“પાની લે લો! પાણી [પાણી લઈ લો પાણી]!"
પાણીનો સંગ્રહ કરવાના તમારા વાસણો બહાર કાઢવાની હમણાં ઉતાવળ ન કરશો. પાણીનું આ ટેન્કર થોડું નાનું છે. પ્લાસ્ટિકની બોટલ, જૂની રબરની ચપ્પલ, પ્લાસ્ટિકની નાની પાઈપ અને લાકડીઓનો ઉપયોગ કરીને બનાવેલ આ ‘ટેન્કર’ એક ગ્લાસ જેટલું પાણી એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જઈ શકે છે.
બલવીર સિંહ, ભવાની સિંહ, કૈલાશ કંવર અને મોતી સિંહ - આ બધા સંવાતાના 5 થી 13 વર્ષની ઉંમરના બાળકો છે - રાજસ્થાનના આ પૂર્વીય ખૂણામાં આવેલા તેમના ગામમાં અઠવાડિયામાં બે વાર પાણીનું ટેન્કર આવે ત્યારે તેમના માતા-પિતાને અને ગામના બીજા લોકોને કેવો આનંદ થાય છે એ જોઈને તેમણે આ રમકડું બનાવ્યું છે.








