મે મહિનામાં ગરમ, બફારા મારતી બપોર છે, પરંતુ મોહામાં આવેલી હજરત સૈયદ અલવી (રહમતુલ્લાહ અલૈહી) દરગાહમાં લોકોની કમી નથી. ચાલીસ પરિવારો, જેમાં મુસ્લિમો કરતાં હિંદુઓ વધુ છે, કંદુરી તરીકે ઓળખાતી તેમની વાર્ષિક પૂજા અને ઉજવણીમાં વ્યસ્ત છે. ઢોબળે પરિવાર તેમાંનો એક છે, અને ઉસ્માનાબાદ જિલ્લાના કળંબ બ્લોકમાં આવેલી આ 200 વર્ષ જૂની દરગાહમાં હું અને મારો પરિવાર તેમના મહેમાન છીએ.
ઉનાળાના મહિનાઓમાં જ્યારે ખેડૂત પરિવારો પાસે થોડો સમય હોય છે, ત્યારે મરાઠવાડા પ્રદેશમાં ઉસ્માનાબાદ, લાતુર અને અન્ય છ જિલ્લાઓ – બીડ, જાલના, ઔરંગાબાદ, પરભણી, નાંદેડ અને હિંગોલી – માં પીરોની દરગાહો સામાન્ય રીતે કોઈને કોઈ પ્રવૃત્તિથી ધમધમતી હોય છે. ગુરુવારે અને રવિવારે પરિવારો મોટી સંખ્યામાં ત્યાં આવે છે. તેઓ નર બકરાનું બલિદાન આપે છે, રાંધેલા માંસનું નિવાદ આપે છે, આશીર્વાદ લે છે, સાથે મળીને ખાય છે અને અન્યોને પણ ખવડાવે છે.
ઉસ્માનાબાદના યેળશીનાં અમારાં સંબંધી, 60 વર્ષીય ભાગીરથી કદમ કહે છે, “અમે આ [કંદુરી] ઘણી પેઢીઓથી કરી રહ્યાં છીએ.” મરાઠવાડાનો પ્રદેશ 600 વર્ષ કરતાં વધુ સમય સુધી ઇસ્લામી શાસન હેઠળ હતો, જેમાં 224 વર્ષ સુધી હૈદરાબાદના નિઝામે શાસન કર્યું હતું. આ ઇસ્લામી ધાર્મિક સ્થળો પર પૂજા કરવી એ લોકોની આસ્થા અને ધાર્મિક વિધિઓનો એક અંતર્ગત ભાગ છે — જે સમન્વયભરી જીવનની રીતિનું સૂચક છે.
ભાગીરથી, કે જેમને પ્રેમથી લોકો ભાગા માવશી કહીને બોલાવે છે, તેઓ પૂજા માટે ગામડાઓને ચોક્કસ દરગાહોની જવાબદારી સોંપવાની સદીઓ જૂની પરંપરાની રૂપરેખા આપતાં કહે છે, “અમે ગડ દેવદરીમાં પૂજા કરીએ છીએ. તાવરજ ખેડાના લોકો અહીં મોહામાં આવે છે અને તમારા ગામ [લાતુર જિલ્લાના બોરગાઉં ભુદ્રુક] ના લોકોએ શેરાની મુલાકાત લેવાની હોય છે.”
અહીં મોહામાં રહેમતુલ્લાહ દરગાહ પર, દરેક વૃક્ષ અને ટીનની છત અથવા તાડપત્રીના આશ્રય હેઠળ, લોકોએ ચૂલા ગોઠવ્યા છે જ્યાં દરગાહ પર ધાર્મિક વિધિઓ દરમિયાન અર્પણ કરવા માટે ખોરાક રાંધવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓ ગપસપ કરી રહ્યાં છે, બાળકો નિરાંતે રમી રહ્યાં છે. હવા ગરમ છે, પરંતુ પશ્ચિમના આકાશમાં ઘેરાઈ રહેલા વાદળોને કારણે થોડો છાંયડો છે, તેમ જ પ્રવેશદ્વારની બાજુમાં આવેલાં જૂના આમલીના વૃક્ષો પણ છાંયડો કરે છે અને ગરમીથી રાહત આપે છે. દરગાહમાં આવેલ જળાશય — બારવ નામનો 90 ફૂટ ઊંડો જૂનો પથ્થરનો કૂવો સુકાઈ ગયો છે પરંતુ એક ભક્ત અમને જણાવે છે કે તે “ચોમાસામાં પાણીથી ભરાઈ જશે.”




















