હાલ સવારના 9 વાગ્યા છે, અને મુંબઈનું આઝાદ મેદાન જીવંત છે, જેમાં યુવા ક્રિકેટરો સપ્તાહના અંતની મનોરંજક રમત માટે તૈયાર થઈ રહ્યા છે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ આનંદ અને હતાશાભરી ચીસોના અવાજો અવારનવાર કાને પડે છે.
ત્યાંથી માંડ 50 મીટર દૂર, એક બીજી ‘રમત’ ચાલી રહી છે, અને તેમાં 5,000 લોકો સાથે શાંતિથી આગળ વધી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે આ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પ્રશ્ન ગંભીર છે અને ગયા મહિને મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ કરી રહેલા હજારો માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (આશા) – આરોગ્ય સંભાળ કાર્યકરોના માનવ મહેરામણનો કોઈ છેડો દેખાતો નથી. 9 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આંદોલનના પ્રથમ સપ્તાહમાં 50થી વધુ મહિલા સહભાગીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
એક વ્યસ્ત રસ્તા પરથી નજરે પડે એટલી દૂરી પર 20 વર્ષીય એક આશા કાર્યકર જમીન પર બેસેલાં છે. તેઓ ચિંતાતુર નજરે આજુબાજુ નજર કરે છે, અને તેમની પાસેથી પસાર થતા લોકોથી નજર મિલાવવાનું ટાળે છે. મહિલાઓનું એક જૂથ તેમની આસપાસ ભેગું થાય છે, અને તેઓ ઝડપથી પોતાનાં કપડાં બદલે ત્યારે તેમને દુપટ્ટા અને ચાદરથી ઢાંકી દે છે.
થોડા કલાકો પછી, બપોરના ભોજનના સમયે, બપોરના ધગધગતા તડકામાં, આશા કાર્યકર્તાઓ તેમનાં સહકર્મી રીટા ચાવરેની આસપાસ ભેગાં થાય છે, દરેક પાસે ખાલી ટિફિન બોક્સ, પ્લેટ અને ઢાંકણા પણ છે. જ્યારે 47 વર્ષીય રીટા તેમને ઘરે બનાવેલું ભોજન પીરસે છે ત્યારે તેઓ ધીરજથી તેમનો વારો આવવાની રાહ જુએ છે. થાણે જિલ્લાના તિસગાંવથી 17 અન્ય આશા કાર્યકર્તાઓ સાથે દરરોજ લગભગ બે કલાક આઝાદ મેદાન સુધી મુસાફરી કરતાં રીટા કહે છે, “હું અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલી 80-100 આશા કાર્યકર્તાઓને ખવડાવવાની વ્યવસ્થા કરું છું.”
ફેબ્રુઆરી 2024ના અંતમાં પારી સાથે વાત કરતાં તેઓ ઉમેરે છે, “કોઈ આશા કાર્યકર્તા ભૂખ્યાં ન રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે વારાફરતી અહીં આવી રહ્યાં છીએ. પણ હવે અમે બીમાર પડી રહ્યાં છીએ. અને અમે થાકી ગયાં છીએ.”



















