તેઓએ પહેલા એક હોડી લીધી, પછી બે ટ્રેન. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સુંદરવનના ગામોના લગભગ 80 ખેડૂતો 1400 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા. તેઓ 28 મી નવેમ્બરની સવારે કિસાન મુક્તિ મોરચામાં ભાગ લેવા, રેલીમાં તેમની માગણીઓ રજૂ કરવા આવ્યા હતા. તેમની માગણીઓમાં તેમના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, તેમની પેદાશોની વાજબી કિંમતો અને વિધવાઓ માટે પેન્શનનો સમાવેશ થાય છે.
પ્રબીર મિશ્રાએ કહ્યું, “અમે ખેડૂતો ઉપેક્ષિત છીએ. કોઈને અમારી પડી જ નથી. ખેડૂતો માટે નથી કોઈ વિકાસ કે નથી કોઈ યોગ્ય વ્યવસ્થા. તેઓ હવે તેમની મુખ્ય આજીવિકાથી દૂર જઈ રહ્યા છે." તેઓ ઉમેરે છે, "અમે સુંદરવનના લોકોની આજીવિકા માટે સમર્થનની માંગ કરવા માટે એક થયા છીએ. અમે સાથે રહીશું - સુંદરવનના તમામ 19 બ્લોક અને પશ્ચિમ બંગાળ માટે લડવા માટે સાત બ્લોકમાંથી 80 પ્રતિનિધિઓ દિલ્હી આવ્યા છે."
ગુરુદ્વારા શ્રી બાલા સાહિબજી તરફ કૂચ કરતા બીજા લોકો સાથે જોડાતા દુર્ગા નિયોગી કહે છે, "ઘણી પીડા અને વેદના સહન કરીને અમે કંઈક સારું થશે એવી આશા સાથે આ વિકસિત શહેરમાં આવ્યા છીએ." તેઓ ગુરુદ્વારામાં રાત રોકાશે અને બીજે દિવસે રામલીલા મેદાન તરફ કૂચ કરી જશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક