જીવનભર હંકારું
નાવ
તોય આવે નહીં
કિનારો
એટલો અફાટ છે
સાગર
ને
પાછાં ઉઠે છે
તોફાનો

નથી દેખાતું
એધાણ
પાર ઊતરવાનું
તોય મુકાતાં નથી
હલેસાં

અને હલેસાં એમણે ક્યારેય ન મૂક્યાં, તેમના જીવનની અંતિમ ક્ષણોમાં પણ નહીં, જ્યારે તેઓ ફેફસાના કેન્સર સાથે હારવાના વાંકે લડી રહ્યા હતા.

સમય પીડાદાયક હતો. તેમને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. સાંધામાં દુખાવો થતો હતો. એનિમિયા, સતત ઘટી રહેલું વજન અને બીજી ઘણી સમસ્યાઓ હતી. જો લાંબો સમય બેસવાનું થાય તો ખૂબ થાકી જતા. અને આમ છતાં વજેસિંહ પારગીએ અમને તેમના હોસ્પિટલના રૂમમાં આવકાર્યાં અને જીવન અને કવિતા વિશે વાતો કરવા તૈયાર થયા.

અને જીવન તો કેવું? બેરહમ. દાહોદના ઇટાવા ગામમાં ગરીબ ભીલ આદિવાસી સમુદાયમાં જનમ - આધાર કાર્ડ મુજબ 1963 માં. અને ત્યારથી લઈને ક્યારેય જીવને એમની પર મહેર રાખેલી નહીં.

ચિસ્કા ભાઈ અને ચતુરા બેનના મોટા દીકરા તરીકે ઉછરવાના તેમના અનુભવોનો સારાંશ આપતા, વજેસિંહ માત્ર એક જ શબ્દ રદીફની જેમ વારંવાર બોલે છે, "ગરીબી... ગરીબી." અને પછી એ બે ઘડી સાવ ચૂપ થઇ જાય  છે. એમની ઊંડી ઊતરી ગયેલી આંખો ચોળતાં એ પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લે છે. જાણે આંખ સામે જિદ્દી જાળાંની જેમ અવરજવર કરતી બાળપણની એ  છબીઓથી છૂટકારો મેળવવા ઠાલો પ્રયત્ન ન કરતા હોય.  "ઘરમાં ખાવા માટે પૂરતા પૈસા ક્યારેય નહોતા."

પૂરી થઈ જાય જિંદગી
પણ
પૂરી થાય પરકમ્મા

પૃથ્વીથી મોટો છે
રોટલાનો વ્યાસ

ભૂખ્યાજનો સિવાય
કોઈ જાણતું નથી
કેટલો છે
રોટલાનો વ્યાપ

દાહોદના કાઝીગર મેડિકલ નર્સિંગ હોમમાં જ્યાં તેઓ ઉપશામક સંભાળ મેળવી રહ્યા હતા, ત્યાં તેમના હોસ્પિટલના ખાટલામાં બેઠા વજેસિંહે અમને તેમની કવિતાઓ વાંચી સંભળાવી

આ આદિવાસી કવિને એમની કવિતાનું પઠન કરતા સાંભળો

"મારે એવું ન કહેવું જોઈએ, પરંતુ અમારા મા બાપ એવા નહોતા કે જેમની પર અમને ગર્વ થાય," વજેસિંહ કબૂલ કરે છે. અને એમના શરીરની પહેલેથી જ નબળી આકૃતિ એક ઊંડી વેદના અને શરમના ભાર તળે વધુ સંકોચાય છે. "હું જાણું છું કે મારે આવી વાતો ન કરવી જોઈએ, પણ હવે બોલાઈ ગયું તો..." દાહોદના કાઈઝર મેડિકલ નર્સિંગ હોમના નાના રૂમના એક ખૂણામાં પતરાના સ્ટૂલ પર બેઠેલી લગભગ 85 વર્ષની તેમની વૃદ્ધ માતા સાંભળે ઓછું છે. “મેં ફક્ત મારા માતા-પિતાનો સંઘર્ષ જોયો છે.  બંને મજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હતા. તેમની બે બહેનો, ચાર ભાઈઓ અને માતા-પિતા ગામમાં એક નાનકડા, એક ઓરડાના, ઈંટ અને માટીના મકાનમાં રહેતા હતા. વજેસિંહ જ્યારે ઇટાવા છોડીને રોજગારની શોધમાં અમદાવાદ આવ્યા ત્યારે પણ તેઓ થલતેજની ચાલમાં એક સાવ નાની ભાડાની  ઓરડીમાં રહેતા. જે એમના નજીકના મિત્રોએ પણ ભાગ્યે જ જોઈ હશે.

ઊભા થઇએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાખ્યો જન્મારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ.

