તેમના ઘરની બારીમાંથી જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં પાણી જ પાણી છે - આ વર્ષનાં પૂર ઓસર્યાં નથી. રૂપાલી પેગુ સુબનસિરી નદીથી માત્ર એક કિલોમીટરના અંતરે રહે છે - સુબનસિરી બ્રહ્મપુત્રાની એક મહત્વપૂર્ણ ઉપનદી છે, જે આસામમાં દર વર્ષે જમીનના મોટા વિસ્તારોને પૂરના પાણીમાં ગરકાવ કરી દે છે.
તેઓ કહે છે કે પાણી ચારે બાજુ હોઈ શકે છે, પરંતુ વિડંબના તો એ છે કે પીવાલાયક પાણી શોધવું એ એક પડકાર છે. આસામના લખીમપુર જિલ્લામાં આવેલા તેમના ગામ બોરદુબી માલુવાલમાં પીવાનું પાણી પ્રદૂષિત છે. રૂપાલી સમજાવે છે, “અમારા ગામના અને આજુબાજુના મોટાભાગના હેન્ડપંપ પૂરના પાણી નીચે ડૂબી ગયા છે.”
રસ્તા પાસેના હેન્ડપંપ પરથી પાણી ભરી લાવવા માટે તેઓ એક નાનીસરખી હોડકી પર આધાર રાખે છે. સ્ટીલના ત્રણ મોટા પાણીના કન્ટેનરથી સજ્જ હોડકીને રૂપાલી રસ્તા તરફ હંકારી જાય છે, એ રસ્તો પણ આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલો છે. એ પૂરગ્રસ્ત ગામમાં કાળજીપૂર્વક હોડી હંકારવા માટે તેઓ વાંસની લાંબી લાકડીનો ઉપયોગ કરે છે. રૂપાલી પોતાના પાડોશીને બૂમ પાડીને બોલાવે છે, "મોની, મારી સાથે ચાલ!", મોની ઘણીવાર તેમની સાથે આ સફરોમાં જોડાય છે. આ બે સખીઓ પાણીના પાત્રો ભરવામાં એકબીજાને મદદ કરે છે.








