અંજન ગામની સીમમાં આવેલ એક પવિત્ર ટેકરી પર ભગવા અને સફેદ બંને રંગની ધજાઓ ફરકે છે. સફેદ ધજાઓ પ્રકૃતિની પૂજા કરતા આદિવાસી સમુદાયોના સરના અનુયાયીઓ - આ કિસ્સામાં ઉરાંઓ આદિવાસીઓ - ની છે, જ્યારે ભગવી ધજા ઝારખંડના ગુમલા જિલ્લામાં આ ટેકરીની ટોચ પર 1985 માં હનુમાન મંદિર બાંધનાર હિન્દુઓની છે. તેમનો દાવો છે કે આ જગ્યા એ હિન્દુ દેવતાનું (હનુમાનનું) જન્મસ્થળ છે.
વાંસના દરવાજા પરના બે મોટા બેનરો પર બે સમિતિઓના નામ છે. વન વિભાગ અને (સંયુક્ત ગ્રામ વન પ્રબંધન સમિતિ તરીકે સંગઠિત) અંજનના લોકો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતું ગુમલા વન પ્રબંધન મંડલ 2016 થી આ તીર્થસ્થળનું સંચાલન સંભાળે છે. 2019 માં સ્થાપિત અંજન ધામ મંદિર વિકાસ સમિતિ ઓફ હિન્દુસ આ મંદિરનું સંચાલન સંભાળે છે.
મુલાકાતીઓને આવકારતા આ દરવાજાની અંદર જઈએ કે તરત જ સામે બે દાદરા છે, બંને અલગ-અલગ પૂજા સ્થળ તરફ દોરી જાય છે. એક દાદરો તમને સીધા ટેકરીની ટોચ પર આવેલા હનુમાન મંદિરમાં લઈ જાય છે. બીજો દાદરો તમને બે ગુફાઓ તરફ દોરી જાય છે, હિન્દુ મંદિર અસ્તિત્વમાં આવ્યું તે પહેલા સદીઓથી આદિવાસી પાહનો આ ગુફાઓમાં પૂજા કરતા હતા.
બે અલગ-અલગ જૂથોની ધાર્મિક આસ્થાને પોષતા તેમના આગવા પૂજા સ્થાનોની નજીક બે જુદા જુદા દેવો માટે બે જુદી જુદી દાન પેટીઓ મૂકવામાં આવી છે - એક ગુફા પાસે અને એક મંદિરની અંદર. ત્રીજી દાન પેટી બજરંગ દળની છે અને આંગણામાં રાખેલી છે. આ પેટીમાંના ભંડોળનો ઉપયોગ મંગળવારના ભંડારા માટે કરવામાં આવે છે, મંગળવારના ભંડારામાં શ્રદ્ધાળુ સંતોને ભોજન કરાવવામાં આવે છે. અને ગામની નજીક, ટેકરીની તળેટીમાં એક બીજી દાન પેટી છે, એ પેટીમાંનું ભંડોળ આદિવાસીઓને પૂજા માટેની સામગ્રી અને પ્રસાદ ખરીદવામાં મદદરૂપ થાય છે.
આ ધાર્મિક સ્થળ પરની વિચિત્ર પૂજા વ્યવસ્થા વિશે મારી ઉત્સુકતાને શાંત કરતા ગામના ભૂતપૂર્વ વડા 42 વર્ષના રંજય ઉરાંઓ કહે છે, “આ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. અંજનમાં પહેલાં કોઈ પંડિત નહોતા. બનારસના પંડિતો હાલ થોડા વખત પહેલા જ આ વિસ્તારમાં આવ્યા છે. અહીંના ઉરાંઓ આદિવાસીઓ વર્ષોથી પ્રકૃતિ દેવી અંજનીની પૂજા કરે છે, પરંતુ અંજનીનું હનુમાન સાથે કોઈ સગપણ છે એવી તો અમને ક્યારેય ખબર જ નહોતી."
રંજય કહે છે, "પંડિતો આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે હકીકતમાં અંજની હનુમાનની માતા હતી. એ પછી અંજનને હનુમાનનું પવિત્ર જન્મસ્થળ જાહેર કરવામાં આવ્યું. અને કોઈ કંઈ સમજે તે પહેલા તો ટેકરીની ટોચ પર એક હનુમાન મંદિર ખડું કરી દેવામાં આવ્યું અને તે સ્થળને અંજન ધામ તરીકે જાહેર કરવામાં આવ્યું.”










