નાંદેડના માહુર તાલુકામાં આવેલા સાવરખેડ ગામમાં મોટાભાગના લોકો મોં ખોલીને હસતા નથી કે સ્મિત પણ નથી કરતા. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી વખતે તેઓ તેમના મોંનું બરાબર ધ્યાન રાખે છે. રામેશ્વર જાધવ કહે છે, “આ શરમજનક છે.” તેઓ જ્યારે બોલે છે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમના બધા દાંત સડી ગયા છે અને બેડોળ થઈ ગયા છે, તેમાંના કેટલાક પીળા તો કેટલાક ઘેરા બદામી રંગના થઈ ગયા છે.
આશરે 500 લોકોની વસ્તી ધરાવતા ગામ સાવરખેડમાં ખેતમજૂર 22 વર્ષીય રામેશ્વર આ સમસ્યાથી પીડાતા એકલા માણસ નથી. અહીં લગભગ દરેક પુખ્ત વ્યક્તિના દાંત અલગ-અલગ અંશે સડેલા છે. અહીં એવા ઘણા લોકો પણ છે જેઓ સાંકડી ગલીઓ અને લીલાછમ ખેતરોમાંથી પસાર થતાં લંગડાઈને અથવા સંપૂર્ણપણે ઝૂકીને ચાલે છે. જે લોકો ચાલી શકે છે તેમણે થોભીને શ્વાસ લેવો પડે છે. આખું ગામ ધીમી ગતિએ એક અલગ જ યુગમાં આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે.
આ પરિસ્થિતિ જમીનની અંદર, ગ્રામજનોના પગ તળે જે છે તેના કારણે સર્જાઈ છેઃ અને તે છે ભૂગર્ભજળમાં ફ્લોરાઇડનું વધુ પ્રમાણ. તે એક એવું રસાયણ છે જે કુદરતી રીતે માટી, ખડકો અને ભૂગર્ભજળમાં હાજર હોય જ છે. પરંતુ જ્યારે તેને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, જો એક લિટર પાણીમાં 1.5 મિલીગ્રામથી વધુ ફ્લોરાઇડ હોય, તો તે પાણી પીવા માટે હાનિકારક છે. સાવરખેડમાં, જ્યારે 2012-13ની આસપાસ ગ્રાઉન્ડવોટર સર્વે અને ડેવલપમેન્ટ એજન્સી (જી.એસ.ડી.એ.) એ ફ્લોરાઈડનું સ્તર તપાસ્યું ત્યારે તે 9.5 મિલિગ્રામ હતું.
નાંદેડ શહેરમાં સ્થિત એક ચિકિત્સક ડૉ. આશિષ અર્ધાપુરકર કહે છે, “ફ્લોરોસિસની રચના પાણીમાં ફ્લોરાઇડની માત્રા પર આધાર રાખે છે, અને તેથી તેની પ્રગતિ પરિસ્થિતિ પ્રમાણે બદલાતી રહે છે.” તેઓ કહે છે કે, એક વાર પાણીમાં ફ્લોરાઇડનું દુષણ આવી ગયું, પછી તેને ઉલટાવી શકાતું નથી. “પરંતુ બાળકો તેનાથી સુરક્ષિત છે. તેઓ ડહાપણના દાંત વિકસાવ્યા પછી જ દાંતના ફ્લોરોસિસ માટે સંવેદનશીલ બને છે અને હાડકાની વૃદ્ધિ પછી જ હાડપિંજરના ફ્લોરોસિસ માટે સંવેદનશીલ બને છે, જે મોટે ભાગે છ વર્ષની ઉંમર પછી થાય છે.”
લાતુરના જાણીતા ડૅન્ટિસ્ટ સતીશ બેરાજદાર કહે છે, “પ્રારંભિક તબક્કામાં ફ્લોરોસિસની તપાસ કરી શકાય છે. જો તે કરવામાં આવે, તો તેની અસરો દૂરગામી હોય છે. લોકો કાયમ માટે વિકલાંગ થઈ જાય છે, તેમના દાંત સડી જાય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને એકંદરે તેનો સામનો કરવાની ક્ષમતાને પણ ઘટાડે છે અને તમને અન્ય રોગો માટે સંવેદનશીલ બનાવે છે.”
