ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે, શ્રીરંગમ પાસેના પોતાના તલના ખેતરોથી દસ મિનિટના અંતરે કોલ્લીડમ નદીના રેતાળ કાંઠે ખેડૂત વડીવેલન મને (તેમના જીવન સાથે જોડાયેલી) વાર્તાઓ કહે છે, આ જ નદીમાં 1978 માં તેમના જન્મના 12 દિવસ પછી અચાનક આવેલા પૂરની. તેમના ગામની, જ્યાં દરેક વ્યક્તિએ, મધ જેવા રંગના સુગંધિત તેલ માટે જેને પીલી નાખવામાં આવે છે એવા, યેળ્ળ [તલ] ઉગાડ્યા હતા. તેઓ વાર્તાઓ કહે છે ‘પાણી પર તરતા કેળના બે છોડને પકડીને’ તરતા શીખવાની, એક મોટી નદી - કાવેરીના કાંઠે રહેતી પ્રિયા સાથે પ્રેમમાં પડવાની અને પોતાના પિતાના વિરોધ છતાં એની સાથે લગ્ન કરવાની. અને (અંતે) તેમની દોઢ એકર જમીન પર ડાંગર, શેરડી, અડદ અને તલની ખેતીની…
આમાંના પહેલા ત્રણ પાકમાંથી થોડાઘણા પૈસા મળે છે. વડીવેલન સમજાવે છે, “અમે ડાંગર ઉગાડવામાંથી થયેલી આવકનો ઉપયોગ શેરડીની ખેતી માટે કરીએ છીએ અને એ પૈસા અમે પાછા જમીનમાં જ નાખીએ છીએ.” તલ – તમિલમાં યેળ્ળ – તેલ માટે ઉગાડવામાં આવે છે. આ તેલીબિયાંને લાકડાની ઘાણીમાં પીલી નાખવામાં આવે છે, અને નલ્લેણઈ [તલનું તેલ અથવા જીંજેલી ઓઈલ] એક મોટા વાસણમાં સંગ્રહિત થાય છે. પ્રિયા કહે છે, "અમે તેનો ઉપયોગ રસોઈમાં અને અથાણાં બનાવવા માટે કરીએ છીએ. અને ઓહ, વડીવેલન રોજ તેનાથી કોગળા કરે છે." વડીવેલન હસીને કહે છે, "અને ઓઈલ-બાથ લઉં છું, એ મને ખૂબ ગમે છે!"
વડીવેલનને બીજી ઘણી પ્રવૃત્તિઓ પણ ખૂબ ગમે છે, અને તે તમામ સરળ આનંદ (આપતી પ્રવૃત્તિઓ) છે. નાનપણમાં આ નદીમાં માછીમારી કરવાનું, તાજી પકડેલી માછલીઓને ગ્રિલ કરીને પોતાના મિત્રો સાથે મળીને ખાવાનું, ગામના સરપંચને ઘેર ગામમાંનું એક માત્ર ટેલિવિઝન જોવાનું. તેઓ કહે છે, "અરે, ટીવી તો મને એટલું બધું ગમતું, જ્યારે એ બરોબર ચાલતું ન હોય ત્યારે તેનો ઓંઈઈઈઈ અવાજ પણ હું સાંભળતો!"
પરંતુ (દિવસ પૂરો થતા) પ્રકાશ ઝાંખો થાય તેમ નાનપણની આ ગુલાબી રંગીન યાદો પણ ઝાંખી પડતી જાય છે. વડીવેલન જણાવે છે, "હવે તમે માત્ર જમીન પર નિર્ભર ન રહી શકો. અમારું ઘર ચાલી જાય છે કારણ કે હું કેબ પણ ચલાવું છું." તેઓ અમને તેમની ટોયોટા ઈટીઓસમાં શ્રીરંગમ તાલુકના તિરુવાળરસોલઈ ખાતેના તેમના ઘેરથી આ નદીને કિનારે લઈ આવ્યા છે. તેમણે આઠ ટકાના વ્યાજે ખાનગી લોન લઈને આ ગાડી ખરીદી હતી અને તેની ચૂકવણી માટે તેમને મહિને 25000 રુપિયાનો જંગી હપ્તો ભરવો પડે છે. આ દંપતી કહે છે કે પૈસાની હંમેશા ખેંચ રહે છે. ઘણીવાર કપરા સમયમાં તરી જવા માટે સોનાનો ટુકડો ગીરવે મુકવામાં આવે છે. વડીવેલન નિસાસો નાખે છે, “જુઓ વાત એમ છે કે અમારા જેવા લોકોને ઘર બનાવવા માટે એક બેંક લોન જોઈતી હોય તો અમે ચપ્પલની 10 જોડી ઘસી નાખીશું. એ લોકો અમને એટલા ધક્કા ખવડાવશે, એટલી ભાગદોડ કરાવશે!"
આકાશ હવે જાણે એક તૈલ ચિત્ર હોય એવું લાગે છે: ગુલાબી અને વાદળી અને કાળું. ક્યાંકથી મોર ટહૂકે છે. વડીવેલન કહે છે, "નદીમાં જળબિલાડીઓ છે." અમારાથી થોડે જ દૂર નાના -નાના છોકરાઓ જળબિલાડીના જેવી જ ચપળતાથી પાણીમાં ડૂબકી મારે છે અને રમે છે. "હું પણ આવું જ કરતો હતો, અહીં ઉછરતા બાળકો માટે આ જ એક મનોરંજન છે!"






































