શબ્બીર હુસૈન ભટ્ટ યાદ કરે છે, “જ્યારે મેં પહેલી વાર હોંગુલ જોયું હતું, ત્યારે હું એટલો પ્રભાવિત થયો હતો કે હું બસ ત્યાં જ અટકી ગયો હતો.” કાશ્મીરના મૂળ નિવાસી અને ગંભીર રીતે લુપ્તપ્રાય એવા આ હરણ (સર્વસ એલાફસ હોંગલુ)ની ઝલક મેળવવા માટે તેઓ વારંવાર તે સ્થળે આવવા લાગ્યા.
લગભગ 20 વર્ષ પછી, શબ્બીર કહે છે કે 141 ચોરસ કિલોમીટરના આ ઉદ્યાનમાં પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને ફૂલો પ્રત્યેનો તેમનો મોહ જરાય ઓછો નથી થયો. “હું ચોક્કસપણે કહીશ કે તે હોંગુલ હતું જેણે મારી અંદરની જ્યોતને પ્રજ્વલિત કરી હતી અને અલબત્ત હિમાલયન કાળા રીંછે પણ.”
આ ઉદ્યાનમાં, તેમને પ્રેમથી ‘દચીગામના જ્ઞાનકોશ’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પારીને કહે છે, “મેં અત્યાર સુધીમાં આ પ્રદેશમાં છોડની 400 પ્રજાતિઓ, પક્ષીઓની 200થી વધુ પ્રજાતિઓ અને લગભગ તમામ પ્રાણીઓની પ્રજાતિઓને ઓળખી કાઢી છે.” આ ઉદ્યાનમાં જોવા મળતાં અન્ય જંગલી પ્રાણીઓમાં કસ્તુરી હરણ, હિમાલયન કથ્થાઈ રીંછ, હિમ ચિત્તો અને સોનેરી ગરુડનો સમાવેશ થાય છે.
