પરંતુ સાવરખેડના લોકોને લાંબા સમય સુધી આ વાતની ખબર જ નહોતી. તેઓ 2006માં રાજ્ય સરકારે કૂવો ખોડીને નળમાં પાણી પૂરું પાડ્યું ત્યાં સુધી તેઓ આવા દૂષિત પાણીનો જ વપરાશ કરતા રહ્યા હતા. તે કૂવો લગભગ એક કિલોમીટર દૂર છે, અને આજે પણ આખા ગામની પીવાની જરૂરિયાતો માટે પૂરતો નથી. જ્યારે બોરવેલ પર હેન્ડપંપ લગભગ દરેક ઘરના આરે છે. 55 વર્ષીય ખેડૂત અને ખેત મજૂર મધુકર જાધવ કહે છે, “અમે જાણતા હતા કે અમે [હેન્ડપમ્પમાંથી] જે પાણી પીધું હતું તે સૌથી શુદ્ધ ન હતું. પરંતુ કોઈએ અમને કહ્યું નહોતું કે તે એટલું બધું જોખમી હતું. અને જ્યારે તમે પાણી માટે તલપાપડ હોવ, ત્યારે તમારે જે મળે છે તેનો ઉપયોગ કરવા સિવાય છૂટકો નથી.”
જાગૃતિ આવવા લાગી ત્યાં સુધીમાં, મધુકરનાં બહેન અનુશયા રાઠોડ (ટોચના કવર ફોટોમાં) માટે ઘણું મોડું થઈ ગયું હતું. તેઓ કહે છે, “શરૂ શરૂમાં તેનાથી ઘૂંટણમાં દુખાવા લાગ્યું હતું [લગભગ 30 વર્ષ પહેલાં]. પછી પીડા આખા શરીરમાં ફેલાઈ ગઈ. આખરે, મારા હાડકાંનો આકાર અને કદ બદલાઈ ગયું, જેનાથી હું અપંગ થઈ ગઈ.” અનુશયાને હાલમાં બધા દાંત પડી ગયા છે.
જ્યારે સાંધામાં દુખાવો શરૂ થયો, ત્યારે તેમના પરિવારને કલ્પનાય નહોતી કે આવું થવાનું કારણ તેઓ જે પાણી પી રહ્યા હતા તે હતું. મધુકર કહે છે, “અમને લાગ્યું કે આ એક સામાન્ય બીમારી છે. પછીથી, જ્યારે તે ચિંતાજનક બન્યું, ત્યારે અમે તેમને યવતમાલ, નાંદેડ અને કિનવાટના ઘણા ડૉક્ટરો પાસે લઈ ગયા. મેં એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હશે, તેમાંથી મોટા ભાગના સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના લીધા હતા. પરંતુ કોઈ સારવાર કામ કરતી ન હતી અને મારી વધુ પૈસા ખર્ચવાની ક્ષમતા નહોતી. આખરે, અમે હિંમત હારી ગયાં...”
પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં 2,086 જેટલા પાણીના સ્રોતોમાં નાઈટ્રેટ અને આર્સેનિક સાથે ફ્લોરાઈડ છે, અને આ બંને રસાયણો અત્યંત હાનિકારક છે
અનુશયા, જેમની વય હવે 50 વર્ષથી વધુ છે, તેઓ હવે તેમના પગ પર પણ ઊભાં નથી રહી શકતાં. તેઓ ભાગ્યે જ ફરતી શકે છે, અને તેમણે તેમના હાથનો ઉપયોગ કરવો પડે છે કારણ કે તેમના પગનાં હાડકાં વળીને એકબીજાને અડકવા લાગ્યાં છે. છેલ્લા 10 વર્ષથી તેમની સ્થિતિ આવી જ છે. તેઓ કહે છે, “હું મારા પરિવાર પર બોજ બની ગઈ છું. હું મારા ભાઈ સાથે રહું છું, તે મારી સંભાળ રાખે છે. પરંતુ હું પોતાને દોષિત અનુભવું છું, કારણ કે હું તેના અને તેના પરિવાર માટે કંઈ કરી શકતી નથી.”
