પશ્ચિમ બંગાળના સુંદરવન ક્ષેત્રના દક્ષિણ કાસિયાબાદ ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સ્વપન નાયક વિગતવાર વર્ણન કરતા કહે છે, “મેં બધા પ્રકારના તોફાનો જોયા છે, પરંતુ આ કંઈક અલગ જ હતું. એ લગભગ 12 કલાક સુધી ચાલ્યું  હતું. બપોર પછી, જોતજોતામાં પાણી ખેતરોમાં અમારી તરફ ધસી આવ્યું હતું, ભડકેલા આખલાની જેમ. હું મારા ભાઈના વિકલાંગ દીકરાને ઊંચકીને ભાગ્યો હતો."

ચક્રવાત અમ્ફાન 20 મી મેના રોજ 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપ બ્લોકમાં રામગોપાલપુર પંચાયતની હદમાં આવેલા આ ગામની નજીક જમીન સાથે ટકરાયું હતું.

ગામલોકોએ આવું તોફાન અગાઉ ક્યારેય જોયું નહોતું. અહીંના લોકો કહે છે અમ્ફાને સુંદરવનને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું નુકસાન તો આઇલા (2009) અને બુલબુલ (2019) ચક્રવાતે પણ નથી પહોંચાડ્યું.

દક્ષિણ કાસિયાબાદમાં ખાનગી રીતે સંચાલિત માનબ તીર્થ પ્રાથમિક શાળામાં ભણાવતા નાયક કહે છે, "અમારી શાળા બરબાદ થઈ ગઈ છે. છત ઉડી ગઈ છે અને ચાર વર્ગખંડો ધરાશાયી થઈ ગયા છે. લગભગ 100 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે."

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ 'સુપર સાયક્લોનિક સ્ટોર્મ' 20 મી મેના રોજ સુંદરવન તરફ આગળ વધવા માંડ્યું હતું. અમ્ફાન લગભગ બપોરે 4.30 વાગ્યે કાકદ્વીપની દક્ષિણ પશ્ચિમે સાગર ટાપુ પાસે જમીન સાથે ટકરાયું હતું. દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપ, કુલતલી, નામખાના, પાથારપ્રતિમા અને સાગર બ્લોક્સ ચક્રવાતના લેન્ડફોલની (જમીન સાથે ટકરાયું તેની) નજીકના વિસ્તારમાં હતા - અને આ દક્ષિણ બંગાળના સૌથી વધુ અસરગ્રસ્ત ભાગોમાંથી છે, જ્યાં ચક્રવાતને કારણે ભારે નુકસાન થયું છે.

29 મી મેના રોજ કાકદ્વીપ બસ સ્થાનકથી દક્ષિણ કાસિયાબાદ જતા, લગભગ 40 કિલોમીટરનું આ અંતર કાપવામાં અમને લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો.  અમે જોયું કે રસ્તાની બંને બાજુએ કાટમાળ પથરાયેલો હતો. વૃક્ષો મૂળસોતાં ઊખડી ગયાં હતાં અને ઘરો અને દુકાનો ધરાશાયી થઈ ગયાં હતાં.

રંજન ગાયેન અને તેમના પરિવારના સભ્યો દક્ષિણ કાસિયાબાદ જવાને રસ્તે નેતાજી પંચાયતની હદમાં આવેલા માધબ નગરમાં તેમના ઘરની નજીકના મીઠા પાણીના તળાવમાં માછીમારી કરી રહ્યા હતા. ચક્રવાત દ્વારા લાવવામાં આવેલા ખારા પાણીથી આ તળાવ દૂષિત થઈ ગયું છે. ગાયેને કહ્યું, "આ વર્ષે તાજા પાણીની માછલીઓ ઉછેરવા માટે અમે આશરે 70000 રુપિયાનું રોકાણ કર્યું છે. હવે બધી માછલીઓ મરી ગઈ છે. અમે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે બજારમાં વેચવા માટે કોઈ માછલી બાકી રહી છે કે કેમ. મારા નાગરવેલનાં પણ ખતમ થઈ ગયાં છે અને મારો પરિવાર હવે દેવામાં ડૂબી ગયો છે." ગયેનનું કુલ નુકસાન આશરે 1 લાખ રુપિયાનું થવા જાય છે. તેઓ ઉમેરે છે, "અમારે માટે હવે સુખના દિવસો ક્યારેય પાછા નહીં આવે, ક્યારેય નહીં."

