"મિર્ચી મેં આગ લગ ગઈ [મરચાં બળી રહ્યાં છે]."
એ 2 જી ડિસેમ્બર, 1984 ની રાત હતી જ્યારે ભોપાલ નિવાસી નુસરત જહાં જાગી ગયા હતા, તેઓ શ્વાસ લઈ શકતા નહોતા, તેમની આંખોમાં તીવ્ર વેદના થઈ રહી હતી અને આંખોમાંથી પાણી નીકળી રહ્યા હતા. થોડી વારમાં તેમનો છ વર્ષનો દીકરો રડવા લાગ્યો હતો. દીકરાના રડવાના અવાજથી નુસરતના પતિ મોહમ્મ્દ શફીક જાગી ગયા હતા.
નવાબ કોલોનીમાં પોતાના ઘરમાં બેઠેલા હવે 70 વર્ષના શફીક મધ્યપ્રદેશની રાજધાનીના શહેરમાં આજથી 40 વર્ષ પહેલા બનેલી ભોપાલ ગેસ ડિસાસ્ટર (બીજીડી - ભોપાલ ગેસ દુર્ઘટના) તરીકે ઓળખાતી એ ઘટનાઓને યાદ કરતાં કહે છે, “કયામત કા મંઝર થા” [તે એક ખતરનાક દૃશ્ય હતું]."
કાગળની મિલમાં દાડિયા મજૂર તરીકે કામ કરતા શફીકને પોતાના પરિવારના સ્વાસ્થ્ય પર થયેલી ઝેરી વાયુઓની અસર માટે કોઈપણ ભોગે સારવાર મેળવવા હજી થોડા વર્ષો ઝઝૂમવું પડશે, છેલ્લા 18 વર્ષથી પાણીના એકમાત્ર સ્ત્રોત - ઝેરી વાયુ ભળવાથી દૂષિત થયેલ કૂવાનું પાણી વાપરવાને કારણે તેમના પરિવારનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું છે. તેઓ કહે છે કે એ પાણીથી તેમની આંખોમાં બળતરા થાય છે પરંતુ પાણીનો બીજો કોઈ સ્ત્રોત જ નથી. છેક 2012 માં સમભાવના ટ્રસ્ટ ક્લિનિકે પાણીનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં ઝેરી તત્વો મળી આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના બોરવેલ બંધ કરવામાં આવ્યા હતા.
1984 માં તે રાત્રે શફીકના પરિવારમાં તકલીફ ઊભી કરનાર ઝેરી ગેસ તે વખતે બહુરાષ્ટ્રીય યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન (યુસીસી) ની માલિકીની યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડ (યુસીઆઈએલ) ની ફેક્ટરીમાંથી આવ્યો હતો. આ લીકેજ 2 જી ડિસેમ્બરની રાત્રે થયું હતું - યુસીઆઈએલ ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી મિથાઈલ આઇસોસાયનેટ લીક થયો હતો અને તેને પરિણામે વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક હોનારત સર્જાઈ હતી.