વંચિતતાની આ વારતા એકલા વજેસિંહની નહોતી; કવિનો પરિવાર જે પ્રદેશમાં રહે છે તે પ્રદેશમાં ભૂખ અને ગરીબી એ વર્ષો જૂની  હકીકત રહી છે.  દાહોદ જિલ્લાની લગભગ 74 ટકા વસ્તી અનુસૂચિત જનજાતિની છે, જેમાંથી 90 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ નાના કદના પ્લોટ અને મોટાભાગે સૂકી અને દુષ્કાળગ્રસ્ત જમીનની ઓછી ઉત્પાદકતાને કારણે પર્યાપ્ત આવકની ખાતરી હોતી નથી. તાજેતરના બહુપરિમાણીય ગરીબી સર્વેક્ષણ મુજબ  આજે પણ આ પ્રદેશમાં ગરીબીનો દર રાજ્યમાં સૌથી વધુ 38.27 ટકા જેટલો જોવા મળે છે.

માતા તરીકેના તેમના જીવન વિશે વાત કરતા વજેસિંહના માતા ચતુરાબેન કહે છે, "ગની તકલી કરી ને મોટા કરીયા સે એ લોકને ધંધા કરી કરીને. મઝૂરી કરીને, ઘેરનુ કરીને, બીઝાનુ કરીને ખવાડ્યુ છ. [મેં સખત મહેનત કરી છે. ઘેર કામ કર્યું, બીજાના ઘેર કામ કર્યું અને ગમેતેમ કરીને  એમને ખાવા ભેગા કર્યા.]”  ઘણીવાર છોકરાં માત્ર જુવારની રાબ ખાઈને પણ જીવ્યા છે, અને ભૂખ્યા શાળાએ ગયા છે. તેઓ કહે છે કે બાળકોને ઉછેરવાનું ક્યારેય સરળ નહોતું.

ગુજરાતના વંચિત સમુદાયોના અવાજને સમર્પિત સામાયિક નિર્ધારના 2009ના અંક માટે તેમણે લખેલા બે ભાગના સંસ્મરણોમાં, વજેસિંહે એક વિશાળ દિલના આદિવાસી પરિવારની વાત કરે છે. જોખો ડામોર અને તેમનું કુટુંબ એક સાંજે નિશાળેથી પાછા ફરતાં વરસાદમાં ફસાઈ ગયેલા વજેસિંહ અને એમના ચાર પાંચ મિત્રોને આશરો આપે છે. અને એમના ઘરમાં મહેમાન આ છોકરાઓને ખવડાવવા માટે આખું કુટુંબ અને એમના પોતાના છોકરાં પણ ભૂખ્યા રહે છે. આ ઘટના વિશે વાત કરતા વજેસિંહ કહે છે, "ભાદરવો એટલે અમારા લોકો માટે ભૂખમરાનો મહિનો." ભાદરવો એ ગુજરાતમાં પ્રચલિત હિંદુ વિક્રમ સંવત કેલેન્ડર મુજબ અગિયારમો મહિનો છે, જે સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં સપ્ટેમ્બરની આસપાસ આવે છે.

“દાણાપાણી ખૂટી ગયાં હોય, ખેતરોમાં ધાન પાકયું હોય પણ હજુ લીલું હોય, એટલે છતે ધાને ભૂખે મારવાનું કરમમાં લખાયેલું. ભાદરવામાં કોઈક જ ઘરમાં સવારસાંજ ચૂલા સળગે. પાછલું વરસ કાળદુકાળનું હોય તો, કેટલાંય ઘરોમાં મહુડાં શેકીને કે બાફીને ખાઈ લેવાનું ને કપરા દિવસો કાપવાના એવી દારુણ ગરીબીનો અભિશાપ લઈને જન્મેલી અમારી કોમ."

Left: The poet’s house in his village Itawa, Dahod.
PHOTO • Umesh Solanki
Right: The poet in Kaizar Medical Nursing Home with his mother.
PHOTO • Umesh Solanki

ડાબે: દાહોદના ઇટાવા ગામમાં કવિનું ઘર. જમણે: કૈઝર મેડિકલ નર્સિંગ હોમમાં કવિ તેમની મા સાથે

પરંતુ વજેસિંહ કહે છે તે વખતના લોકો ભૂખે મરે પણ આજની પેઢીની જેમ ઘર-ગામ છોડીને મજૂરી કરવા ખેડા, વડોદરા, અમદાવાદ ના જાય. સમાજમાં શિક્ષણનું બહુ મૂલ્ય નહીં. “અમારે મન ઢોરાં ચરાવવા જવું ને નિશાળે જવું બંને સરખું.  અમારાં માં-બાપ ને માસ્તરોની પણ એક જ મંછા - છોરાને  લખતાં-વાંચતાં આવડે એટલે પત્યું. આપણે ક્યાં ભણીને રાજ લેવાનું છે!"

જો કે વજેસિંહનાં સપનાં હતાં - વૃક્ષો સાથે ઉડવાનાં, પક્ષીઓ સાથે વાતો કરવાનાં, પરીઓની પાંખો પર બેસીને દરિયા પાર થવાનાં. તેમને આશાઓ હતી - દેવતાઓ તેમને મુશ્કેલીઓમાંથી બચાવશે, સત્યની જીત અને અસત્યની હાર થતી જોશે, ભોળા લોકોના બેલી ભગવાન હશે; બધું દાદાની  કહેલી વાર્તાઓમાં થતું એમ થશે. પણ જીવન કાલ્પનિક કથાઓથી સાવ વિપરીત રહયું

ને તોય
બાળપણમાં રોપાયેલી
કંઈ અદ્દભુત બનશેની આશા ડગી નહીં
એટલે તો હું હજુ
કોઈક દિવસ
એકાદ અદ્દભુત ઘટના બનાશેની આશા પર
જીવ્યે જાઉં છું
જિવાય નહીં એવી જિંદગી.