PHOTO • Ritayan Mukherjee

કાકદ્વીપ બ્લોકના માધબ નગરમાં રંજન ગાયેન અને તેમનો પરિવાર ખારા પાણીના પ્રદૂષણને કારણે તેમનું તાજા પાણીનું માછલીનું તળાવ ગુમાવી બેઠો છે. બજારમાં વેચી શકાય એ માટે માટીની નીચે કોઈ માછલી બચી છે કે કેમ તે જોવા માટે તેઓ કાદવમાંથી માછલી શોધવાનો (મડ ફિશિંગનો) પ્રયાસ કરી રહ્યા છે

માધબ નગરમાં અમે પ્રિતિલતા રોયને પણ મળ્યા. કાકદ્વીપની બીજી ઘણી મહિલાઓની જેમ તેઓ પણ અહીંથી લગભગ 80 કિલોમીટર દૂર કોલકાતાના જાદવપુર વિસ્તારમાં ઘરેલુ નોકર તરીકેનું કામ કરી આજીવિકા રળતા હતા. કોવિડ -19 લોકડાઉનની જાહેરાત થયા પછી માર્ચના છેલ્લા અઠવાડિયામાં એ કામ બંધ થઈ ગયું ત્યાં સુધી એ જ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત હતો. અમ્ફાનના પ્રકોપથી તેમનો નાગરવેલના પાનનો પાક પણ નાશ પામ્યો હતો. તેમનો અંદાજ છે કે તેમને લગભગ 30000 રુપિયાનું નુકસાન પહોંચ્યું છે.

અમે ગામમાં પહોંચ્યા ત્યારે દક્ષિણ કાસિયાબાદમાં ચક્રવાતને પગલે થયેલી તબાહી જોઈ અમે ચોંકી ગયા. નાગરવેલનાં પાનનો નાજુક પાક, જે ત્યાંના ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત હતો, એ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ગામમાં અને ગામની આસપાસ હાટમાં માછલી, ડાંગર અને નાગરવેલનાં પણ વેચીને કમાતા અહીંના લોકો કે જેઓ લોકડાઉન દરમિયાન બજારો બંધ હોવાને કારણે અગાઉથી જ સંઘર્ષ કરી રહ્યા હતા તેમને માટે અમ્ફાન વધારાનું નુકસાન લઈને આવ્યું હતું.

એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું, "અમે પેઢીઓથી નાગરવેલનાં પાનની ખેતી કરીએ છીએ. તેમાંથી મને મહિને 20000-25000 રુપિયાની આવક થતી હતી.  લોકડાઉને અમારો ધંધો બંધ કરી દીધો હતો, પરંતુ અમ્ફાને તો અમને પૂરેપૂરા બરબાદ કરી નાખ્યા છે.” કેટલાક સમાચાર અહેવાલોને ટાંકીને, દક્ષિણ 24 પરગણાના બાગાયત વિભાગનું કહેવું છે કે ચક્રવાતને કારણે જિલ્લાના નાગરવેલનાં પાનના ખેડૂતોને અંદાજે 2775 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

મે મહિનામાં ચક્રવાત પછી દક્ષિણ કાસિયાબાદમાં ખેતીની જમીન પર ખારા પાણીએ કબજો જમાવ્યો હતો. બીજા એક ખેડૂતે કહ્યું, “પહેલા પણ પાણી આવતું હતું, પણ આટલે સુધી નહીં. ચક્રવાતથી માત્ર ડાંગરનો પાક જ નાશ પામ્યો છે એવું નથી. આ જમીન પણ હવે ખેતીલાયક ન રહી હોય એની પૂરેપૂરી શક્યતા છે." લોકડાઉન દરમિયાન શ્રમિકોની અછતને કારણે બોરો ચોખાના તેમના રવિ પાકની લણણી પહેલેથી અસરગ્રસ્ત હતી, અને ઉનાળામાં કમોસમી વરસાદે આ વર્ષે તેમની સમસ્યાઓમાં વધારો કર્યો હતો - અને એ પછી ત્રાટક્યું ચક્રવાત અમ્ફાન.

