શ્રમિક વર્ગના લોકો ઘસાઈ ગયેલા પગરખાં પણ સાચવીને રાખે છે. માલ ચડાવનારાના સેન્ડલમાં ગોબા પડેલા હોય છે અને તેના અંદરના તળિયા અંદરની તરફ વળી ગયેલા હોય છે, તો લાકડા કાપનારાના ચપ્પલ કાંટાથી ભરેલા હોય છે. મારા પોતાના ચપ્પલને અકબંધ રાખવા માટે મેં ઘણી વખત સેફ્ટી પિન લગાડીને તેની મરામત કરી છે.
સમગ્ર ભારતમાં મારી સફર દરમિયાન મેં સતત પગરખાંની છબીઓ લીધી છે, અને મેં મારા ફોટાઓમાં આ વાર્તાઓ શોધવાનું શરૂ કર્યું છે. આવા પગરખાંની વાર્તાઓ મારફત મારી પોતાની સફર પણ છતી થાય છે.
કામના સંદર્ભમાં ખેડેલી ઓડિશાના જાજપુરની તાજેતરની સફર દરમિયાન મને બારાબંકી અને પુરણમંતિરા ગામની શાળાઓની મુલાકાત લેવાની તક મળી હતી. અમે ત્યાં પહોંચીએ ત્યારે આદિવાસી સમુદાયના લોકો જ્યાં ભેગા થયા હોય એ ઓરડાની બહાર ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત ગોઠવીને કાઢેલા પગરખાં જોઈ મને હંમેશ નવાઈ લાગતી.
શરૂઆતમાં મેં બહુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ આ સફરના ત્રણ દિવસ પછી ઘસાઈ ગયેલા સેન્ડલ તરફ મારું ધ્યાન જવા લાગ્યું, તેમાંના કેટલાકમાં કાણાં પણ હતા.
























