ભારતમાં જ્યાં જ્યાં પોલોની રમત રમાતી હતી તે સ્થાનોની યાદી આપતા રણજીત માલ કહે છે, “પછી એ કોલકાતા હોય, જયપુર હોય, દિલ્હી હોય કે બોમ્બે, વાંસના પોલોના બોલ સીધા દિઓલપુરથી જ જતા હતા.”
પશ્ચિમ બંગાળના દિઓલપુર વસ્તીગણતરી નગરના પોલો બોલ બનાવનાર કારીગર 71 વર્ષના રણજીતે લગભગ 40 વર્ષ સુધી ગુઆડુઆ વાંસના રાઇઝોમ્સમાંથી બોલ બનાવ્યા છે. રાઇઝોમ્સ, જેને સ્થાનિક રીતે બાંશેર ગોડા તરીકે ઓળખવામાં આવે છે, એ વાંસના છોડનું ભૂપ્રકાંડ (જમીનની અંદરનો ભાગ) છે જે વાંસને વધવામાં અને ફેલાવામાં મદદ કરે છે. આજે તેઓ આ હસ્તકલાના છેલ્લા શિલ્પકાર (કારીગર) છે; એક એવી હસ્તકલા જે રણજીતના પોતાના જ શબ્દોમાં ક્યારનીય એક ઇતિહાસ બની ચૂકી છે.
શરૂઆતમાં પોલોની રમત સૈન્ય, શાહી પરિવારો અને ઉચ્ચ વર્ગના લોકોની ક્લબોમાં જ રમવામાં આવતી - પરંતુ છેલ્લા 160 વર્ષથી વધુ સમયથી રમાતી આધુનિક પોલોની રમત માટે વાંસના બોલ દિઓલપુરથી આવતા. હકીકતમાં દુનિયાની સૌથી પહેલી પોલો ક્લબની સ્થાપના 1859 માં આસામના સિલચરમાં કરવામાં આવી હતી; બીજી 1863 માં કલકત્તામાં. આધુનિક પોલો એ સગોલ કાંગજેઈ (મણિપુરમાં મૈતેઈ સમુદાયની પરંપરાગત રમત) નું અનુકૂલિત સંસ્કરણ છે, અને મૈતેઈ સમુદાયના લોકો (એ રમત) રમવા માટે વાંસના રાઇઝોમમાંથી બનેલા બોલનો ઉપયોગ કરતા હતા.
1940 ના દાયકાની શરૂઆતમાં દિઓલપુર ગામના છ થી સાત પરિવારો 125 થી વધુ કારીગરોને રોજગારી આપતા હતા, જેઓ ભેગા મળીને વર્ષે કુલ એક લાખ જેટલા પોલો બોલ બનાવતા હતા. રણજીત ઉમેરે છે, “અમારા કુશળ શિલ્પકારો પોલોના બજારથી બરોબર વાકેફ હતા." તેમના દાવાઓને પ્રમાણિત કરતા હાવડા જિલ્લાના બ્રિટિશ યુગના એક સર્વેક્ષણ અને વસાહતી અહેવાલ (સર્વે એન્ડ સેટલમેન્ટ રિપોર્ટ) માં જણાવવામાં આવ્યું છે કે: "ભારતમાં દિઓલપુર એકમાત્ર એવું સ્થળ લાગે છે જ્યાં પોલો બોલ બનાવવામાં આવે છે."
રણજીતના પત્ની મિનોતી માલ કહે છે, "પોલો બોલ બનાવવાનો ધીકતો ધંધો જોઈને હું માત્ર 14 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મારા લગ્ન અહીં કરાવી દીધા હતા." મિનોતી હવે ઉંમરના સાઠમા દાયકામાં છે, અને હજી આજથી દસ વર્ષ પહેલા સુધી તેમના પતિને આ હસ્તકલામાં મદદ કરતા હતા. આ પરિવાર પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ માલ સમુદાયનો છે; રણજીત તેમની આખી જીંદગી દિઓલપુરમાં જ રહ્યા છે.
પોતાના ઘરમાં માદુર ઘાસની સાદડી પર બેસીને રણજીત જૂના અખબારની કાપલીઓ અને સામયિકોના લેખોના તેમના કિંમતી ખજાના પર નજર નાખી રહ્યા છે. તેઓ ગર્વથી કહે છે, "આ દુનિયામાં ક્યાંય પણ જો તમને લુંગીમાં સજ્જ પોલો બોલ બનાવતા માણસનો કોઈ ફોટો જોવા મળે તો એ મારો ફોટો હશે."














