ઝારખંડના ચેચરિયા ગામમાં સવિતા દેવીના માટીના મકાનની દિવાલ પર ડો.બી.આર. આંબેડકરનો ફોટો લટકે છે. સવિતા કહે છે, “બાબાસાહેબે અમને [મતદાનનો અધિકાર] આપ્યો છે, તેથી જ અમે મતદાન કરી શકીએ છીએ."
સવિતા પાસે એક વીઘા (0.75 એકર) જમીન છે જેના પર તેઓ રાબિ (રવિ) મોસમમાં ડાંગર અને મકાઈ અને ખરીફ મોસમમાં ઘઉં, ચણા અને તેલીબિયાંની ખેતી કરે છે. તેમણે વિચાર્યું હતું કે તેઓ તેમના ઘરની પાછળના વાડાની જમીનનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે કરશે. તેઓ કહે છે, "પરંતુ બે વર્ષથી પાણી જ નથી." સતત બે વર્ષોના દુષ્કાળે તેમના પરિવારને દેવામાં ડૂબાડી દીધો છે.
બત્રીસ વર્ષના સવિતા પલામુ જિલ્લાના આ ગામમાં તેમના ચાર બાળકો સાથે રહે છે; તેમના પતિ, 37 વર્ષના પ્રમોદ રામ અહીંથી 2000 કિલોમીટર દૂર બેંગલુરુમાં સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરે છે. આ દલિત દાડિયા મજૂર કહે છે, "સરકાર અમને નોકરીઓ આપતી નથી. બાળકોને ખવડાવવા માટેય અમારી પાસે પૂરતું નથી."
બાંધકામના સ્થળે કામ કરીને પ્રમોદ દર મહિને લગભગ 10000-12000 રુપિયા કમાય છે. કેટલીકવાર તેઓ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે, પરંતુ એ કામ આખું વર્ષ મળતું નથી. સવિતા કહે છે, "પુરુષો ચાર મહિના ઘરે બેસી રહે તો અમારે ભીખ માગવા વારો આવે." તેઓ પૂછે છે, "[સ્થળાંતર ન કરીએ તો] અમે બીજું કરીએ શું?”
(વસ્તીગણતરી 2011 પ્રમાણે) 960 રહેવાસીઓના ગામ ચેચરિયાના મોટાભાગના પુરુષો કામની શોધમાં ગામ છોડી જાય છે. સવિતાના 60 વર્ષના સાસુ સુરપતિ દેવી સ્થળાંતરનું કારણ સ્પષ્ટ કરતા જણાવે છે, "અહીં નોકરીની તકો નથી, જો અહીં જ કામ મળી રહેતું હોય તો લોકો બહાર શા માટે જાય?"