આ જ ગામનો નિયોગી પરિવાર રંગબેરંગી બજરીગર પક્ષીઓ પાળતા આ વિસ્તારના થોડા પરિવારોમાંનો એક છે. આ નાના પક્ષીઓ ખાસ કરીને કોલકાતામાં પાલતુ પક્ષીઓ તરીકે લોકપ્રિય છે. નિયોગી પરિવાર તેને આઠ કિલોમીટર દૂર નારાયણગંજ બજારમાં વેચે છે. ચક્રવાતની રાત્રે ઘણા પાંજરા તૂટી ગયા અને પક્ષીઓ ઉડી ગયા. બીજે દિવસે સવારે તેઓ થોડાઘણા પક્ષીઓને પકડી શક્યા, પરંતુ મોટાભાગના પક્ષીઓ ઊડી ગયા હતા અને એ સાથે જ આ પક્ષીઓના સંવર્ધન અને ઉછેર માટે તેમણે કરેલું 20000 રુપિયાનું પ્રારંભિક રોકાણ પણ પાણીમાં ગયું.

બીજું નુકસાન લાખોમાં જવા થાય છે. ચક્રવાતથી તબાહ થયેલ માનબ તીર્થ પ્રાથમિક શાળાની વ્યવસ્થાપન સમિતિ (મેનેજિંગ કમિટી) ના સભ્ય માધબ દાસ કહે છે કે શાળાના પુનઃનિર્માણ માટે તેમને 250000 રુપિયાની જરૂર છે.  દાસ કહે છે, "અમારી પાસે પૂરતું ભંડોળ નથી અને ટૂંક સમયમાં ચોમાસું આવીને ઊભું રહેશે. પરંતુ બાળકોના શિક્ષણ સાથે બાંધછોડ કરી શકાય નહીં. તેથી આપણે આપણી બીજી બધી સમસ્યાઓને બાજુએ મૂકીને પણ શાળા ફરીથી ઊભી કરવી જોઈએ."

અવારનવાર આવતા તોફાનો, ખારાશ અને બીજી આપત્તિઓથી લાંબા સમયથી તારાજ થતા રહેલા આ ક્ષેત્ર, સુંદરવનના ઘણા લોકોએ પહેલા પણ આ જ કરવું પડ્યું છે - નવેસરથી ફરી એકવાર શરૂઆત.

PHOTO • Ritayan Mukherjee

20 મી મેના રોજ ત્રાટકેલા ચક્રવાત અમ્ફાને સુંદરવનને લગભગ 12 કલાક સુધી ઘમરોળ્યું હતું. બંગાળની ખાડીમાં ઉદ્દભવેલા સુપર સાયક્લોનિક ( અતિ તીવ્ર) વાવાઝોડાએ ગંગાના મુખત્રિકોણમાં વિનાશ સર્જ્યો હતો - વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા હતા, ઘરો ધરાશાયી થઈ ગયા હતા અને ખેતરો અને માછીમારીને પારાવાર નુકસાન પહોંચ્યું હતું

PHOTO • Ritayan Mukherjee

કોવિડ -19 લોકડાઉન દરમિયાન માછીમારી પ્રવૃત્તિઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે દક્ષિણ 24 પરગણા જિલ્લાના ઘણા ભાગોમાં માછીમારોએ તેમની મોટાભાગની આવક ગુમાવી હતી. પછી ચક્રવાતે તેમના ટ્રોલર્સ અને બોટને બરબાદ કરી નાખ્યા અને તેમની આજીવિકા નષ્ટ કરી દીધી

