રાયપુરના ઉપનગરોમાં ઈંટના ભઠ્ઠા પર બપોરના ભોજનનો સમય છે. શ્રમિકો કાં તો ઝડપથી ભોજન કરી રહ્યા છે અથવા તેમના કામચલાઉ રહેઠાણોમાં આરામ કરી રહ્યા છે.
એક મહિલા પોતાની માટીની ઝૂંપડીમાંથી બહાર આવીને કહે છે, "અમે સતનાના છીએ." અહીંના મોટાભાગના કામદારો મધ્યપ્રદેશના સ્થળાંતરિતો છે. તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં લણણીની મોસમ પૂરી થયા પછી દર વર્ષે છત્તીસગઢની રાજધાનીના આ શહેરમાં આવે છે અને મે અથવા જૂન સુધી છ મહિના માટે અહીં રહે છે. ભારતનો વિશાળ ઈંટ-ભઠ્ઠા ઉદ્યોગ અંદાજે 1 થી 2.3 કરોડ શ્રમિકોને રોજગારી આપે છે (ભારતના ઈંટના ભઠ્ઠામાં ગુલામી (સ્લેવરી ઈન ઈન્ડિયાસ બ્રિક ક્લીન), 2017).
આ વર્ષે તેઓ ઘેર પાછા ફરશે ત્યાં સુધીમાં કેન્દ્રમાં નવી સરકાર સત્તા પર આવી ગઈ હશે. પરંતુ એ નેતાઓને ચૂંટવામાં અહીંના સ્થળાંતરિત કામદારોની કોઈ ભૂમિકા હશે કે કેમ એ નક્કી નથી.
પોતાનું નામ જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરનાર એક મહિલા પારીને કહે છે, "મત આપવાનો સમય થશે ત્યારે અમને કહેશે."
આ માહિતી કદાચ સંજય પ્રજાપતિ, તેમના શ્રમિક ઠેકેદાર (લેબર કોન્ટ્રાક્ટર) દ્વારા આપવામાં આવશે. ઝૂંપડીઓથી થોડે દૂર ઊભા રહીને સંજય અમને કહે છે, “અમને સતનામાં મતદાન વિશે કશી ખબર નથી. જો અમને ખબર પડશે તો અમે તેમને જાણ કરીશું." સંજય અને અહીંના ઘણા કામદારો (એમપી માં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ કલાસ) તરીકે સૂચિબદ્ધ) પ્રજાપતિ સમુદાયના છે.









