધ ઓળખ કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો ટપાલ મારફતે અહીં આવે છે.
ગોસાબા બ્લોક ત્રણ નદીઓથી ઘેરાયેલો છે - ઉત્તર-પશ્ચિમમાં ગોમતી, દક્ષિણમાં દત્તા અને પૂર્વમાં ગાંદાલ. લક્ઝબાગાન ગામના રહેવાસી જયંત મંડલ કહે છે, "આ ટાપુ વિસ્તારમાં [અમારા સરકારી દસ્તાવેજો મેળવવા માટે] આ પોસ્ટ ઓફિસ અમારી એકમાત્ર આશા છે."
હાલના પોસ્ટમાસ્તર નિરંજન મંડલ 40 વર્ષથી અહીં કામ કરે છે. તેમની પહેલા તેમના પિતા પોસ્ટ માસ્ટર તરીકે સેવા આપતા હતા. દરરોજ સવારે તેઓ તેમના ઘરથી તેમના કામના સ્થળ સુધી ચાલીને આવે છે, જેમાં થોડી મિનિટો લાગે છે. પોસ્ટ ઓફિસની નજીક આવેલી સ્થાનિક ચાની દુકાનમાં આખો દિવસ લોકો આવતા-જતા રહે છે, તેથી પોસ્ટ ઓફિસમાં હંમેશા મુલાકાતીઓ હોય છે.






