પ્રહલાદ ધોકે પોતાની ગાયોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે માટે, તેમણે નાછૂટકે તેમના ત્રણ એકરના જામફળના બગીચાથી હાથ ધોવા પડશે.

7 થી 8 ફૂટ ઊંચા જામફળના છોડની હાર સામે ઊભા રહીને 44 વર્ષીય પ્રહલાદ આંસુ સાથે કહે છે, “આ એક સાટા વ્યવહાર છે. મેં મારી બચત, સોનું બધું જ ખર્ચી નાખ્યું છે, પણ હવે હું મારા છોડને બચાવવા માટે દરરોજ વધુ પાણી ખરીદી શકતો નથી. તેથી, મેં મારી ગાયોને બચાવવાનું પસંદ કર્યું. આ મુશ્કેલ પસંદગી છે.”

ગાયોને એક વાર વેચી દીધા પછી ફરીથી ખરીદવી મુશ્કેલ છે, અને એપ્રિલની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકારના દુષ્કાળ રાહત પગલાંના ભાગ રૂપે, બીડ જિલ્લામાં તેમના ગામ, વડગાંવ ધોકની બહાર એક પશુ શિબિર યોજાઈ. પ્રહલાદની 12 ગાયો, જેમાં તેમણે સ્થાનિક બજારમાંથી એક-એક લાખમાં ખરીદેલી બે ગીર ગાયોનો સમાવેશ થાય છે તેમને તે શિબિરમાં ખસેડવામાં આવી છે. પરંતુ છોડને છોડી દેવાનો અર્થ છે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન વેઠવું.

તેઓ કહે છે, “ મારા મોટા ભાઈ ચાર વર્ષ પહેલાં લખનૌ ગયા હતા. તેઓ ત્યાંથી જામફળના રોપા લાવ્યા હતા.” પ્રહલાદ અને તેમના પરિવારને આ બગીચાને ઉછેરવામાં ચાર વર્ષ લાગ્યાં હતાં. પરંતુ દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા પ્રદેશમાં વર્ષોના દુષ્કાળ અને વધતી જતી પાણીની અછત પછી 2018માં એક અનાવૃષ્ટી આવી. આ એક એવો પડકાર હતો, જેનો તેઓ સામનો કરી શકે તેમ નહોતા.

જ્યારે આ રાજ્યના કેટલાક તાલુકાઓમાં દુષ્કાળ અને પાણીની અછત દર વર્ષે જોવા મળે છે, ત્યારે મરાઠવાડામાં 2012-13ની વાવણીની મોસમમાં સમગ્ર વિસ્તારમાં પાણીની તીવ્ર અછત શરૂ થઈ હતી (2012ના નિષ્ફળ ચોમાસાએ 2013ના ઉનાળામાં પાણીની અછત સર્જી હતી), ત્યાર બાદ 2014-15માં અને હવે 2018-19માં. આમ તો દર ઉનાળામાં પાણીની અછત સર્જાય જ છે, પણ 2012થી, મરાઠવાડામાં  વધતા જતા હવામાનને લગતો  દુષ્કાળ (ચોમાસાની નિષ્ફળતા), કૃષિ દુષ્કાળ (ખરીફ અને રવિ પાકની નિષ્ફળતા), અને હાઇડ્રોલોજિકલ દુષ્કાળ (ભૂગર્ભજળનો ઘટાડો) નોંધાયો છે.

વડગાંવ ધોક ગામ જિયોરાઈ તાલુકામાં આવેલું છે, જે ઑક્ટોબર 2018માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલ 151 તાલુકાઓમાંનું એક છે. જિયોરાઈમાં જૂનથી સપ્ટેમ્બર 2018 સુધીમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો – જે ભારતના હવામાન વિભાગની માહિતી  અનુસાર આ સમયગાળા દરમિયાનની લાંબા ગાળાના સરેરાશ 628 મિમીની સામે માત્ર 288 મિમી જ હતો. સપ્ટેમ્બરમાં, જે પાક માટે મહત્વનો મહિનો છે, તેમાં સરેરાશ 170 મિમીની સામે વરસાદ માત્ર 14.2 મિમી હતો.

Prahlad Dhoke at his ten-acre farm; in one corner he has a cattle shed and a water tank for the cattle
PHOTO • Jaideep Hardikar
Prahlad with his ailing Gir cow at his cattle-shed in the cattle camp.
PHOTO • Jaideep Hardikar

પ્રહલાદ ધોકેના ખેતરમાં પશુઓ માટેની પાણીની ટાંકી સંપૂર્ણપણે સૂકાઈ ગઈ છે (ડાબે); તેમણે તેમનાં 12 પશુઓને જિયોરાઈ તાલુકા (જમણે)માં ઢોરની શિબિરમાં ખસે ડ્ યાં છે

સમગ્ર ઔરંગાબાદ વિભાગ, કે જેમાં મરાઠવાડાના આઠ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, તેમાં જૂનથી સપ્ટેમ્બર 2018 દરમિયાન તેની લાંબા ગાળાની સરેરાશ 721 મિમીની સામે લગભગ 488 મિમી વરસાદ નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં, આ પ્રદેશમાં 177 મિમીની લાંબા ગાળાની સરેરાશ સામે માંડ 24 મિમી (અથવા 14 ટકા) વરસાદ નોંધાયો હતો.

2018ના નબળા ચોમાસાનો અર્થ એ છે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં ખરીફ પાકની ઉપજ ઓછી થઈ હતી, અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રવિ પાક થયો જ નહીં. જો કે, પ્રહલાદ ધોકેએ આશરે 5 લાખ રૂપિયા ટપક સિંચાઈ સિસ્ટમ પર અને તેમના ચાર ખોદેલા કૂવાઓને ઊંડા કરવા પર ખર્ચ કર્યા હતા, (જે તેમની કેટલીક બચતનો ઉપયોગ કરીને, અને સ્થાનિક કૃષિ સહકારી અને ખાનગી બેંક પાસેથી ઉધાર લેવામાં આવ્યા હતા), પણ કંઈ કામ આવ્યું ન હતું.

પ્રહલાદ, તેમના બે ભાઈઓ અને પિતા સાથે મળીને 44 એકર જમીન ધરાવે છે; આમાંથી 10 એકર તેમના નામે છે. પરિવારની સમગ્ર જમીન સૂકી અને શુષ્ક છે. એક એકરમાં, ત્રણ વર્ષ પહેલાં, પ્રહલાદે ઉનાળામાં ઉગતા સુગંધિત મોગરાના ફૂલોની વાવણી કરી હતી. તેઓ કહે છે, “અમે ફૂલોમાંથી સારું વળતર મેળવ્યું હતું. પરંતુ તે બધુ વળતર અમે અમારા ખેતરમાં રોકી દીધું હતું.” અને હવે મોગરા પણ સુકાઈ ગયા છે.

છેલ્લા 15 વર્ષોમાં, આ પ્રદેશમાં પાણીની અછત વધુ વિકટ બની છે, તેથી તેને રોકવા માટે ધોકેએ ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમણે વિવિધ પાકો વાવ્યા, વૈવિધ્યસભર તકનીકો અપનાવી, શેરડીનું વાવેતરને છોડી દીધું, ને સિંચાઈ પ્રણાલીમાં રોકાણ પણ કર્યું. પરંતુ, તેઓ કહે છે કે, દર વર્ષે વધતી જતી પાણીની કટોકટી તેમની ધીરજની જાણે સીમા માપે છે.

Dried up mogra plants on an acre of his farm
PHOTO • Jaideep Hardikar
The guava plants that have burnt in the absence of water on Prahlad’s three acre orchard that he raised four years ago
PHOTO • Jaideep Hardikar

ધોકેના તેમના ખેતરના એક એકર પરના મોગરાના છોડ (ડાબે) સુકાઈ ગયા છે , સાથે સાથે તેમનો ત્રણ એકરનો જામફળનો બગીચો (જમણે) પણ, જેને તે છેલ્લાં ચાર વર્ષથી ઉછે રતા હતા

નવેમ્બર 2018માં પ્રહલાદના ખોદેલા ચારેય કૂવા સુકાઈ ગયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં, તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર પાણી ખરીદ્યું હતું - પરંતુ 5,000 લિટરનું ટેન્કર, કે જે તેમને 500 રૂપિયામાં પડતું હતું તેની કિંમત વધીને 800 રૂપિયા થઈ ગઈ છે (અને મે મહિનાના ના અંત સુધીમાં 1,000 રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા હતી).

આખા વર્ષ દરમિયાન અહીં પાણીના ટેન્કરો સામાન્ય રીતે જોવા મળે છે, અને ઉનાળામાં તેથી પણ વધુ. મરાઠવાડા એ દખણ પ્રદેશનો એક ભાગ છે જે સખત બેસાલ્ટ (લાવાથી બનેલા) ખડક પર આવેલો છે. આનો અર્થ એ છે કે વરસાદી પાણી પૂરતા પ્રમાણમાં જમીનમાં પ્રવેશતું નથી અને ભૂગર્ભજળ ફરીથી પૂરતું ભરાતું નથી. આ પ્રદેશ ‘વર્ષાછાયા’ વિસ્તારમાં આવેલો છે, જેમાં વરસાદ સામાન્ય રીતે 600 મિમીથી વધુ નથી વરસતો.

જો કે, જિયોરાઈ તાલુકામાં, છુટાછવાયા શેરડીના ખેતરો હજુ પણ છે (કેટલાક જમીનમાલિકો પાસે હજુ પણ પાણી ભરેલા કુવાઓ છે, જ્યારે અન્ય લોકો ટેન્કરનું પાણી ખરીદે છે) જે આ ઉજ્જડ જમીનના મોટાભાગના વિસ્તારોથી વિપરીત છે. આ પ્રદેશમાં ગોદાવરી નદીને કિનારે આવેલાં ખેતરોમાં દ્રાક્ષ અને અન્ય ફળોના બગીચાઓ તેમજ લીલા ઘાસચારા પણ છે. પરંતુ નદીથી વધુ દૂર, દખણના ​​ઉપલા ઉચ્ચપ્રદેશ પર, વિશાળ સૂકા ઝાંખરાઓ હરિત પાકોના કોઈ ચિહ્નો દર્શાવતા નથી.

પ્રહલાદ કહે છે, “મેં લગભગ ત્રણ મહિના સુધી પાણી ખરીદ્યું હતું, પણ મારી પાસે પૈસા ખલાસ  થઈ ગયા હતા.” તેમણે પોતાના સુકાઈ રહેલા જામફળના બગીચાને બચાવવા માટે ખાનગી શાહુકારો પાસેથી ઊંચા વ્યાજની લોન ન લેવાનું નક્કી કર્યું હતું (કારણ કે તેમને પાણી ખરીદવા માટે બેંકની લોન મળી ન હતી). તેઓ કહે છે, “ફક્ત 5,000 લિટર માટે 800 રૂપિયા! તે પોસાય તેમ નથી. અમારા ગામમાં કોઈની પાસે આવા પૈસા નથી. અંતમાં હું દેવું કરી બેસીશ અને મારા છોડની જેમ હું પણ ટકીશ નહીં.”

Prahlad Dhoke (right) and Walmik Bargaje (left) of the Vadgaon Dhok village in Georai tehsil of Beed district, at a cattle camp at their village
PHOTO • Jaideep Hardikar
A view of the cattle camp in Vadgaon Dhok village, one of the 925 such camps that have been opened up in Beed as a drought relief initiative funded by the Maharashtra government.
PHOTO • Jaideep Hardikar

'સમ-દુખી' (સહ-પીડિતો): વડગાંવ ધોકના વાલ્મીક બરગજે અને પ્રહલાદ ધોકે તેમના ગામ નજીક ઢોરની શિબિરમાં (જમણે)

એપ્રિલમાં, તેમના જામફળના બગીચાને સૂકાઈ જવાથી બચાવવાનો પ્રયાસ કર્યા પછી, ધોકેએ હાર માની લીધી. તેઓ હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જૂનમાં વરસાદ આવે ત્યાં સુધીમાં, તેમના બગીચા સુકાઈ જશે, જે ઉનાળાની ગરમીનો સામનો કરી શકશે નહીં.