મધુકરે વર્ષોથી પોતાની ઉત્પાદકતામાં ઘટાડો થતો જોયો છે. તેઓ કહે છે, “જો હું ખેતરમાં એક કલાક કામ કરું, તો મારે અડધો કલાક આરામ કરવો પડે છે. મારી પીઠમાં ખૂબ દુખાવો થાય છે. કુદરતી હાજતે જવું પણ કઠીન થઈ પડે છે. કારણ કે, મારું શરીર એકદમ કડક થઈ ગયું છે.” મધુકર તેની છ એકર જમીનમાં કપાસ, તુવેર અને જુવારની ખેતી કરે છે. તેઓ ખેતમજૂર તરીકે પણ કામ કરે છે. તેઓ કહે છે, “મજૂરોને સામાન્ય રીતે જે રકમ મળે છે તેટલી રકમ મને કોઈ ચૂકવતું નથી [દૈનિક આશરે 250 રૂપિયા]. પોતાનું મૂલ્ય ઘટતું જોઈને દુઃખ થાય છે.”
પંકજ મહાલેના પરિવારે પણ વિવિધ સારવારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે છ વર્ષ પહેલાં તેના 50 વર્ષીય પિતાને ગુમાવ્યા પડ્યા હતા. 34 વર્ષીય પંકજ કહે છે, “તેમને હાડપિંજરનું ફલોરોસિસ હતું. તેઓ કમરથી વળી ગયા હતા. અમે તેમને હાડકાના નિષ્ણાતો, તેમ જ નાંદેડ અને નાગપુરના ડૉક્ટરો પાસે લઈ ગયા હતા. પરંતુ તેઓએ કહ્યું કે મારા પિતાનાં હાડકાં એટલાં બરડ થઈ ગયાં છે કે એક નાનકડો આંચકો પણ તેમને ભાંગી શકે છે. તેઓએ તેમને કેલ્શિયમની દવાઓ આપી જેના માટે અમારે દર મહિને 3,000 રૂપિયા ખર્ચ થતો હતો. તેમને વિવિધ સ્થળોએ લઈ જવા માટે અમારે એક ખાનગી કાર ભાડે લેવી પડી હતી, જ્યારે તેમનું અવસાન થયું ત્યાં સુધી જિલ્લા વહીવટીતંત્રે કોઈ મફત તબીબી સહાયની ઓફર કરી ન હતી.”
તો પછી સાવરખેડના પાણીમાં આ વધુ પડતું ફ્લોરાઈડ આવ્યું ક્યાંથી? આ પ્રદેશમાં ફલોરોસિસના મૂળમાં દુકાળ છે. આ પ્રદેશમાં ફ્લોરોસિસનું મુખ્ય કારણ દુષ્કાળ છે. અહીં દાયકાઓથી ખેડૂતો સિંચાઈ, કપડાં ધોવા અને સ્નાન માટે બોરવેલમાંથી ભૂગર્ભજળ મેળવે છે. જોકે, છેલ્લા બે દાયકામાં વધુને વધુ સૂકાતા જતા મરાઠવાડામાં પાણીની અછત સતત વધી રહી હોવાથી, તેમણે ભૂગર્ભજળ પીવાનું પણ શરૂ કર્યું છે. ભૂગર્ભજળના કેટલાક સ્રોતોમાં ફ્લોરાઇડ હોય છે, પરંતુ બોરવેલ જેટલું ઊંડું ખોદવામાં આવે છે, તેટલું જ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ હોવાની શક્યતા વધારે હોય છે. વધુમાં, ખાતરો, જંતુનાશકો, ગટર વ્યવસ્થા, ઔદ્યોગિક પ્રદૂષણ અને ભૂગર્ભજળનું સ્તર ઘટવાથી પણ ફ્લોરાઇડનું પ્રમાણ વધ્યું છે.
બોરવેલ 200 ફૂટથી વધુ (મહારાષ્ટ્રના 2009ના ભૂગર્ભ જળ અધિનિયમ અનુસાર) કરતાં વધુ ઊંડો ન હોવો જોઈએ, પરંતુ મરાઠવાડામાં બોરવેલ 500 ફૂટ કે તેથી વધુ ઊંડાઈ સુધી પણ ખોદવામાં આવે છે. બોરવેલની સંખ્યા અને ઊંડાઈ પર નજર રાખ્યા વિના, અને નબળા વરસાદ અને રોકડ પાક તરફ સ્થળાંતરને કારણે પાણીની વધતી જરૂરિયાતોને કારણે, આ પ્રદેશના ખેડૂતો પાણી ન મળે ત્યાં સુધી વધુને વધુ ઊંડા બોરવેલ ખોદ્યે રાખે છે.
અને જો સાવરખેડ જેવું કોઈ ગામ કમનસીબ સાબિત થાય, કે જેમણે બોરવેલ એવી જગ્યાએ ખોદ્યો હોય કે જ્યાં પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય, તો આ રસાયણ ધીમે ધીમે લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. એટલે સુધી કે 2011ની વસ્તી ગણતરીમાં, સાવરખેડમાં કુલ 517 લોકોમાંથી 209 ને “કામ કરવા અયોગ્ય” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. અને નેશનલ પ્રોગ્રામ ફોર ધ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ફ્લોરાઇડ નોંધે છે કે (2013 સુધીમાં) નાંદેડમાં 3710 લોકોને દાંતનું ફ્લોરોસિસ હતું, અને 389 લોકોને હાડપિંજરનું ફ્લોરોસિસ હતું.
આ કટોકટીને નજીકથી અનુસરનારા સ્થાનિક પત્રકાર ધર્મરાજ હલિયાલે કહે છે કે 2006માં સાવરખેડમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવ્યા પછી પણ ચાર વર્ષ સુધી નળ યોગ્ય રીતે કામ કરતા ન હતા. તેઓ કહે છે, “ત્યાં વીજળી નહોતી, તેથી પંપ કામ કરતો નહીં. મેં જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. આખરે 2010માં મેં તેના પાછળ એક મહિના સુધી મહેનત કરી પછી તેેને ઠીક કરવામાં આવ્યો.” હાલ્યાલે સમગ્ર રાજ્ય માટે માહિતી માંગતી આર.ટી.આઈ. (માહિતીનો અધિકાર) અરજી પણ દાખલ કરી હતી અને 25 જિલ્લાઓમાં [કુલ 36માંથી] તેમના જળ સ્રોતોમાં વિવિધ ડિગ્રીમાં ફ્લોરાઈડ હોવાનું બહાર આવ્યું હતું.
આ આંકડા ડેટાના સ્રોતને આધારે બદલાતા રહે છે. પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં 2,086 જેટલા પાણીના સ્રોતોમાં નાઈટ્રેટ અને આર્સેનિક સાથે ફ્લોરાઈડ છે, અને આ બંને રસાયણો અત્યંત હાનિકારક છે. આ આંકડામાં દેખીતી રીતે ઘટાડો થયો છે — 2012-13માં, તે 4,520 હતો. નાંદેડ જિલ્લામાં, ઑગસ્ટ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.)માં કલેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, 383 ગામોમાં પાણીના સ્રોતોમાં ફ્લોરાઇડની માત્રા અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ હતી, જેમાંથી 257ને પાણીના વૈકલ્પિક સ્રોત પૂરા પાડવામાં આવ્યા હતા. જોકે 2015-16માં, જી.એસ.ડી.એ. એ નાંદેડના 46 ગામોને ફલોરોસિસથી અસરગ્રસ્ત તરીકે વર્ગીકૃત કર્યા હતા, અને દાવો કર્યો હતો કે તેમાંથી માત્ર ચાર ગામોમાં આનું નિરાકરણ લાવવાનું બાકી છે.
11 જાન્યુઆરી, 2016ના રોજ, અસીમ સરોદેની આગેવાની હેઠળના નવ વકીલોની ટીમ દ્વારા ગ્રામજનોને ફ્લોરાઇડનું પાણી પીવા માટે મજબૂર કરવા અંગેની અરજીને પગલે, એન.જી.ટી.એ મહારાષ્ટ્રના 12 જિલ્લાના કલેક્ટરને જી.એસ.ડી.એ. સાથે અન્ય પગલાંની સાથે પાણીની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય બીજા દેશો હતા: ગુણવત્તાયુક્ત અને જિલ્લાવાર માહિતી પ્રકાશિત કરો; પાણીના વૈકલ્પિક સ્રોત પ્રદાન કરો; અને દર્દીઓને વિના મૂલ્યે તબીબી સુવિધાઓ પૂરી પાડો. જ્યારે આની અવગણના કરવામાં આવી ત્યારે 28 નવેમ્બર, 2017ના રોજ એન.જી.ટી. એ નાંદેડ, ચંદ્રપુર, બીડ, યવતમાલ, લાતુર, વાશિમ, પરભણી, હિંગોલી, જાલના અને જલગાંવ સહિત 12 જિલ્લા કલેક્ટર સામે વોરંટ જારી કર્યું.
આ દરમિયાન, સાવરખેડથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા સુનેગાંવ (સાંગવી) ગામમાં હવે એક કૂવો ખોદાયો છે, જે પહેલાં અસ્તિત્વમાં ન હતો. 2006ની આસપાસ લિંબોટી બંધ બાંધવામાં આવ્યા પછી, લાતુરના અહમદપુર તાલુકામાં 630 રહેવાસીઓના આ ગામની નજીક એક તળાવ રચાયું હતું. આનાથી ગાળણમાં વધારો થયો, અને જ્યારે તેઓએ 2007માં કૂવો ખોદ્યો, ત્યારે તેઓને પાણી મળ્યું.
પરંતુ ત્યાં સુધીમાં 30 વર્ષીય સુકેશ ધવલે 20 વર્ષ સુધી ફ્લોરાઈડયુક્ત ભૂગર્ભજળનું પીધું હતું અને સાવરખેડના લોકોની જેમ તેમની તબિયત બગડતી જોઈ હતી. આ ખેતમજૂર કહે છે, “મને સતત લાગે છે કે મારા દાંત પર એક પડ બની ગયું છે.” ઝાડના છાંયામાંથી ઊભા થતાં સુકેશના હાડકામાંથી ચોખ્ખો અવાજ સાંભળી શકાય છે. “તે પડ થોડા સમય પછી પડી જાય છે. પરંતુ તેની સાથે સાથે દાંતનો એક ભાગ પણ પડી જાય છે. હું કંઈપણ સખત વસ્તુ ખાઈ શકતો નથી. મારા સાંધા પણ દુખે છે, હું લાંબા સમય સુધી કામ કરી શકતો નથી.”
સુનેગાંવ (સાંગવી) થી લગભગ આઠ કિલોમીટર દૂર અહેમદપુર ખાતેની જી.એસ.ડી.એ.ની લેબોરેટરીના પ્રભારી અમારી વિનંતી પર કમ્પ્યુટર પર ફ્લોરોસિસથી અસરગ્રસ્ત ગામોની યાદી શોધે છે; લાતુર જિલ્લાના આવા 25 ગામોની યાદીમાં નજીકના ગામ સુનેગાંવ શેન્દ્રીનો પણ સમાવેશ થાય છે. મારી સાથે આવેલા સુનેગાંવ શેન્દ્રીના 35 વર્ષીય ગોવિંદ કાલેએ કહ્યું, “અમે લગભગ એક વર્ષથી ભૂગર્ભજળ પી રહ્યાં છીએ. ગામના કૂવામાં પાણી નથી. આખું ગામ બોરવેલનું પાણી પી રહ્યું છે. શા માટે કોઈ તેનો ઉકેલ નથી લાવતું? અમને આ વિશે અગાઉથી કેમ જાણ કરવામાં નહોતી આવી?”
આંધ્રપ્રદેશના નાલગોંડા ગામમાં (હવે તેલંગાણામાં) આ સમસ્યાનો પ્રથમ વખત પર્દાફાશ થયાના એંસી વર્ષ પછી, કોઈએ કોઈ પાઠ શીખ્યો હોય તેવું લાગતું નથી — જોકે હવે તેના પર 'ક્રિપલ્ડ લાઇવ્સ' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