અને આ આશાના બળે જ એમને પોતાના શિક્ષણ માટે જીવનભર સંઘર્ષ કર્યો. એકવાર શાળાના માર્ગે સાવ અણધાર્યા પહોંચી ગયા બાદ વજેસિંહ એ પથ પર અડ્યા રહ્યા. પછી ભલેને શાળાએ પહોંચવા માટે છ-સાત કિલોમીટર ચાલીને જવું પડે, હોસ્ટેલમાં રહેવું પડે, ભૂખ્યા પેટે સૂઈ જવું પડે, ખાવાનું શોધવા ઘેર-ઘેર  ભટકવું પડે, કે પછી ક્યારેક પ્રિન્સિપાલ માટે દારૂની બોટલ પણ ખરીદવી પડે. જયારે ગામમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળા ન હતી ત્યારે પણ, દાહોદ જવા માટે વાહનવ્યવહારની કોઈ સગવડ ન હતી ત્યારે પણ, દાહોદમાં જગ્યા ભાડે આપવાના પૈસા ન હોય ત્યારે પણ તેમની શિક્ષણ માટેની ધગશ જીવિત રહી. એના ખરચાને પહોંચી વળવા બાંધકામ થતું હોય ત્યાં જઈને મજૂરી કરવી પડે, કે  રેલ્વે પ્લેટફોર્મ પર રાતો વિતાવવી પડે, ભૂખ્યા પેટે સૂવું અને જાગવું પડે, કે બોર્ડની પરીક્ષા આપતા પહેલા તૈયાર થવા માટે જાહેર બાથરૂમનો ઉપયોગ કરવો પડે, વજેસિંહ એ બધુંય કરી છૂટ્યા.

જિંદગીથી ન હારવાની જાણે વજેસિંહે હઠ લીધી હતી.

જીવતાંજીવતાં ઘણી વાર
જોંબો આવે
નાડી તૂટે
ને થઇ જવાય
ભોં ભેળું

તોય હરેક વાર
અંદરથી જન્મે
નહીં મારવાની જીવરી ટેક
ને થઇ જવાય બેઠું
ફરી ફરી જીવવાને

વજેસિંહનું સાચું શિક્ષણ, કે પછી શિક્ષણનો સૌથી વધુ આનંદ આપનાર ગાળો શરુ થયો એમના ગુજરાતી વિષય સાથે બી.એ. માટે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જોડાયા બાદ. ગુજરાતીમાં. તેમણે સ્નાતક થયા બાદ અનુસ્નાતક પ્રોગ્રામમાં પ્રવેશ લીધો. જો કે, M.A.ના પ્રથમ વર્ષ પછી વજેસિંહે એને પડતું મૂકી, બી.એડ કરવાનું નક્કી કર્યું. તેમને પૈસાની જરૂર હતી અને શિક્ષક બનવાની ઈચ્છા પણ.  બી.એડ. પૂરું કર્યા પછી થોડા સમયમાં જ  વજેસિંહ એક લડાઈ-ઝગડાની વચમાં ફસાયા ને સાવ અચાનક એક બંદૂકની ગોળીનો શિકાર બન્યા. અકસ્માતે યુવાન આદિવાસીના જડબા અને ગળાને વીંધી ગયેલી ગોળી  જીવનની દિશા પલટી નાખનારી રહી. કારણ વજેસિંહનો અવાજ પણ એ ઈજાથી કાયમી રીતે ઘવાયો, અને સાત વર્ષની સારવાર, 14 સર્જરીઓ અને માથે દેવાના ડુંગર છતાં પણ કોઈ સુધારોની શક્યતા જણાઈ નહીં.

Born in a poor Adivasi family, Vajesinh lived a life of struggle, his battle with lung cancer in the last two years being the latest.
PHOTO • Umesh Solanki
Born in a poor Adivasi family, Vajesinh lived a life of struggle, his battle with lung cancer in the last two years being the latest.
PHOTO • Umesh Solanki

ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલા વજેસિંહે સંઘર્ષભર્યું જીવન જીવ્યા. એમની આખરી લડાઈ છેલ્લા બે વર્ષમાં ફેફસાના કેન્સર સામે રહી

તે બેવડો ફટકો હતો. એક તો એવા સમુદાયમાં જન્મ કે જેનો પહેલીથી જ સમાજમાં અવાજ પહેલેથી ઓછો સંભળાય, તેમાં વળી આ વ્યક્તિગત રૂપે મળેલો વજેસિંહનો આગવો અવાજ પણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો. તેમનું શિક્ષક બનવાનું સપનું સંકેલાઇ ગયું. હવે કવિ મજૂરી, સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચમાં કોન્ટ્રાક્ટ પર કામ અને પછી પ્રૂફ રીડિંગ તરફ વળ્યા. અને આ  પ્રૂફરીડર તરીકેના તેમના કામમાં વજેસિંહ તેમના પ્રથમ પ્રેમ - ભાષા સાથે ફરીથી જોડાયા. કામ કરતાં કરતાં બે દાયકામાં લખાયેલું ઘણું બધું વાંચ્યું.

અને એ વિષે એમના પ્રતિભાવ?

"ભાષા વિશે હું તમને સાવ સાચું કહું તો," વજેસિંહના અવાજમાં એક નવો ઉત્સાહ ઉભરાઈ આવે  છે. "ગુજરાતી સાહિત્યકારો ભાષા પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર છે. કવિઓમાં સંવેદનશીલતા જેવું છે  જ નહીં. મોટાભાગના તો માત્ર ગઝલો લખે છે અને તેમને  માત્ર લાગણીની જ પડી છે. એ લોકો વિચારે છે કે તેનું જ મહત્વ છે. શબ્દો તો ઠીક હો,ય."  શબ્દોની આ ઝીણવટભરી સમજ, તેની પસંદગી, ગોઠવણી અને ચોક્કસ અનુભવોને અભિવ્યક્તિ આપવાની શબ્દોની શક્તિ વિશેની પોતાની એક આંતરસૂઝને વજેસિંહ તેમની પોતાની કવિતાઓમાં લાવ્યા.  બે સંગ્રહોમાં સુગઠિત એ કવિતાઓ  મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યમાં અપરિચિત અને અજાણી રહી.

"મને લાગે છે કે મારે વધારે અને નિયમિત લખવાની જરૂર છે," પોતાની ગણના ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર કવિઓમાં કેમ નથી થતી એ વિષે તર્ક કરતા વજેસિંહ બોલ્યા. “એક-બે કવિતા લખો તો કોણ નોંધ લે? બે સંગ્રહ તાજેતરના છે. મેં નામ માટે ક્યારેય નથી લખ્યું. પણ  હું નિયમિત લખી શકતો નથી. કદાચ મેં બહુ ગંભીરતાથી કંઈ લખ્યું પણ નથી, મને લાગે છે. ભૂખ તો અમારા જીવનમાં વણાઈ ગઈ હતી, એટલે મેં તેના વિશે લખ્યું. તે માત્ર એક સ્વાભાવિક અભિવ્યક્તિ હતી." તેઓ અમારી વાતચીત દરમિયાન પોતાની હયાતીને સતત ભૂંસતા રહ્યા. વ્યક્તિત્વની ઋજુતા કહો, કે નમ્રતા, વજેસિંહને નહોતી કરવી દોષની ન્યાયપૂર્ણ વહેંચણી, નહોતા ઉખેળવા જૂના ઘા ફરી ફરી, નહોતો કરવો દાવો પોતાના હિસ્સાના તેજ માટે.  પરંતુ તે બરોબર  જાણતા હતા કે ...

કોઈકતો
ગાળીને બેઠું છે
અમારા ભાગનું અજ્વાળું

જિંદગી આખી
સળગ્યા છીએ
સૂરજની સાથે
તોય થયું નહીં
ઊજમાળું
કોઈ દહાડો

પૂર્વગ્રહ, તેમની કુશળતાનું ઓછું અંકાયેલું મૂલ્ય અને ભેદભાવ ભર્યો વ્યવહાર એ સૌએ તેમના પ્રૂફરીડર તરીકેના વ્યાવસાયિક જીવનને પણ ચિહ્નિત કર્યું. એકવાર, એક મીડિયા હાઉસમાં વજેસિંહે 'A' ગ્રેડ સાથે પ્રવેશ પરીક્ષા પાસ કરી. અને છતાંય તેમને 'C' ગ્રેડ સાથે પાસ થનારાઓને ઓફર કરવામાં આવતા પગાર ધોરણ કરતાં નોંધપાત્ર રીતે ઓછા પગાર ધોરણની ઓફર કરવામાં આવી. વજેસિંહની અકળામણનો પર નહોતો. તેમણે આવા નિર્ણય પાછળના સિદ્ધાંતો પર સવાલ ઉઠાવ્યા. અને અંતે નોકરીને ઠુકરાવી.

Ocean deep as to drown this world, and these poems are paper boats'.
PHOTO • Umesh Solanki

'દરિયો તો દુનિયા ડૂબાડી દે એવો, ને કવિતા તો કાગળની હોડી'

અમદાવાદમાં તેમણે જુદા જુદા પ્રસાર માધ્યમ સાથે નાના નાના કોન્ટ્રાક્ટના ધોરણે કામ કર્યું. કિરીટ પરમાર જ્યારે વજેસિંહને પહેલીવાર મળ્યા ત્યારે તેઓ અભિયાન માટે લખતા હતા. તેઓ કહે છે, “2008માં જ્યારે હું અભિયાનમાં જોડાયો હતો ત્યારે વજેસિંહ સમભાવ મીડિયામાં કામ કરતા હતા. અધિકૃત રીતે તેઓ પ્રૂફરીડર હતા, પણ  અમે બધા જાણતા હતા કે અમે વજેસિંહને પ્રત આપીએ એટલે એ એને સંપાદકની નજરથી હાથમાં લેશે, ફેરફાર કરશે, લેખને  એક માળખું અને આકાર આપવા એની સામગ્રી સાથે કામ કરશે. ભાષાની એક અદ્ભુત સૂઝ  એમનામાં હતી. પરંતુ તે માણસને મળવું જોઈતું  હતું એટલું માન ક્યારેય મળ્યું નથી, ના જેને લાયક હતો એવી કોઈ તક મળી."

સમભાવમાં તેઓ મહિને માંડ 6,000 રૂપિયા કમાતા હતા. તેમણે કમાયેલા પૈસા તેમના પરિવારની સંભાળ રાખવા માટે, તેમના ભાઈઓ અને બહેનોના શિક્ષણ માટે અને અમદાવાદમાં જીવન નિર્વાહ કરવા માટે ક્યારેય પૂરતા ન હતા. એટલે એમણે ઇમેજ પબ્લિકેશન્સ સાથે ફ્રીલાન્સ કામ કરવાનું શરૂ કર્યું, ઓફિસમાં લાંબા દિવસ પછી ઘેર આવીને વધુ કામ કર્યું.

તેમના સૌથી નાના ભાઈ મુકેશ પારગી, 37, કહે છે, “અમે અમારા બાપાને ગુમાવ્યા ત્યારથી લઈને વજેસિંહ મારા પિતા હતા, ભાઈ નહોતા. મને યાદ છે કે એ થલતેજના એક તૂટેલા નાના ઓરડામાં રહેતા. તેમના રૂમના ટીનના છાપરા પર અમે આખી રાત કૂતરા દોડાદોડ કરતા સાંભળતા. તે જે 5000-6000 [રુપિયા] કમાતા હતા, તેમાં તે ભાગ્યે જ પોતાની સંભાળ રાખી શકે એમ હતું. એટલે એમણે બહારનું બીજું કામ કર્યું જેથી તે અમારા શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે. આ વાત હું ભૂલી શકું એમ નથી.”

છેલ્લાં પાંચ-છ વર્ષથી વજેસિંહ અમદાવાદમાં પ્રૂફરીડિંગ સેવાઓ આપતી ખાનગી કંપનીમાં જોડાયા. “મેં મોટાભાગનું જીવન કરાર પર કામ કર્યું છે. હમણાં છેલ્લો સિગ્નેટ ઇન્ફોટેક સાથે છે. ગાંધીજીના નવજીવન પ્રેસનો સિગ્નેટ સાથે કરાર હતો અને એટલે મારે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો પર કામ કરવાનું થયું. નવજીવન પહેલાં મેં અન્ય પ્રકાશનો સાથે પણ કામ કર્યું,” વજેસિંહ કહે છે. "પરંતુ ગુજરાતમાં કોઈ પ્રકાશક પાસે કાયમી પ્રૂફરીડર માટે જગ્યા નથી."

કિરીટ પરમાર, એક મિત્ર અને લેખક સાથેની વાતચીતમાં , વજેસિંહ કહે છે, “ગુજરાતીમાં સારા પ્રૂફરીડરો ન મળવાના કારણોમાં એક કારણ એ પણ છે કે પ્રૂફરીડરને યોગ્ય વળતર મળતું નથી. પ્રૂફરીડર એ ગુજરાતી વાણીરાણીનો વકીલ છે. એને યોગ્ય પ્રતિષ્ડતા ને પૈસા મળવા જ જોઈએ. પ્રૂફરીડર લુપ્ત થતી જાતિ છે. એના લુપ્ત થવામાં નુકસાન ગુજરાતી ભાષાને જ છે."  વજેસિંહે ગુજરાતી પ્રસાર માધ્યમોની દયનીય હાલત જોઈ. એમને લાગતું કે અખબારો ભાષાને માન આપતા નથી અને જે કોઈ પણ વાંચી અને લખી શકે તે પ્રૂફરીડર બનવાની લાયકાત ધરાવે છે એમ માનીને ચાલે છે.

વજેસિંહ કહે છે સાહિત્ય જગતમાં, "એક ખોટો ખયાલ એવો પણ પ્રવર્તે છે કે પ્રૂફરીડર પાસે જ્ઞાન, સજ્જતા અને સર્જનાત્મકતા નથી હોતી."  પણ એ પોતે જીવનભર ગુજરાતી ભાષાના સંવર્ધક અને પુરસ્કર્તા રહ્યા. "ગુજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશમાં 5,000 નવા શબ્દો સમાવવા માટેની એક પુરવણી  પ્રકાશિત કરી હતી," કિરીટભાઈ યાદ કરાવે છે, "અને તેમાં ભયંકર ભૂલો હતી - માત્ર જોડણીની જ નહીં પણ હકીકત દોષ, વ્યાકરણ દોષ, વિગત દોષ. બધું ઘણું. અને વજેસિંહે આ તમામ બાબતોની ઝીણવટપૂર્વક નોંધ લીધી અને આની જવાબદારી લેવાની જરૂર માટે દલીલ કરી. વજેસિંહે જે પ્રકારનું કામ કર્યું તે પ્રકારનું કામ કરી શકે એવું કોઈ આજે મને ગુજરાતમાં દેખાતું નથી. તેમણે રાજ્ય બોર્ડના ધોરણ 6, 7, 8ના પાઠ્યપુસ્તકોમાં જોવા મળેલી ભૂલો વિશે પણ લખ્યું છે.”

