“એથ્થે રોટી કાથ મિલદી હૈ, ચિટ્ટા સરે આમ મિલદા હૈ [અહીં, ખોરાકની અછત છે, પરંતુ હેરોઇન સરળતાથી મળી રહે છે]”
હરવંસ કૌરનો એકમાત્ર પુત્ર માદક દ્રવ્યોનો વ્યસની છે. 25 વર્ષીય યુવક, કે જે હમણાં નવો નવો પિતા પણ બન્યો છે, તેની અસહાય માતા કહે છે, “અમે તેને રોકવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે હજુ પણ લડી ઝઘડીને છે, બધા પૈસા પડાવી લે છે, અને તેને ડ્રગ્સ પર ખર્ચી નાખે છે.” તેઓ કહે છે કે ચિટ્ટા (હેરોઇન), ઇન્જેક્શન અને સાયકોટ્રોપિક પદાર્થોની કેપ્સ્યુલ્સના સ્વરૂપમાં ગોળીઓ તેમના ગામમાં સરળતાથી ઉપલબ્ધ છે.
“જો સરકાર ઇચ્છે તો તેઓ માદક દ્રવ્યોના દુરૂપયોગને અટકાવી શકે છે. અને જો તે આવું નહીં કરે, તો અમારા વધુ બાળકો મરતા રહેશે.” હરવંસ કૌર એક દૈનિક વેતન મજૂર છે, જેઓ રાઓકે કલાન ગામમાં બટાટાના સંગ્રહ એકમમાં કામ કરે છે. તેઓ દિવસમાં જેટલી થેલીઓ ભરે તેના આધારે તેમની આવક નક્કી થાય છે, જેમાં તેમને પ્રત્યેક થેલી દીઠ 15 રૂપિયા મળે છે. તેઓ દિવસમાં 12 થેલીઓ ભરી શકે છે, જેનાથી તેઓ એક દિવસમાં આશરે 180 રૂપિયા કમાય છે. તેમના પતિ, 45 વર્ષીય સુખદેવ સિંહ, તેમના ગામ નંગલથી ચાર કિલોમીટર દૂર નિહાલ સિંહ વાલામાં એક વેરહાઉસમાં દૈનિક વેતનનું કામ કરે છે. તેઓ પણ ઘઉં અથવા ચોખાની થેલીઓ ભરે છે અને જ્યારે કામ ઉપલબ્ધ હોય તે દિવસે 300 રૂપિયા કમાય છે. તેમનો પરિવાર તેમની આ કમાણી પર આધાર રાખે છે.
પંજાબના મોગા જિલ્લાના આ ગામમાં તેમનાં પાડોશી કિરણ કૌર સીધાં જ મુદ્દા પર આવતાં કહે છે, “જે કોઈ પણ અમારા ગામમાંથી ડ્રગ્સ નાબૂદ કરવાનું વચન આપશે તેને અમારો મત મળશે.”
કિરણની આ સ્પષ્ટ માંગ એ હકીકત સાથે જોડાયેલી છે કે તેમના પતિ પણ માદક દ્રવ્યોના વ્યસની છે. બે બાળકો — ત્રણ વર્ષની પુત્રી અને છ મહિનાના પુત્ર — નાં માતા કહે છે, “મારા પતિ કામચલાઉ મજૂર તરીકે કામ કરે છે અને માદક દ્રવ્યોના વ્યસની છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આવું જ કરી રહ્યા છે. તે જે પણ કમાય છે, તેને ડ્રગ્સ પર ખર્ચી નાખે છે.”
પોતાના આઠ સભ્યોના પરિવારના ઘરની દિવાલોમાં મોટી તિરાડો બતાવતાં તેઓ કહે છે, “ઓરડાઓના સમારકામ માટે પૈસા ક્યાંથી આવશે?”









