જ્યારે જ્યારે હું મારા પોતાના લોકોના મૃત્યુ વિષે લખવાનો પ્રયત્ન કરું છું ત્યારે ત્યારે મારું મન વિચારશૂન્ય-જડ બની જાય છે.
આપણી આસપાસની દુનિયા ઘણી આગળ વધી ગઈ છે છતાં આપણો સમાજ હાથેથી મેલું સાફ કરનાર શ્રમિકોની જિંદગીને ને કશું જ મહત્ત્વ આપતો નથી. આવા મૃત્યુની ઘટનાઓ બની હોવાનો સરકાર સ્પષ્ટ ઈનકાર કરે છે, પરંતુ આ વર્ષે મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ (સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી) રામદાસ આઠવલેએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે 2019-2023 સુધીમાં "ગટર અને સેપ્ટિક ટેંકની જોખમી સફાઈને કારણે" 377 થી વધુ મૃત્યુ થયા છે.
છેલ્લા સાત વર્ષોમાં મેં વ્યક્તિગત રીતે ગટર સાફ કરતા થયેલા અસંખ્ય મૃત્યુમાં હાજરી આપી છે. માત્ર આવડી ચેન્નઈ જિલ્લામાં 2022 થી અત્યાર સુધીમાં આવા 12 મોત થયા છે.
કરાર પરના શ્રમિક તરીકે કામ કરતા આવડીમાં રહેતા અને અરુંધતિયર સમુદાયના એક સભ્ય 25 વર્ષના હરિનું 11 મી ઓગસ્ટના રોજ ગટરની કેનાલ સાફ કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
બાર દિવસ પછી હું હરિ અન્નાના મૃત્યુ સંબંધિત અહેવાલ તૈયાર કરવા ગયો હતો. તેમનો મૃતદેહ મને તેમના ઘરમાં ફ્રીઝર બોક્સમાં પડેલો મળ્યો હતો. તેમના પત્ની તમિળ સેલ્વીને તેમના પરિવાર દ્વારા આખરે વિધવા દ્વારા અપેક્ષિત તમામ ધાર્મિક વિધિઓ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમના પડોશીઓના સંબંધીઓએ સેલ્વીના શરીર પર હળદર લગાવી દીધી હતી અને પછી તેમની તાલી [પરિણીત સ્ત્રીનું પ્રતીક] કાપતા પહેલા તેમને નવડાવ્યા હતા. આ ધાર્મિક વિધિઓ દરમિયાન તેઓ ગંભીર અને મૌન રહ્યા હતા.




