Vajesinh's relatives in mourning
PHOTO • Umesh Solanki

શોકમાં ગરકાવ વજેસિંહના સ્વજનો

Vajesinh's youngest brother, Mukesh Bhai Pargi on the left and his mother Chatura Ben Pargi on the right
PHOTO • Umesh Solanki
Vajesinh's youngest brother, Mukesh Bhai Pargi on the left and his mother Chatura Ben Pargi on the right
PHOTO • Umesh Solanki

ડાબી બાજુ વજેસિંહના સૌથી નાના ભાઈ મુકેશભાઈ પારગી અને જમણી બાજુ માતા ચતુરા બેન પારગી

તેમની તમામ પ્રતિભા અને ક્ષમતાઓ છતાં આ દુનિયા વજેસિંહને જીવવા માટે શત્રુતાથી ભરેલી, પ્રતિકૂળ જગ્યા રહી. અને તેમ છતાં તેમણે લખી કવિતાઓ આશાની, અડીખમતાની, જિંદગીને એક અદભૂત રીતે જીરવવાની. એ જાણતા હતા કે એમને જીવવા માટે જરૂરી સંસાધનો એમણે પોતે તૈયાર કરવાના છે. એમના હલેસાં એમણે પોતે બનાવવાનાં છે. ભગવાનને તો એમણે ક્યારનો છોડી દીધેલો.

એક હાથમાં ભૂખ
ને બીજા હાથમાં મજૂરીકામ લઈને
હું જન્મ્યો છું
હે સરજનહારા!
તારી પૂજા કરવા
મારે ત્રીજો હાથ ક્યાંથી લાવવો?

વજેસિંહના જીવનમાં ભગવાનની જગ્યા કવિતાએ લીધેલી. તેમની કવિતાઓ 2019માં આગિયાનું અજવાળું અને 2022માં ઝાકળનાં મોતી એવા બે સંગ્રહોમાં  પ્રકાશિત થઇ. એ ગુજરાતી કવિતો ઉપરાંત એમણે એમની માતૃભાષા પંચમહાલી ભીલીમાં પણ થોડી કવિતાઓ લખી.

અન્યાય, શોષણ, ભેદભાવ અને વંચિતતાથી ભરેલા જીવનના અંતે તેમની કવિતાઓમાં નથી દેખાતી  કોઈ રોષની નિશાની, ના કોઈ ફરિયાદ. વજેસિંહ પૂછે છે મને, “ક્યાં કરવાની ફરિયાદ? કોને કરવાની? સમાજને? અમે સમાજને ફરિયાદ કરવા જઈએ તો એ અમારું ગળું ટૂંપી દે."

કવિતા દ્વારા જ વજેસિંહને વ્યક્તિગત સંજોગોથી આગળ વધીને માનવજાતિની પરિસ્થિતિને લગતા વાસ્તવિક સત્ય સાથે જોડાવાની શક્યતાઓ મળી. વર્તમાન ગુજરાતી આદિવાસી અને દલિત સાહિત્યને એ એની વ્યાપકતાના અભાવને કારણે નિષ્ફળ ગણતા. વજેસિંહ કહે છે કે, “હું કેટલુંક દલિત સાહિત્ય વાંચું છું અને મને લાગે છે કે એમાં માનવીય મૂલ્યોનો અભાવ છે. બધા પોતાના પર થયેલા અત્યાચારો વિશે ફરિયાદ કરે રાખે. પણ પછી શું? આદિવાસીઓનો અવાજ હજુ હમણાં જ આવ્યો છે.  એ લોકો પણ પોતાના જીવન વિશે ઘણું બોલે છે. પણ એમાંથી વ્યાપક પ્રશ્નો ક્યારેય ઊભા થતા નથી.”

દાહોદના એક કવિ અને લેખક પ્રવિણભાઈ જાદવ કહે છે, “હું બાળપણથી જયારે પણ  પુસ્તકો વાંચતો હતો ત્યારે મને એ વાતનું આશ્ચર્ય રહેતું કે એમાં આપણા સમુદાય, આપણા પ્રદેશમાંથી કોઈ કવિઓ નથી, એવું કેમ? પછી છેક 2008માં જ મને પ્રથમ વખત વજેસિંહનું નામ એક સંગ્રહમાં જડી આવ્યું. આખરે એ માણસને શોધવામાં મને ચાર વર્ષ લાગ્યાં! અને એમણે પણ મને મળવામાં થોડો સમય લગાડ્યો. વજેસિંહ કોઈ  મુશાયરાના કવિ ન હતા. તેમની કવિતાઓ આપણી પીડાની, વંચિત સમાજના લોકોના જીવનની વાત કરે છે."