PHOTO • Ritayan Mukherjee

ખારા પાણીના કારણે તળાવો કાળા પડી ગયા છે. કાકદ્વીપ બ્લોકના દક્ષિણ કાસિયાબાદ ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે ચક્રવાતને કારણે સમુદ્રમાંથી ખારા- પાણીનો ભારે છંટકાવ થયો હતો અને છોડ સુકાઈ ગયા હતા. ' પાંદડા પીળા પડી ગયા અને તળાવમાં પડ્યા અને પાણી પ્રદુષિત થઈ ગયું'

PHOTO • Ritayan Mukherjee

પાથારપ્રતિમા બ્લોકના ભજના ગામમાં સાહેબ મુલ્લાએ તેમના ડાંગર તેમજ નાગરવેલનાં પાનના પાક ગુમાવ્યા. ચક્રવાતથી તેમનું ઘર પણ ધરાશાયી થઈ ગયું હતું. તેઓ કહે છે, ' મારી પાસે ઘર ફરીથી બાંધવા માટે પૂરતા પૈસા નથી, તેથી હું તેના વિશે વાત કરવા માગતો નથી'

PHOTO • Ritayan Mukherjee

કાકદ્વીપ બ્લોકના માધબ નગરમાં પ્રિતિલતા રોયે લોકડાઉન દરમિયાન કોલકાતામાં ઘરેલુ નોકર તરીકેનું કામ ગુમાવ્યું હતું. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત જતો રહ્યો હોવાથી તેઓ તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે નાગરવેલનાં પાનનો નાનો પાક વેચવાની આશા રાખતા હતા. ચક્રવાતના જોરદાર પવનથી નાજુક છોડ ઉડી ગયા હતા

PHOTO • Ritayan Mukherjee

શિક્ષક સ્વપન નાયક દક્ષિણ કાસિયાબાદમાં માનબ તીર્થ પ્રાથમિક શાળાની ક્ષતિગ્રસ્ત છત નીચે બેસે છે. તેઓ ખાનગી શાળાના સાત શિક્ષકોમાંના એક છે, જેમાં નજીકના ગામડાઓના 100 થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. અમ્ફાને છત ઉપરાંત ભોંયતળિયા પરના વર્ગખંડોને પણ નુકસાન પહોંચાડ્યું હતું

PHOTO • Ritayan Mukherjee

કાકદ્વીપ બ્લોકની બાપુજી ગ્રામ પંચાયતમાં એક ખેડૂત તેના બરબાદ થઈ ગયેલા બોરોજ - તેના નાગરવેલનાં પાનનાં પાકને સુરક્ષિત રાખવા માટે બનાવેલા વાંસના માળખા - નું સર્વેક્ષણ કરે છે. તેઓ કહે છે, ' મારું તમામ રોકાણ જતું રહ્યું છે. ફરી ઊભું કરવું બહુ મોટું કામ છે. એને ફરીથી બનાવવા માટે મારે 7-8 શ્રમિકોની જરૂર પડશે. લોકડાઉનને કારણે મારી પાસે તો પૈસા છે કે શ્રમિકો'

PHOTO • Ritayan Mukherjee

દરિયાનાં ખારાં પાણી દક્ષિણ કાસિયાબાદ ગામના ખેતરોમાં ભરાઈ ગયાં છે, પરિણામે ખેતરો તળાવો જેવા દેખાય છે. ઊભા પાકનો નાશ થયો છે અને જમીનની ગુણવત્તાને અસર પહોંચી છે. ગામલોકોને લાગે છે કે હવે અહીં ખેતી શક્ય નથી

PHOTO • Ritayan Mukherjee

અમ્ફાનના વિનાશનું પગેરું કાકદ્વીપમાં બધે દેખાય છે – જેમ કે બરબાદ થઈ ગયેલી હજામની દુકાન