1,100 પરિપક્વ જામફળના છોડથી પ્રહલાદને આવતા શિયાળામાં 10 થી 20 લાખ રૂપિયા વચ્ચે આવક થઈ હોત. જામફળના છોડ વાવણી પછી ચોથા કે પાંચમા વર્ષે ફળ આપે છે. બધા ખર્ચ કાઢ્યા પછી, તેમણે સારો એવો નફો કર્યો હોત. કેટલાક છોડ નાના ફળ આપે છે, પરંતુ ગરમીએ તેમને સૂકા ચારકોલ જેવા કાળા કરી દીધા હતા. સૂકા ફળોવાળી ડાળીઓ ધરાવતાં ખરી પડેલાં સૂકા પાંદડાઓમાંથી પસાર થતાં તેઓકહે છે, “આને જુઓ. તેઓ ટકી શક્યા નથી.”

ધોકેની જેમ, મરાઠવાડામાં ઘણા લોકો પાણીની ગહન કટોકટી સામે લડી રહ્યા છે “બીડની આજુબાજુ, અને ચોક્કસપણે આ તાલુકામાં, ખરીફ પાક પણ નથી થતો અને રવિ પાક પણ નથી થતો,” એમ  55 વર્ષીય વાલ્મિક બરગાજે કહે છે. તેમને ધોકે 'સમ-દુખી' (સહ-પીડિત) કહે છે. બરગાજે પાંચ એકર જમીન ધરાવે છે અને તેમણે અડધા એકરમાં નાળિયેરનું વાવેતર કર્યું હતું. એ છોડ પણ સુકાઈ ગયા. થોડા સમય પહેલાં પાણીની કટોકટીના કારણે તેમણે શેરડીની ખેતી કરવાનો પ્રયાસ છોડી દીધો હતો. તેઓ કહે છે કે જૂન-જુલાઈ 2018માં તેમણે સોયાબીનનું વાવેતર કર્યું હતું, જેનું કોઈ વળતર મળ્યું ન હતું. અને રવિ પાકની વાવણી વિના, તેઓ જુવાર અને બાજરી ઉગાડી શક્યા નહીં, જેને તેઓ સામાન્ય રીતે તેના ઢોર માટેના ચારા તરીકે ઉગાડતા હતા.

ઔરંગાબાદ ડિવિઝનલ કમિશનરેટના જણાવ્યા અનુસાર, બીડ જિલ્લામાં, આ વર્ષે 3 જૂન સુધીમાં, 933 પશુ શિબિરોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી માત્ર 603 જ કાર્યરત છે, જેમાં 4,04,197 પશુઓ છે. ઔરંગાબાદ વિભાગના આઠ જિલ્લાઓમાં કુલ 750 કાર્યરત પશુ શિબિરો છે, જોકે 1,140ને મંજૂરી આપવામાં આવી છે, તેવું માહિતી દર્શાવે છે. પરભણી, નાંદેડ અને લાતુર જિલ્લામાં એક પણ પશુ શિબિર નથી, જે મંજૂર અથવા કાર્યરત હોય.

રાજ્યના મહેસૂલ વિભાગમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, સમગ્ર મહારાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત 10 જિલ્લાઓમાં 1,540 પશુ શિબિરોમાં 10 લાખથી વધુ પશુઓને પાણી અને ઘાસચારો આપવામાં આવી રહ્યો છે.

ધોકે મહારાષ્ટ્રમાં બીજેપીની આગેવાની હેઠળની સરકારને ઘણી બાબતો માટે દોષી ઠેરવે છે, પરંતુ સૌથી વધુ તો એ કારણ કે તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર તેના સમર્થકો અને ટીકાકારો વચ્ચે ભેદભાવ કરે છે. તેઓ આરોપ લગાવતાં કહે છે, “ ભાજપના સમર્થક ગામડાના લોકોને લોન માફી અને નવી લોન મળી, અને મને તે નથી મળી કારણ કે હું હરીફ પાર્ટીનો સમર્થક હતો. હું દુષ્કાળ વખતે રાહતના સામાનના વિતરણમાં પણ આ જ ભેદભાવ જોઉં છું.”

પ્રહલાદ અને તેમનાં પત્ની દીપિકા, કે જેઓ એક ખેડૂત અને ગૃહિણી છે, તેમને ત્રણ બાળકો છે - જ્ઞાનેશ્વરીએ 12 ધોરણ પૂરું કર્યું છે, નારાયણ ધોરણ 10માં છે, જ્યારે સૌથી નાના પુત્ર વિજયે 7મા ધોરણમાં ભણવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, “ત્યાના શિખવનાર બાગા મિ [હું તેમને ભણાવીશ].” પરંતુ તેઓ વિજયની શાળાની ફી (સ્થાનિક ખાનગી શાળામાં 2018-19 શૈક્ષણિક સત્ર માટે આશરે 20,000 રૂપિયા) ચૂકવવામાં અસમર્થ રહ્યા છે, જેના કારણે તેનું પરિણામ અટકી ગયું છે. તેઓ કહે છે, “ આ છેલ્લા અઠવાડિયે મારી એક ગાય બીમાર હતી. મારે તેની સારવાર માટે ઘણા પૈસા ખર્ચવા પડ્યા.”

Prahlad with his youngest son Vijay, a seventh grader, at the cattle camp
PHOTO • Jaideep Hardikar

પ્રહલાદ તે મના સૌથી નાના પુત્ર વિજય સાથે, જેની શાળાની ફી ચૂકવવાની બાકી છે કારણ કે પરિવાર તેમની નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે

ખર્ચને સંતુલિત કરવાની ક્રિયા થકવી નાખનારી છે - તેમના પશુધનને જીવંત રાખવાની સાથે સાથે તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવી. તેઓ કહે છે, “આ મુશ્કેલ સમય છે, પરંતુ હું જાણું છું કે આ પણ પસાર થઈ જશે.”

આ દરમિયાન, સમગ્ર મરાઠવાડામાં, ટાંકીઓ, સપાટી પરના પાણીનો સંગ્રહ, નાના અને મધ્યમ ડેમ, ખોદેલા કૂવા અને બોરવેલ બધું ધીમે ધીમે સૂકાઈ રહ્યું છે. જેમ જેમ ઉનાળો ચરમસીમાએ પહોંચે છે, તેમ તેમ હજારો લોકો માટે, આ પટ્ટામાં પાણી માટે રોજિંદી નિરાશા પ્રસરે છે. મરાઠવાડાના ઘણા પરિવારો ઔરંગાબાદ, પુણે અથવા મુંબઈમાં સ્થળાંતર કરી ગયા છે અથવા તો જવાની તૈયારી કરી રહ્યા છે. પશુધન સાથે પશુપાલકોની જેમ માછીમાર સમુદાયો પણ મુશ્કેલીમાં છે.

પ્રહલાદ કહે છે કે તેઓ ઘણા દિવસોથી ઊંઘ્યા નથી. તેમણે ઘણા દિવસોથી તેમના ઘરથી માંડ એકાદ કિલોમીટરના અંતરે આવેલા તેમના બગીચાની મુલાકાત લીધી નથી, અને તેઓ ઢોરની શિબિર અને હાઈવે પરના તેના ઘરની વચ્ચે દોડધામ કરે છે. તેઓ તેમના ઉજ્જડ ખેતરમાંથી પસાર થતાં કહે છે, “હું દિવસના 16 કલાક કામ કરું છું.” પરંતુ, તેઓ ચિંતિત અવાજે પૂછે છે કે, જ્યારે તમારી પાસે પૈસા અને પાણી જ ન હોય ત્યારે તમે શું કરી શકો.

અનુવાદ: કનીઝ ફાતેમા

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Editor : Sharmila Joshi

ਸ਼ਰਮਿਲਾ ਜੋਸ਼ੀ ਪੀਪਲਸ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਦੀ ਸਾਬਕਾ ਸੰਪਾਦਕ ਹਨ ਅਤੇ ਕਦੇ ਕਦਾਈਂ ਲੇਖਣੀ ਅਤੇ ਪੜ੍ਹਾਉਣ ਦਾ ਕੰਮ ਵੀ ਕਰਦੀ ਹਨ।

Other stories by Sharmila Joshi
Translator : Kaneez Fatema

Kaneez Fatema has been working in the field of translation for the past 7 years and is passionate about language, people, cultures, and their intersections.

Other stories by Kaneez Fatema