કવિતા વજેસિંહના જીવનમાં કોલેજકાળ દરમ્યાન આવી. એમના કહેવા મુજબ એમની પાસે કોઈ ગંભીર અભ્યાસ  કે તાલીમ માટે સમય નહોતો. "કવિતાઓ મારા મનમાં આખો દિવસ ચાલતું મંથન છે," તેઓ  સમજાવે છે. “તે મારા મનનો જે વલોપાત છે, એ ક્યારેક બહાર આવી જાય ક્યારેક રહી જાય. એવું ઘણું બધું છે જે કહેવાયું નથી, લખાયું નથી. હું મારા મગજમાં એક લાંબી પ્રક્રિયા સંઘરી શકતો નથી. એટલે જ મેં ઘણાં નાના કાવ્યો લખવાનું પસંદ કર્યું. અને હજુ પણ ઘણી બધી કવિતાઓ છે જે લખ્યા વગરની રહી ગઈ છે.”

છેલ્લી સ્ટેજના ફેફસાના કેન્સરની જીવલેણ બિમારીવાળા છેલ્લા બે વર્ષમાં એમની ન લખાયેલી કવિતાઓની થપ્પી મોટી ને મોટી થતી ગઈ. અને આજે જ્યારે વજેસિંહના વ્યક્તિગત જીવન અને વેદનાની વચ્ચે એમના શબ્દોથી એમણે સર કરેલા મુકામો જોતાં આપણને થાય કે લખાયા વગરનું તો કવિતા ઉપરાંત કંઈ કેટકેટલું રહી ગયું. એ ‘આગિયાનું અજવાળું’ જે એમણે ફક્ત પોતાને માટે નહીં પણ એમના આખા સમાજ માટે મુઠ્ઠીમાં ઝાલી રાખેલું એ લખાયા વગરનું રહ્યું.  કોઈ છીપના સુરક્ષા કવચ વગર જ તેમના હાથમાં ખીલ્યાં જે 'ઝાકળના મોતી' એ લખાયા વગરના રહ્યાં. આ  ક્રૂર, નિર્દયી વિશ્વમાં કરુણા અને સહાનુભૂતિ જાળવી રાખનાર એમના અવાજના ચમત્કારિક ગુણધર્મો પણ આલેખાયા વગરનાં રહયાં. આપણી ભાષાના શ્રેષ્ઠ કવિઓની યાદીમાં વજેસિંહ પારગીના નામ ને કામ પણ લખાયા વગરનાં જ રહયાં.

One of the finest proofreaders, and rather unappreciated Gujarati poets, Vajesinh fought his battles with life bravely and singlehandedly.
PHOTO • Umesh Solanki

શ્રેષ્ઠ પ્રૂફરીડરમાંના એક, અને ઓછા ગવાયેલા આ ગુજરાતી કવિ, વજેસિંહે એમના જીવનની લડાઈઓ બહાદુરીથી અને સાવ એકલા હાથે લડી

પણ વજેસિંહ ક્યારેય ક્રાંતિના કવિ ના રહ્યાં. તેના માટે શબ્દો તણખા સમાન પણ નહોતા.

પડ્યો પડ્યો રાહ જોઉં છું
કે એક વાર તો ફૂંકાય પવન

ભલે છું રાખની ઢગલી
ભલે પ્રજ્વળી શકું નહીં
કે બાળી શકું નહીં તરણું
પણ આંખમાં પડીને
એકાદને તો કરવો છે
આંખ ચોળતો!

અને હવે આજે જયારે આપણી પાસે એમનાં  લગભગ 70 અપ્રકાશિત કાવ્યોની ઢગલી લઈને બેઠાં છીએ, જેમાંથી ઉઠતી એક એક કણ આપણી આંખો અને આપણા અંતરાત્મા માટે એક તણખાથી વધારે સ્ફોટક છે. અને એટલે આપણે પણ હવે રાહ જોવી ઘટે એ પવનના ફૂંકાવાની.

ઝૂલડી*

નાનપણમાં મારા માટે
બાપા લાવ્યા હતા ઝૂલડી.
ધોતાં ચઢી ગઈ
રંગ ઊપટી ગયો
દોરા ઊબળી ગયા
ઝૂલડી મને ગમી નઈં.
મેં કર્યો કળો -
નથી પહેરવી ઝૂલડી.
માથે હાથ ફેરવીને
માએ સમજાવ્યું હતું -
પહેરી ફાડ બેટા!
ફાટી જશે પછી નવી લાવશું.
આજે તો
અણગમતી ઝૂલડી જેવું
થઈ ગયું છે શરીર.
કરચલીઓ પડી ગઈ છે
સાંધા નંગળી ગયા છે
શ્વાસ લેતાંય ધ્રૂજે છે.
ને હવે જીવ કરે છે કળો -
નથી પહેરવું ખોળિયાને!
હું જેવો ખોળિયું ઉતારવા જાઉં છું
તેવી યાદ આવી જાય છે મા
ને માની વહાલભરી સમજાવટ -
પહેરી ફાડ બેટા!
ફાટી જશે પછી...