PHOTO • Ritayan Mukherjee

કાકદ્વીપ બ્લોકના નેતાજી પંચાયત વિસ્તારમાં એક નાનકડી બાળકી તેના બરબાદ થયેલા ઘરની સામે રમે છે

PHOTO • Ritayan Mukherjee

દક્ષિણ કાસિયાબાદમાં કેટલાક પરિવારોએ તેમની ચક્રવાતથી નુકસાન પામેલ મિલકતોનું સમારકામ શરૂ કરી દીધું છે. ગામના એક શ્રમિક કહે છે, ' સરકારની સહાય આવે ત્યાં સુધી રાહ જોઈને અમે બેસી રહી શકીએ. આપણે પોતે આપણું કામ શરૂ કરી દઈએ વધારે સારું'

PHOTO • Ritayan Mukherjee

ભજના ગામના મોહમ્મદ કાસેમ કહે છે, ' મેં તાજેતરમાં ઘરની છત બનાવી હતી. હવે તૂટી ગઈ છે. મારે ફરીથી બનાવવી પડશે. પરંતુ તેમાં ઘણો સમય લાગી જશે'

PHOTO • Ritayan Mukherjee

દક્ષિણ કાસિયાબાદમાં મુનિયા બજરીગર પક્ષીઓ સાથે, પક્ષીઓ તોફાનની રાત્રે તેમના પાંજરામાંથી ઉડી ગયા પછી તેમને ફરીથી પકડવામાં મુનિયા સફળ રહી હતી. તેમનો પરિવાર ગામના થોડા પરિવારોમાંનો એક છે જેઓ પક્ષીઓને નજીકના બજારોમાં પાલતુ પક્ષીઓ તરીકે વેચવા માટે ઉછેરે છે. ચક્રવાતે ઘણા પાંજરાઓને નુકસાન પહોંચાડ્યું હતું અને ઘણા પક્ષીઓ ઊડી ગયા હતા

PHOTO • Ritayan Mukherjee

માધબ નગરમાં ચક્રવાતને કારણે વરસેલા મૂશળધાર વરસાદમાં છોટુ ગાયેનના પુસ્તકો ભીંજાઈ ગયા હતા. પરંતુ તેનો ઉત્સાહ જરાય ઓછો નથી થયો છે. તે કહે છે, ' આવી કમનસીબ ઘટનાઓ તો થયા કરે. મને તેની બહુ ચિંતા નથી'

PHOTO • Ritayan Mukherjee

દક્ષિણ કાસિયાબાદ પાસે એક મહિલા માટીના પાળબંધ પર ચાલે છે. તેની બાજુના ડાંગરના ખેતરનો અડધો ભાગ પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે બાકીનો અડધો ભાગ પૂરથી બચી ગયો હતો

PHOTO • Ritayan Mukherjee

દક્ષિણ કાસિયાબાદ ગામ જવાના રસ્તા પરના વૃક્ષો, ચક્રવાતને કારણે તેમના પાંદડા ખરી ગયા છે

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ritayan Mukherjee

ਰਿਤਾਯਾਨ ਕੋਲਕਾਤਾ ਅਧਾਰਤ ਫੋਟੋਗ੍ਰਾਫਰ ਹਨ ਅਤੇ 2016 ਤੋਂ ਪਾਰੀ ਦਾ ਹਿੱਸਾ ਹਨ। ਉਹ ਤਿਬਤੀ-ਪਠਾਰਾਂ ਦੇ ਖਾਨਾਬਦੋਸ਼ ਆਜੜੀਆਂ ਦੀਆਂ ਜਿੰਦਗੀਆਂ ਨੂੰ ਦਰਸਾਉਂਦੇ ਦਸਤਾਵੇਜਾਂ ਦੇ ਦੀਰਘ-ਕਾਲੀਨ ਪ੍ਰੋਜੈਕਟਾਂ ਲਈ ਕੰਮ ਕਰ ਰਹੇ ਹਨ।

Other stories by Ritayan Mukherjee
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik