ડ્રાઈવરે તેને ખાતરી આપી હતી કે એ તેને ઘેર છોડી દેશે, પરંતુ ગાડી વિરુદ્ધ દિશામાં દોડતી રહી. ડ્રાઈવરે હાઈવે પર પહેલો યુ-ટર્ન ન લીધો ત્યારે નેહાએ વિચાર્યું કે તે અજાણતાં જ યુ-ટર્ન લેવાનું ચૂકી ગયો હતો. બીજો યુ-ટર્ન પણ આવીને જતો રહ્યો એ પછી આ 15 વર્ષની કિશોરીની શંકા વધી ગઈ. ત્રીજી વાર પણ એવું જ બન્યું ત્યારે તે ગભરાઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ; તેના હૃદયના ધબકારા જ જાણે બંધ થઈ ગયા.
અસ્વસ્થ અને અનિશ્ચિત નેહા તેના માતાપિતા પાસે જવા માટે બૂમો પાડવા લાગી. ગાડીમાં તેની બાજુમાં બેઠેલી મહિલાએ અને ડ્રાઈવરે ચિંતા ન કરવાનું કહી તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
પરંતુ મનમાં ઊંડે ઊંડે નેહા જાણતી હતી કે તે મોટી મુશ્કેલીમાં છે. તેણે ઝાઝું વિચાર્યા વિના આવેગમાં આવી જઈને ઘર છોડવાનો નિર્ણય લીધો હતો, અને એ માટે તે પહેલેથી જ પસ્તાઈ રહી હતી.
આ વર્ષની શરૂઆતમાં, મે 2023 માં, આ કિશોરીને પોતાના માતાપિતા સાથે ઝગડો થયો હતો, માતાપિતાને લાગ્યું હતું કે તે તેના ફોન પર વધુ સમય વિતાવે છે અને પુસ્તકો વાંચવામાં (ભણવામાં) ઓછો. આ ઝગડાને અંતે નેહાનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
તે આંખ મેળવ્યા વિના નીચી નજરે અને નીચા અવાજે કહે છે, "મારા માતા-પિતાએ મારો મોબાઈલ છીનવી લીધો એનાથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મારે બસ એમનાથી દૂર ભાગી જવું હતું."
તેથી તે સવારે 6 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી અને પડોશની સાંકડી શેરીઓ વટાવીને હાઇવે સુધી પહોંચી ગઈ. હજી સુધી તેના માતા-પિતા પર ગુસ્સે ભરાયેલી નેહાએ તેને પોતાને કંઈ ખ્યાલ આવે એ પહેલા હાઇવે પર લગભગ 7-8 કિલોમીટર ચાલી ચૂકી હતી. અત્યાર સુધીમાં સૂર્ય ઊગ્યાને થોડા કલાકો થઈ ગયા હતા અને તેને તરસ લાગી હતી પરંતુ તેની પાસે પાણીની બોટલ ખરીદવાનાય પૈસા નહોતા.
એક ચમકતી કાળી સેડાન તેની સામે આવીને અટકી. નેહા યાદ કરે છે, "એક પુરુષ ગાડી ચલાવતો હતો અને પાછળ એક મહિલા બેઠી હતી." મહિલાએ બારીનો કાચ નીચો કરીને નેહાને પૂછ્યું હતું કે તેને ઘેર પાછા જવા લિફ્ટ જોઈએ છે? નેહા કહે છે, "તેઓ સારા લોકો હોય એવું લાગતું હતું. હું ખૂબ થાકી ગઈ હતી અને આખે રસ્તે ચાલીને પાછા જવાની મારામાં તાકાત નહોતી અને બસની ટિકિટના મારી પાસે પૈસા નહોતા.”
નેહાએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એર કંડિશનરે તેને આરામ આપ્યો, તેણે માથું પાછળ ટેકવીને રૂમાલ વડે તેના કપાળ પરનો પરસેવો લૂછી નાખ્યો. એ મહિલાએ તેને પાણીની બોટલ ધરી.
જોકે, નેહાની રાહત ટૂંક સમયમાં જ ડરમાં ફેરવાઈ ગઈ કારણ કે એ પુરુષે ગાડી નેહાના ઘરથી દૂર ભગાડવાનું ચાલુ રાખ્યું. નેહાએ બૂમો પાડવાનો અને વિરોધ કરવાનો પ્રયાસ કરી જોયો પરંતુ આખરે એક કલાક પછી જ ગાડી અટકી. ત્યાં સુધીમાં તો તેઓ ભોપાલ પહોંચી ગયા હતા. નેહાનું અપહરણ કરાયું હતું.
ભારતમાં 2016 અને 2021 ની વચ્ચે કુલ 403825 બાળકો ગુમ થયા હતા. આ દુ:ખદાયક આંકડાના આલેખમાં મધ્ય પ્રદેશ રાજ્ય હંમેશ ટોચના સ્થાને રહ્યું છે - એ જ સમયગાળામાં આ રાજ્યમાં સત્તાવાર રીતે (બાળકો ગુમ થયાના) 60031 કેસ નોંધાયા હતા (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો). ચાઈલ્ડ રાઇટ્સ એન્ડ યુ (ક્રાય) દ્વારા દાખલ કરાયેલ આરટીઆઈથી પ્રાપ્ત થયેલ આંકડાઓ અનુસાર 2022 માં 11717 બાળકો ગુમ થયા હતા. એક વર્ષમાં સરેરાશ 10250 અથવા રોજના 28 બાળકો ગુમ થાય છે - આ આંકડો ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં વધુ છે.