તેમની અપ્રકાશિત ગુજરાતી કવિતાઓમાંથી
* ઝૂલડી આદિવાસી સમુદાયોમાં બાળકો દ્વારા પહેરવામાં આવતા પરંપરાગત ભરતકામવાળો પોશાક છે.


લેખિકા વજેસિંહ પારગીના ઋણી છે, જેમણે એમના નિધનના થોડા દિવસો પહેલાં PARI સાથે લાંબો સમય શારીરિક તકલીફોને અવગણીને જીવન અને કવિતાઓ વિષે વાતો કરી હતી. આ સાથે આ લેખને શક્ય બનાવવામાં સહાય આપવા બદલ લેખક વજેસિંહના ભાઈ મુકેશ પારગી, એક કવિ અને સામાજિક કાર્યકર કાનજી પટેલ, નિર્ધારના તંત્રી ઉમેશ સોલંકી, વજેસિંહના મિત્ર અને લેખક કિરીટ પરમાર અને તેમજ ગલાલીયાવાડ પ્રાથમિક શાળાના શિક્ષક સતીશ પરમારના પણ અત્યંત આભારી છે.

Pratishtha Pandya

ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਪਾਂਡਿਆ PARI ਵਿੱਚ ਇੱਕ ਸੀਨੀਅਰ ਸੰਪਾਦਕ ਹਨ ਜਿੱਥੇ ਉਹ PARI ਦੇ ਰਚਨਾਤਮਕ ਲੇਖਣ ਭਾਗ ਦੀ ਅਗਵਾਈ ਕਰਦੀ ਹਨ। ਉਹ ਪਾਰੀਭਾਸ਼ਾ ਟੀਮ ਦੀ ਮੈਂਬਰ ਵੀ ਹਨ ਅਤੇ ਗੁਜਰਾਤੀ ਵਿੱਚ ਕਹਾਣੀਆਂ ਦਾ ਅਨੁਵਾਦ ਅਤੇ ਸੰਪਾਦਨ ਵੀ ਕਰਦੀ ਹਨ। ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਦੀਆਂ ਕਵਿਤਾਵਾਂ ਗੁਜਰਾਤੀ ਅਤੇ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿੱਚ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਹੋ ਚੁੱਕਿਆਂ ਹਨ।

Other stories by Pratishtha Pandya
Photos and Video : Umesh Solanki

ਉਮੇਸ਼ ਸੋਲਾਂਕੀ ਅਹਿਮਦਾਬਾਦ ਦੇ ਇੱਕ ਫ਼ੋਟੋਗ੍ਰਾਫ਼ਰ, ਡਾਕਿਊਮੈਂਟਰੀ ਫ਼ਿਲਮਮੇਕਰ ਤੇ ਲੇਖਕ ਹਨ, ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਪੱਤਰਕਾਰਤਾ ਵਿੱਚ ਮਾਸਟਰ ਕੀਤਾ ਹੈ। ਉਹ ਖ਼ਾਨਾਬਦੋਸ਼ ਹੋਂਦ (ਆਜੜੀਆਂ ਦੇ ਜੀਵਨ) ਨੂੰ ਪਿਆਰ ਕਰਦੇ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਕੋਲ਼ ਤਿੰਨ ਪ੍ਰਕਾਸ਼ਤ ਕਾਵਿ-ਸੰਗ੍ਰਹਿ, ਇੱਕ ਨਾਵਲ-ਇੰਨ-ਵਰਸ, ਇੱਕ ਨਾਵਲ ਤੇ ਸਿਰਜਾਣਤਮਕ ਗ਼ੈਰ-ਕਲਪ ਦਾ ਇੱਕ ਪੂਰਾ ਸੰਗ੍ਰਹਿ ਮੌਜੂਦ ਹੈ।

Other stories by Umesh Solanki

ਪੀ ਸਾਈਨਾਥ People’s Archive of Rural India ਦੇ ਮੋਢੀ-ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਕਈ ਦਹਾਕਿਆਂ ਤੋਂ ਦਿਹਾਤੀ ਭਾਰਤ ਨੂੰ ਪਾਠਕਾਂ ਦੇ ਰੂ-ਬ-ਰੂ ਕਰਵਾ ਰਹੇ ਹਨ। Everybody Loves a Good Drought ਉਨ੍ਹਾਂ ਦੀ ਪ੍ਰਸਿੱਧ ਕਿਤਾਬ ਹੈ। ਅਮਰਤਿਆ ਸੇਨ ਨੇ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਕਾਲ (famine) ਅਤੇ ਭੁੱਖਮਰੀ (hunger) ਬਾਰੇ ਸੰਸਾਰ ਦੇ ਮਹਾਂ ਮਾਹਿਰਾਂ ਵਿਚ ਸ਼ੁਮਾਰ ਕੀਤਾ ਹੈ।

Other stories by P. Sainath