33 વર્ષીય ગણેશ પંડિત કદાચ નવી દિલ્હીના લોહા પુલ તરીકે પ્રચલિત જૂના યમુના પુલના સૌથી નાની વયના રહેવાસી છે. તેઓ કહે છે કે તેમના સમુદાયના યુવાનો સ્વિમિંગ કોચ તરીકે વધુ ‘મુખ્ય પ્રવાહની’ નોકરીઓમાં અને પડોશના ચાંદની ચોક વિસ્તારમાં છૂટક દુકાનોમાં કામ કરવાનું વધારે પસંદ કરે છે.
દિલ્હીમાંથી પસાર થતી યમુના નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે અને કદની દૃષ્ટિએ (ઘાઘરા પછી) બીજી સૌથી મોટી ઉપનદી છે.
પંડિત યમુના પર ફોટો શૂટ કરી આપે છે અને નદીમાં ધાર્મિક વિધિઓ કરવા માંગતા લોકોને લઈ જાય છે. તેઓ સમજાવે છે, “જ્યાં વિજ્ઞાન નિષ્ફળ જાય છે, ત્યાં શ્રદ્ધા કામ આવે છે.” તેમના પિતા અહીં પંડિત છે અને તેઓ અને તેમના બે ભાઈઓ, “નાની ઉંમરમાં જ જમુના [યમુના]માં તરવાનું શીખી ગયા હતા.” પંડિતના ભાઈઓ ફાઇવ સ્ટાર હોટલમાં લાઇફગાર્ડ તરીકે કામ કરે છે.






