છવી સાહા 25 વર્ષથી કાગળના પડીકાં બનાવી રહ્યાં છે. તેઓ કહે છે, “પહેલાં, હું કાગળને ત્રણ ભાગમાં વહેંચવા માટે છરીનો ઉપયોગ કરું છું. તેનાથી છ ટુકડા બને છે. પછી હું ગુંદરને ગોળાકારમાં લગાડું છું. તે પછી હું કાગળને ચોરસ આકારમાં વાળું છું અને બીજી બાજુએ ગુંદર લગાડું છું. આ રીતે હું પડીકાં બનાવું છું.”
આદિત્યપુરનાં આ 75 વર્ષીય રહેવાસી તેઓ તેમના બે માળના માટીના મકાનના વરંડામાં અને આંગણામાં પથરાયેલા જૂના અખબારો વચ્ચે કામ કરતી વખતે અમારી સાથે વાત કરી રહ્યાં છે.
જ્યારે તેમણે 1998માં આ કામની શરૂઆત કરી ત્યારે તેમના પતિ આનંદગોપાલ સાહા હયાત હતા. તેઓ ગામના લોકોની ગાયો અને બકરાઓની સંભાળ રાખતા હતા અને દૈનિક આશરે 40-50 રૂપિયા કમાતા હતા. સુનરી સમુદાયનાં છવી સાહા કહે છે, “અમે ગરીબ હતાં. મેં આ કામ કરવાનું એટલા માટે નક્કી કર્યું હતું કે જેથી હું થોડી કમાણી કરી શકું અને મારા પેટનો ખાડો ભરી શકું.”
તેમણે તેમનાં પાડોશીઓ દ્વારા ત્યજી દેવાયેલાં છાપાં એકત્રિત કરીને શરૂઆત કરી હતી. સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી મળેલાં કાગળનાં પડીકાંને જોઈને, તેમણે તેની બનાવટ જાતે જ શીખી હતી. તેઓ સમજાવે છે, “મેં આ કામ એટલા માટે પસંદ કર્યું હતું, કારણ કે આની બધી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ છે અને હું તેને ઘરે બેસીને કરી શકું તેમ છું.” છવી ઉમેરે છે, “શરૂઆતમાં, મારે બહુ વાર લાગતી હતી. મને એક પડીકું બનાવવામાં 25થી 30 મિનિટનો સમય લાગતો હતો.”
તેઓ આગળ કહે છે, “હું દિવસમાં માત્ર એક કિલો [થેલીઓ] બનાવી શકતી હતી.”
તેઓ બોલપુરમાં ચૉપ અને ઘુઘની જેવાં વ્યંજનો વેચતી 8-9 કરિયાણાની દુકાનો અને નાની ખાણીપીણીની દુકાનોમાં આ પડીકાંને વેચતાં હતાં. આ માટે તેમને બીરભૂમ જિલ્લાના બોલપુર-શ્રીનિકેતન બ્લોકમાં આવેલા તેમના ગામથી દર પખવાડિયે બસમાં મુસાફરી કરવી પડતી હતી. તેઓ તેમના પગના દુખાવાને કારણે ઉમેરે છે કે, “હું હવે બોલપુર જઈ શકું તેમ નથી.” તેના બદલે, હવે તેઓ આ પડીકાંનો પુરવઠો ગામની મુઠ્ઠીભર દુકાનોને પૂરો પાડે છે.
શરૂઆતના દિવસોમાં − બે દાયકા પહેલાં − તેમને કાગળો મફતમાં મળતા હતા. પરંતુ, અખબારો બહુ મોંઘાં ન હોવાથી, તેમાંથી બનાવેલા પડીકાંમાંથી પણ વધારે પૈસા નહોતા મળતા. છવી કહે છે, “હું [હવે] 35 રૂપિયે પ્રતિ કિલો કાગળો ખરીદું છું.”
તેમણે 2004માં તેમના પતિને ગુમાવ્યા હતા, ત્યારે તેઓ 56 વર્ષના હતા. તેમના ત્રણેય પુત્રો પરિણીત છે અને તેમનો પોતાનો નાનો મોટો વ્યવસાય ચલાવે છે. તેઓ ઘરના એક ભાગમાં રહે છે અને તેમનો સૌથી નાનો પુત્ર સુકુમાર સાહા તેના પરિવાર સાથે બીજા ભાગમાં રહે છે. તેમના બે મોટા પુત્રો છ કિલોમીટર દૂર બોલપુર શહેરમાં રહે છે.
છવી સાહાએ તેમના પાડોશીઓ દ્વારા ત્યજી દેવાયેલા અખબારો એકત્રિત કરીને આ કામની શરૂઆત કરી હતી. સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી મળેલાં કાગળનાં પડીકાંને જોઈને તેમણે આ કામ શીખ્યું હતું
તેમનો દિવસ વહેલી સવારે શરૂ થાય છે − સવારે 6 વાગ્યે. તેઓ કહે છે, “હું જાગીને મારું પોતાનું કામ પરવારું છું. પછી હું લગભગ નવ વાગ્યે કાગળો કાપું છું.” રસોઈ કર્યા પછી અને બપોરનું ભોજન કર્યા પછી, તેઓ બપોરે થોડી વાર આરામ કરે છે.
સાંજે, તેઓ ગામની અન્ય મહિલાઓ સાથે ગપસપ કરવા માટે બહાર જાય છે. જ્યારે તેઓ પરત ફરે છે ત્યારે તેઓ કાગળો પર ગુંદર લગાવીને ફરીથી પડીકાં બનાવવાનું શરૂ કરે છે. તેમણે પડીકાં બનાવવા દિવસનો કોઈ સમય નિર્ધારિત નથી કર્યો. તેઓ કહે છે, “જ્યારે પણ મને સમય મળે છે, ત્યારે હું તે કામ કરું છું.” ઘણીવાર, તેઓ તેમનાં ઘરનાં કામો કરતાં કરતાં વચ્ચે આ પ્રક્રિયામાંથી એકાદ પગલું કરી પણ લે છે.
દાખલા તરીકે, રસોઈ કરતી વખતે, તેઓ કેટલીકવાર વરંડા અને આંગણા ગુંદરથી ભરેલા કાગળો સૂકવવા માટે મૂકે છે. “એક વાર હું ગુંદર લગાવવાનું પૂર્ણ કરી લઉં, પછી હું તેને સૂકવવા માટે તડકામાં ફેલાવું છું. તેઓ સૂકાઈ જાય પછી, હું તેમને અડધા ભાગમાં વાળી દઉં છું, તેમનું વજન કરું છું, તેમને બાંધી દઉં છું અને તેમને દુકાનોમાં લઈ જાઉં છું.”
છવી રેશનની દુકાનોમાંથી તેમને જે લોટ મળે છે તેને ગરમ કરીને પોતાનું ગુંદર બનાવે છે.
તેઓ અમને કહે છે, “અઠવાડિયામાં બે વાર, મારે દુકાનો માટે કુલ એક કિલોગ્રામ વજનનાં પડીકાં પહોંચાડવાનાં હોય છે.” આ બધી દુકાનો તેમના ઘરથી 600 મીટરની અંદરના વિસ્તારમાં આવેલી છે, જે અંતર તેઓ પગપાળા કાપી શકે છે. “હું 220 પડીકાં બનાવું છું જેનું વજન એક કિલો થાય છે.” અને તેમને એક કિલો પડીકાંમાંના 60 રૂપિયા મળે છે, જેનાથી મહિનામાં તેઓ 900-1,000 રૂપિયા કમાય છે.
પરંતુ આ પડીકાં બનાવવાનું છવીનું કામ વધુ સમય સુધી ચાલે તેમ નથી. તેઓ કહે છે, “લોકો હવે અખબારો વાંચતા નથી. તેઓ તેમના ટીવી અને મોબાઇલ પર સમાચાર જુએ છે. તેથી, [પડીકાં બનાવવા માટે] અખબારો મળતાં નથી.”
લેખક આ વિડિયોમાં મદદ કરવા બદલ તિશ્યા ઘોષનો આભાર માનવા માગે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