મારું ઘર ઈન્દિરા કોલોની નામના એક આદિવાસી ગામમાં છે. જુદા જુદા આદિવાસી સમુદાયના 25 પરિવારો અહીં રહે છે. અમારા ગામમાં એક પાણીની ટાંકી અને શૌચાલય છે અને પીવાના પાણી માટે એક કૂવો છે.
ગામના કેટલાક લોકો પાસે ખેતીલાયક જમીન છે, અને તેઓ ડાંગર, રીંગણ, મકાઈ, ઝુલાણા, ભીંડા, કારેલા, કોળું અને કોલથા [ચણાની દાળ, કંદુલા [તુવેરની દાળ], મગની દાળ વગેરે જુદા જુદા પ્રકારના કઠોળ ઉગાડે છે. મોટાભાગના લોકો ડાંગરની ખેતી કરે કારણ કે અમે પણ તે ખાઈ શકીએ. ડાંગરની ખેતી ચોમાસામાં થાય.
લણણી વખતે અમે થોડી ડાંગર અમારા વપરાશ માટે રાખીએ અને બાકીનો જથ્થો વેચીએ. વેચાણ દ્વારા અમે કેટલા પૈસા કમાઈએ તેનો ખાતર અને ખેતી પાછળ થતા બીજા ખર્ચાઓ પર આધારિત છે.
અમારા ગામમાં કેટલાક ઘરો ઘાસથી છાયેલા છે. ઘરોની ઘાસથી છાયેલી છત અમને ટાઢ, તડકા અને વરસાદથી બચાવે છે. દર એક કે બે વર્ષે આ ઘાસ બદલવું પડે. અમે અમારા ઘરોના સમારકામ માટે અગુલી ઘાસ, સાલુઆ, વાંસ, લાહી અને જંગલના લાકડાનો ઉપયોગ કરીએ.
આ બગુલી ઘાસ છે, તેનો ઉપયોગ ઘરની છત છાવા માટે થાય છે. અમે આ ઘાસને જંગલમાંથી કાપીને બે-ત્રણ મહિના તડકામાં સૂકવીએ\. પછી અમારે તેને થોડો વધુ સમય સૂકું રાખવું પડે કારણ કે નહિ તો થોડા વરસાદથી પણ એ ઘાસ ખરાબ થઈ જાય. અમારા ઘાસથી છાયેલા ઘરની છત માટે અમે માટીના ટાઇલ્સનો ઉપયોગ કરીએ, આ માટીના ટાઇલ્સ અમે ગામમાં જ બનાવીએ છીએ.
આ બળદગાડું છે અને પૈડા સિવાય, ગાડાના બાકીના બધા જ ભાગો લાકડાના અથવા વાંસના બનેલા છે. અમે ખેતરોમાંથી ડાંગર અને જંગલમાંથી લાકડું લાવવા માટે તેનો ઉપયોગ કરીએ. કેટલીકવાર અમે ખેતરમાં છાણ લઈ જવા માટે પણ તેનો ઉપયોગ કરીએ. આજકાલ આ પ્રકારના ગાડાનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.
મારા ગામના મોટાભાગના લોકો ગાય, બળદ, બકરી અને મરઘીઓ પાળે. અમે તેમને રાંધેલા ચોખાનું પાણી (ઓસામણ), ચોખાની થૂલી અને મગ ખવડાવીએ. રાત્રે અમારા પ્રાણીઓ સૂકો ચારો ખાય. અમે ગાયો અને બળદને ચરવા માટે જંગલમાં અથવા ખેતરોમાં લઈ જઈએ. વરસાદ પડે ત્યારે લીલું ઘાસ હોય પરંતુ ઉનાળાના મહિનાઓમાં તે સુકાઈ જાય એટલે ગાયો અને બળદોને પૂરતો ચારો ન મળે.
અમે અમારા ખેતરો માટે ઢોર ખાતરનો ઉપયોગ કરીએ - ખેતી શરૂ થાય તે પહેલાં ખેતરોમાં ખાતર તરીકે છાણને ફેલાવી દેવામાં આવે. ગામના લોકો ગાય અને બળદ વેચીને પણ કમાણી કરે. એક ગાયના લગભગ 10000 રુપિયા ઊપજે.
અમારા ગામની કેટલીક માતાઓ વધારાની આવક મેળવવા માટે હવે કેંદુના પાન, સાલપત્ર [સાલના પાન] અને મહુઆ તોડે છે.
આ મહુઆનું સૂકું ફૂલ છે. ગામની માતાઓ સવારે જંગલમાં જાય અને 11 વાગ્યા સુધીમાં મહુઆના ફૂલો ભેગા કરીને ઘેર લાવે. ફૂલોને ભેગા કરીને છ દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે. પછીથી બે-ત્રણ મહિના સુધી સૂકવવા માટે તેમને બોરીઓમાં રાખવામાં આવે. અમે મહુઆનો રસ એક મગના 60 રુપિયા લેખે વેચીએ અને એક મગ ભરીને મહુઆના ફૂલો 50 રુપિયામાં વેચાય. આ મહુઆના ફૂલો એકઠા કરવા ખૂબ મુશ્કેલ છે.
અમારા સમુદાયના લોકો પરિવારની જેમ સાથે મળીને રહે છે અને અમે એકબીજાને મદદ કરીએ છીએ.
પારીની એજ્યુકેશન ટીમ આ વાર્તામાં મદદ કરવા બદલ શરવાણી ચટ્ટોરાજ, મેનેજર ઈનોવેશન એન્ડ સ્ટ્રેટેજી, ગ્રામ વિકાસ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને સંતોષ ગૌડાનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક